અમર સિંહ : મંત્રીઓ જે કામ નહોતા કરતા એ કરી આપનારા નેતા

અમર સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું સિંગાપોરની એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. અમર સિંહ લાંબા સમયથી બીમાર હતા અને સિંગાપોરમાં તેમની સારવાર ચાલી રહી હતી.

વર્ષ 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ ગઈ હતી, જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

સિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીના કદાવર નેતા ગણતા હતા અને તેઓ મુલાયમસિંહ યાદવના ખાસ હતા.

line

કોલકતાથી દિલ્હી

અમર સિંહ

ઇમેજ સ્રોત, Hindustan times

27 જાન્યુઆરી 1956ના રોજ અલીગઢમાં જન્મેલા અમર સિંહનું બાળપણ અને યુવાની કોલકતામાં વીત્યાં. અહીંથી જ તેમણે સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં કાયદાની ડિગ્રી મેળવી હતી. કોલકતામાં જ તેઓ બિરલા પરિવારના સંપર્કમાં આવ્યા અને કે.કે. બિરલાનો વિશ્વાસ હાંસલ કર્યા બાદ દિલ્હી પહોંચી ગયા. બિરલા અને ભરતિયા પરિવાર સાથેના સંબંધને પગલે એક સમયે તેઓ હિંદુસ્તાન ટાઇમ્સના નિદેશક મંડળમાં પણ રહ્યા.

આ દરમિયાન ભારતીય રાજકારણમાં તેઓ સક્રિય થઈ ગયા હતા. એ વખતે તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સભ્યા બન્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાએ મધ્યપ્રદેશના કોટામાંથી તેમને સભ્યપદ અપાવ્યું હતું.

ગઠબંધન સરકારના વખતમાં માર્ક્સવાદી નેતા હરકિશનસિંહ સુરજિત સાથે પણ તેમનો ઘરોબો રહ્યો હતો.

જોકે, ઉત્તર પ્રદેશના રાજકારણ પર લાંબા સમયથી નજર રાખનારાઓનું માનવું હતું કે મુલાયમસિંહ પહેલાં વર્ષ 1985થી 1988 દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહેલા વીરબહાદુર સિંહ સાથે પણ અમર સિંહને ઘરવટ હતી. વીરબહાદુર જ્યારે પણ નોઇડામાં સિંચાઈવિભાગના ગેસ્ટહાઉસમાં આવતા, અમર સિંહ ત્યાં જ મળતા હતા. કેટલાય લોકો તેમને 'રિલાયન્સ મૅન' તરીકે પણ ઓળખતા હતા.

વર્ષ 1996માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ કૉંગ્રેસ, ભાજપ અને સમાજવાદી પક્ષના ખાસ રહ્યા હતા.

line

મુલાયમના વિશ્વાસુ

મુલાયમસિંહ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

એક સમયે ધરતીપુત્ર તરીકે ઓળખાતા મુલાયમસિંહ તથા ખેડૂતો અને પછાત વર્ગોના પક્ષ એવા સમાજવાદી પાર્ટીને આધુનિક અને ચમકદાર રાજકીય પક્ષમાં બદલનારા અમર સિંહ જ હતા.

પછી એ જયાપ્રદાને સાંસદ બનાવવાની વાત હોય કે પછી જયા બચ્ચનને રાજ્યસભામાં લાવવાનાં હોય કે પછી સંજય દત્તને પક્ષમાં સામેલ કરાવવાનું કામ હોય કે ઉત્તર પ્રદેશ માટે અગ્રણી ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવાની વાત હોય, આ બધો કરિશ્મા અમર સિંહનો હતો.

એક સમયે સમાજવાદી પાર્ટીમાં અમર સિંહની શાખ એવી હતી કે એમના લીધે આઝમ ખાન, બેનીપ્રસાદ વર્મા જેવા મુલાયમના નિકટના લોકો નારાજ થઈ પાર્ટી છોડી ગયા. પરંતુ મુલાયમનો વિશ્વાસ તેમના પર એમનો એમ જ રહ્યો.

