મોદીની કુવૈત યાત્રા : સદ્દામ હુસૈનની સેના જ્યારે એક લાખ સૈનિકો સાથે કુવૈતમાં ઘૂસી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરથી બે દિવસ માટે મધ્યપૂર્વના ક્રૂડઑઇલથી સમૃદ્ધ દેશ કુવૈતના પ્રવાસે જઈ રહ્યા છે.
1981માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી બાદ કોઈ ભારતીય વડા પ્રધાનની પ્રથમ કુવૈત મુલાકાત હશે. એટલે કે 43 વર્ષ બાદ ભારતીય વડા પ્રધાન કુવૈત પહોંચી રહ્યા છે.
ભારત અને કુવૈત વચ્ચે ઐતિહાસિક રીતે મિત્રતાપૂર્ણ સંબંધો રહ્યા હોવા છતાં મોદીની હાલની કુવૈત યાત્રા મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.
હાલ જ્યારે વડા પ્રધાન મોદીની કુવૈત યાત્રાના કારણે સમૃદ્ધ ખાડી દેશ કુવૈત ફરી એક વાર સમાચારમાં છે ત્યારે વાત કરીએ આ દેશના એ કપરા સમયની જ્યારે મધ્યપૂર્વના એક 'શક્તિશાળી શાસક'ના સૈન્યે દેશ પર જબરદસ્ત હુમલો કરી અને કુવૈતના શેખની ગોળી મારી હત્યા કરી દીધી હતી.
90ના દાયકાની આ વાત છે.
બે ઑગસ્ટ, 1990ની વહેલી સવારે લગભગ એક લાખ ઇરાકી સૈનિક ટૅન્કો, હેલિકૉપ્ટરો અને ટ્રકોની સાથે કુવૈતની સીમામાં ઘૂસી ગયા. એ સમયે ઇરાકની સેના દુનિયાની ચોથી સૌથી મોટી સેના હતી.
એક કલાકની અંદર તેઓ કુવૈત શહેર પહોંચી ગયા અને બપોર થતાં-થતાં ઇરાકી ટૅન્કોએ કુવૈતના રાજમહેલ દસમાન પૅલેસનો ઘેરાવો કરી લીધો. ત્યાં સુધી કુવૈતના અમીર ભાગીને સાઉદી અરેબિયા પહોંચી ગયા હતા. પાછળ તેઓ પોતાના સાવકા ભાઈ શેખ ફહદ અલ અહમદ અલ સબહને છોડી ગયા હતા. ઇરાકી સેનાએ જોતાં જ શેખને ગોળી મારી ઉડાવી દીધા હતા.
નજરે જોનાર એક ઇરાકી સૈનિક પ્રમાણે, તેમના મૃતદેહને એક ટૅન્ક સામે રાખી તેના પર ટૅન્ક ચડાવી દેવામાં આવ્યું હતું. કુવૈત ઉપર હુમલો કરતા પહેલાં બાથ ક્રાંતિની બારમી વર્ષગાંઠના અવસર ઉપર સદ્દામ હુસૈને કુવૈતની સામે પોતાની માગની એક લાંબી યાદી રાખી હતી. આ માગોમાં સામેલ હતું- આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવને સ્થિર કરવા, અખાતના યુદ્ધ દરમિયાન કુવૈતથી લેવામાં આવેલ લૉનને માફ કરી દેવી અને માર્શલ પ્લાનની જેમ એક આરબ યોજના બનાવવી જે ઇરાકના પુનર્નિર્માણમાં મદદરૂપ થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને ઇરાકી ટીવી ઉપર ધમકીના સ્વરમાં ઘોષણા કરી હતી, “જો કુવૈતિઓએ અમારી વાત ન માની તો અમારી પાસે પરિસ્થિતિને સુધારવા અને પોતાના અધિકારોની પુન્સ્થાપના માટે જરૂરી પગલાં લેવા સિવાય કોઈ ઉપાય નહીં બચે”
સાઉદી રાજદ્વારી અને શાહ ફહદના નજીકના સલાહકાર ડૉક્ટર ગાઝી અલગોસૈબીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, “વાત એમ છે કે સાઉદી અરેબિયા અને કુવૈત બન્ને આશા છોડી દીધી હતી કે અખાતના યુદ્ધ દરમિયાન ઇરાકને આપવામાં આવેલ લૉન તેમને પાછી મળશે પરંતુ બન્ને દેશે વિચાર્યું કે જો તેઓ સાર્વજનિક રીતે એ ઘોષણા કરે કે તેઓએ લૉન માફ કરી દીધી છે તો આનાથી ખોટો સંદેશો જશે.”
“શાહ ફહદે સદ્દામને લૉનમાફીના વિષયમાં જાણકારી આપી, પરંતુ સદ્દામે એવો સંકેત આપ્યો જાણે સાઉદી અરેબિયાના આ પગલાંથી ખુશ નથી. તેજ સમયે શાહ ફહદને અંદાજો લાગી ગયો હતો તે કુવૈતના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે.” પરંતુ કુવૈતની સામે માગોની યાદી રાખતા પહેલાં જ સદ્દામ હુમલો કરવાનું મન મનાવી ચૂક્યા હતા. 21 જુલાઈ સુધી ઇરાકમાં લગભગ 30 હજાર સૈનિકોએ કુવૈતની સીમા તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું હતું. 25 જુલાઈએ બપોરે એક વાગે સદ્દામે બગદાદમાં અમેરિકન રાજદૂત એપ્રિલ ગિલેસ્પીને બોલાવી લીધાં હતાં. સદ્દામ કુવૈતમાં તેમના અભિયાન વિશે તેમની પ્રતિક્રિયા જાણવા માગતા હતા.
એની પહેલાં કે અમેરિકન રાજદૂતની ફેબ્રુઆરીમાં સદ્દામ હુસૈન સાથે ‘વૉઇસ ઑફ અમેરિકા’ના એક પ્રસારણ વિશે રાજદ્વારી મુકાબલો થઈ ચુક્યો હતો જેમાં સદ્દામના ઇરાકની સરખામણી ચાચેસ્કૂના રોમાનિયા સાથે કરવામાં આવી હતી. ગિલેસ્પીએ સદ્દામ પાસેથી એ પ્રસારણ માટે માફી માગી કહ્યું હતું કે અમેરિકા ઇરાકી સરકારના સ્થાનિક મામલાઓમાં દખલ નહીં દે.
સદ્દામની મંશા વિશે અંદાજો ખોટો નિકળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સદ્દામના જીવનચરિતકાર કૉન કફલિન સદ્દામના જીવન ‘સદ્દામ ધ સિક્રેટ લાઇફ’માં લખે છે, “એ બેઠકમાંથી ગિલેસ્પી એ વિચારી બહાર નીકળ્યા હતા કે સદ્દામ માત્ર સાદી ધમકી આપી રહ્યા છે અને તેમનો કુવૈત ઉપર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી”
“પાંચ દિવસ પછી તે રાષ્ટ્રપતિ બુશ પાસેથી સલાહ-વાતચીત કરીને વૉશિંગ્ટન ચાલ્યાં ગયાં. જ્યારે થોડા દિવસો પછી ગિલેસ્પી સદ્દામ વચ્ચેની બેઠકનું વિવરણ બગદાદમાં પ્રકાશિત કરવામાં આવ્યું તો આરબ બાબતોનો અનુભવ ધરાવનાર 48 વર્ષિય રાજદ્વારી ઉપર નિર્દોષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. એ પણ કહેવામાં આવ્યું કે તેમણે સદ્દામના કુવૈત અભિયાનને લીલી ઝંડી દેખાડી દીધો હતો.”
ગિલેસ્પીએ આ આરોપોને જોરદાર રીતે નકાર્યા. 1990ના દાયકામાં ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, “ન તો મેં કે ન તો કોઈ બીજાએ વિચાર્યું હતું કે ઇરાક સમગ્ર કુવૈત ઉપર કબજો કરવાનો ઇરાદો રાખે છે.”
આ બાબતમાં દરેક કુવૈતી, સાઉદી અને પશ્ચિમી જગતના વિચારો તદ્દન ખોટા સાબિત થયા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે અંગત રીતે અમેરિકા અને યુકેને વિશ્વાસ અપાવ્યો હતો કે સદ્દામનો કુવૈત ઉપર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી અને આરબ મુત્સદ્દીગીરીથી આ સંકટનું સમાધાન શોધી કાઢવામાં આવશે.
2 ઑગસ્ટ, 1990ની રાત્રે 2 વાગે એક લાખ ઇરાકી સૈનિકોએ 300 ટૅન્કોની સાથે કુવૈતની સીમા પાર કરી. કુવૈતની 16 હજાર સૈનિકોની સેના તેમનો મુકાબલો કરી શકે એમ નહોતી.
કુવૈતની સીમા ઉપર તેમનો નાનો અમથો વિરોધ પણ ન થયો. જ્યારે ઇરાકી સેના રાજધાની કુવૈત સિટી પહોંચી ત્યારે તેમણે કુવૈતના સૈનિકોના સામાન્ય વિરોધનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમના ઉપર ટૂંક સમયમાં જ કાબૂ મેળવી લેવાયો.
કુવૈતનાં યુદ્ધવિમાનો હવામાં ઊડ્યાં તો ખરાં પરંતુ ઇરાકીઓ ઉપર બૉમ્બમારો કરવા નહીં પરંતુ સાઉદી અરેબિયામાં શરણ લેવા માટે. કુવૈતનું નૌકાદળ પણ પોતાની જગ્યાએ ઊભું ઊભું તમાશો જોઈ રહ્યું. સદ્દામ માટે એકમાત્ર ઝટકો હતો કુવૈતના અમીર અને તેમના તમામ મંત્રીઓનું સુરક્ષિત સાઉદી અરેબિયા ભાગી જવું.
રિપબ્લિકન ગાર્ડનો એક જથ્થાને આદેશ હતો કે તેઓ કુવૈતના શહેરમાં ઘૂસે કે તરત સૌથી પહેલાં દસમાન રાજમહેલ જઈ શાહી પરિવારને બંધક બનાવી લે.
કૉન કફલિન લખે છે, “શાહી પરિવારના એકમાત્ર સભ્ય શેખ ફહદે સાઉદી અરેબિયા ભાગી ન જવાનો નિર્ણય લીધો. જ્યારે ઇરાકી સેના રાજમહેલ પહોંચી તો તેઓ અમુક કુવૈતના સૈનિકોની સાથે રાજમહેલની છત ઉપર એક પિસ્તોલ લઈ ઊભા હતા. એક ઇરાકી સૈનિકે તેમને ગોળી મારી દીધી.”
ઇરાકી સેના કોઈ વિરોધ વગર કુવૈતમાં ઘૂસી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
સાત કલાકની અંદર ઇરાકી સેનાએ સમગ્ર કુવૈત ઉપર કબજો કરી લીધો હતો.સરકારની સાથે સાથે કુવૈતના લગભગ ત્રણ લાખ નાગરિક દેશ છોડી ભાગી ગયા હતા. ત્યારે જ સદ્દામને અચાનક બ્રિટિશ ઍરવેઝના એક વિમાન ઉપર કબજો કરવાનો અવસર મળ્યો.
થયું એવું કે જેવું જ કુવૈત ઉપર આક્રમણ શુરૂ થયું એનાથી અજાણ યુકેથી દિલ્હી આવી રહેલ બ્રિટિશ ઍરવેઝનું વિમાન ઇંધણ લેવા માટે કુવૈત હવાઈમથક ઉપર ઊતર્યું. પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓને અંદાજો મળી ગયો હતો કે ઇરાકે કુવૈત ઉપર હુમલો કરી દીધો છે પરંતુ કોઈએ વિમાનને જાણકારી આપવાની જરૂરિયાત ન સમજી.
જેવું જ વિમાને કુવૈતમાં લૅન્ડ કર્યું કે તમામ વિમાનકર્મચારીઓ અને મુસાફરોને બંધક બનાવી લેવામાં આવ્યા. તેમને બગદાદ લઈ જવાયા જેથી મહત્ત્વપૂર્ણ સ્થળો ઉપર હુમલાથી બચવા માટે માનવકવચની જેમ તેમનો ઉપયોગ થઈ શકે.
હુમલાના કેટલાક કલાકોમાં જ રાષ્ટ્રપતિ જૉર્જ બુશે ઈરાક પર આર્થિક પ્રતિબંધ લાગુ કરી લીધા અને વિમાનવાહક જહાજ ‘ઇન્ડિપેન્ડન્સ’ને હિંદ મહાસાગરથી પર્સિયન અખાતમાં આવવાનો આદેશ આપ્યો.
અમેરિકાની બૅન્કોમાં જમા ઇરાકનું તમામ ધન કબજે કરી લેવામાં આવ્યું. એ સમયે બ્રિટનનાં વડાં પ્રધાન મારગ્રેટ થૅચર અમેરિકાની યાત્રા પર હતાં.
એમણે કુવૈત ઉપર ઇરાકી હુમલાની સરખામણી ત્રીસના દાયકામાં ચેકોસ્લવાકિયા ઉપર જર્મનીના હુમલા સાથે કરી હતી. એકબીજાની વિરુદ્ધ પરસ્પર વિરોધી લાઇન લેનાર અમેરિકા અને સોવિયટ સંઘ બન્નેએ સંયુક્ત નિવેદન બહાર પાડી ઇરાકના હુમલાની નિંદા કરી.
સંયુક્ત રાષ્ટ્ર અને આરબ લીગે પણ ઇરાકના આ પગલાની નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદે ઇરાક ઉપર પૂર્ણ આર્થિક અને વેપાર લક્ષી પ્રતિબંધ લાગુ કરી દીધો હતો.
તુર્કી અને સાઉદી અરેબિયાથી પસાર થનારી ઇરાકની તેલ પાઇપલાઇનને કાપી નાખવામાં આવી હતી. સાઉદી સીમા ઉપર ઇરાકી સૈનિકોની તહેનાતી જોઈ સાઉદી અરેબિયાએ અમિરેકા પાસેથી સૈનિકસહાયતાની માગ કરી.
ઇરાકને કુવૈતથી કાઢવા માટે પોતાની કટીબદ્ધતાને વારંવાર જણાવતા આવનારા છ મહિનામાં લગભગ 60 હજાર સૈનિકોને ઍરલિફ્ટ કરતા સાઉદી અરેબિયાની ધરતી ઉપર પહોંચાડવામાં આવ્યા હતા.
સાત ઑગસ્ટે રાષ્ટ્રપતિ બુશે દેશને નામ ટીવી પ્રસારણમાં કહ્યું કે તેઓ 82મી ઍરબૉર્ન ડિવિઝનને સાઉદી અરેબિયા મોકલી રહ્યા છે. આ ઑપરેશન ‘ડેઝર્ટ સ્ટૉર્મ’ની શરૂઆત હતી અને વિયેતનામ યુદ્ધ પછી વિદેશી ધરતી ઉપર કરવામાં આવેલ અમેરિકાના સૈનિકોની સૌથી મોટી તહેનાતી હતી.
આ બધાં વચ્ચે સદ્દામ હુસૈનને પોતાના કાકાના દીકરા ભાઈ અલ હસન અલ માજિદને કુવૈતના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા હતા. આ એજ માજિદ હતા જેમણે 1988માં હલાબ્જામાં ગૅસ છોડીને હજારો કુર્દોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સદ્દામનું સમર્થન કરનારા એક-બે લોકોમાં પેલેસ્ટિનિયન નેતા યાસિર અરાફાત પણ હતા, એમના આ સમર્થન ઉપર વિશ્લેષકોને આશ્રર્ય થયું હતું કારણ કે એક સમયે સદ્દામે અરાફાતનાં શક્તિકેન્દ્રોને કચડી નાખવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
સપ્ટેમ્બરમાં સદ્દામ માટે એક અન્ય જગ્યાએથી પરોક્ષ સમર્થન આવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિતરાંએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા પોતાના ભાષણમાં કહ્યું કે કુવૈતમાં ઇરાકના જમીન સંબંધી કેટલાક દાવાઓને તેઓ યોગ્ય ગણે છે.
કેટલાક મહિના પહેલાં સદ્દામ હુસૈને કુવૈતમાં કામ કરી રહેલા ફ્રાન્સના 327 કામદારોને છોડી મૂક્યા હતા અને ફ્રાન્સની સહાનુભૂતિ મેળવી લીધી હતી.
એ કામદારોને એ જ દિવસે છોડી મૂકવામાં આવ્યા જ્યારે અમેરિકાના વિદેશમંત્રી જૅમ્સ બૅકર ઇરાક વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે વાતચીત કરવા પેરિસ પહોંચ્યા હતા.
સદ્દામની બંધકો સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા પછી આ મુદ્દા ઉપર સૌથી વધુ વિરોધ બ્રિટનનો હતો. આ બધાં વચ્ચે સદ્દામ હુસૈને ઇરાકમાં બંધક બનાવવામાં આવેલ બ્રિટિશ લોકોને મળવાનો નિર્ણય કર્યો.
કૉન કફલિન લખે છે, “સદ્દામે તેમની સાથે મુલાકાત બાદ ફરી વખત કહ્યું કે ઇરાકમાં આ બંધકોની હાજરી શાંતિ માટે જરૂરી છે. તેમનું માનવું હતું કે તેઓ જ્યાં સુધી ત્યાં રહેશે સાથી દેશ ઇરાક ઉપર બૉમ્બમારો કરવા વિશે નહીં વિચારે.”
“તેમની સાથેની મુલાકાત દરમિયાન જેને સમગ્ર દુનિયામાં ટેલિવિઝન ઉપર લાઈવ દેખાડવામાં આવી રહ્યું હતું, સદ્દામે એક સાત વર્ષિય બ્રિટિશ બાળક સ્ટુઅર્ટ લૉકવુડને અરબીમાં પૂછ્યું, ‘શું સ્ટુઅર્ટને આજે તેમનું દૂધ મળ્યું?”
બાળકના ચહેરા ઉપરના ભયના ભાવે તે તેમામ લોકોની ભયની સ્થિતિને જાહેર કરી દીધી જે એ સમયે સદ્દામના કબજામાં હતા.
આ બધાં વચ્ચે સદ્દામને મનાવવા માટે પૂર્વ વિશ્વ કદ્દાવર બૉક્સર મોહમ્મદ અલી અને જર્મનીના પૂર્વ વડા પ્રધાન વિલી બ્રાંડ અને બ્રિટનના પૂર્વ પીએમ ઍડવર્ડ હીથ પણ બગદાદ પહોંચ્યા પરંતુ સદ્દામ ઉપર તેમની અપીલની કોઈ અસર થઈ નહીં.
કુવૈતના ત્રણ લાખ લોકોએ એટલે કે તેમની એક તૃતીયાંશ વસ્તીએ દેશ છોડી દીધો હતો.
‘ઇકૉનૉમિસ્ટ’પત્રિકાએ પોતાના 22 ડિસેમ્બર, 1990ના અંકમાં લખ્યું, “સદ્દામના ગુપ્તચર એજન્ટોએ ખાલી કરેલા રાજમહેલોનાં ભોંયરાંને વિરોધીઓ ઉપર ત્રાસ ગુજારવાની ચેમ્બર બનાવી રાખ્યાં છે. કેટલાય રસ્તાઓનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે અને નાગરિકોને નવાં ઓળખપત્ર અને લાઇસન્સ પ્લેટ લેવા માટે કહી દેવમાં આવ્યું છે.”
‘બગદાદ અને કુવૈતની વચ્ચે સમયના અંતરને સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. એક આદેશ બહાર પાડી કુવૈતવાસીઓના દાઢી રાખવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને આનો વિરોધ કરનારાઓની દાઢી પ્લાયરથી ખેંચી કાઢવામાં આવી હતી.’
કુવૈત અભિયાનના સમયે સદ્દામ હુસૈનની મનોદશાનું વર્ણન તેમના એક જનરલ વાકિફ અલ સમુરાઈએ કર્યું છે.
સમુરાઈ કહે છે, “સદ્દામે અમને આદેશ આપ્યા હતા કે અમેરિકન સૈનિકોને પકડી લેવામાં આવે જેથી તેમને ઇરાકી ટૅન્કોની આસપાસ ઊભા રાખી માનવકવચના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે.”
“તેમને ગેરસમજ હતી કે આ રીતે હજારો અમેરિકાના સૈનિકોને પકડી માનવકવચના રૂપમાં તેમનો ઉપયોગ કરી શકાય છે. મને અને અન્ય જનરલોને સદ્દામની આ નિર્દોષ વિચારધારા પર દયા પણ આવી અને આશ્ચર્ય પણ થયું.”
‘ઍટલાંટિક’ પત્રિકાના મે 2022ના એક અંકમાં આપેલા એક ઇન્ટર્વ્યૂમાં સમુરાઈએ કહ્યું હતું, “જ્યારે મેં સદ્દામને એ જણાવવાનો પ્રયાસ કર્યો કે આપણે બરબાદી તરફ વધી રહ્યા છીએ ત્યારે તેમણે મને પૂછ્યું કે શું આ મારા અંગત વિચારો છે કે હકીકત છે? મેં જવાબ આપ્યો કે મેં મારી સામે રહેલાં તથ્યોના આધારે મારો મત આપું છું. એના ઉપર સદ્દામે કહ્યું, હવે તમે મારો મત સાંભળો. આ લડાઈમાં ઈરાન વચ્ચે નહીં પડે. આપણી સેના તમારા વિચારોથી અનેક ગણો વધુ સામનો કરશે. તેઓ અમેરિકાના હવાઈ હુમલાથી બચવા બંકર ખોદી શકે છે.”
“તેઓ લાંબા સમય સુધી લડશે અને બન્ને તરફથી લોકો ઘાયલ થશે. આપણે આ નુકસાનને સહન કરવા તૈયાર છીએ પણ અમેરિકા નહીં. તેઓ મોટી સંખ્યામાં તેમના સૈનિકોને નુકસાનના પક્ષમાં નહીં હોય”
ઇરાકના દોઢ લાખ સૈનિકોનાં મૃત્યુ?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ બુશે 16 જાન્યુઆરી, 1991માં ઇરાક ઉપર હવાઈ હુમલો કરવાનો આદેશ આપ્યો. સમગ્ર ઇરાકમાં આનાથી ભારે નુકસાન તો થયું જ, ચાર અઠવાડિયાંની અંદર ઇરાકની ચાર પરમાણુ રિસર્ચ સાઇટનાં નામોનિશાન ભૂંસાઈ ગયાં.
ઇરાકનાં મોટા ભાગનાં સાર્વજનિક અને આર્થિક મહત્ત્વનાં ઠેકાણાં જેમ કે રસ્તાઓ, પુલ, વીજળીઘર અને તેલભંડારો નષ્ટ થઈ ગયાં.
ઇરાકની વાયુસેનાના મનોબળને એ સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે 100થી વધુ યુદ્ધવિમાનોએ ઊડીને ઈરાનમાં જઈ આશ્રય લઈ લીધો. એવા સમાચારો હતા કે ઇરાકી વાયુસેનાએ સદ્દામ વિરુદ્ધ નિષ્ફળ સૈનિક વિદ્રોહ પછી આ પગલું લીધું હતું.
આ વિદ્રોહ એ સમયે કરવામાં આવ્યો જ્યારે અમેરિકાના હવાઈ હુમાલાઓને ન રોકી શકતાં સદ્દામે વાયુસેનાના અધિકરારીઓને મોતની સજા સંભળાવી દીધી હતી.
સદ્દામના સૈનિકોએ સાઉદી સીમામાં 12 કિલોમિટર અંદર ખાફઝી વિસ્તાર ઉપર કબજો કરી લીધો હતો પરંતુ થોડા જ દિવસોની અંદર ઇજિપ્ત સેનાઓએ એ વિસ્તારો ઇરાકી સૈનિકો પાસેથી ફરી મેળવી લીધા.
આ દરમિયાન જ્યારે સોવિયેટ નેતા મિખાઇલ ગોર્બાચેવના વિશેષ દૂત યેવગની પ્રાઇમાકોવ સદ્દામને મળવા બગદાદ પહોંચ્યા તો તેઓ એ જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે તેમનું વજન 15 કિલો ઘટી ગયું હતું.
18 ફેબ્રુઆરીએ ઇરાકના વિદેશ મંત્રી અઝીઝ મૉસ્કો ગયા અને તેમણે સોવિયેટ સંઘનો ઇરાકથી કોઈ જ શરત વગર હટવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ ત્યાં સુધી વિશ્વનેતાઓની વચ્ચે સદ્દામની વિશ્વનિયતા એટલી હદે ઓછી થઈ ગઈ હતી કે માત્ર આશ્વાસનથી કામ ચાલે એમ નહોતું.
ઇરાક ઉપર જમીની હુમલાની આશંકાને જોતાં સદ્દામ હુસૈને આદેશ આપ્યો કે કુવૈતના તમામ તેલકૂવાઓમાં આગ લગાવી દેવામાં આવે.
આખરે રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશે સૈન્ય કમાન્ડર નૉર્મન શ્વાર્જકૉપ્ફને આદેશ આપ્યો કે જો 24 ફેબ્રુઆરી સુધી ઇરાકી સેના કુવૈત ન છોડે તો તેમને ત્યાંથી બળપૂર્વક દૂર કરી દેવામાં આવે.
અમેરિકાના હુમલાના 48 કાલાકની અંદર ઇરાકી સેનાએ હાર માની લીધી. છ અઠવાડિયાં સુધી ચાલેલ સતત બૉમ્બમારા બાદ ઇરાકના સૈનિક લડવાના મૂડમાં નહોતા.
હુમલાનો બીજો દિવસ પતે ત્યાં સુધીમાં ઇરાકના 20 હજાર સૈનિકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને 370 ઇરાકી ટૅન્ક નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
આખરે સદ્દામ હુસૈનને પોતાના સૈનિકોને આદેશ આપવો પડ્યો કે તેઓ એક ઑગસ્ટ, 1990 ના દિવસે પરત ફરી જાય. 26 ફેબ્રુઆરીએ કુવૈતમાં ઇરાકનો એક પણ સૈનિક બચ્યો નહીં. તે કાં તો યુદ્ધબંધક બની ગયા હતા કાં તો ઇરાક પરત ફરી ગયા હતા.
ઇરાકના યુદ્ધબંધકોની સંખ્યા 58 હજાર થઈ ગઈ હતી અને લગભગ દોઢ લાખ ઇરાકના સૈનિકો કાં તો આ યુદ્ધમાં ઘાયલ થયા હતા કાં તો મૃત્યુ પામ્યા હતા.
ઇરાકના સૈન્ય અધિકારીઓએ માત્ર એક વિનંતી કરી હતી કે તેમને હેલિકૉપ્ટરથી ઊડવાની પરવાનગી આપવામાં આવે કારણ કે અમેરિકા બૉમ્બમારીમાં ઇરાકનાં તમામ રસ્તાઓ અને પુલ નષ્ટ થઈ ગયાં હતાં. અમેરિકાના જનરલ શ્વાર્જકૉપ્ફે તેમના આ આગ્રહને સ્વીકાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












