RCEP: 'વિશ્વની સૌથી મોટી વેપારસંધિ'માં ભારત નહીં, શું મોદી સરકારનો આ નિર્ણય યોગ્ય છે?

RCEP મિટિંગ

ઇમેજ સ્રોત, VNA

ઇમેજ કૅપ્શન, RCEP મિટિંગ

ચીન સહિત એશિયા-પૅસિફિક મહાસાગર ક્ષેત્રના 15 દેશોએ રવિવારે ‘વિશ્વની સૌથી મોટી વેપારસંધિ’ પર વિયેતનામના હનોઈમાં સહી કરી.

આ સંધિમાં સામેલ થનારા દેશો વૈશ્વિક અર્થતંત્રમાં ત્રીજા ભાગના ભાગીદાર છે.

‘ધ રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકોનૉમિક પાર્ટનરશિપ’ એટલે કે RCEPમાં દસ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો છે. તે સિવાય દક્ષિણ કોરિયા, ચીન, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ પણ તેમાં સામેલ છે.

આ વેપારીસંધિમાં અમેરિકા સામેલ નથી અને ચીન તેનું નેતૃત્વ કરી રહ્યું છે, તેથી આર્થિક વિશ્લેષક આ સંધિને ‘ક્ષેત્રમાં ચીનના વધતા જતા પ્રભાવ’ તરીકે જોઈ રહ્યા છે.

આ સંધિ યુરોપિયન યુનિયન અને અમેરિકા-મેક્સિકો-કૅનેડા વેપારસમજૂતી કરતાં પણ મોટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પહેલાં, ટ્રાન્સ-પૅસિફિક પાર્ટનરશિપ (ટીપીપી)નામની એક વેપારીસંધિમાં અમેરિકા સામેલ હતું, પરંતુ વર્ષ 2017માં, રાષ્ટ્રપતિ બનવાના થોડા સમય બાદ જ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આ સંધિથી બહાર લઈ ગયા.

line

મહામારીથી ‘ડુબેલાં અર્થતંત્રો’ને બહાર લાવવાની આશા

શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ

તે વખતે આ ડીલમાં આ ક્ષેત્રના 12 દેશ સામેલ હતા. નોંધનીય છે કે આ ડીલને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું પણ સમર્થન હાંસલ હતું કારણ કે તેઓ આ વેપારીસંધિને ‘ચીનના વર્ચસ્વના જવાબ’ તરીકે જોતા હતા.

RCEPને લઈને પાછલાં આઠ વર્ષોમાં સોદાબાજી ચાલી રહી હતી, જેના પર અંતે રવિવારે સહી થઈ.

આ સંધિમાં સામેલ થયેલા દેશોને એ વાતનો વિશ્વાસ છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી મહામંદી જેવી પરિસ્થિતિને સુધારવામાં તે મદદરૂપ સાબિત થશે.

આ સંધિ પર હસ્તાક્ષર કરવાના પ્રસંગે વિયેતનાના વડા પ્રધાન ન્યૂન-શુઅન-ફૂકે તેને ‘ભવિષ્યનો પાયો’ ગણાવતાં કહ્યું કે, “આજે RCEP સમજૂતી પર સહી થઈ, તે ગર્વની વાત છે, આ એક ખૂબ મોટું પગલું છે કે આસિયાન દેશો તેમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યા છે, અને સહયોગી દેશોની સાથે મળીને તેમણે એક નવા સંબંધની સ્થાપના કરી જે ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. જેમ જેમ આ દેશો વિકાસ તરફ અગ્રેસર બનશે, તેમ તેમ તેનો પ્રભાવ ક્ષેત્રના બધા દેશો પર પડશે.”

આ નવી વેપારસંધિ પ્રમાણે, RCEP આવનારાં વીસ વર્ષોની અંદર ઘણા પ્રકારના સામાન પર સીમા-શુલ્કને ખતમ કરશે.

તેમાં બૌદ્ધિક સંપત્તિ, દૂરસંચાર, નાણાકીય સેવાઓ, ઈ-કૉમર્સ અને વ્યવસાયિક સેવાઓ સામેલ હશે.

જોકે, અમુક પ્રોડક્ટની ઉત્પત્તિ કયા દેશમાં થઈ છે તે અંગેના નિયમો તેનો અમુક પ્રભાવ જરૂર રહશે. પરંતુ જે દેશો સંધિનો ભાગ છે, તેઓ વચ્ચે મુક્ત વેપારને લઈને પહેલાંથી જ સમજૂતી થયેલી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ વેપારસંધિની સાથે જ ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ વધી ગયો છે.

line

ભારત RCEPમાં સામેલ નહીં

2019માં આરસીપીઈપીની સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો

ઇમેજ સ્રોત, MANAN VATSYAYANA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2019માં આરસીપીઈપીની સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો

ભારત આ સંધિનો ભાગ નથી. સોદાબાજી વખતે ભારત પણ RCEPમાં સામેલ હતું, પરંતુ ગયા વર્ષે ભારત તેનાથી છૂટું પડી ગયું.

ત્યારે ભારત સરકારે કહ્યું હતું કે, ‘આનાથી દેશમાં સસ્તા ચીની માલનું પૂર આવી જશે અને ભારતમાં નાના સ્તરે નિર્માણ કરી રહેલા વેપારીઓ માટે એ કિંમતે સામાન આપવો મુશ્કેલ હશે, જેનાથી તેમની પરેશાનીઓ વધશે.’

પરંતુ રવિવારે આ સંધિમાં સામેલ થનાર આસિયાન દેશોએ કહ્યું કે, ‘ભારત માટે દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે, જો ભવિષ્યમાં ભારત ઇચ્છે તો RCEPમાં સામેલ થઈ શકે છે.’

પરંતુ પ્રશ્ન એ છે કે, ‘આ વેપારસમૂહનો ભાગ ન બનવાની ભારત પર કેવી અસર પડી શકે છે? તેને સમજવા માટે બીબીસી સંવાદદાતા ફૈસલ મોહમ્મદ અલીએ ભારત-ચીન વેપારમામલાના જાણકાર સંતોષ પાઈ સાથે વાત કરી.’

તેમણે કહ્યું, “RCEPમાં 15 દેશોની સદસ્યતા છે. વિશ્વના નિર્માણ-ઉદ્યોગમાં આ દેશોની 30 ટકા ભાગીદારી છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે આ પ્રકારનું ‘ફ્રી-ટ્રેડ ઍગ્રીમેન્ટ’ અતિ આવશ્યક છે, કારણ કે ભારત તેના દ્વારા વેપારની ઘણી નવી સંભાવનાઓ તલાશી શકે છે.”

line

ચીન પર નિર્ભરતા ઘટાડવાની કોશિશ?

RCEP મિટિંગ

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, RCEP મિટિંગ

“જેમ ભારત ઘણા દેશોને અહીં આવીને નિર્માણ-ઉદ્યોગમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરી રહ્યું છે, તેમ એમને પણ આવાં ઍગ્રીમેન્ટ આકર્ષિત કરે છે, પરંતુ જો ભારત તેમાં ન હોય, તો એ સવાલ બને છે કે તેમને ભારત આવવા કેવી રીતે પ્રેરિત કરવામાં આવે.”

“બીજી વાત એ છે કે ભારતમાં ગ્રાહકોની ખરીદશક્તિ વધી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની સરખામણીએ તો હજુ પણ તે ખૂબ જ ઓછી છે. જો કોઈ વિદેશી કંપનીને ભારતમાં આવીને નિર્માણ કરવું છે, તો તેણે નિકાસ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે ભારતના ઘરેલું બજારમાં તેનો ઉપભોગ થઈ જાય તે વાત થોડી મુશ્કેલ લાગે છે.”

એક સમયે ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મળીને ‘ચીન પર નિર્ભરતા’ ઘટાડવા ઇચ્છતું હતું. પરંતુ હવે એ દેશો આમાં સામેલ છે અને ભારત તેનાથી અલગ છે. તેની પાછળ શું કારણ સમજવું?

આ અંગે સંતોષ પાઈએ કહ્યું, “ભારત ‘ચીન પર નિર્ભરતા’ કેટલી ઘટાડી શકે, એ છ-સાત માસમાં નહીં જોઈ શકાય, પરંતુ પાંચ વર્ષમાં તેનો સંપૂર્ણ પ્રભાવ દેખાશે. ત્યારે જ યોગ્ય રીતે ખબર પડશે કે ભારતે કેટલી ગંભીરતાપૂર્વક આ વાત પર અમલ કર્યો છે.”

વીડિયો કૅપ્શન, Happy New Year: ગુજરાતીઓનું નવું વર્ષ કેવી રીતે નક્કી થાય છે?

અન્ય દેશો પણ વર્ષોથી ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરતા રહ્યા છે અને આ જ કારણે આ દેશો RCEPથી બહાર નથી રહેવા માગતા કારણ કે તેમને ખબર છે કે તેઓ RCEPમાં રહીને ‘ચીન પરની નિર્ભરતા’ સારી રીતે ઘટાડી શકે છે.”

તેમણે કહ્યું, “RCEPમાં ચીન સિવાય પણ ઘણા મજબૂત દેશ છે જેમનું ઘણા ક્ષેત્રો (જેમ કે ઇલેક્ટ્રોનિક્સ અને ઑટોમોબાઇલ)માં શ્રેષ્ઠ કામ છે. પરંતુ ભારતની સમસ્યા એ છે કે ભારત ગયા વર્ષ સુધી ચીની ટ્રેડને વધારવાની અને ચીનના રોકાણને વધુમાં વધુ આકર્ષિત કરવાની કોશિશ કરી રહ્યું હતું.”

“ચીન સાથે ટ્રેડ મામલે ભારતનું લક્ષ્ય 100 બિલિયન ડૉલર હતું. પરંતુ પાછલા છ મહિનામાં રાજકીય કારણોથી સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે ભારત સરકારે ‘આત્મનિર્ભર અભિયાન” શરૂ કરી દીધું છે જેનું લક્ષ્ય છે કે ચીન સાથે વેપાર ઘટે અને ચીની રોકાણને સીમિત રાખી શકાય.”

અંતમાં પાઈએ કહ્યું, “જો ‘આત્મનિર્ભર અભિયાન’ને ગંભીરતાપૂર્વક ચલાવવામાં આવે, તો તેની અસર દેખાવામાં ઘણાં વર્ષો લાગી જશે. તેથી અત્યારે એ અંગે કશું પણ કહેવું ઉતાવળભર્યું હશે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો