પંકજ ત્રિપાઠી: 'મિર્ઝાપુર'થી દર્શકોના દિલમાં છવાઈ જનાર અભિનેતાની કહાણી

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, PUNEET KUMAR

    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, એશિયા ડિજિટલ

2003માં એક કન્નડ ફિલ્મમાં એક નાનું અમથું પાત્ર જેને ક્રેડિટરોલમાં પણ સ્થાન નહોતું અપાયું એ પંકજ ત્રિપાઠીની મુશ્કેલ શરૂઆતનો પુરાવો છે.

આ અનામી રોલથી લઈને પંકજ ત્રિપાઠી આજે ત્યાં પહોંચ્યા છે જ્યાં દરેક ડાયરેક્ટર પ્રોડ્યુસર ઇચ્છે છે કે પંકજ ત્રિપાઠી તેમની સાથે કામ કરે.

પછી તે ‘મિર્ઝાપુર’ના કાલીનભૈયા હોય, ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’ના સુલતાન કુરૈશી કે પછી ‘ફુકરે’ના પંડિતજી. માત્ર અભિનય જ નહીં, હિન્દી ભાષા પરની તેમની પડકના લોકો દીવાના છે.

ઇન્સ્ટાગ્રામ પર કદાચ તેઓ એકમાત્ર એવા અભિનેતા હશે જેમણે બાયોમાં હિન્દીમાં લખેલું છે – ‘અભિનેતા, હિન્દી સિનેમા’.

પંકજ ત્રિપાઠી બે નેશનલ ઍવૉર્ડ જીત્યા છે અને મોટા મોટા સિનેમાહૉલમાં તેમની ફિલ્મો લાગે છે. પણ તેમણે પોતે સિનેમાહૉલમાં પહેલી વાર ફિલ્મ ત્યારે જોઈ જ્યારે તેમના ગામ પાસે પહેલું થિયેટર ‘બસંત ટોકિઝ’ ખૂલ્યું.

તેમના પિતા પૂજા કરાવાતા હતા તો થિયેટરના પૂજા સમારોહમાં તેમને પણ લઈ ગયા, જ્યાં ‘જય સંતોષીમા’ ફિલ્મ પ્રદર્શિત થવાની હતી.

બિનપરંપરાગત હીરોની બૉક્સ ઑફિસ પર સફળતા

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, PUNEET KUMAR

ઇમેજ કૅપ્શન, પંકજ ત્રિપાઠી

પંકજની નવી ફિલ્મ છે ‘મૈં અટલ હૂં’ જે અટલ બિહારી વાજપેયી પર બનેલી છે.

જોકે પંકજ ત્રિપાઠીની યાત્રા પટણા, દિલ્હી અને મુંબઈમાંથી પસાર થાય છે પરંતુ તે વાસ્તવમાં બિહારના બેલસંડ ગામથી શરૂ થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ જ ગામ જ્યાં નાનપણમાં તે પોતાના ઘરની બારી પાસે બેસીને તેની સામેથી પસાર થતી દુનિયાને જોતા હતા. ગામની સુકાઈ ગયેલી નદી, તે નદીમાં ભરાતા પાણીની કલ્પના અને પછી તેમાં પાણી ભરાય તેવી કલ્પના વચ્ચે પૂર દરમ્યાન હકીકતમાં ખળખળ વહેતી નદીને જોવાનું.

નાનપણથી જ કદાચ પંકજ ત્રિપાઠી પાસે કલ્પનાઓ, કિસ્સાઓ અને વાર્તાઓનો ખજાનો રહ્યો હોવો જોઈએ. જેણે આજે તેમને એક સફળ અને પ્રખ્યાત કલાકાર બનાવ્યા છે.

એક બિનપરંપરાગત હીરોની બૉકસ ઑફિસ પર આવી સફળતાને કેવી રીતે જોવી જોઈએ?

બીબીસી સહયોગી મધુ પાલ સાથે વાતચીતમાં ફિલ્મ કારોબાર નિષ્ણાત ગિરીશ વાનખેડેએ જણાવ્યું, “નાના રોલ કરતા કરતા પંકજ ત્રિપાઠીએ પોતાની જગ્યા બનાવી. ફુકરેની સફળતામાં તેમનો મોટો હાથ હતો. ઓએમજી-2ની કૉર્મશિયલ સફળતામાં તેમનું જ મોટું યોગદાન હતું.”

"તેમને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો છે. એટલે કે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી નીકળેલા આ અભિનેતા બૉકસ ઑફિસ અને ઑફ બીટ સિનેમામાં સંતુલન બનાવવામાં સફળ રહ્યા છે.”

“મોટા અભિનેતાઓની સમકક્ષ ઊભા રહીને તે પોતાનો રુઆબ બતાવી ચૂક્યા છે. ઓટીટી પર તેમની પકડ ગજબ છે. આ આખું સમીકરણ રસપ્રદ છે."

"હિન્દી સિનેમાને આવા બિનપરંપરાગત હીરોની જરૂર હતી જે વ્યાવસાયિક અને બીજા પ્રકારની ફિલ્મોમાં ફિટ બેસે, જેમ કે ઓમ પુરી. આ જગ્યાની પૂર્તિ પંકજ ત્રિપાઠી સારી રીતે કરી રહ્યા છે.”

વિદ્યાર્થી રાજકારણથી માંડીને હોટલમાં નોકરી સુધી

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

પંકજ 16 ઑક્ટોબર 2004માં મુંબઈ પહોંચ્યા હતા.

તે એક યોગાનુયોગ હતો કે 2023માં જ્યારે તેઓ તેમની કારકિર્દીના 20મા વર્ષની શરૂઆત કરી રહ્યા હતા તેના બીજા જ દિવસે 17 ઑક્ટોબરે, તેમણે ફિલ્મ 'મીમી'માં ટૅક્સી ડ્રાઇવર ભાનુની ભૂમિકા માટે તેમનો બીજો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો.

પંકજના ચાહકોને 2004માં આવેલી તેમની પહેલી હિન્દી ફિલ્મ 'રન' યાદ હશે. જેમાં તેમને ક્રેડિટ પણ મળી ન હતી અને તે બહુ ઓછા સમય માટે વિજય રાઝ સાથે જોવા મળે છે.

એટલું જ નહીં તેમનો અવાજ પણ કોઈ બીજા પાસે ડબ કરાવાયો હતો.

પંકજ જીવનમાં ઘણી કસોટીઓમાંથી પસાર થયા છે અને કદાચ આ કારણે તેમનો અભિનય એકદમ સહજ લાગે છે.

વરિષ્ઠ ફિલ્મ પત્રકાર નમ્રતા જોશી કહે છે, “પંકજ ત્રિપાઠીની સૌથી મોટી ગુણવત્તા એ સાદગી અને સરળતા છે. જેથી તેઓ પાત્ર સાથે એકરસ થઈ તેને જીવંત કરી દે છે. તેમનામાં એક અનોખી સ્થિરતા છે. તે ક્યારેય ભાગતા જોવા નથી મળ્યા. તે પાત્ર સાથે તે ક્ષણમાં જીવતા જોવા મળે છે. તેમણે એક વાર મને કહ્યું હતું કે હું હળવાશવાળી વ્યક્તિ છું. તે સામાન્ય માણસોના અભિનેતા છે. આ સહજભાવ જ તેમને વ્યાખ્યાયિત કરે છે.”

તેમના જીવન પર નજર કરીએ તો ગામમાં તેઓ સમારંભોમાં પંડિત તરીકેનું કામ કરી ચૂક્યા છે, ભલે તે કામ તેમણે એકાદ દિવસ માટે જ કર્યું હોય.

પટણામાં પછી તેઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે પણ વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કરી બેસે છે.

પછી એ જ વિદ્યાર્થી પટનામાં બે વર્ષ સુધી હોટલમાં કામ કરે છે અને દરેક પ્રકારના કૉન્ટિનેન્ટલ વ્યંજન બનાવવામાં મહારત મેળવે છે.

પંકજને થિયેટરથી મળી વાહવાહી

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, PUNEET KUMAR

જીવનમાં ખરો વળાંક ત્યારે આવે છે જ્યારે પટણામાં તેમને થિયેટરનો ચસ્કો લાગ્યો.

પંકજ ત્રિપાઠીના ચાહકો પટણાના કાલિદાસ રંગમંડળનો આભાર માની શકે છે અથવા તો લક્ષ્મીનારાયણ લાલના નાટક અંધા કુંઆનો, જેની પંકજ ત્રિપાઠી પર ખૂબ ઊંડી અસર થઈ.

પહેલી વાર તેમને ભીષ્મ સાહનીની વાર્તા પર બનેલા નાટકમાં ચોરનું પાત્ર મળ્યું, જેની સ્થાનિક વર્તમાનપત્રોમાં ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

'OMG-2'માં નાના શહેરમાં બાળકોને સેક્સ ઍજ્યુકેશન આપવા કોર્ટમાં કેસ લડતો તે કાંતિશરણ મુદગલ હોય, ફિલ્મ 'ન્યૂટન'માં મૃદુભાષી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આત્માસિંહ હોય, ફિલ્મ 'સ્ત્રી' લાઇબ્રેરિયન રુદ્રભૈયા હોય, 'ગુડગાંવ'ના કહારીસિંહ હોય કે જેમણે પોતાની નવજાત પુત્રીને જીવતી દફનાવી હતી કે પછી 'મસાન'માં નાનો રેલવે કર્મચારી સાધ્યા હોય... પંકજ ત્રિપાઠીએ વિશાળ શ્રેણીનાં પાત્રો ભજવ્યાં છે.

ઉદાહરણ તરીકે, ફિલ્મ 'ન્યૂટન'નું એ દૃશ્ય જુઓ જ્યાં સીઆરપીએફ કમાન્ડન્ટ બનેલા પંકજ ત્રિપાઠી, કોઈ પણ મોટા સંવાદ વિના એક અતિ ઉત્સાહી નવાસવા ચૂંટણી અધિકારી બનેલા (રાજકુમાર રાવ)ને નક્સલવાદી વિસ્તારમાં કામ કરવાનાં જોખમો સરળતાથી સમજાવે છે.

અને કહે છે – “નાગાલૅન્ડની રાજધાની જાણો છો? કાશ્મીરની? ગયા છો ક્યારેય? હું ગયો છું. રાઇફલ પકડો. ભારે છે ને? આ દેશનો ભાર છે, અમારા ખભા પર.”

કૂકિંગથી શીખ્યા અભિનયના ગુણ

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીની પ્રયાસો વગરના અભિનયનું એક ઉદાહરણ ફિલ્મ 'મસાન'માં મળે છે જ્યાં તેઓ પોતાનાં સહકર્મચારી દેવીને (ઋચા ચઢ્ઢા)ને ખીર આપે છે અને કહે છે - “જેણે ખીર ન ખાધી, તેણે મનુષ્યયોનિમાં પેદા થવાનો સંપૂર્ણ ફાયદો નથી લીધો.”

આ વાક્ય પર ઋચા ચઢ્ઢા પૂછે છે કે શું તમે એકલા રહો છો? તો પંકજ ત્રિપાઠી ખૂબ સાહજિકતાથી કહે છે- “પિતાજી સાથે રહું છું, પિતાજી એકલા રહે છે. મતલબ દિવસે એકલા રહે છે.”

અભિનયની પ્રક્રિયાને હાવ-ભાવ અને લાગણીઓના માધ્યમથી નહીં પણ ખોરાકના માધ્યમથી સમજાવવાવાળા કદાચ તેઓ પહેલા ઍક્ટર હશે.

પોતાના ઇન્ટરવ્યૂમાં તેઓ અનેક વાર કહે છે, “બસ, પ્રમાણની રમત છે બધી. એક સરસ ભોજનની થાળી બનાવવા માટે તમારે યોગ્ય પ્રમાણમાં મીઠું અને અન્ય સામગ્રી જોઈએ. જેથી ખોરાક ના વધારે ચડી જાય, ના કાચો રહે. એવી જ રીતે અભિનયમાં પણ તમારે યોગ્ય પ્રમાણમાં લાગણીઓ ઉમેરવાની હોય છે, જેથી ના તે વધારે પડતો લાગે, ના ઓછો.”

આ કદાચ તેમની અંદરના પ્રશિક્ષિત રસોઈયાની અસર છે.

પંકજ એક અભિનેતા તરીકે પોતાની સફળતાનું શ્રેય પુસ્તકોને પણ આપે છે. પંકજ જ્યારે તેમનાં પત્ની સાથે પટણાથી બૉમ્બે આવ્યા ત્યારે તે તેમનાં ઘણાં પુસ્તકો સાથે સપનાંનાં શહેરમાં આવ્યા.

પંકજ એવા કલાકારોમાંના એક છે જેમના ઇન્ટરવ્યૂ અને વાર્તાલાપમાં લેખકો, પુસ્તકો અને કવિતાઓનો ઉલ્લેખ થતો રહે છે, જેઓ ધરમવીર ભારતી, રેણુ, નાગાર્જુન, રાગ દરબારી અને કબીરના દુહા પર પણ વાત કરી શકે છે.

પંકજ ત્રિપાઠી અને સ્ટીરિયોટાઇપ

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, PUNEET KUMAR

ઇમેજ કૅપ્શન, પંકજ ત્રિપાઠી

સફળતા મળ્યા પછી એક મોટી સમસ્યા સ્ટીરિયોટાઈપ થઈ જવાની હોય છે. કેટલાય ટીકાકારો માને છે કે પંકજ ત્રિપાઠી ક્યારેક ક્યારેક તેમાં ફસાતા જોવા મળે છે.

ગિરીશ વાનખેડે કહે છે, “સ્ટીરિયોટાઇપ હોવાની વાત અવગણી ના શકાય. કેટલાક ચાહકોને લાગે છે કે તે દરેક પાત્રને તે જ રીતે કરે છે. તે દરેક પાત્રમાં 'પંકજ ત્રિપાઠી' લાવે છે, જેના કારણે ઘણી વખત તે પાત્ર તેના જેવું નથી લાગતું. તે પંકજ ત્રિપાઠી હોવાનું બહાર આવે છે. તેમની કૉમિક ટાઇમિંગ સારી છે પણ જો પંકજ ત્રિપાઠી કોઈ ભાઈ, બાહુબલી કે ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા હોય તો એવું લાગતું નથી કે તે ભૂમિકા પ્રમાણે કડક છે.”

“એક ખાસ ઇમેજમાં તેઓ બંધાઈ ગયા છે. આમાંથી બહાર નીકળતા તેમણે પોતાની જાતને પડકાર આપવો જોઈએ. ક્યારેય ન ભજવ્યાં હોય એવાં પાત્રો ભજવવા પડશે. ઍક્શનવાળા રોલ કરે, અર્ધસત્યમાં ઓમ પુરી જેવા પાત્રની ઉડાન ભરવી પડશે. પારિવારિક પાત્રો છે તો બલરાજ સાહનીને જુઓ. કમ્ફર્ટ ઝોનને તોડવો પડશે, બૉડી લૅંગ્વેજ અને ડિક્શનમાં ફેરફાર... આ બધું તેમને સહાયક રહેશે. પંકજ ત્રિપાઠી જેવા અભિનેતાને આવા ફેરફાર કરવામાં વધારે સમય નહીં લાગે.”

ફિલ્મ સમીક્ષક નમ્રતા જોશીનો મત થોડો અલગ છે. તેઓ કહે છે, “દરેક અભિનેતાની કામ કરવાની પોતાની અલગ સ્ટાઇલ હોય છે જેને લોકો પુનરાવર્તન સમજી લે છે. પણ આ કોઈ પણ અભિનેતાને ઓછો પ્રભાવશાળી નથી બનાવતું. આનો સંબંધ પાત્રો બનાવનારા નિર્દેશકો સાથે વધારે છે. જેમ કે સ્ત્રી ફિલ્મમાં અમર કૌશિક તેમની કૉમિક ટાઇમિંગને દર્શકો સામે લાવ્યા. ગુડગાંવના પાત્ર અને ન્યૂટનવાળા રોલમાં ગ્રે શેડ હતો જે પંકજ ત્રિપાઠીએ સારી રીતે નિભાવ્યો.”

તો આ મુદ્દે પંકજ ત્રિપાઠીએ બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મને નથી લાગતું કે મેં પોતાને સ્ટીરિયોટાઇપ બનાવી લીધો છે. વચ્ચે એવું થયું હતું કે મને લાગ્યું કે લોકો મને એક બીબામાં ઢાળી રહ્યા છે. એટલે સિનેમામાં હું મારા અભિનયના લયને તોડતો રહું છું અને વાસ્તવિક જીવનમાં પણ લયને તોડતો રહું છું.”

જ્યારે રોલ હટાવી દેવાયો હતો

સફળતાની વાત કરીએ તો આ સ્તર સુધી પહોંચવામાં પંકજ ત્રિપાઠીને ઘણો સમય લાગ્યો. ઍક્ટિંગ શરૂ કર્યા પછી આશરે નવ વર્ષ પછી તેમને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍડમિશન મળ્યું.

બે વાર તો એનએસડી પરીક્ષામાં નિષ્ફળ રહ્યા. મુંબઈ પહોંચ્યાનાં આશરે આઠ વર્ષ પછી ફિલ્મોમાં બ્રૅક મળ્યો. આ દરમ્યાન તેઓ ટીવી સિરિયલ કરતા રહ્યા. ઓમકારા, રાવણ, મિથ્યા જેવી ફિલ્મોમાં નાનાં પાત્રો ભજવતા રહ્યા.

જાહેરાતો પણ કરી. ટાટા ટીની ‘જાગો રે’વાળી જાહેરાત યાદ હશે જેમાં પંકજ ત્રિપાઠી રાજનેતાના પાત્રમાં હતા.

તેમનાં કેટલાંક પાત્રો તો એવાં હતાં જેની માટે તેમણે શૂટિંગ કર્યું પણ તેને ફિલ્મમાંથી હટાવી દેવાયાં. જેમ કે રિતિક સાથે ફિલ્મ ‘લક્ષ્ય’. જોકે આ પછી રિતિક સાથે પંકજે ‘અગ્નિપથ’ અને ‘સુપર 30’માં કામ કર્યું.

કેટલાંય વર્ષો રાહ જોયા પછી 2012માં ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’માં તેમને સુલતાન કુરૈશીના પાત્રથી ઓળખ મળી.

એ પાત્રના ઑડિશનમાં પણ પહેલા અનુરાગ કશ્યપે તેમને નકારી દીધા હતા. વાસેપુરથી ફિલ્મોની સફરે ગતિ પકડી, છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓ ઓટીટી પર ‘સેક્રેડ ગેમ્સ’, ‘ક્રિમિનલ જસ્ટિસ’ કે પછી ‘મિર્ઝાપુર’ હોય... આ સિરીઝના કારણે ઓટીટીના બાદશાહ પણ કહેવાવા લાગ્યા.

પંકજ ત્રિપાઠી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંકજ ત્રિપાઠી

તેમની એક ફિલ્મ છે ‘માઝી’ જે 2013માં આવી હતી. તેમાં તેઓ એક હત્યારા અને બળાત્કારીનો અભિનય કરે છે જે પોલીસ સ્ટેશનમાં બેસીને બહુ શાંતિથી જણાવે છે કે તેણે કેટલી નિર્મમ રીતે હત્યા કરી. ખૂબ બેશરમ બની પોલીસને જણાવે છે- “મારી બે શરત છે, નિવેદન પછી દારૂ પીવડાવશો અને સરકારી ગાડીમાં બેસાડશો નહીં.”

આ રોલ માત્ર 15 મિનિટનો હતો અને તમે વિચારવા લાગો કે શું હકીકતમાં તે પંકજ ત્રિપાઠી છે.

દર્શકોને ચોંકાવી દેવાની આ જ આવડત એક અભિનેતાની તાકાત હોય છે. સફળતાની સીડી ચડતા પંકજ ત્રિપાઠીના ચાહકોને તેમની પાસે આવી જ અપેક્ષા છે.

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો સંઘર્ષના દિવસોમાં પંકજ ત્રિપાઠીનાં પત્ની મૃદુલાએ તેમનો સાથ આપ્યો. તેઓ શિક્ષિકા તરીકે કામ કરતાં અને પંકજ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા.

જે વ્યક્તિની ઇચ્છા માત્ર પ્રેમલગ્ન કરવાની હતી, તેમને ક્રાઇમ, કૉમેડી અને ડ્રામા સિવાય એક સુંદર લવસ્ટોરીમાં જોવાનું રસપ્રદ રહેશે. આ એક પરફેક્ટ લવસ્ટોરી હોઈ શકે છે.

પંકજ ત્રિપાઠીની મુખ્ય ફિલ્મો - ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’, ‘ન્યૂટન’, ‘મિની’, ‘ફુકરે’, ‘ઓએમજી-2’

પંકજ ત્રિપાઠીની વેબસિરીઝ – ‘મિર્ઝાપુર’, ‘સેક્રેડ ગેમ્સ’, ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘ગુડગાંવ’

બીબીસી
બીબીસી