હકીકતમાં મુલાયમ-અમરના સંબંધનાં મૂળ એચ ડી દેવગૌડાના વડા પ્રધાન બનવા સાથે રોપાયાં હતાં. દેવગૌડા હિંદી બોલી નહોતા શકતા અને મુલાયમ અંગ્રેજી. એવામાં દેવગૌડા અને મુલાયમ વચ્ચે દુભાષિયાની ભૂમિકા અમર સિંહ જ નિભાવતા હતા.

અમર-મુલાયમના સંબંધો વિશે વરિષ્ઠ રાજકીય પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "અમર સિંહની વાત મુલાયમ કેટલી માનતા હતા એનું ઉદાહરણ એ છે કે અખિલેષ અને ડિમ્પલનાં લગ્ન માટે પહેલાં મુલાયમ તૈયાર નહોતા. પરંતુ એ અમર સિંહ જ હતા જેમણે મુલાયમને આ લગ્ન માટે મનાવ્યા હતા."

અંબિકાનંદ સહાય કહે છે, "હકીકતમાં મુલાયમ ક્યારેય પોતાનું કે બીજા કોઈનું કામ જાતે કે અન્ય કોઈને કરવા માટે કહી નહોતા શકતા. આટલા લાંબા રાજકીય જીવનમાં એમની એવી ટેવ જ નથી રહી. તેઓ ઘડાયેલા રાજનેતા ખરા પરંતુ રાજનીતિમાં એમણે અનેક કામો પણ કરાવવાનાં હોય છે. એક સમય એવો પણ હતો કે જે કોઈના કામને મુલાયમ કરાવવા માંગતા હોય તો માત્ર એટલું જ કહેતા હતા કે અમર સિંહને કહી દઈશ, થઈ જશે."

line

સૌ સાથે દોસ્તી

અમરસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન દેશમાં ગઠબંધનની રાજનીતિનો સમય ચાલ્યો અને એમાં સમાજવાદી પક્ષ જેવા 20થી 30 બેઠકો ધરાવતા પક્ષનું મહત્ત્વ વધ્યું. જાણકારો માને છે કે તેની સાથે જ અમર સિંહની ભૂમિકા પણ ખૂબ વધી.

એનાં અનેક ઉદાહરણ હાજર છે. એક કિસ્સો તો એ જ છે કે 1999માં સોનિયા ગાંધીએ 272 સાંસદોના સમર્થનનો દાવો કરી દીધો હતો. પરંતુ એ પછી સમાજવાદી પક્ષે કૉંગ્રેસને પોતાનું સમર્થન ન આપ્યું અને સોનિયા ગાંધીને ઘણું નીચાજોણું થયું.

વર્ષ 2008માં ભારતના અણુકરાર દરમિયાન ડાબેરી પક્ષોએ સમર્થન પાછું ખેંચી મનમોહન સિંહ સરકારને લઘુમતમાં લાવી દીધી ત્યારે અમર સિંહે જ સમાજવાદી સાંસદોની સાથોસાથ અનેક અપક્ષ સાંસદોને પણ સરકાર તરફે ઊભા કરી દીધા. સંસદમાં નોટોનું બંડલ બતાવવાનો મામલો પણ સામે આવ્યો અને આ મામલામાં અમર સિંહને તિહાર જેલમાં પણ જવુ પડ્યુ.

એ દરમિયાન મીડિયા સામે એ ટેપ પણ આવી જેમાં કથિત રીતે બિપાશા બાસુનું નામ લઈને કરાયેલી અમર સિંહની વાતોએ એમના વ્યક્તિત્વના વધુ એક આવરણને બંધ દરવાજા પાછળ ચર્ચાનો વિષય બનાવી દીધું.

સંસદીય રાજનીતિને કવર કરનારા વરિષ્ટ ટેલિવિઝન પત્રકાર મનોરંજન ભારતી કહે છે, "અમર સિંહ એવી વ્યક્તિ હતી જેમને તમામ પક્ષોમાં ઉચ્ચ સ્તરે નજીકના મિત્રો હતા. પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કૉંગ્રેસ હોય કે પછી ડાબેરી પક્ષો જ કેમ ન હોય. અમર સિંહનું વ્યક્તિત્વ પાણી જેવું હતું. દરેકમાં ભળી જાય છે અથવા ભળી શકે."

line

બચ્ચન પરિવાર સાથે ઘરોબો

અમર સિંહ અને બચ્ચન

ઇમેજ સ્રોત, Getty Images

અમર સિંહ પોતાના આ જ ગુણને કારણે ફક્ત રાજકીય માહોલ પૂરતા જ સિમિત ન રહ્યા. તેઓ એક જ સમયે બોલીવૂડના સ્ટાર સાથે ઊઠવા-બેસવા લાગ્યા, તો દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે દેખાવા લાગ્યા.

હિંદી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અમર સિંહને એટલું બનવા લાગ્યું કે બંને એકબીજાને પરિવારના સભ્ય માનવા લાગ્યા.

જોકે 2010માં જ્યારે સમાજવાદી પક્ષમાંથી અમર સિંહને બહારનો રસ્તો બતાવી દેવાયો અને એમના કહેવા છતાં જયા બચ્ચને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું ન આપ્યું તો બંનેને અલગ થતાં પણ વાર ન લાગી.

ઉદ્યોગ જગતમાં અનિલ અંબાણી અને સુબ્રતો રૉય સહારા જેવા ઉદ્યોગપતિઓ સાથે પણ અમર સિંહની ગાઢ દોસ્તી રહી.

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

અમર સિંહના વ્યક્તિત્વ વિશે અંબિકાનંદ સહાય કહે છે, "અમર સિંહની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ સામેવાળાને કઈ વસ્તુની ક્યારે જરૂર છે, તે માપી લેતા. જો સામેવાળો મુશ્કેલીમાં હોય તો એની મદદ, હદથી આગળ જઈ કરે. આ જ ગુણને કારણે તેઓ લોકોનો વિશ્વાસ હાંસલ કરતા રહ્યા."

જ્યારે અમિતાભ બચ્ચનની એબીસીએલ કંપની દેવામાં ડૂબી ગઈ હતી અને પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ સમયમાંથી બીગ બી પસાર થઈ રહ્યા હતા અને કોઈ તેમની મદદ માટે તૈયાર નહોતું ત્યારે અમર સિંહ જ હતા જેઓ કથિત રીતે 10 કરોડની મદદ સાથે અમિતાભ સાથે ઊભા જોવા મળ્યા હતા.

અમર સિંહને નજીકથી જાણતા લોકોનું માનવામાં આવે તો કોઈ પણ મોટી સમસ્યા અને મુશ્કેલીનો હલ અમર સિંહ ચપટી વગાડીને કરી શકતાય

શરદ ગુપ્તા કહે છે, "અમે લોકોએ એવું પણ જોયું છે કે જે કામને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રી કરાવવાથી ઇનકાર કરી દે, અમર સિંહ એ કામને કરાવી દેતા હતા."

line

જાહેરજીવનનું કૉકટેલ

અમરસિંહ અને શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, PUNIT KHARE PR

અંબિકાનંદ સહાયે બીબીસીને જણાવ્યું હતું, "અમર સિંહની કમજોરી ગણો કે ખાસિયત, તેઓ ગ્લૅમર વગર નહોતા રહી શકતા. આ માટે તેઓ મીડિયાનો ઉપયોગ કરવાનું પણ જાણતા હતા. પહેલાં હિંદુસ્તાન ટાઇમ્સના નિદેશક રહ્યા, બાદમાં સહારા મીડિયાના નિદેશકોમાં પણ સામેલ રહ્યા."

આ રીતે જોઈએ તો અમર સિંહ રાજકારણ, ગ્લૅમર, મીડિયા અને ફિલ્મજગતનું એક કૉકટેલ બનાવી ચૂક્યા હતા. એટલે જ્યારે પણ તેઓ કહેતા કે 'મારું મોં ન ખોલાવો, કોઈ નહીં બચે' ત્યારે સૌ મૌન રહેવાનું જ પસંદ કરતા હતા.

જોકે, આ બધા વચ્ચે અમર સિંહનો એક ઇતિહાસ એ પણ રહ્યો છે કે, જેમની પણ સાથે તેઓ રહ્યા, એમનું ઘર તૂટ્યું. બચ્ચન ભાઈઓ ઉપરાંત અંબાણી ભાઈઓમાં પણ ભાગલા પડ્યા.

અને આવું જ 'સમાજવાદી પરિવાર'માં થયું હતું. જોકે, એવું પણ બની શકે કે આ માત્ર એક સંજોગની વાત હોય.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો