પુરુષોત્તમ ઉપાધ્યાય : ગુજરાતી સુગમસંગીતનો આગવો વારસો છોડી જનાર ગાયક

ઇમેજ સ્રોત, Himali Vyas Naik/fb
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"2007-08માં પુરુષોત્તમ ઉપાધ્યાય સુરતમાં એક કાર્યક્રમ માટે આવ્યા હતા. તે દરમ્યાન તેઓ મારા મ્યુઝિક સ્ટુડિયોમાં આવીને બેઠા. એટલામાં મારી સાડા ત્રણ વર્ષની દીકરી રેની આવી. પુરુષોત્તમભાઈએ તેને ખોળામાં બેસાડી અને રાધાનું ગીત ગાયું. પુરુષોત્તમભાઈની ગાયકી એટલી ભાવસભર હતી કે મારી દીકરીની આંખો છલકાઈ ગઈ. એ દૃશ્ય જોઈને મારી પણ આંખો ભરાઈ ગઈ. સાડા ત્રણ વર્ષની છોકરીને રાધા કે સંગીત કે ભાષા વિશે શું ખબર હોય? પણ એ બાળકને ભાવની ખબર હોય. પુરુષોત્તમ ઉપાધ્યાયની ગાયકીની વિશેષતા તેમનું ભાવતત્ત્વ હતું. તેઓ ગાય ત્યારે ભાવ છલકાય."
આ શબ્દો સંગીતકાર મેહુલ સુરતીના છે, જેમણે 'હેલ્લારો' જેવી રાષ્ટ્રીય ઍવૉર્ડ વિજેતા ફિલ્મ સહિત ગુજરાતી સંગીતમાં ઉમદા સ્વરાંકનો આપ્યાં છે.
મેહુલ સુરતી કહે છે કે, "તમે લખી નહીં શકો, બોલી નહીં શકો કે બીજી કોઈ રીતે વ્યક્ત નહીં કરી શકો એ ભાવ પુરુષોત્તમભાઈ ફક્ત ગાઈને પ્રગટ કરી શકતા હતા. તેમની ગાયકીની એ વિશેષતા હતી."
મોહમ્મદ રફી હોય કે મન્નાડે કે પછી મલ્લિકા-એ-તરન્નુમ બેગમ અખ્તર જેવા દેશના શિરમોર ગાયકો પાસે તેમણે પોતાનાં સ્વરાંકનોમાં ગુજરાતી ગઝલ અને ગીતો ગવડાવ્યાં છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયે 11 ડિસેમ્બર,2024ના રોજ મુંબઈમાં 90 વર્ષની વયે તેમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગુજરાતી સંગીત જાણે કે એક ધબકારો ચૂકી ગયું હતું.

ગુજરાતી સુગમસંગીતમાં 'પુરુષોત્તમ ઘરાનું'

ઇમેજ સ્રોત, parthiv gohil
જેમ શાસ્ત્રીય સંગીતમાં ઉસ્તાદોનાં ઘરાનાં હોય તેમ ગુજરાતી સુગમસંગીતમાં 'પુરુષોત્તમ ઘરાનું' છે.
પુરુષોત્તમ ઉપાધ્યાયની વિશેષતા એ હતી કે 'રંગલો જામ્યો કાળન્દ્રીને ઘાટ' જેવું લોકગીત કે ગરબો લહેકા સાથે ગાય ત્યારે શ્રોતા ડોલવા લાગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં' જેવી ગંભીર ગઝલ ગાય ત્યારે સાંભળનારને ચેતનાના સ્તરે લઈ જતા હતા. 'કહું છું જવાનીને પાછી વળી જા' કે 'તકદીર ખુદ ખુદા એ લખી પણ ગમી નથી', જેવા કવ્વાલીનુમા ગીતગઝલો ગાય ત્યારે શ્રોતા ઝૂમી ઊઠતા હતા. 'દીકરી ચાલી પોતાને સાસરે' જેવું ગીત ગાય ત્યારે કન્યાવિદાય વખતે એક બાપના ગળે જે ડૂમો બાઝી ગયો હોય તે તેમની ગાયકીમાં અનુભવાય.
પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે સંગીત શીખેલાં ગુજરાતનાં જાણીતાં ગાયિકા હિમાલી વ્યાસ નાયક બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "શબ્દને પોતાનો કરીને તેમાં ઓગળીને કેવી રીતે ગાવું એ તેમની ખાસિયત હતી. ગીતગઝલના શબ્દોના ભાવને તેઓ ગાયકીમાં તંતોતંત ઝીલતા હતા. પુરુષોત્તમભાઈ પારસમણિ હતા. જે લોકો તેમની પાસે સંગીત શીખ્યા તેઓ ઘડાય – કેળવાઈને ખૂબ આગળ વધ્યા છે."
"પુરુષોત્તમભાઈ માનતા કે ગાયકી ક્યારેય પ્રેડિક્ટેબલ ન હોવી જોઈએ. તેઓ એકનું એક ગીત પચાસમી વખત ગાતા હોય ત્યારે પણ એમાં નવો ચમકારો જોવા મળે જ."
ઐશ્વર્યા મજમુદાર, જ્હાનવી શ્રીમનકર, પાર્થિવ ગોહિલ જેવા કેટલાંય કલાકારો તેમની પાસેથી સંગીત શીખ્યાં છે. અમર ભટ્ટ કે આશિત દેસાઈ જેવા વરિષ્ઠ ગાયક –સંગીતકાર પણ પુરુષોત્તમભાઈ પાસેથી ઘણું પામ્યા છે.
પુરુષોત્તમભાઈને યાદ કરતાં પાર્થિવ ગોહિલ બીબીસી ગુજરાતીને કહે છે કે, "પુરુષોત્તમભાઈએ ગુજરાતી સંગીતમાં એવી ભાત પાડી છે કે જાણે એવું લાગે કે શાસ્ત્રીય સંગીતમાં જેમ પંડિતો અને ઉસ્તાદોનાં ઘરાનાં હોય તેમ ગુજરાતી સુગમસંગીતમાં 'પુરુષોત્તમભાઈ ઘરાનું' છે. અમારા જેવા ગાયકોને તેમની પાસેથી શીખવાનો મોકો મળ્યો તો ગુજરાતમાં એવાં કેટલાંય ગાયક-ગાયિકા હશે કે જેઓ પુરુષોત્તમભાઈને સાંભળી સાંભળીને કંઈને કંઈ શીખ્યા છે. તેમનું સંગીત અને ગાયકી પોતાનામાં એક શિક્ષણ હતું. શબ્દોને કેવી રીતે બહેલાવીને ગાવા એ તેમની આગવી વિશેષતા હતી."
શ્રોતાની નાડ પારખતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય

ઇમેજ સ્રોત, Himali Vyas Naik/fb
પુરુષોત્તમભાઈની ગાયકીમાં શબ્દો જાણે અભિનય કરતાં હોય તેમ રજૂ થતા હતા એવું આશિત દેસાઈને લાગે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "તેમની ગાયકીમાં અભિનય અંગ મજબૂત હતું. અભિનય અંગ એટલે ગાતી વખતે મોઢાના હાવભાવ નહીં પણ જે ગીતગઝલ ગાય તેના શબ્દોમાં જે દુખ,સુખ કે વેદનાના જે ભાવ હોય તે ગાયકીમાં આબાદ ઝીલાય અને શ્રોતાને મહેસૂસ થાય."
એક સારો ગાયક એ છે જે શ્રોતાની નાડ પારખી શકતો હોય. પુરુષોત્તમભાઈમાં એ કૌવત હતું તેમ તેમના ચાહકો માને છે.
આશિત દેસાઈ કહે છે કે, "ગાયક હોવું પૂરતું નથી. પહેલા જ ગીતથી શ્રોતાઓને કઈ રીતે વશમાં લેવા એ શીખવું હોય તો પુરુષોત્તમભાઈને કાર્યક્રમમાં સાંભળવા અને જોવા. તેઓ શ્રોતા પર એવી ભૂરકી છાંટે કે તેમની ગાયકીમાં ઓતપ્રોત થઈ જાય."
"મને યાદ છે કે વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં હૃદયનાથ મંગેશકર અને અન્ય એક કલાકાર સાથે પુરુષોત્તમભાઈનો ત્રિવણી નામનો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ પહેલી જ પ્રસ્તુતિથી શ્રોતાઓને મુઠ્ઠીમાં લઈ લીધા હતા. લોકો વાહ વાહ પોકારવા માંડયા હતા. પછી તો પુરુષોત્તમભાઈ જે કાંઈ ગાય તે લોકો વધાવતા હતા. એક ખરા ગાયકની એ તાકાત હોય છે કે તેને દર્શકોની નાડ પારખતા સારી રીતે આવડતું હોય છે."
પાર્થિવ ગોહિલે જેમ પુરુષોત્તમ ઘરાનાં હોય એ કહ્યું તેમ આશિતભાઈ કહે છે કે, "જેમ બંગાળમાં રવીન્દ્રસંગીત છે તેમ 'પુરુષોત્તમસંગીત' નામનો એક પ્રકાર ગુજરાતી સુગમસંગીતમાં પણ છે એટલાં આગવા-સુમધુર ગીતો તેમણે ગાયાં અને કમ્પોઝ્ડ કર્યાં છે. આગામી અનેક પેઢીઓ તેમને ગાઈગાઈને ગુજરાતી સંગીતને આગળ લઈ જશે."
ઊપજ અંગની ગાયકી પુરષોત્તમભાઈની આગવી છટા

ઇમેજ સ્રોત, amar bhatt
પુરુષોત્તમભાઈની રમૂજવૃત્તિ પણ કાર્યક્રમોમાં ઝળકતી રહેતી. મુંબઈમાં એક કાર્યક્રમમાં શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તમે ઉનાળામાં શાલ ઓઢાડીને સન્માન કર્યું એનો મને આનંદ છે.
આશિત દેસાઈ કહે છે કે, "તેઓ કેટલાકની મિમિક્રી પણ સરસ કરી જાણતા હતા. અમે લોકો સંગીતના કાર્યક્રમ અગાઉ રિહર્સલ્સમાં બેસીએ ત્યારે જે નક્કી થયું હોય તેના કરતાં કાર્યક્રમમાં જુદું જ ગાય. હરફનમૌલા કલાકાર હતા."
અમદાવાદમાં રહેતા ગુજરાતી સંગીતકાર અને ગાયક અમર ભટ્ટ સાથે પુરુષોત્તમભાઈનાં ઘણાં સંભારણાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "1986માં અમદાવાદમાં મારા ઘરે સંગીતની બેઠક કરી હતી. એમાં એ વખતે શાયર ગની દહીંવાલા આવ્યા હતા. એ વખતે પુરુષોત્તમભાઈએ ગનીભાઈની પોતે સંગીતબદ્ધ કરેલી ગઝલો 'દિવસો જુદાઈના જાય છે', 'કોની મનોરમ્ય દૃષ્ટિથી' વગેરે રચનાઓ ગાઈ હતી. અમારી આસપાસના લોકોને ખબર પડી કે પુરુષોત્તમભાઈ આવ્યા છે ત્યારે બેઠકમાં ચારસોએક લોકો એકઠા થઈ ગયા હતા."
જેને અંગ્રેજીમાં ઇમ્પ્રોવાઇઝેશન્સ કહે છે એ પુરુષોત્તમબાઈની ગાયકીનું બળકટ પાસું હતું એમ અમર ભટ્ટ માને છે.
તેઓ કહે છે કે, "શ્રોતા જ્યારે ગાયકને દાદ આપે ત્યારે ગાયક જે રીતે અવનવી ઊપજ સાથે ગાયનને બહેલાવે તે ઊપજ અંગની ગાયકી પુરષોત્તમભાઈની આગવી છટા હતી. જેને સ્વયંસ્ફૂર્ત ગાયકી પણ કહે છે. મેં ગુજરાતી જ નહીં ભારતની અન્ય ભાષાના ગાયકોમાં પણ પુરુષોત્તમભાઈ જેવી ઊપજ અંગની ગાયકી નથી જોઈ."
મેહુલ સુરતી તેમની વાતમાં સૂર પૂરાવતાં કહે છે કે, "આ તો ગુજરાતીઓના સદનસીબ કે આવો ગાયક આપણે ત્યાં થયો. પુરુષોત્તમભાઈ ખરેખર તો અનુભૂતિ - સંવેદનાના ગાયક હતા. તેઓ ગુજરાતીમાં ન ગાતા હોત ને કોઈ નહીં શોધાયેલી ભાષામાં ગાતા હોત તો પણ સાંભળનાર રડી પડે એટલા બળકટ ગાયક હતા. એ ગુજરાતી ભાષાના ગાયક જ નહોતા."
રિયાઝ ન કરે ત્યાં સુધી જમવાનું નહીં

ઇમેજ સ્રોત, asit desai
માણસ પાસે કલા હોય, પણ એ કલાકાર તરીકે લાંબો વખત ત્યારે ટકી શકે છે જ્યારે એનો રિયાઝ શિસ્તબદ્ધ હોય.
અમર ભટ્ટ કહે છે કે, "તેઓ નિયમિત રીતે શાસ્ત્રીય સંગીતનો રિયાઝ કરતા હતા. તેમનો નિયમ હતો કે રિયાઝ ન કરે ત્યાં સુધી જમવાનું નહીં."
આયુષ્યનાં છેલ્લાં પાંચ-સાત વર્ષને બાદ કરીએ તો તેમના અવાજ ખૂબ કસાયેલો અને કેળવાયેલો રહ્યો હતો. એંસી વર્ષેય તેમનો અવાજ મંચ પર ટંકાર જેવો સ્પષ્ટ અને ટટ્ટાર હતો.
હિમાલી વ્યાસ નાયક કહે છે કે, "વર્ષો પહેલાં ગુજરાતી સુગમસંગીત બેઠક કે મહેફિલમાં નાના પાયે જ યોજાતું હતું. પુરુષોત્તમભાઈ હજારો શ્રોતા વચ્ચે એને મંચ પર લઈ ગયા છે."
આશિત દેસાઈ કહે છે કે, "ગુજરાતી સુગમસંગીતમાં અવિનાશ વ્યાસે જંગલ સાફ કર્યું અને પુરુષોત્તમ ઉપાધ્યાયે એક કેડી કોતરી. એ કેડી એવી કોતરી કે જેના પર અમારા જેવા કેટલાય કલાકારો સરળતાથી ચાલી શક્યા."
એક દાખલો આપતા આશિતભાઈ કહે છે કે, "અમે લોકો વિદેશ જઈએ તો ત્યાં પણ સુગમસંગીતના કાર્યક્રમો સાંભળવા લોકોનો જમાવડો થાય. લોકો અમારા કાર્યક્રમોને ખૂબ સરસ રીતે આવકારે. આવું એટલા માટે થતું કે તેઓ અગાઉ પુરુષોત્તમભાઈને સાંભળી ચૂક્યા હોય છે. તેથી અમારે કોઈ ભૂમિકા બાંધવાનું નથી રહેતું, જઈને સીધું પર્ફૉર્મ જ કરવાનું હોય છે."
અમર ભટ્ટ કહે છે કે, "ગુજરાતી ભાષામાં ગીત અને ગઝલ બંને ગવાય છે. ગઝલને ગીતની જેમ ન ગવાય. ગઝલનું સ્વરાંકન કઈ રીતે કરવું જોઈએ એના પાઠ હું તેમની પાસેથી શીખ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












