એક આત્મકથા જેણે ભારતમાં મચાવી દીધી હલચલ

ઇમેજ સ્રોત, JAY SURYA DAS
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
આસાન છે એક મર્દની તલાશ જે તમને પ્રેમ કરે
બસ, સ્ત્રી તરીકે તારે જોઈએ છે શું તે માટે ઇમાનદાર બન
તેને બસ સોંપી દે
એ બધું જ જે તને સ્ત્રી બનાવે છે
લાંબા વાળની ખુશ્બુ,
સ્તનો વચ્ચેની કસ્તુરી
અને તારી બધેબધી સ્ત્રીભૂખ
કમલા દાસે આ કવિતા લખી ત્યારે રૂઢિચૂસ્ત પુરુષ સમાજને ઝટકો લાગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેને લાગ્યું કે કોઈ લેખિકા આટલી બિનધાસ્ત અને ઇમાનદાર કેવી રીતે હોઈ શકે.
ભારતીય સાહિત્યમાં કમલા દાસ જેવી લેખિકા ના હોત તો આધુનિક ભારતીય લેખનનું એ પોત ના બની શક્યું હોત જેના પર આજની નારી પણ ગૌરવ કરી શકે.
એક સામાન્ય ગૃહિણી પોતાની લાગણીઓને હિંમત અને સામર્થ્ય સાથે કાગળ પર ઉતારે ત્યારે સાહિત્યની દુનિયામાં હલચલ મચી જતી હોય છે.
કમલા દાસના કિસ્સામાં પણ એવું જ થયું હતું.
કમલા દાસનો જન્મ આઝાદીના 13 વર્ષ પહેલાં 1934માં કેરલના સાહિત્યિક પરિવારમાં થયો હતો.
છ વર્ષની ઉંમરે જ તેમણે કવિતા લખવાનું શરૂ કરી દીધું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
પોતાની આત્મકથા 'માઇ સ્ટોરી'માં કમલા દાસ લખે છે, "એક વાર ગર્વનરની પત્ની મેવિસ કૈસી અમારી સ્કૂલમાં આવી હતી. મેં તે વખતે એક કવિતા લખી હતી."
"જોકે, પ્રિન્સિપાલે તે કવિતા વાંચવા માટે એક અંગ્રેજી છોકરી શર્લીને આપી."
“ગર્વનરની પત્નીએ કવિતાપઠન પછી શર્લીને પોતાના ખોળામાં બેસાડી અને વખાણ કર્યાં કે તું કેટલું સરસ લખે છે."
"હું દરવાજાની પાછળ ઊભી રહીને બધું સાંભળતી હતી."
"આટલું જ નહીં, ગર્વનરની પત્નીએ શર્લીના બંને ગાલને પણ ચૂમી લીધા. તેને જોઈને પ્રિન્સિપાલે પણ મારી સામે શર્લીને ચૂમી લીધી."
"ગયા વર્ષે લંડનમાં રૉયલ ફેસ્ટિવલ હૉલમાં મેં મારી કવિતાઓ વાંચી હતી. આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી હું મંચ પર હતી."
"હું સ્ટેજની નીચે ઊતરી ત્યારે કેટલાય અંગ્રેજોએ આવીને મારા ગાલે ચૂંબન આપ્યાં. મનોમન મને થયું કે શર્લી મેં તારી સામે બદલો લઈ લીધો છે."

બિનધાસ્ત મહિલા

ઇમેજ સ્રોત, JAY SURYA DAS
માત્ર 15 વર્ષની ઉંમરે કમલા દાસનાં લગ્ન રિઝર્વ બૅન્કના અધિકારી માધવ દાસ સાથે થઈ ગયાં.
મજાની વાત એ છે કે અંગત જીવનમાં કમલા દાસની છાપ એક પરંપરાગત મહિલા તરીકેની જ ઊપસી આવે છે.
તેનાથી તદ્દન વિપરિત રૂપ તેમની આત્મકથામાં નિરૂપાયું છે. તેમના નાના પુત્ર જયસૂર્યા દાસ હાલમાં પૂણેમાં રહે છે.
તેઓ કહે છે, "મારા માતા સામાન્ય વ્યક્તિ જ હતાં. મોટા ભાગે સાડી પહેરતાં હતાં. ક્યારેક લુંગી પણ પહેરતાં હતાં."
"તેને ઘરેણાં પહેરવાનો પણ બહુ શોખ હતો. એક હાથમાં 18 એમ બંને હાથમાં 36 બંગડીઓ પણ પહેરતાં."
"બહુ લાગણીશીલ નારી હતાં. દિવસમાં બે વાર નહાતા હતાં અને પરફ્યૂમ લગાવવાના બદલે નહાવાના પાણીમાં જ અત્તર નાખી દેતાં હતાં."
તેમના મોટા પુત્ર માધવ નલપત હાલમાં 'સન્ડે ગાર્ડિયન'ના એડિટોરિયલ ડિરેક્ટર છે.
મેં તેમને પૂછ્યું હતું કે માતા તરીકે શું કમલા દાસ બહુ કડક હતાં?
નલપતે જવાબ આપ્યો કે, "જરાય નહીં. હું 12-13 વર્ષનો હતો ત્યારે મેં કહ્યું કે મારે સીગારેટ પીવી છે. તેમણે તરત જ મને સીગરેટનું આખું પેકેટ આપી દીધું."
"મેં ત્યારે ચાંરપાંચ સીગારેટ પી લીધી પણ તે પછી આખી જિંદગી મેં ક્યારેય સીગારેટને હાથ લગાડ્યો નથી."
"સીગારેટ પીવી સારી નથી એવું મારી માએ કહ્યું હોત તો કદાચ મને છુપાઈને સીગારેટ પીવાની ઇચ્છા થઈ હોત."
"કદાચ મને તેની લત પણ લાગી ગઈ હોત. તેના બદલે મારી માએ કહ્યું કે તું જાતે જ સીગારેટ પીવાનો અનુભવ લઈ લે અને સારું લાગે તો પીવાનું ચાલુ રાખજે."

કિશોરવસ્થાના પ્રેમની વાત

ઇમેજ સ્રોત, JAY SURYA DAS
મોટા પુત્ર માધવને તેઓ મોનૂ કહીને બોલાવતા હતા.
તેમના કિશોરવસ્થાના પ્રેમનો ઉલ્લેખ પણ કમલા દાસે પોતાની આત્મકથા 'માય સ્ટોરી'માં કર્યો છે.
તેમણે લખ્યું છે, "મારા 15 વર્ષના દીકરાએ એક દિવસ અચાનક મને કહ્યું કે એક છોકરીને તે પ્રેમ કરવા લાગ્યો છે."
"તે છોકરી જર્મન હતી, જેનું નામ હતું એના. અમારા ઘરની અગાસી પર બેસીને તેઓ ફ્રેન્ચ સાહિત્ય અને માર્ક્સની વાતો કરતા રહેતાં હતાં."
"તે રજામાં કોલકત્તા ગઈ ત્યારે મારા દીકરાએ કહ્યું કે પોતે પણ કોલકત્તા જવા માગે છે."
"મારા પતિએ કહ્યું કે આવી છોકરમતના પ્રેમ માટે વેડફવા માટેના ફાલતુ પૈસા તેમની પાસે નથી."
માધવ કહે છે કે તેમણે ટ્રેનની ટિકિટના પૈસા એકઠા કરવા માટે પોતાના બધા જૂના કૉમિક્સ વેચી નાખ્યાં હતાં.
તે પછીય માંડ માંડ ટ્રેનની થર્ડ ક્લાસની ટિકિટ ખરીદી શકાય હતી.
ઓઢવાનું કે ગરમ કપડાં લીધા વિના ટ્રેનમાં તે બેસી ગયા હતા.
રસ્તામાં એક મજૂરે તેની દયા ખાઈને તેને બીડી પીવા આપી હતી, જેથી થોડી ગરમી થાય.
કમલા દાસ લખે છે, "તે છોકરીના પ્રેમમાં પડીને મારો દીકરો બૌદ્ધિક થઈ ગયો હતો. તે મોડી રાત સુધી વાંચતો હતો."
"ભારતીય રાજકારણ પર તે લેખ પણ લખવા લાગ્યો હતો, જે કેટલાક સામયિકમાં છપાયા હતા."
"મારા પતિની મુંબઈ બદલી થઈ તો મારા દીકરાનું દિલ તૂટી ગયું હતું."
"જોકે તે છોકરીના કારણે મારા દીકરાના જીવનમાં પરિપક્વતા આવી અને તેના જીવન સાથે વણાઈ ગઈ."
કમલા દાસ લખે છે, "હું અને મારો દીકરો સાંજે મુંબઈના દરિયાકિનારે ફરવા જતાં. એક બંગાળી પરિવારને એમ લાગ્યું હતું કે અમે બંને પ્રેમી છીએ."
"મારો દીકરો બહુ લાંબો થઈ ગયો હતો. અમને જોઈને કોઈ ના કહી શકે કે અમે મા-દીકરો છીએ."

કમલા દાસના બદલે કે. દાસ

ઇમેજ સ્રોત, JAYSURYA DAS
તે જમાનામાં કમલા દાસની કવિતાઓ ભારતના જાણીતા સામયિક 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા'માં છપાતી હતી.
કવિતાની નીચે તેઓ પોતાનું નામ 'કે. દાસ' એવું લખતાં હતાં.
કમલા દાસને એમ લાગતું હતું કે સામયિકના તંત્રી શૉન મેંડી કવયિત્રીઓ સામે પક્ષપાત કરશે.
કમલા દાસ પોતે મોટા કવયિત્રી બની ગયાં હતાં પણ સાથોસાથ નવોદિતને પણ પ્રોત્સાહન આપતાં હતાં. તેમાંના એક કવિ છે રણધીર ખરે.

'...ત્યારે કોઈએ મને કમલાદાસનું નામ આપ્યું'

ઇમેજ સ્રોત, ©RANDHIR-KHARE
ખરે કહે છે, "હું ત્યારે 24-25 વર્ષનો હતો અને કવિતાઓ લખતો હતો."
"હું ઘણા મોટા કવિઓને મળવા જતો હતો અને તેમની પાસે માર્ગદર્શન માગતો હતો કે કઈ રીતે વધારે સારી કવિતા લખી શકાય."
"કોઈ કવિ મારા માટે સમય કાઢવા તૈયાર નહોતા. ત્યારે કોઈએ મને કમલા દાસનું નામ આપ્યું."
"મેં ફોન કર્યો તો તેમણે ઉપાડ્યો હતો. તેમણે મને કવિતાઓ લઈને ઘરે આવી જવા કહ્યું."
"તેમણે એક પછી એક એમ મારી ચાલીસ કવિતાઓ સાંભળી."
"મેં પૂછ્યું કે કેવી લાગી ત્યારે તેમણે કહ્યું કે મને સારી લાગી કે ના લાગી તેનાથી કોઈ ફરક પડવાનો નથી. આ કવિતા તને પોતાને સારી લાગવી જોઈએ."
"તેમના ઘરે દર અઠવાડિયે મળતી કવિસભામાં આવવા પણ તેમણે મને આમંત્રણ આપ્યું."
"ત્યારથી લઈને તેઓ જીવતાં હતાં ત્યાં સુધી મારા ગુરુ જ રહ્યાં."
તે વખતે કમલા દાસના ઘરે દર અઠવાડિયે મહેફિલ જામતી હતી, જેમાં શહેરના જાણીતા લેખક, કવિ, નૃત્યકાર અને થિયેટરના કલાકારો પણ આવતા હતા.
રણધીર ખરે કહે છે, "તેમનો એક મોટો વિશાળ રૂમ હતો. તેમાં ખૂણે તેઓ ચૂપચાપ બેઠાં રહેતાં."
"નિસીમ ઇઝકિલ આવતા હતા, પ્રીતિશ નંદી પણ આવતા અને વૃદ્ધ હરેન્દ્રનાથ ચટોપાધ્યાય પણ હાજર રહેતા હતા."
“તેમાં કવિઓ અંદરોઅંદર ઝઘડી પણ પડતા. બપોરે ત્રણેક વાગ્યે શરૂ થતી બેઠક મોટી રાત સુધી ચાલતી હતી."
"ત્યાં આવનારા સૌને એમ લાગતું કે જાણે પોતાના ઘરે જ બેઠા છે."

આત્મકથા લખવાનો પડકાર

ઇમેજ સ્રોત, JAYSURYA DAS
કમલા દાસનું માનવું હતું કે પૂરી પ્રામાણિકતાથી આત્મકથા લખવી જોઈએ અને કશું પણ છુપાવવું ના જોઈએ.
આ એક સ્ટ્રીપ્ટીઝ જેવું હોય છે, જેમાં તમારે એક પછી એક તમારા વસ્ત્રો દૂર કરતાં જવાનાં હોય છે.
એકવાર તેમણે લખ્યું હતું, "સૌપ્રથમ હું મારા વસ્ત્રો અને ઘરેણાંને ઉતારી નાખું છું. પછી મને ઇચ્છા થાય કે મારી આછા ભૂરા રંગની ત્વચાને પણ ઉતારી નાખું.”
"પછી મારા હાડકાના ચૂરેચૂરા કરી નાખું. તે પછી મારા બેઘર, અનાથ અને બહુ સુંદર પેલા આત્માને તમે જોઈ શકશો, જે અસ્થિ અને માંસ-મજ્જાની વચ્ચે બહુ ઊંડે ઘૂસેલો છે."
આવી જ કંઈ લાગણી કમલા દાસે એક કવિતામાં પણ વ્યક્ત કરી છે...
જ્યારે પણ નિરાશાની નાવ
તમને અંધારાના કિનારા સુધી લઈ જાય
ત્યારે ત્યાં બેઠેલા ચોકીદારો
પ્રથમ તો તમને નિર્વસ્ત્ર થવા આદેશ આપશે
પછી તમે વસ્ત્ર હટાવી દો છો
તો કહેશે કે તમારું માંસ પણ દેખાડો
તમે તમારી ત્વચા પણ હટાવી દો છો
પછી તમને કહેશે કે હાડકાં પણ દેખાડો
તમે માંસના લોચા કાઢી કાઢીને ફેંકી દેશો
જેથી હાડકાં પણ પૂરેપૂરાં ખુલ્લાં થઈ જાય
ઉન્માદના આ દેશનો એક જ નિયમ છે ઉન્મુક્તા
તે ઉન્મુક્ત થઈને
માત્ર તમારા શરીરને નહીં,
તમારા આત્માને પણ કરડી કરડીને ખાય જાય છે
કમલા દાસે 1999માં અચાનક ધર્મપરિવર્તન કરીને ઇસ્લામનો સ્વીકાર કરી લીધો હતો.
તે પછી અભિવ્યક્તિના મામલે તેમણે કટ્ટર મુલ્લાઓ સામે પણ ટક્કર લીધી હતી.
અવસાનના થોડા સમય પહેલાં તેમણે દિલ્હીમાં એક માર્મિક સંસ્મરણ સંભળાવ્યું હતું.
તેમણે કહ્યું કે તેમના પતિના અવસાન બાદ ત્રણ પુત્રો હોવા છતાં પોતે એકદમ એકાકી થઈ ગયાં હતાં.
મોતની ઇચ્છા થઈ એટલે બુરખો પહેરીને એક ગુંડા પાસે પહોંચી ગઈ. તેને પૂછ્યું કે શું તમે પૈસા લઈને લોકોની હત્યા કરો છો?
ગુંડાએ પૂછ્યું કે કોની હત્યા કરવાની છે? કમલાએ કહ્યું, "મારી, કેમ કે હું જીવનથી કંટાળી ગઈ છું અને પોતાની રીતે આત્મહત્યા કરવાની મારી હિંમત નથી ચાલતી."
ગુંડો કમલા દાસની સામે જોતો જ રહી ગયો. તે પછી જેમતેમ તેમને સમજાવીને ઘરે પાછો મૂકી ગયો.

આત્મકથા પર બબાલ

તેમની આત્મકથા પર બહુ બબાલ થઈ ત્યારે તેમણે કહી દીધું કે આ મારી સાચી કથા નથી.
કમલા દાસને નજીકની જાણતા રણધીર ખરેને મેં પૂછ્યું કે શું 'માય સ્ટોરી' એ ખરેખર સાચી કથા છે કે પછી માત્ર કલ્પના?
રણધીર ખરેએ કહ્યું, "હું પૂણેની વાડિયા કૉલેજમાં એમએનું ભણાવતો હતો. એકવાર વિદ્યાર્થીઓએ મને આ જ સવાલ પૂછ્યો હતો."
"હું 40 વિદ્યાર્થીઓને લઈને તેમના પુત્ર જયસૂર્યા દાસને ત્યાં પહોંચ્યો હતો. તે વખતે કમલા દાસ તેમના ઘરે આવ્યાં હતાં."
"અમારા સવાલના જવાબમાં કમલા દાસે કહ્યું કે આપણે જે પણ લખીએ તેમાં એક રચનાત્મકતા હોય છે."
"તે વાસ્તવિક છે કે માત્ર કલ્પના તેનાથી તમને કોઈ ફરક પડવો જોઈએ નહીં."
"આપણે એ જોવું જોઈએ કે આ રચના આપણને સ્પર્શી રહી છે કે નહીં. તેમાંથી આપણને કોઈ પ્રેરણા મળી રહી છે કે નહીં. તે સિવાયની વાતો બધી નકામી છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
















