કુંભ મેળામાં ખોવાયેલી ગુજરાતી મહિલા પરિવારને કેવી રીતે મળી?

એક મિત્રની સાથે પ્રભાબેન પટેલ

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇલાહાબાદથી

વાત ઉત્તર પ્રદેશના અલાહાબાદ (પ્રયાગરાજ)માં યોજાયેલા કુંભ મેળાની છે. આ મેળાને દુનિયાના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે.

કરોડોની સંખ્યામાં જ્યારે લોકો એકઠા થાય છે, તો લોકોનાં ગુમ થવાની શક્યતા પણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં પણ કુંભ મેળામાં લોકોને તુરંત મદદ મળે છે. 49 દિવસ ચાલતા આ મેળામાં કરોડો લોકો આવે છે.

બીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ 2019માં કુંભ મેળામાં 'ભૂલે ભટકે શિબિર'(ખોવાઈ ગયેલા લોકો માટે બનેલો કૅમ્પ)માં એક દિવસ વિતાવ્યો હતો.

'ભૂલે ભટકે શિબિર' ચલાવતા ઉમેશ તિવારી જણાવે છે, "મોટાભાગે ગુમ થતા લોકોમાં વૃદ્ધોની સંખ્યા વધારે હોય છે. ખાસ કરીને મહિલાઓ કે જેમની ઉંમર 60 કરતાં વધારે હોય છે."

આ કૅમ્પનું સંચાલન સ્થાનિક સંસ્થા ભારત સેવા દળ કરે છે.

આ કૅમ્પની શરૂઆત ઉમેશ તિવારીના પિતા રાજા રામ તિવારીએ વર્ષ 1946માં કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તેમણે આશરે 15 લાખ લોકોની મદદ કરી છે.

પ્રવેશદ્વાર પર એક પોલીસકર્મી કુંભ મેળામાં આવેલા નવા લોકોનું નામ રજીસ્ટરમાં નોંધે છે. તેમાં તેમનું નામ, સરનામું, ક્યાંથી આવ્યા છે, ઇમરજન્સીમાં કોને સંપર્ક કરવો વગેરે પ્રકારની માહિતી લખવામાં આવે છે.

કૅમ્પમાં જોયું તો ઘણા લોકો એવા હતા કે જેઓ પોતાના પરિવાર કે મિત્રોથી અલગ પડી ગયા હતા અને તેમને ફરી મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વાતાવરણમાં ચિંતા ફેલાયેલી જોવા મળે છે. લોકોની આંખોમાં આંસુ જોવા મળે છે. તેઓ બૂમ પાડે છે : "મહેરબાની કરી ફરી એક વખત મારા નામની ઘોષણા કરો."

'જો અમને તેઓ નહીં મળે, તો તેમના પરિવારને અમે શું જવાબ આપીશું?'

કુંભ મેળામાં ગુમ થયેલા લોકોને શોધવા માટે શિબિર

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

મેળામાં મને આવી બીજી ઘણી કહાણી જોવા મળી. મારી પાસે એક કાગળમાં નંબર લઈને બે મહિલાઓ આવી.

એક મહિલાએ મને કહ્યું, "તમે આ નંબર લગાવી શકો છો?"

આ મહિલા ગુજરાતી હતાં. અમદાવાદથી આવેલા પ્રભાબહેન પટેલ પોતાનાં બે મિત્રો સાથે અહીં આવ્યાં હતાં.

તેઓ કહે છે, "અમે પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને મંદિર ગયાં, જ્યાં અમે અમારા મિત્રથી અલગ પડી ગયાં."

તેઓ કહે છે, "જો અમને અમારા મિત્ર નહીં મળે તો અમે તેમના પરિવારને શું કહીશું?"

મેં પ્રભાબહેનને ફોન લગાવી આપ્યો. તેમણે પરિસ્થિતિ ફોન પર સમજાવી ફોન મૂકી દીધો.

લાઇન

થોડી ક્ષણો બાદ મારો ફોન વાગ્યો. મને એક મહિલાનો ફોન આવ્યો હતો કે જેઓ ઉત્સાહથી વાત કરી રહ્યાં હતાં. મેં પ્રભાબહેનને ફોન આપ્યો.

આખરે પ્રભાબહેનની ચિંતા દૂર થઈ. તેઓ સ્મિત આપી રહ્યાં છે. તેમનાં મિત્ર ઠીક છે અને કૅમ્પ તરફ આવી રહ્યાં છે.

