નવા અભિનેતાઓ અમારા કરતાં સારો અભિનય કરે છે: નસીરૂદ્દીન શાહ

ઇમેજ સ્રોત, Getty Images
ચાર દાયકાથી વધુ લાંબી ફિલ્મ કારકિર્દીમાં ઉમદા અભિનય કરનારા નસીરૂદ્દીન શાહનું માનવું છે કે આગામી સો વર્ષમાં ભારતીય ફિલ્મોને ઓસ્કાર નહીં મળે.
બીબીસી સાથે વાત કરતા નસીરૂદ્દીન શાહે ઓસ્કાર એવોર્ડ અને ભારતીય ફિલ્મો અંગે વાતો કરી હતી.
તેમણે કહ્યું કે, "આપણે ઓસ્કારને આટલો ભાવ શા માટે આપીએ છીએ?"
"ઓસ્કાર સાથે આપણે શું લેવા-દેવા? દર વર્ષે ઓસ્કાર પાછળ ભાગીએ છીએ. પ્રતિસ્પર્ધાઓ થાય છે કે કઈ ફિલ્મ જશે. હિંદુસ્તાનને આગામી સો વર્ષોમાં ઓસ્કાર નહીં મળે. હું તમને લખી આપું."
નસીરૂદ્દીન શાહે ઉમેર્યું કે, "આપણે આપણી જાતને મુરખ બનાવીએ છીએ. ઓસ્કાર પાછળ પૂંછડી પટપટાવીને ભાગીએ છીએ. ઓસ્કાર પણ એટલો જ બોગસ છે જેટલા આપણા પાન-મસાલા અવોર્ડ્સ."
તમને આ પણ વાંચવું ગમશે
હાલમાં જ રાજ કુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન' ભારત તરફથી ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે.
'આજની પેઢીમાં પ્રતિભાની ખોટ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
નસીરૂદ્દીન શાહનું કહેવું છે કે નવી પેઢીના અભિનેતાઓ જેવા કે આલિયા ભટ્ટ, રાજકુમાર રાવ, કલ્કિ કોચલીન અને નવાઝુદ્દીન સિદ્દીકી બહું જ સારા કલાકારો છે.
નવા લોકોમાં પ્રતિભાની ખોટ નથી. તેમની પેઢીમાં આ ઉંમરે અભિનયમાં લોકો આટલા સારા નહોતા જેટલા આજના અભિનેતાઓ છે. તે પોતે આ સૌના પ્રશંસકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નસીરૂદ્દીન શાહે કહ્યું કે નવી પેઢી નસીબદાર છે કે તેમને એવા ફિલ્મમેકર્સ મળ્યા જે તેમની અભિનય ક્ષમતાનો ઉત્તમ રીતે ઉપયોગ કરી શકે છે.
જો કે મારી કોઈ ફરિયાદ નથી કેમ કે અમને પણ તકો મળી હતી. જો તે સમયે અમુક ફિલ્મો ન બની હોત તો કદાચ આજે આ પ્રકારની ફિલ્મો ન બનતી હોત.
આ વર્ષે નસીરૂદ્દીન શાહે કેટલાક નિકટના મિત્રોને ગુમાવ્યા છે. જેમાં ઓમ પુરી, ટોમ ઓલ્ટર અને નિર્દેશક કુંદન શાહ સામેલ છે.
નસીરૂદ્દીન શાહને અફસોસ છે કે 'મિ. કબાડી' ઓમ પુરીની છેલ્લી ફિલ્મ હતી.
'ઓમની કંઈ લાચારી રહી હશે'

ઇમેજ સ્રોત, Getty Images
નસીરૂદ્દીન શાહે જણાવ્યું, "ઓમની કંઈ લાચારી હશે. ઈન્ડસ્ટ્રીમાં તે મૂંઝાયો હશે. તેના અંગત જીવનમાં મુશ્કેલીઓ હતી."
"તેને વિદેશમાં કામ મળતું હતું, પણ અહીંયા વિચિત્ર પ્રકારનાં પાત્રો ભજવવાં મળતાં હતાં."
"તમે સાઠની ઉંમર વટાવો એટલે ઈન્ડસ્ટ્રીમાં તમારી કોઈ જગ્યા નથી રહેતી. બુઢ્ઢા લોકો આકર્ષક નથી હોતા. તેમને નચાવી શકાતા નથી."
"ઓમ પુરી નાછૂટકે આવી ફિલ્મો કરતા હતા. અફસોસ છે કે તેમની છેલ્લી ફિલ્મ 'મિસ્ટર કબાડી' હતી."
ફિલ્મોમાં અભિનેત્રીઓ અંગે વાત કરતા તેમણે કહ્યું કે અભિનેતાઓ કરતા ખરાબ હાલત અભિનેત્રીઓની છે.
કેમકે 30-35ની ઉંમર બાદ તેમના પાત્રો વિશે કોઈ વિચારતું નથી. આ અંગે ફેરફાર બહું ધીમે પગલે આવી રહ્યો છે.
ચાર દાયકાથી અભિનય કરી રહેલા નસીરૂદ્દીન શાહને ખુશી છે કે તે સ્ટાર નથી.
તેઓ માને છે કે અભિનેતાની ઉંમર સ્ટારની ઉંમર કરતા વધારે હોય છે. કેમકે એક અભિનેતા એવી ફિલ્મનો ભાગ બનવા માગશે જે યાદગાર બની શકે.
જ્યારે એક સ્ટાર એવી ફિલ્મ પસંદ કરશે જેમાં તેનું પાત્ર ખાસ હોય.
'સારી ફિલ્મો લાંબા સમય સુધી યાદ રહેશે'

ઇમેજ સ્રોત, Getty Images
નસીરૂદ્દીન શાહનું કહેવું છે કે સ્ટારની ફિલ્મો થોડા સમય માટે દર્શકોના મનમાં રહશે પણ સારી ફિલ્મો તો લાંબા સમય સુધી તેઓ યાદ કરશે.
જો ફિલ્મ સારી હશે તો સ્ટારના પાત્રને યાદ કરવામાં આવશે. ખબર નહીં કેટલા સ્ટાર આવ્યા અને ગયા અને મને ખુશી છે કે હું એમાંનો નથી.
આથી જ નસીરૂદ્દીન શાહ બીજા અભિનેતાઓને સલાહ આપે છે કે પોતાના કામથી બહું ખુશ ન થવું જોઈએ. કેમ કે તેમને માત્ર તેમના કામથી યાદ કરવામાં આવશે.
નસીરૂદ્દીન શાહ ટિસ્કા ચોપરા સાથે ફિલ્મ 'ધ હંગ્રી' માં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન બોર્નીલા ચેટર્જીએ કર્યુ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












