અનિલ કપૂર: લોકો કહે છે આત્મકથા લખાવી લો નહીંતર કોઈ ભાવ નહીં પૂછે

ઇમેજ સ્રોત, ANIL S KAPOOR/FACEBOOK
- લેેખક, મધુ પાલ
- પદ, મુંબઈથી, બીબીસી હિન્દી સંવાદદાતા
બોલીવૂડના અનેક દિગ્ગજ કલાકારો તેમની આત્મકથાઓ લખાવી ચૂક્યા છે અને તેનું સુવ્યવસ્થિત રીતે માર્કેટિંગ પણ કર્યું છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ થઈ ગયા હોવા છતાંય અનિલ કપૂર વિશે હજુ સુધી એક પણ બુક લખાય નથી.
આ વિશે અનિલ કપૂર કહે છે, "હા, બધાય મને પણ એ વાત જ કહે છે. હાલમાં તારો સારો સમય ચાલી રહ્યો છે અને પૈસા પણ છે, તો અત્યારે ઑટૉબાયૉગ્રાફી છપાવી લે, નહીંતર પછી કોઈ ભાવ પણ નહીં પૂછે."

ઑટૉબાયૉગ્રાફી માટે ઓફર

ઇમેજ સ્રોત, ANIL S KAPOOR/FACEBOOK
બીબીસી સાથે વિશેષ ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે કહ્યું, "અનેક લોકો મારા જીવન વિશે પુસ્તક લખવા માગે છે. કોઈ લેખક કે પ્રકાશક એવા નથી કે જેઓ મારી પાસે આવ્યા ન હોય.”
"તેમનું કહેવું હોય છે કે અનેક લોકો ઑટૉબાયૉગ્રાફી લખાવી રહ્યાં છે. દરરોજ તેમની તસવીરો અખબારમાં છપાય છે અને ખાસ્સી એવી પબ્લિસિટી પણ મળે છે.”
"તું પણ છપાવી લે, નહીંતર પછી કોઈ ભાવ નહીં પૂછે. મોઢામોઢ આવી વાત કહીને જાય છે.”
"15 વર્ષથી આવી વાતો સાંભળી રહ્યો છું. આશા છે કે યોગ્ય સમયે આ કામ પણ થઈ રહેશે. ટૂંક સમયમાં કોઈ મારા જીવન વિશે પુસ્તક લખશે."

શોને 'ના', પણ ફિલ્મને 'હા'

ઇમેજ સ્રોત, SPICE PR
આજના સમયમાં અનેક દિગ્ગજ કલાકારો ટચૂકડા પડદા પર અભિનય આપે છે. ખુદ અનિલ કપૂરે પણ '24' સિરીઝમાં કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે અનિલ કપૂર કહે છે, "હું જે કાંઈ કરું છું, તે સમજી અને વિચારીને કરું છું. આપને યાદ હશે કે 'સ્લમ ડોગ મિલેનિયર' પહેલાં એવો જ શો કરવા માટે મને ઓફર થઈ હતી.”
"પરંતુ મેં શો કરવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ ફિલ્મ કરી. કારણ કે મને ખ્યાલ હતો કે હું એ પાત્ર ભજવી શકીશ."

પોતાની વાતને આગળ વધારતા અનિલ કપૂરે કહ્યું હતું કે ટીવી પર શોને હોસ્ટ કરવાનું, એન્કરિંગ કરવાનું તથા જજ બનવાનું કામ તેમને કંટાળાજનક લાગે છે.
તેમણે ઉમેર્યું, "અનેક વખત મને પ્રસ્તાવ મળ્યા કે તમે જજ બની જાવ, સારા પૈસા મળશે, પરંતુ મને લાગે છે કે ખુરશી પર બેસી રહીને હું કંટાળી જઈશ.”
"જજ બનીને નંબર આપવાનું કામ કરીને ત્રાસી જઈશ. મને એક જ જગ્યાએ બેસી રહેવું પસંદ નથી."

કંઈક અલગ કરવાની ઇચ્છા

ઇમેજ સ્રોત, AFP
રેસ, રેસ 2 તથા રેસ 3 એમ ત્રણેય ફિલ્મોમાં અનિલ કપૂરે ભૂમિકા ભજવી છે.
અનિલ કહે છે, "રેસ સિરીઝની ત્રણેય ફિલ્મોમાં હું છું. બીજો કોઈ કલાકાર નથી. આનો સ્પષ્ટ મતલબ છે કે મેં સારું પર્ફૉર્મન્સ આપ્યું હશે. એટલે જ મને રેસ 3માં પણ કામ કરવાની તક મળી છે."
અનિલ ઉમેરે છે, "આ ફિલ્મ વિશેષ છે, કારણ કે તેમાં સલમાન પણ છે. તેનાથી ફિલ્મના માર્ક્સ દસગણા વધી જાય છે. સલમાનની ખુદની ઑડિયન્સ છે, જે ભાઈને અલગ રીતે જુએ છે.”
“અગાઉની ફિલ્મોની સરખામણીએ આ ફિલ્મમાં એક્શન પણ વધુ છે અને ફિલ્મ પાછળ નાણાં પણ વધુ રોકવામાં આવ્યા છે."
રેસ 3નું દિગ્દર્શન રેમો ડિસૂજાએ કર્યું છે અને આ ફિલ્મ તા. 15મી જૂને દેશભરના સિનેગૃહોમાં રજૂ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