અહીં મહિલાઓ અને બાળકો માટે પણ 'ભૂલે ભટકે શિબિર' છે. તેને સ્થાનિક સંસ્થા હેમવતી નંદન સ્મૃતિ સમિતિ વર્ષ 1956થી ચલાવે છે.

તેના મૅનેજર સંત પ્રસાદ પાંડે જણાવે છે કે તેમણે સવારથી 950 લોકોનું પરિવાર અને મિત્રો સાથે મિલન કરાવ્યું છે. જ્યારે 15 લોકો હજુ પણ પરિવારની રાહ જોઈ રહ્યા છે.

સંત પ્રસાદ પાંડે કહે છે, "જે લોકો અહીં રાહ જોઈ રહ્યા છે તેમને અમે ખોરાક, કપડાં અને બ્લેન્કૅટ આપી રહ્યા છીએ. જે લોકો એકલા મુસાફરી કરી શકે છે તેમને અમે ટિકિટ લઈ આપીએ છીએ અથવા તો ઘરે પહોંચવા માટે પૈસા આપીએ છીએ."

સંત પ્રસાદ પાંડે જણાવે છે કે 32 સ્ક્વેર કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલા મેળામાં 100 કરતાં વધારે સ્વયંસેવકો કામ કરે છે. તેમને ગુમ થયેલાં, એકલાં, રડતાં બાળકો પર ખાસ નજર રાખવા સૂચના અપાઈ છે.

line

'બાથરૂમ જતાં સમયે અમે અલગ પડી ગયા'

ગુમ થયેલા લોકોના નામોની ચિટ્ઠી

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ગુમ થયેલા લોકોમાં એક 35 વર્ષીય મહિલા છે જેઓ પોતાનાં 8 વર્ષીય બાળકી સાથે ગુમ થઈ ગયાં છે.

જ્યારે તેઓ મેળામાં આવ્યાં ત્યારે તેમનાં બાળકી પાસે કપડાં ન હતાં, એટલે તેને ધાબળામાં લપેટવામાં આવી છે.

તેઓ કહે છે, "મારા પતિ અને દીકરાએ નાહી લીધું, હું અને મારી બાળકી બાથરૂમમાં હતાં. અમે જ્યારે બાથરૂમમાંથી પરત ફર્યાં, તો મારા પતિ અને દીકરો અમને મળ્યા નહીં."

અહીં ભક્તો આવીને સંગમમાં ડૂબકી લગાવે છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આમ કરવાથી તેમનાં બધાં જ પાપ ધોવાઈ જશે અને મોક્ષ પ્રાપ્ત થશે.

મહિલા કહે છે, "અમે પૂછપરછ કરી અહીં 11 વાગ્યે પહોંચ્યાં. અહીં અમે છેલ્લા ઘણા કલાકોથી રાહ જોઈ રહ્યા છીએ. મને ખબર નથી પડતી કે શું કરવું."

એ મહિલાનો મોબાઇલ ફોન, તેમનું પર્સ, દરેક વસ્તુ તેમના પતિ પાસે છે. મહિલા અને તેમનાં દીકરીને કોઈનો નંબર યાદ નથી. તેમને એ પણ ખબર નથી કે તેઓ પોતાના ઘરે પરત કેવી રીતે પહોંચી શકે છે.

ઉમેશ તિવારી

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

વારંવાર નામ જાહેર કર્યું પરંતુ અત્યાર સુધી કોઈ તેમને લેવા માટે આવ્યું નથી.

ઉમેશ તિવારી તેમને ઘરે પહોંચાડવા માટે બસનું ભાડું આપવા માટે તૈયાર છે. પણ આ મહિલા અંધારામાં એકલા મુસાફરી કરવાની ના પાડે છે.

તેઓ કહે છે, "હું જ્યાં રહું છું ત્યાં સુધી વાહન જતાં નથી. હું સુરક્ષિત ઘરે કેવી રીતે પહોંચીશ?"

ઉમેશ તિવારીએ કહ્યું કે તેઓ કૅમ્પમાં લાગેલાં ટૅન્ટમાં રહી શકે છે.

ત્યાં જ એક સ્ટાફ સભ્ય આવીને તેમને કહે છે કે તેમના પતિ આવી ગયા છે. મહિલાના ચહેરા પર થોડી શાંતિ જોવા મળે છે. દંપતી પોતાની બાળકી સાથે ત્યાંથી નીકળે છે.

ઉમેશ તિવારી કહે છે, "કેટલાક દિવસે ભીડ એટલી વધી જાય છે કે લોકો ગુમ થઈ જાય છે. સવારથી અમારે ત્યાં 560 લોકો આવ્યા છે. તેમાંથી 510 લોકો પરિવારને ફરી મળી ગયા છે."

જેમ જેમ દિવસ ઢળે છે, લોકોની ચિંતા વધવા લાગે છે. એવા જ લોકોમાં એક વૃદ્ધ વ્યક્તિ છે કે જેઓ સવારે પોતાનાં પત્નીથી અલગ પડી ગયા હતા.

આંખોમાંથી આંસુ લૂછતા તેઓ કહે છે, "મારી પત્ની અત્યારે ક્યાં હશે? તેણે કંઈ જમ્યું હશે કે નહીં? તેની પાસે ફોન કે પૈસા પણ નથી."

કુંભ મેળો

ઇમેજ સ્રોત, AFP

ઉમેશ તિવારી કહે છે, "લોકો વિચારે છે કે તેમની સાથે કંઈ ખોટું ન થઈ શકે. પણ જ્યારે સંકટ આવે છે, બધું ખોટું થાય છે અને તમે કંઈ કરી શકતા નથી."

ઉમેશ તિવારી સાથે 25 સ્વયંસેવકો કામ કરે છે.

તેઓ કહે છે, "લોકોને અલગ પાડવા અને ભેગા કરવા તે ભગવાનની મરજી છે. હું તો માત્ર તેમની સેવા કરું છું. આ ગુમ થયેલા લોકોની સેવા કરું છું. તેઓ મારા માટે મારા ભગવાન છે."

'કોઈ મારું સાચું નામ જાણતું નથી'

ભૂલે ભટકે કૅમ્પથી થોડાં જ અંતરે એક 'ખોયા પાયા કેન્દ્ર' છે કે જે પોલીસ દ્વારા સંચાલિત છે.

જ્યારે મેં આ કૅમ્પની મુલાકાત લીધી તો ત્યાં પણ ઘણા બધા લોકો એકઠા થયેલા હતા.

રજીસ્ટ્રેશન કાઉન્ટર પર સ્વયંસેવકો કામ કરે છે. જેમાં મોટાભાગે યુવકો અને યુવતીઓ છે. તેઓ કમ્પ્યુટર પર ગુમ થયેલા લોકોની માહિતી ઉમેરે છે.

કેટલાક સ્વયંસેવકો કે જેઓ રાજ્યની બહારથી આવ્યા છે, તેઓ સ્થાનિક ભાષા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુમ થયેલા લોકો

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

એક કાઉન્ટર પર એક સ્વયંસેવક 60 વર્ષીય મહિલાને પૂછે છે કે તેમના ગ્રૂપમાંથી કોણ ગુમ થઈ ગયું છે, તેમનું નામ શું છે.

મહિલા કહે છે, "રામ બિસાલ કી અમ્મા (રામ બિસાલનાં માતા)."

સ્વયંસેવી કહે છે, "મારે તમારા દીકરાનું નામ જાણવાની જરૂર નથી. તમારું નામ જાણવું છે."

મહિલા કહે છે, "કોઈ મારું સાચું નામ જાણતું નથી."

જ્યારે સ્વયંસેવકે વધારે ભાર આપીને પૂછ્યું તો મહિલાએ પોતાનું નામ કહ્યું સરસુતી દેવી મૌર્ય.

સરસુતી દેવી કહે છે કે તેઓ પોતાના પાંચ પાડોશીઓ સાથે કુંભ મેળામાં પહોંચ્યાં હતાં. સંગમ પર તેઓ પોતાના ગ્રૂપથી અલગ થઈ ગયાં.

એક કલાક સુધી ગ્રૂપના લોકોની શોધ કર્યા બાદ પણ તેઓ ન મળ્યા, તો તેઓ આ કેન્દ્ર પર પહોંચી આવ્યા.

તેઓ ગ્રૂપના બે પુરુષોના નામ જાણે છે, પણ મહિલા પાસે કોઈનો ફોન નંબર નથી.

બીજા પણ કેટલાક લોકો કે જેઓ પોતાના પરિવાર કે મિત્રોને મળવાની રાહ જોઈ રહ્યા છે, તેમની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે.

તેઓ વૃદ્ધ છે કે જેઓ થોડું ભણેલા છે અથવા તો અશિક્ષિત છે. તેમની પાસે કોઈનો ફોન નંબર નથી.

કેટલાક લોકોને તો એ વાતની પણ ખબર નથી કે તેઓ કયા ગામથી આવ્યા છે. લોકો પોતાના ગામનું નામ આપી શકે છે, તો તેમને જિલ્લાનું નામ ખબર નથી.

સરસુતી દેવી નસીબદાર છે કે તેઓ જેમની સાથે આવ્યા હતા, તેમની સાથે મુલાકાત થઈ ગઈ હતી.

ગ્રુપને મળ્યા બાદ સરસુતી દેવી મૌર્ય

મોટાભાગના લોકો કે જેઓ પોતાના પરિવાર કે મિત્રોથી અલગ પડી ગયા હતા, તેમનું ફરી તેમની સાથે મિલન થઈ ગયું છે.

જોકે, થોડા કિસ્સા એવા પણ છે કે જેઓ હજુ સારા સમાચાર મેળવવાની રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્ર પર ઘોષણા કરતી વ્યક્તિ

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

નોખા દેવી ગુમ થયેલા લોકોમાંથી એક છે. કલાકો વીતી ગયા હોવા છતાં તેમનાં માટે કોઈ સુખદ સમાચાર આવ્યા નથી.

તેમના ચહેરા પર ચિંતા છે અને તેઓ સવાલોના જવાબ આપવામાં અસમર્થ છે.

એક સ્વયંસેવક કહે છે, "જો 12 કલાક સુધી પણ કોઈ તેમને લેવા નહીં આવે તો અમારે તેમને પોલીસને સોંપવા પડશે. ત્યાંથી તેમને આશ્રયસ્થળે લઈ જવામાં આવશે."

લાઇન

'હું આશા રાખું છું કે કોઈ મારી પાંચ વર્ષીય બાળકીને શોધી આપે'

દીકરી રાધિકા સાથે સંધ્યા વિશ્વકર્મા

આ જ કારણસર સંધ્યા વિશ્વકર્મા આ કૅમ્પમાં રાહ જોઈ રહ્યાં છે. તેઓ પોતાનાં પાંચ વર્ષીય દીકરી રાધિકાની રાહ જોઈ રહ્યાં છે.

રડતાં રડતાં તેઓ કહે છે, "અમે એકબીજાથી અલગ પડી ગયા તેને એક કલાક કરતા વધારે સમય વીતી ગયો છે. અમે બધી જ જગ્યાએ તેમની શોધખોળ કરી. ક્યાંય રાધિકા ન મળતા અમે અહીં ઘોષણા કરાવવા માટે આવ્યા છીએ. હું આશા રાખું છું કે કોઈ તેને શોધીને અહીં લાવશે."

સંત પ્રસાદ પાંડે કહે છે કે પોલીસ બીજા કેન્દ્ર સાથે સંપર્કમાં છે. તેમને માહિતી મળતા તેઓ જેમ બને તેમ જલદી અમારી સાથે સંપર્ક કરશે.

જલદી જ માહિતી આવી પણ. જાણકારી મળી કે રાધિકા જેવી જ એક બાળકીને નજીકના કૅમ્પમાં લાવવામાં આવી છે.

સંધ્યા પોતાનાં બહેન સાથે પોલીસના કૅમ્પ પહોંચ્યા જ્યાં એક મહિલા પોલીસકર્મી રાધિકા સાથે ઊભાં હતાં.

પોલીસે રાધિકાને પૂછ્યું કે શું તેઓ આ મહિલાને ઓળખે છે. બાળકી જવાબ આપે છે, "હા, આ મમ્મી છે."

ઔપચારિક કાર્યવાહી પૂર્ણ કરી જ્યારે પોલીસને સંતોષ થયો કે સંધ્યા ખરેખર બાળકીનાં માતા છે, કોઈ બાળક તસ્કરી કરતાં મહિલા નથી, ત્યારે તેમણે રાધિકાને તેમને સોંપી દીધી.

સંધ્યા કહે છે, "પોલીસે અમને કહ્યું કે રાધિકા એક વૃદ્ધ વ્યક્તિને મળી હતી, કે જેઓ તેને કૅમ્પ પર લાવ્યા હતા."

રાધિકા પણ કહે છે કે જે વૃદ્ધ વ્યક્તિ તેને લઈને આવ્યા અને તેઓ ખૂબ સારા હતા. તેમણે તેમને ચોકલેટ પણ આપી હતી.

થોડી જ ક્ષણોમાં ચિંતાનાં આંસુ ખુશીનાં આંસુમાં પરિવર્તિત થઈ ગયાં હતાં.

(આ અહેવાલ સૌપ્રથમ 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો