મૃત્યુ બાદ પણ ભારતની સરહદોની રક્ષા કરતો સૈનિક વાસ્તવિકતા કે મિથક?

ઇમેજ સ્રોત, @SomParkashBJP
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીસીસી ગુજરાતી માટે
સિક્કિમના પ્રવાસે જનારા પર્યટકો માટે એક મહત્ત્વપૂર્ણ પડાવ છે નાથુ લા. અહીં ભારત અને ચીનના સૈનિકો એકદમ સામ-સામે ફરજ બજાવે છે. આની સાથે ગાઇડ તમને નજીક આવેલા એક જગ્યાની વાત ચોક્કસથી કહેશે.
13 હજાર ફૂટની ઊંચાઈએ આવેલી આ જગ્યા એટલે બાબા હરભજનસિંહનું મંદિર. બાબા ભારતીય સેનામાં સૈનિક હતા. ભારતીય સમાજમાંં ફરજ દરમિયાન સૈનિક મૃત્યુ પામે એટલે તેને 'અમરત્વ' પ્રાપ્ત થાય, પરંતુ હરભજનસિંહનું મૃત્યુ અકસ્માતે થયું હોવા છતાં તેઓ 'બાબા'ની જેમ પૂજાય છે.
માત્ર સ્થાનિકોમાં જ નહીં પણ ભારતીય સૈનિકોમાં જ પણ તેઓ પૂજનીય સ્થાન ધરાવે છે. જેઓ દુશ્મનો સામે રક્ષણ કરે છે અને માર્ગદર્શન આપે છે. મૃત્યુ પછી પણ તેમનો પગાર ચાલુ રહ્યો અને તેમને બઢતી પણ મળતી રહી.
તર્કની એરણ ઉપર ચકાસતા ખરી ન લાગે એવી માન્યતાઓ પણ બાબાની સાથે જોડાયેલી છે. આ સિવાય પણ કેટલીક લોકવાયકા બાબા હરભજનસિંહ સાથે જાડાયેલી છે, જે વીતકને મિથક અને કોયડારૂપ બનાવે છે.
બાબા હરભજનસિંહના જીવન પર એક શોર્ટ ફિલ્મ બની છે અને ફિલ્મ બનાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. અરૂણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત-ચીન સૈનિકોની અથડામણ વચ્ચે સરહદની સુરક્ષા કરનારા સૈનિકની કહાણી.

સિક્કિમ, સૈનિક અને સ્મૃતિસ્મારક

ઇમેજ સ્રોત, Jaydip Vasant
1962માં ચીન સાથેની લડાઈમાં ભારતનો કારમો પરાજય થયો હતો. એના છ વર્ષ પછી હરભજનસિંહની કિવદંતી સિક્કીમના નાથુ લા ખાતે શરૂ થાય છે. નાથુ લા ખાતે બાબા હરભજનસિંહના સ્મૃતિસ્મારક ખાતેની વિગતો પ્રમાણે :
"બાબા હરભજનસિંહનો જન્મ તા. 30મી ઑગસ્ટ 1946ના દિવસે હાલ પાકિસ્તાનના ગુજરાનવાલાના સદરાના ગામ ખાતે થયો હતો. તા. નવમી ફેબ્રુઆરી 1966ના દિવસે તેઓ ભારતીય સેનાની 23 પંજાબ રેજિમેન્ટમાં સિપાહી તરીકે ભરતી થયા. વર્ષ 1968માં પંજાબ રેજિમેન્ટની સાથે બાબા હરભજનસિંહની તહેનાતગી પૂર્વ સિક્કિમમાં થઈ."
"બાબાજી ઘોડાઓનો કાફલો લઈને તુકુલાથી ડોગંચૂઈ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ લપસીને નાળામાં પડી ગયા અને 4 ઑક્ટોબર 1968ના દિવસે તેમનું દેહાવસાન થયું. પ્રચંડ જળપ્રવાહને કારણે તેમનું શરીર ઘટનાસ્થળથી બે કિલોમીટર દૂર તણાઈ ગયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"એવી માન્યતા છે કે સિપાહી હરભજનસિંહ તેના સાથી સૈનિકના સપનામાં આવ્યા અને પોતાની સમાધિ બનાવવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી. યુનિટે આ વાતનો સ્વીકાર કરીને હાલના સ્થળથી નવ કિલોમીટર દૂર મંદિરનું નિર્માણ કરાવ્યું. પર્યટકોની સુવિધાને ધ્યાને લેતા તા. 19 નવેમ્બર 1982ના દિવસે આ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું."
જ્યારે કોઈ નવી સૈન્ય ટુકડી ફરજ બજાવવા માટે અહીં પહોંચે છે કે સૈનિક અહીં આવે છે, ત્યારે સૌ પહેલાં બાબાના આશીર્વાદ લે છે.
પંજાબ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકૉલૉજીના ચૅરમૅન ડૉ. રોશન લાલના કહેવા પ્રમાણે, "આપણી અનેક ઇચ્છાઓ હોય છે, જેને આપણે સામાજિક દબાણને કારણે દબાવી દઈએ છીએ. તે આપણા અર્ધચેતન કે સુષુપ્ત મનમાં જતી રહે છે. તે સપના સમયે બહાર આવે અને આપણે તેને પૂર્ણ કરીએ છીએ."
"ડ્રીમ એનાલિસિસ મુજબ 'પ્રતીકાત્મક સ્વપ્ન' આવી શકે, જેમાં આપણને અમુક અણસાર મળી શકે છે, જેને વૈજ્ઞાનિક રીતે પુરવાર કરવું શક્ય નથી. પરંતુ સંપૂર્ણપણે સાચું સપનું આવે એવું ક્યારેય શક્ય નથી."
સૈનિકો દ્વારા મુલાકાતીઓને પ્રસાદ વહેંચવામાં આવે છે. અહીંની દિવાલો પર અલગ-અલગ યુનિટ્સ દ્વારા લગાડવામાં આવેલી 'બાબા આશીર્વાદ આપો'ની તકતી એ વાતની પુષ્ટિ કરે છે કે અહીં ફરજ બજાવનારા ભારતીય સૈનિકો માટે બાબા હરભજનસિંહ કેટલા શ્રદ્ધેય છે.

સતત સતર્ક સૈનિક

ઇમેજ સ્રોત, BHARAT RAKSHAK
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાબા હરભજનસિંહ ભારતીય સૈનિકોના સપનામાં આવીને ચીનના સૈનિકોની હિલચાલ વિશે આગોતરી જાણ કરી દેતા. જો કોઈ સૈનિક ફરજ ઉપર આંખનું ઝોકું ખાય તો કોઈકે તેમને લાફો માર્યાનો અનુભવ થતો.
માત્ર ભારતીય જ નહીં ચાઇનિઝ સૈનિકોને પણ તેઓ સપનામાં દેખા દે છે. તેમણે પણ ઘોડા ઉપર સવાર હરભજનસિંહને જોયા હોવાનો ભારતીય મીડિયાનો દાવો છે.
ભારતીય સેનાને ચીનની સેનાની કોઈ હિલચાલ ન ગમે તો તેના વિશે ચાઇનિઝ સૈનિકોના સપનામાં જઈને તેમને જાણ કરતા, જેથી કરીને સંભવિત હિંસાને ટાળી શકાય. બંને દેશના ઉચ્ચ સૈન્યઅધિકારીઓની બેઠક સમયે એક ખાલી ખુરશી બાબા હરભજનસિંહની રાખવામાં આવે છે.
બંકરમાં ભારતીય સૈનિકો દ્વારા બાબાની જૂતાને પૉલિશ કરવામાં આવે છે. તેમની વરદી ગોઠવવામાં આવે છે અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકવામાં આવે છે. અહીં પ્રવેશતી વખતે તેઓ પગરખાં પણ કાઢી નાખે છે.
અહીં તહેનાત સૈનિક સુભાષચંદ્રે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "રાત્રે અમે બાબાની પથારી પાથરી દઈએ છીએ. સવારે ઉઠીને જોઈએ તો પલંગની ઉપરની પથારીમાં કરચલીઓ જોવા મળે છે. જ્યાં માથું મૂકીએ ત્યાં ઓશિકું ચીકણું થઈ જાય. રાત્રે બૂટનો ઉપયોગ કરે છે એટલે તેના ઉપર માટી પણ આવી જાય છે."
દર વર્ષે દિબ્રૂગઢ એક્સપ્રેસની તા. 15મી સપ્ટેમ્બરના દિવસે કપૂરથલાના તેમના ગામ ખાતેની ટિકિટ દાયકાઓ સુધી બૂક કરાવવામાં આવતી. સાથી સૈનિકો રીતસર તેમનો સામાન લઈને બેસતા અને કપૂરથલામાં તેમના ગામ સુધી મૂકવા જતા.
રેલવે સ્ટેશનથી જ મહેમાનને આવકારવા જેવો માહોલ ઊભો થઈ જતો અને તેમના સામાનને રંગેચંગે ઘરે લાવવામાં આવતો. જ્યાં તેમના ઘરમાં પણ બંકર જેવો જ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ મુલાકાતીઓ માટે શ્રદ્ધેયસ્થળ બની ગયું છે.
ડૉ. લાલના કહેવા પ્રમાણે, "સૈનિકને તન અને મનથી દેશની સુરક્ષા માટે તાલીમબદ્ધ કરવામાં આવે છે. સરહદ પર તહેનાત સૈનિકના માનસમાં ચોવીસ કલાક બૉર્ડરની સુરક્ષાના વિચાર હોય છે. સાથી સૈનિકો પાસેથી સ્થાનિકો સાથે ચર્ચા દરમિયાન બાબા હરભજનસિંહ સપનામાં આવતા હોવાની વાત ત્યાં તહેનાત સૈનિકોએ સાંભળી હોય અને પછી એજ વાતોને તે સપના સ્વરૂપે તેઓ જુએ એવું બની શકે."
સૈનિક તરીકે જોડાયેલા બાબા હરભજનસિંહને સમયાંતરે બઢતી મળતી રહી અને તેઓ માનદ્દ કૅપ્ટનના પદ સુધી પહોંચ્યા. જે નૉન-કમિશન્ડ ઓફિસર તરીકેની સર્વોચ્ચ રૅન્ક છે.
સેના દ્વારા આવી રીતે બઢતી આપવાની પ્રણાલી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી હોવાની દલીલ સાથે પહેલી શીખ લાઇટ ઇન્ફેન્ટ્રીના નિવૃત્ત સુબેદાર પ્યારેસિંહે અદાલતમાં અરજી કરી હતી, જે પછી રજા ઉપર આવવાની બાબાની પ્રણાલી બંધ થઈ ગઈ.

હરભજનસિંહ જે બની ગયા 'બાબા'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મેઇન-સ્ટ્રીમ મીડિયા, સોશિયલ મીડિયા, વીલૉગર્સ તથા યૂટ્યુબર્સના વીડિયોએ નાથુ લા પાસેના આ સ્મારકસ્થળને તીર્થસ્થાન બનાવી દીધું છે. હરભજનસિંહ દ્વારા સરહદની સુરક્ષા સાથે-સાથે બીજી પણ માન્યતાઓ જોડાઈ ગઈ અને નાગરિકો માટે તેઓ 'બાબા' તરીકે પૂજનીય બની ગયા છે.
'દેશભક્તિ સ્થલ' પાસે બાબા અંગેની વિગતોમાં લખ્યા પ્રમાણે, "બાબા હરભજનસિંહના મંદિરમાં પાણી ચઢાવવામાં આવે અને પછી તે પાણી પીવામાં આવે તો તે સ્વસ્થ થઈ જાય છે. એટલે મંદિરમાં બીમાર વ્યક્તિના નામની પાણીની બોટલ મૂકવામાં આવે છે અને પછી તેને લઈ જાય છે."
"આ પવિત્રજળ 21 દિવસ પીવામાં આવે છે. આ દરમિયાન પરિવારના કોઈપણ સભ્ય દ્વારા શરાબનું સેવન નથી કરવામાં આવતું કે માંસાહાર નથી કરાતો."
મંદિરમાં મૂકવામાં આવેલી ઢગલો બોટલો એ વાતની સાક્ષી પુરે છે કે લોકોમાં આ માન્યતા કેટલી પ્રબળ અને પ્રચલિત છે. રાજકોટ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કૉલેજમાં સાઇકિયાટ્રી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. મુકેશ સામાણીએ બાબા હરભજનસિંહ મંદિરની મુલાકાત લીધી છે.
અહીં પાણીની બૉટલ મૂકી જવાથી તે ચમત્કારિક પરિણામો આપે છે તેના વિશે ડૉ. સામાણીનું કહેવું છે : "શ્રદ્ધાની સાઇકૉલૉજી એ ક્રાઉડ સાઇકૉલૉજી છે. આવી વાતોને યથાતથ સ્વીકારી લેનારને ક્યારેય તેની ઉપર શંકા નહીં જાય. કરોડો લોકોને માટે શ્રદ્ધાની વાત કોઈકને માટે વિચારણીય સુદ્ધાં ન હોય."
"ચમત્કારિક મનાતાં સ્થળો સાથે કોઈક કહાણી જોડાયેલી હોય છે, જે ધીમે-ધીમે ફેલાતી જાય. કાળક્રમે તેમાં નવી કહાણીઓ ઉમેરાતી જાય અને તે પણ આગળ વધતી રહે. એક તબક્કો આવે કે જ્યારે ચોક્કસવર્ગ માટે મિથક એ તથ્ય બની જાય અને તેને યથાભૂત રીતે સ્વીકારવા લાગે. આ વાયકાઓ ક્યારે શરૂ થઈ અને કોણે શરૂ કરી, તે ક્યારેય જાણી ન શકાય."
કેટલાક સ્થાનિકો અને અહીં ફરજ બજાવનારા સૈનિકો બાબાજીના મંદિરમાં મૂકવામાં આવેલી પાણીની બોટલોની ચમત્કારિક અસર વિશેની વાતો ખાતરીપૂર્વક તો અમુક સૌગંધપૂર્વક કહે છે. આના વિશે ડૉ. લાલનું કહેવું છે : "આ બાબત સંપૂર્ણપણે મિથકીય વિશ્વાસ ઉપર આધાર રાખે છે. શરીર અને મગજ વચ્ચે સીધો સંબંધ છે. જો સકારાત્મકતા સાથે પાણીને પણ લેવામાં આવે તો તેનો લાભ જોવા મળી શકે છે અને જો નકારાત્મકતા સાથે દૂધને લેવામાં આવે તો પણ તેની નૅગેટિવ અસર થાય છે."
'મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.' કબીરના આ દોહા દ્વારા ડૉ. લાલે પોતાની વાતને સમજાવવાનો પ્રયાસ કરે છે.

એ ખોટી માન્યતા

જોકે, એક માન્યતા એવી છે કે જેનું ચોક્કસથી ખંડન થઈ શકે છે. વાચકો દ્વારા સંપાદિત સંદર્ભ વેબસાઇટ વિક્કીપીડિયાના તથા અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ, બાબા હરભજનસિંહને વીરતા માટે આ દેશનો બીજા ક્રમાંકનો શૌર્ય પુરસ્કાર 'મહાવીર ચક્ર' એનાયત થયો હતો.
એકસમાન નામ, લગભગ એકસમાન કાર્યકાળ અને એક જ સ્થળને કારણે આ અવઢવ ઊભી થઈ છે, એવું ચોક્કસપણે કહી શકાય. ભારતના પરમવીર ચક્ર તથા મહાવીર ચક્ર વિજેતાઓના પરાક્રમો અંગે ડૉ. બીસી ચક્રવર્તી દ્વારા પુસ્તક 'સ્ટોરીઝ ઑફ હિરોઇઝમ' લખવામાં આવ્યું છે, જેને ડૉ. યુપી થાપિયાલે સંપાદિત કર્યું છે. તેમાં (પેજ નંબર 197) ઉપર મેજર હરભજનસિંહ તથા તેમના પરાક્રમ વિશે વિવરણ આપવામાં આવ્યું છે. જે મુજબ:
'વર્ષ 1967માં નાથુ લા ખાતે ભારત અને ચીનની સરહદ વચ્ચે વાડબંધી કરવાનું કામ ભારતીય સેનાની એંજિનિયરિંગ પાંખ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. એ સમયે બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો, જેમાં 18 રાજપૂતની 'એ' કંપનીની કમાન મેજર હરભજનસિંહ (IC-14655) સંભાળી રહ્યા હતા. તેમને વાડબંધી કરી રહેલા સૈનિકોની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું હતું.'
'ખુલ્લામાં રહેલા ભારતીય એંજિનિયરો ઉપર હુમલો થયો એટલે મેજર હરભજનસિંહે તેમની ટુકડીને વળતો ગોળીબાર કરવાના આદેશ આપ્યા. તેમણે પોતે બૅયોનેટથી ત્રણ ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા અને ગોળીઓ વરસાવી રહેલી મશીનગનને હેન્ડગ્રૅનેડથી શાંત કરવા માટે ધસી ગયા હતા. આ વીરતા બદલ તેમને મહાવીર ચક્ર એનાયત થયો હતો.'
ભારતીય સેનાનાએ યુદ્ધ પરથી જેપી દત્તાએ 'પલટન' નામથી ફિલ્મ બનાવી હતી, જેમાં હર્ષવર્ધન રાણેએ મેજર હરભજનસિંહની ભૂમિકા ભજવી હતી. એ સમયના 'ટાઇગર નાથુ લા' (તત્કાલીન) મેજર બિશનસિંહ હતા, ફિલ્મમાં સોનુ સુદે આ ભૂમિકા ભજવી હતી.
બાબા હરભજનસિંહની વાયકા અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રિટાયર્ડ કર્નલ બિશનસિંહે કહ્યું, "વ્યક્તિગત રીતે મારું માનવું છે કે આ એક સંયોગ છે. એકને સપનું આવ્યું તે એકથી ત્રણ લોકો સુધી, ત્રણથી 30 અને પછી 30 હજાર સુધી આ વાત ફેલાઈ, પછી મીડિયાએ પણ તેને હવા આપી. આ પોત-પોતાના વિશ્વાસની વાત છે."
બાબા હરભજનસિંહ વાસ્તવિકતા છે, સંયોગ છે કે માત્ર મિથક. તે વાદવિવાદ, ચર્ચા અને દલીલોનો વિષય હતો, હાલમાં છે અને કદાચ આવનારા સમયમાં પણ રહેશે જ.














