ધર્મેન્દ્રની એ ફિલ્મ જેને ઈરાનના લોકો છુપાઈને જોતા અને પાકિસ્તાનમાં એની કૅસેટો વેચાતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, સીનિયર ન્યૂઝ એડિટર, બીબીસી ન્યૂઝ
હિંદી ફિલ્મજગતમાં હી-મૅન તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને આ સાથે જ ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવી ગયો છે. ધર્મેન્દ્ર અનેક યાદગાર ફિલ્મો આપી છે અને એની લોકપ્રિયતા કાળજયી પૂરવાર થઈ છે. આવી જ એક ફિલ્મની અહીં વાત કરવામાં આવી રહી છે.
"અમે જે સિનેમા હોલમાં શોલે ફિલ્મ જોઈ હતી તેમાં સ્ક્રીન એટલી મોટી હતી કે ફિલ્મ નિહાળવા માટે દર્શકોએ જમણેથી ડાબે અને ડાબેથી જમણે માથું ફેરવવું પડતું હતું."
આ કિસ્સો નેપાળના વરિષ્ઠ ફિલ્મ સમીક્ષક તથા 'શોલે'ના જબરા ચાહક વિજયરત્ન તુલાધરે સંભળાવ્યો હતો.
વિજયરત્ન એમના બાળપણના એ નેપાળી દોસ્તોના કિસ્સાઓ સંભળાવે છે, જેઓ બસમાં પ્રવાસ કરીને 200 કિલોમીટર દૂર 'શોલે' જોવા ભારત જતા હતા અને પાછા ફર્યા બાદ, જાણે કે પોતે સુરમા ભોપાલી હોય તેમ મોટી મોટી શેખીઓ મારતાં હતાં.
ધર્મેન્દ્રએ કરેલી કોઈ ટિપ્પણીથી નારાજગીને કારણે એ દિવસોમા નેપાળમાં ધર્મેન્દ્રની ફિલ્મો પર પ્રતિબંધ હતો. તેથી 'શોલે' પણ પ્રતિબંધિત હતી.
'શોલે' 50 વર્ષ પહેલાં 1975ની 15 ઑગસ્ટે પ્રદર્શિત થઈ હતી. આ ફિલ્મની વિશેષતા એ છે કે પ્રથમ પ્રદર્શિત થયાના પાંચ દાયકા પછી પણ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોના લોકો પણ તેને આજે યાદ કરે છે.
ભારતમાં અવધી અને ખડી બોલીના મિશ્રણ જેવી ભાષા બોલતો 'શોલે'નો ડાકુ ગબ્બરસિંહ ભારતમાં જ નહીં, પરંતુ ઈરાન જેવા દેશોમાં આજે પણ વિખ્યાત છે.
ઈરાન-ઇરાક યુદ્ધ, બસંતી અને શોલે

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
80ના દાયકાની વાત છે. ભારતમાં 'શોલે' રિલીઝ થયાનાં થોડાં વર્ષો પછી ઈરાન અને ઇરાક વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અન્ય ભાષામાં બનેલી આ ફિલ્મનું કૈતેયૂન કેઝેલબાશ જેવા અનેક ઈરાનીઓ માટે ખાસ મહત્ત્વ છે.
કૈતેયુન કહે છે, "એ યુદ્ધનો સમય હતો. ઈરાનમાં વીસીઆર રાખવું એ પણ ગુનો હતો. બહુ જુગાડ કરીને, ગુપ્ત રીતે અમે વીડિયો ટેપની વ્યવસ્થા કરતા હતા અને ઓરડો બંધ કરીને ફિલ્મોમાં રમમાણ થઈ જતાં હતાં. આવી જ એક ફિલ્મ 'શોલે' હતી. તેમાં જય અને વીરુની દોસ્તી તથા મસ્તીએ અમારું દિલ જીતી લીધું હતું."
કૈતેયુનના કહેવા મુજબ, "રંગીન વસ્ત્રો પહેરીને બસંતી ઉઘાડા પગે ગબ્બર સામે નાચતી હતી ત્યારે હું મારા ઓરડામાં ફ-ફરીને એવી રીતે નાચતી હતી કે કૅમેરા મારું જ ફિલ્માંકન કરી રહ્યો હોય. યુદ્ધની અનિશ્ચિતતા અને ભયની વચ્ચે અમે છોકરાં-છોકરીઓ ખુશીની કેટલીક પળો પાછળ દોડતાં હતાં. 'શોલે' મારા માટે એક ફિલ્મ જ ન હતી. એ ઈરાનમાં મારા બાળપણનો એક કિંમતી હિસ્સો છે."
કાચના ટુકડા પર ઉઘાડા પગે નાચતી હેમા માલિની

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
ગીતો અને બસંતીની વાત ચાલી રહી છે ત્યારે 'જબ તક હૈ જાન..' ગીતને કેવી રીતે ભૂલી શકાય. આ ગીતનું ફિલ્માંકન હેમા માલિની પર ધખતા ઉનાળામાં તપતી શીલાઓ પર કરવાનું હતું. ડાકુ ગબ્બરસિંહની સામે બસંતીનું પાત્ર ભજવતી હેમા માલિનીએ તપતી શીલાઓ પર ઉઘાડા પગે નૃત્ય કરવાનું હતું.
તપતી શીલાઓ પર નાચવા માટે હેમા માલિનીને પગના તળિયે લગાડવા માટે પૅડ આપવામાં આવ્યાં હતાં, પરંતુ તેના કારણે હેમા માલિનીને નૃત્ય કરવામાં તકલીફ થતી હતી. તેથી પથ્થરો તપતા હોવા છતાં હેમા માલિનીએ મોટા ભાગના શોટ્સ ઉઘાડા પગે જ શૂટ કર્યા હતા.
એક સીનમાં ગબ્બરનો સાથી સાંભા કાચની બૉટલ તોડે છે. તેના પર હેમા માલિનીએ નાચવાનું હોય છે. કાચના કેટલાક ટૂકડાને કારણે હેમા માલિનીના પગ ખરેખર જખમી થયા હતા. એ પછી પણ તેમણે જખમી પગ સાથે ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.
ઢાકામાં બાળકો રમતાં હતાં ગબ્બરસિંહની રમત
ભારતના પાડોશી બાંગ્લાદેશમાં પણ 'શોલે'ના અનેક પ્રશંસકો છે.
ઢાકામાં રહેતાં ફરઝાના કહે છે, "90ના દાયકાની વાત હશે. અમે બાળપણમાં આખા પરિવાર સાથે વીસીઆર પર શોલે ફિલ્મ નિહાળતા હતા. ગબ્બરસિંહનું પાત્ર બાળકોને બહુ ગમતું હતું."
"શોલેના સીનની ભજવણી અમારા જેવા બાળકોની પ્રિય રમત હતી. અમે ગેમમાં એકમેકને પૂછતાં હતાં કે કિતને આદમી થે? ડિશ ટીવી આવ્યું ત્યારે શોલેનાં ગીતો વારંવાર પ્રસારિત થતાં હતાં...યે દોસ્તી હમ નહીં છોડેંગે અને હોળીનું ગીત."
પછી ફરઝાના માસૂમ બાળકીની જેમ "મહબૂબા...મહબૂબા" ગીત ગણગણે છે.

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
આર. ડી. બર્મન, મહબૂબા..મહબૂબા અને હેલન
શોલેમાં વિખ્યાત અભિનેત્રી હેલેન પર શૂટ કરવામાં આવેલું "મહબૂબા..મહબૂબા" ગીત બહુ લોકપ્રિય બન્યું હતું. એ ગીત ફિલ્મના સંગીતકાર આર. ડી. બર્મને ગાયું હતું.
એ ગીતની ધૂન ગ્રીક ગાયક ડેમિસ રૂસેસના ગીત "સે યુ લવ મી"ને બહુ મળતી આવે છે. ડેમિસનું ગીત શોલેની રજૂઆતના આગલા વર્ષે 1974માં આવ્યું હતું. તેની ધૂન પણ એક જૂના લોકગીત જેવી છે.
અનુપમા ચોપડા લિખિત પુસ્તક 'શોલે – ધ મેકિંગ ઑફ અ ક્લાસિક'માં જણાવ્યા મુજબ, "શોલેને સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખ્તર આ ગીતને ફિલ્મમાં સામેલ કરવા બાબતે સહમત ન હતા. તેમને એવું લાગતું હતું કે જંગલના ડાકુ ગબ્બરસિંહનું પાત્ર આવું ગીત ગાય તે લોકોને ગમશે નહીં."
"જોકે, ગીત સાંભળ્યા પછી જાવેદ અખ્તરને પણ લાગ્યુ હતું કે ગીત બહુ સારું છે. તેમણે આ ગીત ધર્મેન્દ્ર અને હેમા માલિની પર શૂટ કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ દિગ્દર્શક રમેશ સિપ્પી સહિતના બીજા લોકોને આ ગીત વીરુ અને બસંતી માટે યોગ્ય લાગ્યું ન હતું."

ઇમેજ સ્રોત, Getty Images
શોલે જોવા પૈસા ચોરીને કાઠમંડુથી ભાગીને બિહાર જવું
નેપાળના વરિષ્ઠ પત્રકાર વિજયરત્ન તુલાધરને પણ શોલેના તમામ સીન યાદ છે.
તેઓ જણાવે છે કે શોલે ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે ઘણા છોકરાઓ કાઠમંડુથી બિહારના માર્ગે ખાસ આ ફિલ્મ જોવા રક્સોલ જતા હતા. તેમના ઘણા દોસ્તો ઘરેથી ભાગીને ફિલ્મ જોવા ગયા હતા. ઘણાએ શોલે નિહાળવા માટે ઘરમાંથી, મા-બાપનાં ખિસ્સામાંથી પૈસા ચોર્યા હતા.
પાકિસ્તાનમાં વેંચાતી હતી 'શોલે'ની ઑડિયોટેપ

ઇમેજ સ્રોત, Sippy Films
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાની થિયેટરોમાં શોલે ભલે વર્ષો સુધી પ્રદર્શિત ન થઈ હોય, પરંતુ તેની 120 મિનિટ લાંબી ઑડિયોટેપ પાકિસ્તાનમાં વર્ષો પહેલાં પહોંચી ગઈ હતી. અખાતી દેશોના મહેમાનો આવતા ત્યારે પાકિસ્તાની સંબંધીઓ માટે શોલેની ઑડિયોટેપ ભેટ તરીકે લાવતા હતા. તેથી પાકિસ્તાનીઓને શોલેને ડાયલોગ મોઢે થઈ ગયા હતા.
બીબીસી માટે લખેલા લેખમાં એમ. ઈલિયાસ ખાને પાકિસ્તાની પત્રકાર હામિદ ભુટ્ટોનો એક કિસ્સો યાદ કર્યો છેઃ "એક દોસ્તે મને કાર ખરીદવામાં મદદ કરી હતી. થોડા દિવસ પછી તેમણે મને ફોન કરીને પૂછ્યું હતું કે તમારી ધન્નો કેવી ચાલે છે?"
આ 'શોલે'ની એકથી બીજી પેઢી સુધીની લોકપ્રિયતા દર્શાવે છે અને પાકિસ્તાનમાં 40 વર્ષ પછી 2015માં શોલે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને નિહાળવા આવેલા દર્શકો થિયેટરોમાં ગબ્બર, બસંતી, જય અને વીરુના ડાયલૉગ સાથે-સાથે બોલતા હતા.
શોલે ફિલ્મનાં ઘણાં દૃશ્યોની 'વન્સ અપોન અ ટાઇમ ઇન ધ વેસ્ટ' જેવી હૉલિવૂડ ફિલ્મોમાંથી ઉઠાંતરી કરવામાં આવી હોવાની ચર્ચા સતત થતી રહી છે.
આફ્રિકામાં રહેતા શોલે ફિલ્મના એક ચાહકનો યૂ-ટ્યૂબ પર એક વીડિયો છે. તેઓ બન્નેની સરખામણી બાબતે સમંત નથી.
તેઓ કહે છે, "હૉલીવૂડની એ ફિલ્મો કરતાં અમને, આફ્રિકાના લોકોને શોલે વધારે ગમી હતી, કારણ કે અમે ભારતીય સંસ્કૃતિ અને રિવાજ સાથે વધારે જોડાયેલા હોઈએ તેવું લાગે છે. હૉલીવૂડની સરખામણીએ શોલે ફિલ્મની ભાવનાત્મક સામગ્રી અમને વધારે સ્પર્શી છે."
વિદેશમાં પણ શોલેએ કેમ ધૂમ મચાવી?

ઇમેજ સ્રોત, Sippy Films
ભાષા, દેશ અને સંસ્કૃતિનું અંતર પાર કરીને શોલે આટલી લોકપ્રિય થવાનું કારણ શું?
ઈરાની મીડિયાના ઈતિહાસકાર બહરૂઝ તૌરાની કહે છે, "ઈરાનની સરકારે 80ના દાયકામાં નાચવા-ગાવા પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમ છતાં શોલે ફિલ્મ ઈરાનમાં મશહૂર થઈ હતી, કારણ કે જે બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, એ બધું જ શોલે ફિલ્મમાં હતું."
"ઈરાની લોકોને શોલેનો રોમાન્સ, હીરોઇઝમ, ગીતો બહુ પસંદ પડ્યાં હતાં. એ ઉપરાંત પાત્રોને લાર્જર ધેન લાઇફ દેખાડવાની ભારતીય ફિલ્મોની રીત પણ ગમી હતી."
અમિતાભ-જયાના એ સીનનું શૂટિંગ 20 દિવસમાં થયું

ઇમેજ સ્રોત, Sippy Films
શોલે ફિલ્મને 50 વર્ષ થયાં એ નિમિત્તે ઈરાની અખબારે તાજેતરમાં તેના વિશે આખું પાનું ભરીને લેખો પ્રકાશિત કર્યા હતા. ઈરાની અખબારે ખાસ કરીને શોલે ફિલ્મના કેટલાંક કિસ્સા, ગીતો અને દૃશ્યોની વાત કરી હતી.
તેમાં એક દૃશ્ય અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી વચ્ચેનું છે. તેને શૂટ કરવામાં 20 દિવસ થયા હતા.
જય એટલે કે અમિતાભ બચ્ચન રોજ સાંજે હાર્મોનિકા વગાડે છે અને સદા શાંત રહેતી રાધા એટલે કે જયા બચ્ચન રોજની માફક સાંજે ફાનસ ઓલવવા માટે બાલ્કનીમાં આવે છે.
ફાનસનો ધૂંધળો પ્રકાશ બન્ને વચ્ચે પાંગરી રહેલા સંબંધને દર્શાવે છે. એ હમદર્દી, દોસ્તી અને પ્રેમની વચ્ચેનું કશુંક છે. બન્ને વચ્ચે કોઈ સંવાદ નથી. તેમ છતાં એ દૃશ્ય ઘણું કહી જાય છે.
દિગ્દર્શક રમેશ સિપ્પી અને સિનેમેટોગ્રાફર દ્વારિકા દ્વિવેચા એ દૃશ્યને દિવસના ખાસ સમયે શૂટ કરવા ઇચ્છતા હતા. સૂરજ આથમતો હોય અને રાતનો પ્રારંભ થતો હોય એ વચ્ચેના સમયે. દિવસની એક નાજુક પળ રાધા અને જય વચ્ચેના સંબંધ જેવી જ હતી.
'શોલે – ધ મેકિંગ ઑફ અ ક્લાસિક' પુસ્તકમાં અનુપમા ચોપડા લખે છે, "સીનની તૈયારી બપોરથી જ શરૂ થઈ જતી હતી. પાંચ વાગ્યે કૅમેરા મૂવમેન્ટનું રિહર્સલ થતું હતું."
"છ-સાડા છએ ધમાચકડી વચ્ચે રાત થતાં પહેલાં બહુ મુશ્કેલીથી એક કે બે શોટ ઝડપી શકાતા હતા. ક્યારેક સૂર્ય વહેલો આથમી જતો હતો. ક્યારેક કોઈ ભૂલ થઈ જતી હતી."
આખરે એ સીન શૂટ થયો.
ટેરો કાર્ડવાળી મહિલાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Sippy Films
રસપ્રદ વાત એ છે કે શોલે રજૂ થયાનાં થોડાંક અઠવાડિયાંમાં જ તેને ફ્લૉપ ગણાવી દેવામાં આવી હતી.
અનુપમા ચોપડાના પુસ્તકમાં ડોલેરસ પરેરા નામની એક મહિલાનો કિસ્સો છે. ડોલેરસ ટેરો કાર્ડ દ્વારા લોકોનું ભવિષ્ય ભાખતાં હતાં.
પુસ્તકમાં જણાવ્યા મુજબ, "1974માં તેમના બૅંગલુરુસ્થિત ઘરે ત્રણ લોકો આવ્યા હતા. તેમાં નાના કદનો એક પુરુષ હતો. તેણે હૅટ પહેરી હતી અને તે ફિલ્મનો દિગ્દર્શક હતો. દાઢીવાળો પુરુષ હતો, જેને જોઈને લાગતું હતું કે તેણે તત્કાળ સ્નાન કરવાની જરૂર છે. સાથે તેની પત્ની પણ હતી. એ પુરુષને જોઈને ડોલેરસે કહ્યુ હતું કે આ માણસ ટોચ પર પહોંચશે અને ફિલ્મ વર્ષો સુધી થિયેટર્સમાં ચાલતી રહેશે."
એ પુરુષ બીજો કોઈ નહીં, પરંતુ અભિનેતા અમજદ ખાન હતા.
ફિલ્મ રિલીઝ થઈ પછી ગબ્બર એટલે કે અમજદ ખાન સુપરહિટ સાબિત થયા અને શોલે સતત પાંચ વર્ષ સુધી થિયેટરોમાં ચાલી હતી.
શોલે ફિલ્મનું શૂટિંગ ગાંધીજયંતિએ એટલે કે 1973ની બીજી ઑક્ટોબરે બૅંગલુરુ પાસેના રામાનગરમમાં શરૂ થયું હતું. પહેલા દિવસનું શૂટિંગ વરસાદને કારણે રોળાઈ ગયું હતું.
શોલે ફિલ્મનો પહેલો સીન ત્રીજી ઑક્ટોબરે શૂટ થયો હતો. અમિતાભ બચ્ચન ચોરીના નિષ્ફળ પ્રયાસ બાદ જયા બચ્ચનને ચાવી પરત આપે છે એ પહેલો સીન હતો.
શોલે ફિલ્મના નિર્માણનો વિચાર ચાર લાઇનના આઈડિયાથી શરૂ થયો હતો. અનેક નિર્માતાઓએ તેને ફગાવી દીધો હતો અને તે આઇડિયા એક આખી ફિલ્મમાં પરિવર્તિત થયો ત્યારે આ ફિલ્મ બોલીવૂડમાં એક માઇલસ્ટોન બની ગઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












