સબરીમાલા વિવાદ : કનકદુર્ગાએ કહ્યું 'પરિવાર કે હિંદુ સંગઠનો પાસે માફી નહીં માગુ'

ઇમેજ સ્રોત, AFP/getty images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનારાં મહિલા કનકદુર્ગાને તેમનો તેમના પરિવારે બહિષ્કાર કર્યા બાદ હવે તેઓ ઘરમાં પ્રવેશવા માટે કોર્ટમાં ફરી કાનૂની લડાઈ લડશે.
બીબીસી હિંદી સાથેની વાતચીતમાં કનકદુર્ગાએ કહ્યું, "મંદિરમાં પ્રવેશ બદલ હું હિંદુ સંગઠનો કે મારા પરિવાર સમક્ષ માફી નહીં માંગુ. મેં માત્ર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું છે."
"મેં કોઈ સાથે અન્યાય નથી કર્યો. મારા ઘરમાં પ્રવેશ માટે હું હવે કોર્ટનું શરણું લઈશ."
હાલ કનકદુર્ગા એક સરકારી આશ્રયઘરમાં ઘરે છે. સબરીમાલા મંદિર પ્રવેશ કર્યા બાદ તેમના પરિવારે તેમનો બહિષ્કાર કરતા તેમના મલપ્પુરમ જિલ્લામાં આવેલા ઘરમાં તેમને પ્રવેશ નથી મળ્યો.
તેમના પતિએ તેમને ઘરમાં પ્રવેશ ન કરવા દીધો હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
મંદિર પ્રવેશથી નારાજ તેમના સાસુએ તેમને દંડાથી માથામાં માર મારતા તેઓ ઘાયલ થયા હતા.
તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ ગત મંગળવારે ઘરે પરત ગયા હતા.
2 જાન્યુઆરીએ કનકદુર્ગા અને બિંદુ અમ્મિનીએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ બાદ છુપાઈને રહેવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ કે સબરીમાલા કર્મા સમિતિ નામના હિંદુ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ સહિતના રાજકીય પક્ષો એ પ્રથા પર પ્રતિબંધ નથી ઇચ્છતા જેના અંતર્ગત સબરીમાલા મંદિરમાં માસિકચક્રમાં હોય તેવી મહિલાઓના પ્રવેશ પર રોક છે.
કનકદુર્ગા પર તેઓ ઘરે પરત ફરી રહ્યા ત્યારે કથિત હુમલો પણ થયો હતો.
તેમણે કહ્યું,"મારા પરિવારે મને પ્રવેશ ન આપ્યો આથી હું સરકારી આશ્રયઘરમાં ગઈ હતી. મને લાગે છે કે મારા પતિ પર રાજકારણીઓનો પ્રભાવ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પરિવારની નારાજગી
કનકદુર્ગાનું કહેવું છે કે તેમણે પરિવારને પહેલાં જ્યારે મંદિર પ્રવેશની તેમની ઇચ્છા વિશે જણાવ્યું હતું ત્યારે જ તેમને ઇન્કાર કરી દેવાયો હતો.
"મેં તેમને નહોતું કહ્યું કે હું ક્યારે મંદિરમાં પ્રવેશ કરીશ. જે દિવસે મેં પ્રવેશ કર્યો તે દિવસે તેમણે મને ઘરે આવવા કહ્યું અને પછી તેમણે મને કહ્યું નહીં કે તેઓ મને પ્રવેશ નહીં આપે."
28 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરની રોક હટાવતો ચુકાદો આપ્યો હતો.
આથી કનકદુર્ગા મંદિરમાં પ્રવેશ્યા હતા. આ નિર્ણય મામલે કનકદુર્ગાનો પરિવાર સંમત નથી.
તેમણે કહ્યું."મેં મારા મોટાભાઈને જાણ નહોતી કરી કે હું મંદિરમાં પ્રવેશ કરીશ. હું પરત આવી ત્યારે અન્ય પરિવારજનની જેમ તેમણે ખરાબ વર્તાવ ન કર્યો."
"હું જ્યારે સરકારી આશ્રયઘરમાં પહોંચી ત્યારે તેમણે મને કાનૂની મદદ કરી અને મારી સાથે રહ્યા. તેઓ મને દરરોજ ફોન કરે છે."

ઇમેજ સ્રોત, EPA
તેમણે મીડિયા રિપોર્ટ્સથી જાણ્યું કે તેમના ભાઈએ ભાજપની માફી માંગી છે. "જો મેં કોઈ ભૂલ કરી હોય તો માફી મારે માંગવી જોઈએ."
"મારા વતી મારે ભાઈએ માફી માંગવાની કોઈ જરૂર નથી. જો તેમણે માફી માંગી છે, તો તે અયોગ્ય છે."
તેમણે વધુમાં કહ્યું,"હું મારા બાળકોને યાદ કરું છું. 22 ડિસેમ્બરે તેઓ મંદિર પ્રવેશ માટે નીકળ્યા હતા. ત્યારથી હું તેમને નથી મળી. મારા પરિવારે મને તક જ નહીં આપી."
"15 જાન્યુઆરી બાદ એક વખત 10 મિનિટ ફોન પર વાત થઈ હતી. તેમને સમજાવવાની મને તક નથી મળી કે મેં કેમ આવું કર્યું."
"હું તેમને ના મળી શકી છું ના સરખી વાત થઈ શકી છે."
કનકદુર્ગાને બે જોડિયાં બાળકો છે. તેમની ઉંમર 12 વર્ષ છે.
શું તેમણે સ્વામી અય્યપ્પાને આ સંકટ દૂર કરવા પ્રાર્થના કરી હતી?


કનકદુર્ગા એક ધાર્મિક વ્યક્તિ
તેના જવાબમાં તેઓ કહે છે,"હું મારા અંગત લાભ માટે ઇશ્વરની દરમિયાનગીરી નથી ઇચ્છતી. મને નથી લાગતું કે આજું હું જે સહન કરી રહી છું તે મુશ્કેલી છે. મેં સ્વામી અય્યપ્પાને મદદ માટે પ્રાર્થના નથી કરી."
મંદિર પ્રવેશ બાદ ઇતિહાસ રચીને કનકદુર્ગાએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ એક ધાર્મિક વ્યક્તિ છે અને તેમનું માનવું છે કે મહિલા પુરુષ વચ્ચે ઇશ્વરના દરબારમાં ભેદભાવ ન હોવો જોઈએ.
પોતાના ઘરમાં પ્રવેશ અને ઘરેલુ હિંસાના કેસ મામલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં આગામી સપ્તાહમાં સુનાવણી છે.
કાયદા અનુસાર મહિલાના પતિનું ઘર તે મહિલાનું પણ ઘર ગણાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












