PF : 80 લાખ લોકોએ PFમાંથી પૈસા કાઢી લીધા, તમને શું અસર થશે?

- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ત્રણ મહિનામાં 80 લાખ લોકોએ પોતાની ભવિષ્યનિધિ એટલે પીએફનો ગલ્લો ફોડીને પૈસા કાઢી લીધા છે.
અને ગલ્લાનું નામ અમથું નથી લેવામાં આવ્યું. જેમ માટીનો ગલ્લો ફોડ્યા વિના પૈસા નથી નીકળતા, એવી જ રીતે પીએફના પૈસા કાઢવા પણ સહેલું નથી.
આ ફંડ એટલે જ સ્થાપવામાં આવ્યું હતું કે વ્યક્તિના કમાણીના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે તે આના ભરોસે ગુજરાન ચલાવી શકે.
એટલે પ્રૉવિડન્ટ ફંડમાંથી પૈસા કાઢવાના નિયમ પણ બહુ કકડ છે અને નોકરીમાં રહેતા આમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા મુશ્કેલ છે.
પણ કોરોના મહામારી સાથે આવેલા આર્થિક સંકટમાં રાહત આપવા માટે સરકારે સૌથી પહેલાં જે પગલાની જાહેરાત કરી હતી, તેમાં એક મોટું પગલું પીએફમાંથી પૈસા કાઢવાની સુવિધા પણ હતી.
જે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે એમને પીએફના પૈસા તો થોડા સમય પછી મળી જ જાત, પરંતુ જે લોકો કામ કરી રહ્યા છે અને પૈસાની તંગી વેઠી રહ્યા છે તેમના માટે એક લાઇફલાઇન જેવું જ છે.
જોકે મારું આજે પણ માનવું છે કે તમારે તમારા પીએફની રકમ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ન અડવી જોઈએ.
પરંતુ હવે જે આંકડા સામે આવી રહ્યા છે તે બતાવે છે કે લગભગ 30 લાખ લોકો કદાચ એવી હાલતમાં પહોંચી ગયા છે કે તેમની સામે બીજો કોઈ રસ્તો નથી બચ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

30 હજાર કરોડ રૂપિયા કાઢ્યા

ઇમેજ સ્રોત, EPA
આ 30 લાખ લોકોએ કોવિડ સંકટને કારણે મળેલી વિશેષ સુવિધાનો ફાયદો ઉઠાવીને તેમણે પીએફમાંથી પૈસા ઉપાડી લીધા.
પરંતુ અખબારોમાં ઈપીએફઓના હવાલાથી પ્રકાશિત સમાચાર પ્રમાણે, એપ્રિલથી જૂન વચ્ચે કુલ લગભગ 80 લાખ લોકોએ 30 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પોતાના પીએફ ખાતામાંથી કાઢી લીધી હતી.
ખાસ કરીને પ્રતિમાસ 15 હજાર રૂપિયા સુધી કમાનાર માટે તો મુસીબતના સમયમાં આ એક મોટી રાહત હતી, જેનાથી તેમનું થોડા મહિના સુધી ગુજરાન ચાલી શકે છે.
આગળ જીવતા રહ્યા અને રોજગારી રહી તો વિચારીશું કે એ ભવિષ્યનું શું થશે એમ વિચારી લોકોએ સંચિત નિધિમાંથી પૈસા કાઢી લીધા છે.
ભૂતપૂર્વ કોલસા સચિવ, લેખક અને બેબાક આઈએએસ અધિકારી અનિલ સ્વરૂપ કેન્દ્રીય પ્રૉવિડન્ટ ફંડ કમિશનર હતા ત્યારે તેમણે પીએફના હિસાબને ઑનલાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
તેના કારણે જ હવે પીએફમાંથી પૈસા કાઢવા એ સહેલું કામ થયું છે. પહેલાં રિટાયર્ડ લોકોને મહિનાઓ અને વર્ષો સુધી પીએફ કાર્યાલયોના ચક્કર લગાવવા પડતા હતા.
અનિલ સ્વરૂપ કહે છે કે કોરોનાસંકટ શરૂ થતાંની સાથે જ જરૂરિયાતમંદ લોકોને પીએફના પૈસા કઢાવવાની છૂટ આપવી, એ સારો નિર્ણય હતો. તેઓ તો એનાથી પણ આગળ પગલાં લેવાનાં સૂચનો કરી ચૂક્યાં છે.
તેમનું માનવું છે કે જે રીતે બૅન્ક લોનના ઈએમઆઈ અને ક્રૅડિટકાર્ડના બિલ પર મોરાટોરિયમ એટલે કે છૂટની જાહેરાત કરવામાં આવી હતી, એવી જ રીતે પીએફમાં પણ છૂટ આપવી જોઈએ.

ખર્ચ કરવાથી અર્થવ્યવસ્થા સુધરશે

ઇમેજ સ્રોત, EPA
કોઈ પણ કર્મચારીના પગારમાંથી 12 ટકા પીએફ કપાય છે અને 12 ટકા તેમની કંપની પણ ભરે છે.
તેમની સલાહ છે કે આ બંને ભાગને થોડા મહિનાઓ સુધી કર્મચારીઓના હાથમાં અથવા બૅન્ક ખાતામાં આપવામાં આવે.
આનો સૌથી મોટો ફાયદો એ થશે કે મોટા ભાગના લોકો આ રકમનો ખર્ચ કરશે અને હાલ અર્થતંત્રને પાટા પર લાવવા માટે જરૂરી છે કે લોકો ખર્ચ કરે.
આ એકમાત્ર રસ્તો છે, જેનાથી મોંઘવારી વધાર્યા વગર વેપારમાં તેજી લાવી શકાય અને એ પણ તરત જ.
હાલ પણ કેટલાક જાણકારો માને છે કે જે 30 લાખ લોકોએ કોવિડ સુવિધા હેઠળ પીએફમાંથી પૈસા ઉપાડ્યા એ તેમના માટે બહુ જરૂરી હશે એટલે તેમણે આ નિર્ણય કર્યો હશે અને એમાંથી મોટા ભાગના આ રકમ ઝડપથી કે ધીમેધીમે ખર્ચ કરી રહ્યા છે.
ખાસ કરીને એ લોકો જે મહિને 15 હજારથી ઓછું કમાય છે.
ઈપીએફઓએ જૂનમાં જે આંકડા આપ્યા એના હિસાબે 74 ટકા લોકો આ વર્ગના હતા. આ લિસ્ટમાં 50 હજારથી વધુ કમાનારા લોકોની ગણતરી માત્ર 2 ટકા હતી.

તમારા ખિસ્સા પર પણ અસર થશે

ઇમેજ સ્રોત, Reuters
પણ અસલી ચિંતાજનક આંકડો એ લોકોનો છે, જેમને કોવિડ સુવિધા હેઠળ નહીં પણ નૉર્મલ રસ્તેથી પીએફના પૈસા ઉપાડ્યા છે.
એપ્રિલથી જૂન વચ્ચે પીએફના પૈસા ઉપાડનારા લોકોની સંખ્યા વધીને એક કરોડ સુધી પહોંચવાનું અનુમાન પીએફ અધિકારીઓ લગાવી રહ્યા છે.
જોકે તેમાં મોટા ભાગના પોતાનું નામ અને ઓળખ સામે લાવવા માગતા નથી.
ગત નાણાકીય વર્ષમાં કુલ દોઢ કરોડ લોકોએ પીએફના 72 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.
પછી આ વર્ષે જ ત્રણ મહિનામાં એક કરોડ લોકોની અરજી આવવી કંઈક તો સંકેત આપે છે.
તેમાંના મોટા ભાગના લોકોએ અરજીમાં પૈસા ઉપાડવાનું કારણ ઇલાજનો ખર્ચ બતાવ્યું છે.
જોકે બધા જાણે છે કે પીએફના પૈસા ઉપાડવા માટે ઇલાજ, લગ્ન, પરિવારમાં મૃત્યુ કે મકાન બાંધકામ જેવાં કારણો ચાલે છે. આથી અરજીમાં ઇલાજ લખવાનો મતલબ એ નથી કે પૈસા ઇલાજ માટે કામ આવશે.
હવે સવાલ એ છે કે ઇલાજ નહીં તો પછી પૈસા ઉપાડવાની જરૂર શું છે? તો હવે કેલેન્ડર પર નજર નાખો.
જૂનમાં લૉકડાઉન ખૂલવું શરૂ થઈ ગયું. લોકોએ કામે લાગવાનું હતું. પણ જૂનનાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં દરરોજ અંદાજે એક લાખ લોકો પોતાના પીએફમાંથી પૈસા ઉપાડતા હતા.
કોઈ અડધા તો કોઈ પૂરા. તેનો સીધો અર્થ એ થશે કે 15થી 20 લાખ લોકો આ સમયે ખુદને વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા અનુભવે છે. કોઈની નોકરી ગઈ છે, કોઈનો પગાર કપાઈ ગયો છે કે કોઈએ કોરોનાના ચક્કરમાં નોકરી છોડવાનું પસંદ કર્યું.

ભવિષ્યને સુરક્ષિત બનાવવું જરૂરી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ મુશ્કેલી થઈ મિડલ ક્લાસ નોકરિયાત લોકોની. તમારી-મારી જેવા લોકો. પણ આ લોકોએ પીએફના પૈસા ઉપાડ્યા છે અને ઉપાડી રહ્યા છે.
અનુમાન છે કે આવનારા કેટલાક દિવસમાં એક કરોડ લોકો પૈસા ઉપાડશે. આ લોકોના ઉપાડની અસર એ લોકો પર પડવા જઈ રહી છે, જેમના પૈસા હજુ પણ પીએફ ફંડમાં જમા છે.
ઈપીએફઓ લગભગ છ કરોડ લોકોના પગારમાંથી કપાતી રકમનું 10 લાખ કરોડ રૂપિયાનું ફંડ ચલાવે છે. તેમાં પૈસા ઉપાડવાની ગતિ આવી જ રહી તો બાકી રકમ માટે સારું રિટર્ન આપવું બહુ મુશ્કેલ થઈ જશે.
એટલે કે તમારે તમારા પ્રૉવિડન્ટ ફંડ પર વ્યાજની કપાતના એલાનને સાંભળવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. જોકે દેશ અને સમાજની સામે જે આફત આવી છે, તેમાં આ નાના ત્યાગ માટે તો બધા રાજી હશે.
રહ્યો સવાલ એ કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ, જો મોકો મળે તો શું પોતાની પીએફની રકમ ઉપાડીને કોઈ અન્ય સારા રિટર્ન માટે લગાવવી જોઈએ?
પહેલું કે એ રસ્તો ખુલ્લો નથી. બીજું કે હું તેની સલાહ નહીં આપું. આ સમયે શૅરબજારને છોડીને કોઈ પણ જગ્યાએ તમે પૈસા લગાવશો, ત્યાં પીએફથી સારું વ્યાજ મળતું નથી.
અને શૅરબજારમાં પણ બહુ સારું રિટર્ન કોઈ પણ સમયે બહુ મોટા નુકસાનમાં બદલાઈ શકે છે.
જો તમે તેના માટૈ તૈયાર હોવ તો પણ પીએફ જેવી સુરક્ષિત જગ્યાએ તમારી કમાણીનો એક હિસ્સો એ દિવસ સુધી રહેવો જોઈએ જ્યાં સુધી તમારી પાસે ખરેખર તેના સિવાય કોઈ વિકલ્પ ન હોય. એટલે કે રિટાયર થયા હોય કે નોકરી ન રહી હોય.
જો નોકરી જતી રહે અને કેટલોક સમય વીતાવ્યા બાદ નવી નોકરી મળવાના અણસાર હોય તો પણ પીએફની રકમને અડ્યા વિના કામ ચલાવી લેશો તો જલદી તમારું ભવિષ્ય એટલું સુરક્ષિત થઈ જશે કે તમને નોકરી રહેવાની કે જવાની ચિંતા નહીં રહે. એ પછી પણ કરવી હોય તો રાજાની જેમ કરો.
(લેખક સીએનબીસી આવાજના પૂર્વ સંપાદક છે. આ તેમના અંગત વિચાર છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












