સદ્દામ હુસૈને એક લાખ કરતાં વધારે મુસ્લિમોને મારી નાખ્યા હતા?

સદ્દામ હુસૈન

ઇમેજ સ્રોત, Getty Images

'મારી સામે મારી માને મારી નાંખવામાં આવી હતી અને એ જોઈને હું થરથરી ગયો હતો. પણ મારી શક્તિ નહોતી કે તેમને બચાવી શકું. ત્યાર બાદ મારી બે બહેનોની પણ મારી આંખ સામે હત્યા કરી નાખવામાં આવી. તેમની પણ હું રક્ષા ન કરી શક્યો.'

"હત્યારાઓએ આટલેથી ન અટકતાં મારા બધા સગા-સંબંધીઓને મારી નાખ્યાં." મૃતકોનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ સદ્દામ હુસેનના ઇરાકના કુર્દિશ નાગરીકો હતા. તૈમુર અબ્દુલ્લા અહમદને તે 1988ના મે મહિનાના એ દિવસની દરેક વાત યાદ છે. ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષ હતી.

મોતના મુખમાંથી તો તૈમુર બચી ગયા હતા પરંતુ તેઓ જે હત્યાકાંડના સાક્ષી રહ્યા છે તેની કળ હજી વળી નથી અને એનો ખ્યાલ બીબીસી સાથે તેમણે કરેલી વાતચીત પરથી આવે છે.

"હું તે દિવસે જ મરી ગયો હતો. મારી મા અને બહેનોને દફનાવવામાં આવ્યાં અને તેમની સાથે જ મારી સંવેદનાઓ મરી પરવારી હતી."

ઇરાકી સૈનિકોએ છોડેલી ગોળીઓ તૈમુરના હાથ અને પીઠમાં વાગી હતી છતાં અંધારું થયા બાદ ખાડામાંથી ઘસડાઈને બહાર આવ્યા અને જીવ બચાવવામાં સફળ રહ્યા તે આખો ઘટનાક્રમ કોઈ ચમત્કારથી કમ નથી.

તૈમુર અબ્દુલ્લા અહમદના મનોજગતમાં તે હત્યાકાંડ આજેય તાજો છે. એ પીડાદાયક ઘટનાક્રમની વાત કરતાં કહે છે કે "મારી માના માથામાં ગોળી વાગી, ગોળીનો વેગ એટલો તીવ્ર હતો કે તેમનો સ્કાર્ફ ખૂલી ગયો હતો."

"એક ગોળી મારી એક બહેનના ગાલમાં વાગી અને માથામાંથી બહાર નીકળી. મારી બીજી બહેનના હાથમાં ગોળી મારી ત્યારે ત્યાંથી લોહી પાણીની જેમ દડદડતું બહાર આવવા લાગ્યું હતું."

ક્યારેક એ ભૂતકાળ યાદ આવી જાય છે ત્યારે એમની ઊંઘ ઊડી જાય છે. જ્યારે કોઈ 12-13 વર્ષનાં છોકરાં કે છોકરીને જુએ છે ત્યારે પોતાના કુટુંબ પર કેવું-કેવું વીત્યું એના વિચારે ચડી જાય છે.

'એક નોર્મલ માણસની જેમ હું જીવી શકતો નથી. જ્યારેજ્યારે મને એ ભયાવહ ઘટનાઓ યાદ આવે છે ત્યારેત્યારે હું મરું છું'

આજે તૈમુર અબ્દુલ્લા અહમદની વય 43 વર્ષની છે, બીબીસી સાથેની વાતચીતમાં જીવ બચાવવાની અને ન્યાય મેળવવા ચાલી રહેલા સંઘર્ષની તેમણે વાત કરી.

'જ્યાં મારા સ્વજનો દફન છે'

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ઇરાકમાં સદ્દામ હુસેન દ્વારા મારવામાં આવેલા સંખ્યાબંધ લોકોની સામૂહિક કબરો મળી આવી હતી

જૂન મહિનામાં ઇરાકી સત્તાવાળાઓએ તૈમુર અબ્દુલ્લા અહમદના સગાસંબંધીઓને જ્યાં દફન કરવામાં આવ્યા હતા ત્યાં ખોદકામ શરૂ કર્યું. પરંતુ તે અંગે તેમના જીવિત પરિવારજનોને જાણ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નહીં એવું તેમનું માનવું છે.

તેઓ દફન કરાયેલા મૃતદેહોને કુર્દીશ પ્રદેશમાં લઈ જઈને તેમના અંતિમસંસ્કાર કરવા માંગતા હતા.

આ બાબતે તૈમુર જણાવે છે કે 'હું ઈચ્છું છું કે આખું વિશ્વ જાણે કે અમારા લોકો પર શું વીત્યું છે. પોતાની માની આંગળી ઝાલીને પડેલા બાળકને વાગેલી ગોળીઓ પર કૅમેરા ઝૂમ થવા જોઈએ.'

તેમનું માનવું છે કે ઇરાકમાં કુર્દીશો પર જે અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવ્યા અને તેમનો નરસંહાર કરવામાં આવ્યો તે અંગે વૈશ્વિક સમુદાય પૂરતો પરિચિત નથી.

તૈમુર અબ્દુલ્લા અહમદ યૂએસએમાં રહેતા હતા પરંતુ જ્યારે મિત્રોએ તેમને જાણ કરી કે તેમના ગામમાંથી કબરો ખોદવામાં આવી રહી છે ત્યારે તેઓ તાત્કાલિક ઇરાક પહોંચી ગયા.

એ કબરોનું ખોદકામ અટકાવવા માટે તૈમુર અબ્દુલ્લા અહમદ આજે લડી રહ્યા છે. ત્યાં તેમના સ્વજનોની નિશાની દટાયેલી હોવાનું એમનનું માનવું છે.

સામૂહિક હત્યાકાંડ

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, TAIMOUR ABDULLA AHMED

ઇમેજ કૅપ્શન, અહેમદ કહે છે કે આ પરિવારે તેમને બચાવવા માટે પોતાનો જીવ ખતરામાં નાખ્યો હતો

ગત એક દાયકા દરમિયાન ઇરાકમાં કુદોર્ની હત્યા કરીને તેમને દફનાવી દીધા હોય તેવી કેટલીયે સામૂહિક કબરો મળી આવી છે.

ઇરાકી સરકાર તેમની સંખ્યા 70 હોવાનું જણાવી રહી છે, જેમાંથી 17 સામૂહિક કબરો ખોલવામાં આવી છે.

ઈરાન અને ઇરાક વચ્ચેનું યુદ્ધ અંતિમ તબક્કે હતું ત્યારે સદ્દામ હુસેને આ કાતિલ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેને 'અલ-અન્ફાલ' નામે ઓળખવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત ઉત્તરી ઇરાકમાં વસતી કુર્દ પ્રજાની મોટાપાયે કતલ કરવામાં આવી.

કુર્દોનું એક જૂથ ઈરાન સમર્થક હતું. તેમને પાઠ ભણાવવા તેમજ કુર્દોની શાસનમાં ભાગીદારીની મહત્ત્વાકાંક્ષાને કચડી નાખવા માટે સદ્દામ હુસેને આ નરસંહારનો આદેશ આપ્યો હતો.

માનવાધિકારો માટે કાર્યરત સંસ્થા 'હ્યુમન રાઈટ્સ વૉચ'નું માનવું છે કે આ કાર્યવાહીમાં એક લાખ લોકોને મારી નાખવામાં આવ્યાં હતાં અને જાતિસંહાર માટે હાથ ધરવામાં આવેલી પદ્ધતિસરની આ કાર્યવાહીમાં રાસાયણિક શસ્ત્રોનો પણ ઉપયોગ કરાયો હતો.

જો કે કુર્દસૂત્રો આ મૃતકઆંક આથી પણ વધુ હોવાનું જણાવે છે. તેમના મતે 1,82,000 કુર્દોની હત્યા કરવામાં આવી હતી.

ગામની હાલત

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇરાકમાં કબરમાંથી મૃતદેહો બહાર લાવવાની કામગીરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈ.સ.1988ના એપ્રિલ મહિનામાં જ્યારે તૈમુર અબ્દુલ્લા અહમદના ગામમાં આ પ્રકારની કાર્યવાહીના આદેશો અપાયા હોવાના સમાચાર પહોંચ્યા ત્યારે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.

'ઉત્તરી ઈરાકમાં આવેલા કુર્દોના એક પછી એક ગામનો વારો લેવાનું ચાલુ થયું હતું.'

જેટલું તૈમુરને યાદ આવે છે એ પ્રમાણે ગામમાં મોટા ભાગના તેમના સગાવહાલાં હતા અને તેમાંથી મોટા ભાગે ખેતી કરતા હતા.

ઉત્તરી ઈરાકના પર્વતીય વિસ્તારમાં આવેલા કુલાજો ગામમાં છુટ્ટીછવાઈ વસ્તી છે. આ ગામ તૈમુર અબ્દુલ્લા અહમદનું છે.

પોતાના ગામ વિશે વાત કરતાં તેઓ કહે છે કે "જો કોઈ અમારા એ વિસ્તારથી પરિચિત ન હોય તો તેના માટે અમારું ગામ શોધવું મુશ્કેલ હતું. પરંતુ સદ્દામને વહાલા થવા તલપાપડ રહેતા ઘણા કુર્દો હતા. આવા કુર્દોએ જ ઇરાકી દળોને અમારા ગામનો રસ્તો દેખાડ્યો હતો.'

એપ્રિલના એ ઘાતક દિવસે આખા ગામના 110 લોકોને ગામ છોડી જવાનું કહેવામાં આવ્યું.

તેઓનું કહેવું હતું કે તેમણે લોકો માટે રાહત શિબિરો નાખી છે, જ્યાં જઈને તમે સુખેથી રહી શકશો. તમારા પર ત્યાં કોઈ જોખમ નહીં રહે અને પાણીથી લઈને વિજળી સુધીની બધી સુવિધાઓ શિબિરમાં છે.

સૈન્યનો હુકમ હતો એટલે પાળ્યા વિના છૂટકો નહોતો.

તેમના આદેશ મુજબ કેટલાક ગામવાસીઓ સૈન્યનાં વાહનમાં ચડી ગયા. જ્યારે તૈમુર અબ્દુલ્લા અહમદ અને તેમનું કુટુંબ પોતાના ટ્રેક્ટરમાં આ વાહનોની પાછળ ચાલવા લાગ્યું.

અલગ પાડી દેવાયા

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, TAIMOUR ABDULLA AHMED

ઇમેજ કૅપ્શન, 'મને નહોતું કહેવામાં આવ્યું કે જે કબરમાં મારાં માતા અને બહેનોના અવશેષો છે તેને ખોલવામાં આવી છે'

ગામલોકોને ઉત્તરી ઈરાકસ્થિત મિલિટરી બેઝ ટોપ્ઝાવા લઈ જવામાં આવ્યાં.

જ્યાં પુરુષોને મહિલાઓથી અલગ કરી દેવામા આવ્યા. પછી પુરુષોના બધા વસ્ત્રો કઢાવી નાખીને, આંખે પટ્ટી બાંધીને ક્યાંક લઈ જવાયા. તે વખતે તૈમુર પિતા અબ્દુલ્લા અહમદથી છુટ્ટા પડ્યા તે પડ્યા. એ વખતે પિતાને છેલ્લીવાર તૈમુરે જોયા હતા.

બાળકોને તેમની માતાઓ સાથે રાખવામાં આવ્યાં હોઈ તૈમુર બહેનો અને માતા સાથે હતા. જ્યાં તેમને લગભગ એક મહિનો અટકાયતમાં રાખવામાં આવ્યાં.

મે મહિનાના એક ધોમ ધખતા દિવસે બધી મહિલાઓ અને બાળકોને ત્રણ મિલિટરી ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યાં.

આ ટ્રક બધી બાજુથી બંધ હતી. દક્ષિણ દિશામાં ત્રણેય ટ્રકને અમુક કલાકો ચલાવ્યા બાદ એક અજાણ્યા સ્થળે ઊભી રખાઈ. તૈમુર કહે છે કે, "ટ્રકમાં અતિશય ગરમી હતી. થાક અને ગરમીને કારણે બે નાની છોકરીઓ ટ્રકમાં જ મૃત્યુ પામી હતી. નિર્જન સ્થળે ટ્રક ઉભી રાખ્યાં બાદ અમને પીવા માટે પાણી આપવામાં આવ્યું. પાણીમાં કંઈક અજીબ કેમિકલ હતું કારણ કે એ પીધાં બાદ અમે સૌ સંવેદનાશૂન્ય બની ગયાં હતાં."

" અમારા બધાની આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા હતા. હાથ પાછળ બાંધીને અમને ફરી ટ્રકમાં ચડાવી દેવાયાં."

કોઈક રીતે તૈમુર અબ્દુલ્લા અહમદે પોતાના બાંધેલા હાથ છોડાવી નાખ્યાં અને પછી આંખ પરનો પાટો હઠાવ્યો.

ગોળીબાર

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, TEIMOUR ABDULLAH AHMED

ઇમેજ કૅપ્શન, સૈન્યછાવણીમાં અહેમદના પિતા અને અન્ય પુરુષોને અલગ કરી દેવામાં આવ્યા હતા

આ બધુ બન્યાની પાંચેક મિનિટ બાદ ટ્રક ફરી એક જગ્યાએ ઉભી રહી. ટ્રકનો દરવાજો ખૂલ્યો ત્યારે તૈમુરે જોયું કે બુલડોઝર દ્વારા ત્રણ મોટા ખાડા પાસપાસે ખોદવામાં આવ્યા હતા.

'મેં જોયું કે બે ઈરાકી સૈનિકો AK47 રાયફલો ખાડા તરફ તાકીને ઉભા હતા.'

સ્ત્રીઓ અને બાળકોને ટ્રકમાંથી ઉતારીને ખાડામાં ધકેલી દેવામાં આવ્યાં.

'અચાનક સૈનિકોએ અમારી તરફ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. એક ગર્ભવતી મહિલાને ગોળીઓથી વીંધી નાખતાં તેમનું પેટ ફાટી ગયું.'

તૈમુર અબ્દુલ્લા અહમદના ડાબા હાથમાં ગોળી વાગી. તેને શું કરવું તે સમજાયું નહીં.

'હું મૃત્યુ પામ્યો હોવાનો ડોળ કરતો પડી રહ્યો. ધાણીફૂટ ગોળીબાર ચાલુ હતો, ગોળીઓ મારા માથા, ખભા અને પગની બાજુમાં વાગી રહી હતી. ધરતી ધ્રૂજી રહી હોય તેવું લાગતું હતું. બધે લોહી જ લોહી હતું.'

તૈમુરને પીઠમાં બે ગોળીઓ વાગી હતી, જેનાં નિશાન આજે પણ તેમની પીઠ પર મોજૂદ છે. આ નિશાન બતાવતાં તૈમુર કહે છે કે, 'હું મોતની રાહ જોઈ રહ્યો હતો.'

અંતે બચી નીકળ્યા

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, TEIMOUR ABDULLAH AHMED

ઇમેજ કૅપ્શન, અહેમદ કહે છે કે ટોપવાઝા સૈન્ય છાવણીમાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી

તૈમુર માને છે કે તેમની અન્ય એક બહેન બાજુંના ખાડામાં મૃત્યુ પામી હતી.

આટલું કહીને આગળ જણાવે છે કે "ત્યારે હું 12 વર્ષનો હતો અને મારી એક બહેન લગભગ 10 વર્ષની, બીજી 8 વર્ષની અને ત્રીજી છએક વર્ષની હતી."

ગોળીબાર બંધ થયો ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. સૈનિકો ચાલ્યા ગયા હોવાનું લાગતા તૈમુર ખાડામાંથી ઢસડાતા ઢસડાતા માંડ બહાર આવે છે.

બહાર આવ્યા બાદ રણપ્રદેશમાં ચાલી નીકળે છે. જેમતેમ કરીને ઇરાકી બેદૂઈન કુટુંબના તંબૂ પાસે પહોંચે છે.

'મને દવાખાને લઈ જવામાં જોખમ હતું એટલે બેદૂઈનોએ તેમના ગામના હકીમ પાસે લઈ ગયા. તેમની સારવાર અને દવાથી હું ધીમેધીમે સાજો થઈ ગયો.'

આશ્રયદાતા ઇરાકી બેદૂઈન કુટુંબ જાણતું હતું કે કુર્દ છોકરાને આશ્રય આપવો જીવલેણ સાબિત થઈ શકે છે. તેમ છતાં જીવના જોખમે તેઓએ તૈમૂરની સેવાચાકરી કરી.

સાજા થઈ ગયા બાદ તૈમુર અબ્દુલ્લા અહમદ કઈ રીતે ત્યાંથી નીકળ્યા તેની વાત કરતાં કહે છે કે "મારા એક સગા ઇરાકી સૈન્યમાં ફરજ બજાવતા હોવાનું મારી જાણમાં હતું. મેં તેમનો સંપર્ક કર્યો અને તેમની મદદથી ત્રણ વર્ષ બાદ મને કુર્દિશ વિસ્તારમાં જવામાં સફળતા મળી."

સંઘર્ષ

 સદ્દામ હુસૈને ઇરાકમાં કુર્દો પર અત્યાચાર

ઇમેજ સ્રોત, TAIMOUR ABDULLA AHMED

વર્ષ 1991માં તૈમુર કુર્દવિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમના બચી જવાની વાત ફેલાતા વાર ન લાગી.

'મારા બચી જવાની વાત જાહેર થતાં ઇરાકી સૈન્ય અધિકારીઓ અને તેમના મદદગાર કુર્દિશો મારી શોધમાં લાગી ગયા.'

સિતમગરો સાથે સંતાકૂકડી ચાલી રહી હતી ત્યારે તૈમુરની ઉંમર માંડ પંદર વર્ષ હતી.

પરીણામે થોડાથોડા સમયે એક સગાને ત્યાંથી બીજા સગાને ત્યાં એમ ઘર બદલતા રહેવું પડતું.

બાળી મૂકવામાં આવેલા ઘરો અને નિર્જન ગામોમાં તૈમુરને છુપાઈને રહેવું પડતું.

"હું એક ખાલીખમ કુર્દિશ ગામમાં એકલો રહેતો હતો. મારી પાસે ખાવા માટે કશું નહોતું. ક્યારેક ક્યારેક પાંદડાં ખાવાં પડતાં હતાં."

સમય પસાર થયો અને ઇરાકની પરિસ્થિતિમાં સુધારો થયો. તૈમુરની રાજકીય આશ્રય મેળવવાની અરજી મંજૂર કરવામાં આવી.

"ઈ.સ 1996માં મને યૂએસએમાં આશ્રય મળ્યો અને મેં વાહનના સ્પેરપાર્ટનો ધંધો શરૂ કર્યો. આજે પણ હું આ જ વ્યવસાય કરી રહ્યો છું."

વર્ષ 2009માં તૈમુર ઇરાક પાછા આવે છે. આશય હતો મા અને બહેનોને જ્યાં દફનાવવામાં આવ્યાં હતાં તે જગ્યા શોધવી.

બગદાદ શહેરની દક્ષિણે 280 કિલોમીટરના અંતરે સામવાહ નામના સ્થળે જાય છે, જ્યાં એ બેદૂઈન પરીવારની મુલાકાત લે છે જેમણે તૈમુરને આશ્રય આપ્યો હતો.

'મેં તેમને પૂછ્યું કે જ્યારે હું તમને પહેલી વખત મળ્યો ત્યારે તમારો તંબૂ ક્યાં હતો. કારણ કે બેદૂઈનો રખડતું ભટકતું જીવન ગુજારતા હોય છે. તેઓ મને તે સ્થળે લઈ ગયા. ત્યારનું કશું યાદ તો નહોતું પણ અંતરાત્માના અવાજને અનુસરીને કબર શોધવાનું શરૂ કર્યું.'

વેરાન રણપ્રદેશમાં દિશા મળવી સહેલી નહોતી છતાં તૈમુરે શોધખોળ ચાલુ રાખી અને તેનું પરીણામ મળ્યું.

'જ્યારે મેં કબર જોઈ ત્યારે પહેલાં તો ધ્રૂજી ગયો અને પછી રડવા લાગ્યો."

"મને લાગ્યું કે ઉપરવાળાએ મારો જીવ બચાવ્યો છે તો તેની પાછળ કોઈક સંકેત હોવો જોઈએ. ઉપરવાળાએ મને એક મિશન સોંપ્યું છે અને તે છે નિર્દોષો પર થયેલા અત્યાચારની વાત દુનિયા સમક્ષ લાવવી કારણ કે એ નિર્દોષો હવે ક્યારેય પોતાના પર થયેલા અત્યાચારો વિશે કશું બોલી શકે તેમ નહોતા.'

તૈમુર અબ્દુલ્લા અહમદે ઇરાકના રાજનેતાઓને વિનંતી કરી છે કે મૃતકોના અવશેષોને સન્માનપૂર્વક યોગ્ય સ્થાને લાવવામાં આવે.

"મેં ઇરાકી સત્તાવાળાઓનો સંપર્ક કર્યો અને તેમને ભારપૂર્વક જણાવ્યું કે જો આ કબરો અંગે કોઈ નિર્ણય લેવામાં આવે તો તે વિશે મને જાણ કરવામાં આવે."

"મારી પાસે મારી મા અને બહેનોની એક તસવીર પણ નથી. મારી ઈચ્છા છે કે કબરમાં રહેલી મા અને બહેનોના અવશેષો સાથે મારી એક તસવીર હોય. પરંતુ ઈરાકી સત્તાવાળાઓએ મારી ગેરહાજરીમાં કબરો ખોદાવવાનું શરૂ કરી દીધું."

અશક્ય કાર્ય

ઇરાકમાં સદ્દામ હુસૈને કુર્દો પર કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, TEIMOUR ABDULLAH AHMED

તૈમુર અબ્દુલ્લા અહમદને જે સંભવિત જગ્યા લાગે છે કે જ્યાં તેમના સગાઓને મારીને ખાડામાં દાટી દેવામાં આવ્યા હતાં તે સ્થાને 170 કરતાં વધુ મૃતદેહો મળી આવ્યા છે.

ઇરાકી સત્તાધીશોનું કહેવું છે કે આ બાબત અંગે લાગતા-વળગતા સગાસંબંધીઓને જાણ કરવાની જવાબદારી કુર્દ વહીવટીતંત્રની છે.

જ્યારે કુર્દિસ્તાન પ્રાદેશિક સરકારના પ્રવક્તા ફવાદ ઓસ્માન તાહાની દલીલ છે કે 'માર્યા ગયેલા લોકોના તમામ સગાવહાલાનો સંપર્ક કરવો તેમના માટે મુશ્કેલ છે.'

"તૈમુર (અબ્દુલ્લા) યૂએસએમાં રહે છે. અમે અહીં રહેતા લોકો પર ધ્યાન આપી રહ્યા છીએ."

"સગાસંબંધીઓને જાણ કરતાં પહેલાં અમારે મૃતદેહોની ઓળખવિધિ કરવી પડે છે. મૃત વ્યક્તિ ક્યાં રહેતી હતી એ દર્શાવતા ઓળખપત્ર કે કપડાં શોધવાં અમે પ્રયાસ કરીએ છીએ કે જેથી તેમની ઓળખ કરી શકાય."

તેમણે વધુમાં જણાવ્યું કે મૃતદેહના ડીએનએના નમૂના લેવામાં આવે છે, તેના ટેસ્ટ કરવામાં આવે છે અને દરેક બોડીને એક કોડ આપવામાં આવે છે.

"જ્યારે અમને મૃતકના સગાવહાલાનો પત્તો લાગી જાય છે ત્યારે અમે મૃતદેહ તેમના શહેર કે ગામ લઈ જવામાં મદદ કરીએ છીએ. જેથી તેઓ મૃતકની અંતિમવિધિ કરી શકે."

આગળ તાહા ઉમેરે છે કે,"જે નિર્દોષોની હત્યા કરવામાં આવી છે તેમને ન્યાય મળે તેમ અમે ઈચ્છીએ છીએ પરંતુ અમારા મંત્રાલયનું કામ યુદ્ધદોષિતોને પકડવાનું નથી. જેઓ આ હત્યાકાંડ માટે જવાબદાર છે, તેઓના ગુના પુરવાર થાય તે માટેની સાબિતીઓ અમે સ્થળ પરથી એકઠી કરીએ છીએ અને તેને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરીએ છીએ.'

ન્યાય

ઇરાકમાં કુર્દો પર સદ્દામ હુસૈને કરેલા અત્યાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેમિકલ અલી ઉર્ફે અલી હસન અલ માજિદને માનવતા વિરુદ્ધ અપરાધના આરોપમાં સજા કરવામાં આવી હતી

યુએસએથી તાત્કાલિક ઇરાક જઈને તૈમુરે રણવિસ્તારમાં ધામા નાખ્યા છે.

તે સત્તાધીશોને ખાડા ખોદતા અટકાવવા માંગે છે કારણ કે તેનું માનવું છે કે બૂરી દેવામાં આવેલા એ વિશાળ ખાડાઓમાં તેમનાં મા અને બહેનોના મૃતદેહો છે.

તૈમુર કહે છે કે, "હું અહીં જ રહેવાનો છું કારણ કે મારે કબરોની રક્ષા કરવાની છે."

તૈમુરના જણાવ્યા અનુસાર તેઓ વધુ સામૂહિક કબર શોધી કાઢી હોવાનો જશ ખાટવા માગતા સ્થાનિક નેતાના વલણથી વ્યાકુળ છે.

"કુર્દ નરસંહાર વૈશ્વિક સમુદાયના ધ્યાનમાં લાવવો જોઈએ. આ નરસંહાર માટે જે જે જવાબદાર છે તેમને સજા થશે તો જ ન્યાય થયો ગણાશે."