એક બાજીરાવે મરાઠા સામ્રાજ્યને ફેલાવ્યું તો બીજા બાજીરાવે અંગ્રેજો સામે શરણાગતિ સ્વીકારી તેનો અંત કેવી રીતે આણ્યો?

બીબીસી ગુજરાતી
    • લેેખક, ઓમકાર કરંબેલકર
    • પદ, સંવાદદાતા, બીબીસી મરાઠી

પેશવાઓએ મરાઠા સામ્રાજ્યનો વહીવટ સંભાળ્યો અને છેક દિલ્હી, ઉત્તર ભારત સુધી મરાઠી ધ્વજ લહેરાવ્યો હતો. ઉત્તર-દક્ષિણ અને પૂર્વમાં પણ તેમનો પ્રભાવ રહ્યો હતો, પણ એ વૈભવનો હ્રાસ પણ પેશવાઓના સમયમાં જ થયો હતો.

બાજીરાવ પ્રથમે હાથમાં તલવાર લઈને શૌર્યની શરૂઆત કરી હતી. દુશ્મનોનો પીછો કર્યો હતો, પરંતુ અંતિમ બાજીરાવના સમયમાં એ દાવ ઊલટો પડ્યો હતો. અંતિમ બાજીરાવે દુશ્મનને પીઠ દેખાડીને ભાગવું પડ્યું હતું.

દીર્ઘાયુ પણ...

પેશવાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેશવાઓનો દરબાર

બાજીરાવ દ્વિતીય તરફ આગળ વધતા પહેલાં પેશવા વંશની મુખ્ય વ્યક્તિઓ અને તેમના ઉત્તરાધિકારી તરીકે કોણે પેશવાપદ સંભાળ્યું હતું. એ જાણવું રસપ્રદ છે.

બાલાજી વિશ્વનાથ ભટ્ટને છત્રપતિ સંભાજી મહારાજના પુત્ર સાતારાના શાહુજીએ પેશવા બનાવ્યા હતા. બાલાજીને બે પુત્ર હતાઃ બાજીરાવ અને ચિમાજી અપ્પા. બાલાજી વિશ્વનાથ પછી બાજીરાવ પ્રથમ પેશવા બન્યા હતા.

બાજીરાવ પ્રથમને નાનાસાહેબ, સમશેર બહાદૂર અને રઘુનાથરાવ એમ ત્રણ પુત્ર હતા. તેમના મૃત્યુ પછી નાનાસાહેબ પેશવા બન્યા હતા.

નાનાસાહેબને વિશ્વાસરાવ, માધવરાવ અને નારાયણરાવ એમ ત્રણ પુત્ર હતા. એ પૈકીના વિશ્વાસરાવ પાણીપતના યુદ્ધમાં માર્યા ગયા હતા. તેથી નાનાસાહેબ પછી માધવરાવ પેશવા બન્યા હતા. માધવરાવના મૃત્યુ પછી નારાયણરાવ પેશવા બન્યા હતા. જોકે, નારાયણરાવની હત્યા શનિવાર વાડામાં થઈ હતી.

તેથી બાજીરાવ પ્રથમના પુત્ર રઘુનાથરાવ થોડા સમય માટે પેશવા પદે રહ્યા હતા, પરંતુ એ પછી નારાયણરાવના પુત્ર સવાઈ માધવરાવ પેશવા બન્યા હતા.

રઘુનાથરાવના એક પુત્રનું નામ બાજીરાવ હતું. તેઓ બાજીરાવ દ્વિતીય હતા.

સવાઈ માધવરાવનું મૃત્યુ શનિવાર વાડામાં ફૂવારા પડવાને કારણે થયું પછી બાજીરાવ દ્વિતીય પેશવા બન્યા હતા.

પેશવા એટલે કે ભટ્ટ પરિવારના શૂરવીરો લાંબુ જીવ્યા ન હતા. બાજીરાવ પ્રથમનું આયુષ્ય 39 વર્ષ, ચિમાજી અપ્પાનું 33 વર્ષ, નાનાસાહેબનું 40 વર્ષ, માધવરાવનું 27 વર્ષ, નારાયણરાવનું 18 વર્ષ, સવાઈ માધવરાવનું 21 વર્ષ અને રઘુનાથરાવનું આયુષ્ય 49 વર્ષનું રહ્યું હતું. દીર્ઘ જીવનની બાબતમાં બાજીરાવ દ્વિતીયને ભાગ્યશાળી કહેવા પડે. તેમને 76 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું હતું.

તેઓ પેશવાઓના પતનના સાક્ષી હતા. વાસ્તવમાં તેઓ જ પતનનું કારણ હતા. પેશવાઓના પતન પછી તેઓ પૂણેથી દૂર કાનપુર નજીકના બિઠૂરમાં અજ્ઞાતવાસ જેવું જીવન જીવ્યા હતા.

બીબીસી ગુજરાતી

બાજીરાવ દ્વિતીય પેશવા બન્યા

મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારવાડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાજીરાવ દ્વિતીયના બીજા પુત્ર ચિમાજીરાવ હતા અને અમૃતરાવ દત્તક પુત્ર હતા.

બાજીરાવ દ્વિતીયનો જન્મ 1775ની 10 જાન્યુઆરીએ રઘુનાથરાવ અને આનંદીબાઈને ત્યાં થયો હતો.

સવાઈ માધવરાવના મૃત્યુ પછી તેમનાં પત્ની યશોદાબાઈએ નાના ફડણવીસની સલાહ મુજબ રઘુનાથરાવના નાના પુત્ર ચિમાજીરાવ દ્વિતિયને દત્તક લીધા હતા. આ ચિમાજી યશોદાબાઈના કાકાજી સસરા હતા.

બાજીરાવ દ્વિતીય પોતે પેશવા બની શકે એટલા માટે આ દત્તક પ્રક્રિયાનો અસ્વીકાર કરીને ખટપટ શરૂ કરી હતી. તેમણે તમામ પ્રકારના પ્રયાસો કર્યા હતા. દત્તક પ્રક્રિયા ગેરકાયદે હતી એવું સાબિત કરીને 1796માં તેમણે પેશવાઈ સંભાળી હતી.

બાજીરાવ દ્વિતીયના બાળપણનું વર્ણન વાંચો તો સ્પષ્ટ થાય છે કે તેઓ ખૂબ જ જીદ્દી અને તોફાની હતા. તેમનાં માતા આનંદીબાઈએ લખેલા પત્રો તથા અન્ય લખાણો અને નોંધોમાં બાજીરાવ દ્વિતીયનાં વ્યક્તિત્વ અને વર્તનની ઝલક જોવા મળે છે.

બાજીરાવ દ્વિતીય આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતા રઘુનાથરાવ પેશવા મૃત્યુ પામ્યા હતા. 21 વર્ષના થયા ત્યાં સુધીનો સમય તેમણે માતા તથા ભાઈ-બહેનોની સાથે, નાના ફડણવીસની નજરકેદમાં પસાર કર્યો હતો. ક્યારેક આનંદવલ્લી તો ક્યારેક કોપરગાંવમાં તેમનો મુકામ રહ્યો હતો.

માતા આનંદીબાઈએ ખેદ વ્યક્ત કરતાં નોંધ્યું હતું કે, "નાના ફડણવીસે બાજીરાવના શિક્ષણ માટે યોગ્ય સુવિધા આપી ન હતી. આ છોકરો અમારી સાથે જ બહુ ખરાબ વર્તન કરે છે. તેને મારવો પણ પડે છે. જાણે કે તેને કોઈની પરવા નથી. બધા ઇચ્છે છે કે બાળક બુદ્ધિમાન ન થાય. એ તદ્દન બગડી ગયો છે."

બાજીરાવ દ્વિતીયએ તેમના બાળવધૂ ભાગીરથીબાઈ સાથે સંબંધ સ્થાપવાનો પ્રયાસ કર્યો ત્યારે આનંદીબાઈએ તેની મનાઈ ફરમાવી હતી. આનંદીબાઈએ નોંધ્યું છે કે બાજીરાવને જવાબ આપ્યો ત્યારે તેમણે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને થપ્પડ તથા લાત મારી હતી.

બીબીસી ગુજરાતી

નાના ફડણવીસનું મૃત્યુ

નાના ફડણવીસ

ઇમેજ સ્રોત, Karan Raskar/Pune

ઇમેજ કૅપ્શન, બેંગલુરુનાં એક સંગ્રહાલયમાં નાના ફડણવીસનું ચિત્ર

તેથી નજરકેદ હેઠળના જીવનકાળની, રઘુનાથરાવને પેશવા પદ ન મળવું વગેરે વાતોની તેમના જીવન પર અસર થઈ હશે. સવાઈ માધવરાવ પછી પણ પોતાને બદલે નાના ભાઈને પેશવા પદ આપવામાં આવ્યું હતું, એ બધું તેમને ત્રાસદાયક લાગ્યું હશે. તેથી નાનાને કેદ કરીને છેક નગરમાં મોકલી આપ્યા હતા.

આનંદીબાઈએ લખ્યું છે, "નાના ફડણવીસને કારણે અમારે આવું જીવન જીવવું પડ્યું."

જોકે, અંગ્રેજોનો સામનો કરવા માટેની મુત્સદ્દીગીરીના અભાવનો અહેસાસ થતાં એક જ વર્ષમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 13 માર્ચ, 1800ના રોજ મુક્ત થયાના થોડા જ સમયમાં નાનાનું અવસાન થયું હતું.

‘કંપની સરકાર’ પુસ્તકના લેખક અ. રા. કુલકર્ણીએ નોંધ્યું છે, “નાના ફડણવીસ, પેશવાઓ અને શિંદેને અંગ્રેજો સાથેના સંઘર્ષના નિરાકરણના તેમના પ્રયાસોને હતોત્સાહ કરી રહ્યા હતા, પરંતુ નવા પેશવા હેઠળ નાનાની કિંમત કોડીની થઈ ગઈ હતી. તેઓ નાનાની બુદ્ધિગમ્ય સલાહ ઇચ્છતા ન હતા, પરંતુ નાના પાસેથી પૈસા મેળવવા ઇચ્છતા હતા. બાજીરાવ 22 વર્ષના હતા અને તેમના દોસ્ત દોલતરાવ 18 વર્ષના હતા. બંને અપરિપકવ તથા રાજનીતિમાં નવાસવા હતા. એવી પરિસ્થિતિમાં તેમને નાનાની સલાહ જોઈતી ન હતી.”

બીબીસી ગુજરાતી

નાના ફડણવીસના મૃત્યુ પછી શું થયું?

રઘુનાથરાવ પેશવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રઘુનાથરાવ પેશવા

કર્નલ પામરે કહ્યું હતું કે નાના ફડણવીસના મૃત્યુ પછી મહારાષ્ટ્રની બુદ્ધિ તથા મુત્સદ્દીપણાનો પણ નાશ થયો હતો. એ વાત સાચી સાબિત થઈ હતી.

નાનાના મૃત્યુ પછી શિંદે અને હોલકરો વચ્ચે પૂણે કબજે કરવા માટે લડાઈ થઈ હતી. એ સમયે બાજીરાવ દ્વિતીયે વિઠોજી હોલકરને હાથીના પગ તળે કચડાવીને હોલકરોનો ક્રોધ વહોરી લીધો હતો.

1802 પછી તેનું પરિણામ દેખાવા લાગ્યું હતું. હોલકરોએ પૂણે પર ચડાઈ કરી ત્યારે પૂણેમાં હાહાકાર મચી ગયો હતો. બાજીરાવે પૂણે તથા પોતાની ગાદી બચાવવા માટે અંગ્રેજોની મદદની રાહ જોઈ હતી. ત્યાંથી જ 1803માં વસઈની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ વર્ષે શિંદે તથા ભોંસલે અને અંગ્રેજો વચ્ચે લડાઈ થઈ હતી. તેમાં અંગ્રેજોનો વિજય થયો હતો. 1805માં હોલકરોએ અંગ્રેજો સાથે સંધિ કરવી પડી હતી.

બીબીસી ગુજરાતી

શનિવારવાડામાં અંગ્રેજોનો ધ્વજ

ત્ર્યંબકજી ડેંગલે

ઇમેજ સ્રોત, Sumit Dengle

ઇમેજ કૅપ્શન, ત્ર્યંબકજી ડેંગલે

આ ઘટનાઓને કારણે અંગ્રેજોને પૂણેમાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ પૂણેમાં બધું થાળે પડ્યું ન હતું. વડોદરાના ગાયકવાડના દીવાન ગંગાધર શાસ્ત્રીની પંઢરપુરમાં હત્યા કરવામાં આવી હતી.

અંગ્રેજોના રૅસિડેન્ટ માઉન્ટ સ્ટુઅર્ટ ઍલફિન્સ્ટને તેનો આરોપ બાજીરાવ દ્વિતીય અને તેમના સરદાર ત્ર્યંબકજી ડેંગલે પર મૂક્યો હતો. ત્ર્યંબકજીની ધરપકડ કરીને થાણે જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

એ પછી ઍલફિન્સ્ટન અને અંગ્રેજોને સતત ડર લાગતો હતો કે ત્ર્યંબકજી તેમના પર હુમલો કરશે. ત્ર્યંબકજીને સોંપી દેવાની માગણી ઍલફિન્સ્ટન સતત કરતા રહ્યા હતા. એ માટે તેમણે પૂણેને ઘેરો ઘાલ્યો હતો.

તેમ છતાં અંગ્રેજોના મનમાં હુમલાનો ડર યથાવત્ રહ્યો હતો. એ અંગ્રેજો પર હુમલો કરવો કે નહીં એ બાબતે બાજીરાવ દ્વિતીયે નક્કર વલણ લીધું હોય તેવું લાગે છે.

આખરે નવેમ્બર, 1817માં અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે યરવડા ખાતે યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજોનો વિજય થયો હતો. એ પછી અંગ્રેજોએ પૂણે પર કબજો જમાવ્યો હતો. બાલાજીપંતના પૌત્રે શનિવારવાડા ખાતે યુનિયન જેક એટલે અંગ્રેજોનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

યરવડા પછી અંગ્રેજોએ કોરેગાંવ, ગોપાલ અષ્ટી તથા શિવની ખાતે પણ મરાઠાઓને હરાવ્યા હતા. એ લડાઈઓને કારણે પેશવા અને મરાઠી સામ્રાજ્યનો સૂરજ કાયમ માટે અસ્ત થઈ ગયો હતો. વસઈની સંધિથી શરૂ થયેલી સત્તાની સાંજ 1818માં રાતમાં પરિવર્તિત થઈ હતી.

ઇતિહાસના અભ્યાસુ અને ડેંગલે પરિવારના વંશજ સુમિત ડેંગલેએ ત્ર્યંબકજી ડેંગલેના પ્રયાસો વિશે બીબીસી સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી.

સુમિત ડેંગલેએ કહ્યું હતું, “1811 પછી પેશવા તરીકેની ત્ર્યંબકજીની પ્રતિષ્ઠા વધી હતી. તેમની સલાહ અનુસાર બીજા પેશવાઓએ અંગ્રેજો સામે સંઘર્ષની યોજના બનાવી હતી. કિલ્લાઓનું સમારકામ શરૂ થયું હતું. ભાંબુર્ડા (આજનું શિવાજીનગર) ખાતે એક નવું તોપખાનું શરૂ કરવામાં આવ્યું હતું. મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા લોકોની નિમણૂંક કરવામાં આવી હતી અને લશ્કર માટે ભરતી શરૂ થઈ હતી. શિંદે હોલકર, ગાયકવાડ, નાગપુરકર ભોંસલેના દરબારમાં દૂતોને મોકલવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હૈદરાબાદના નિઝામ અને પંજાબના રાણા રણજીત સિંહના દરબારમાં પણ દૂતોને મોકલવામાં આવ્યા હતા. મધ્ય ભારતના પેંઢારીઓ સાથે પણ જોડાણ કરવામાં આવ્યું હતું.”

“1815નું ગંગાધર શાસ્ત્રી હત્યા પ્રકરણ અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચેના ત્રીજા યુદ્ધનું કારણ બન્યું હતું. તેની તૈયારી ઘણા સમય પહેલાંથી કરી રાખવામાં આવી હતી. ઍલફિન્સ્ટન ત્ર્યંબકજી વિશેની માહિતી ગવર્નર જનરલને નિયમિત રીતે મોકલતા રહ્યા હતા. ઍલફિન્સ્ટન કહેતા હતા કે ત્ર્યંબકજી બધું 1802ની વસઈ સંધિ વિરુદ્ધનું કરી રહ્યા છે.”

“1802માં વસઈની સંધિ બાદ અંગ્રેજો અને બાજીરાવ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્ર્યંબકજીએ બાજીરાવ દ્વિતીયને પેશવા તરીકે નિયુક્ત કર્યા હતા. આપણે છીનવાઈ ગયેલું સાર્વભૌમત્વ પાછું મેળવવું જોઈએ એવું તેઓ પેશવાને સતત કહેતા હતા. તેથી પેશવાઓએ તેના પ્રયાસ શરૂ કર્યા હતા.”

“ગંગાધર શાસ્ત્રી હત્યા પ્રકરણ પછી ત્ર્યંબકજીને થાણે જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ એક વર્ષ પછી ભાગી ગયા હતા. તેમણે ખાનદેશમાં ભીલ, સાતારા નજીક શંભુ મહાદેવની ટેકરીઓમાં રામોશી તથા માતંગ સમુદાયને સંગઠીત કર્યા હતા. એ દરમિયાન 10,000 લોકોની ફોજ એકઠી કરી હતી, જે અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચેના ત્રીજા યુદ્ધમાં કામ આવી હતી. ”

“અલબત, બાજીરાવ દ્વિતીય પાસે નેતૃત્વના ગુણ ન હતા, પણ તેનો કોઈ ઇલાજ ન હતો. એ સમયે ભારતનો લગભગ બે-તૃતિયાંશ હિસ્સો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અંગ્રેજોના શાસન હેઠળ હતો. મરાઠા સામ્રાજ્ય મોટું હતું, પરંતુ તેમાં એકતા ન હતી. તે વિકેન્દ્રીત હતું. વળી બાજીરાવ દ્વિતીય પણ મોડા જાગ્યા હતા. અંગ્રેજો તથા મરાઠાઓ વચ્ચેનું ત્રીજું યુદ્ધ ભારતમાંનું એક મોટું યુદ્ધ હતું અને બાજીરાવ દ્વિતીય તેના નાયક હતા,” એમ સુમિત ડેંગલેએ કહ્યું હતું.

બીબીસી ગુજરાતી

આખરે શરણાગતિ સ્વીકારી

વિશ્રામબાગવાડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્રામબાગવાડા, પૂણે

અંગ્રેજો સામે હાર પછી બાજીરાવ દ્વિતીયએ અંગ્રેજોને શરણે થવાનું નક્કી કર્યું હતું. બાજીરાવને પેશવા તરીકે બઢતી આપવામાં આવી હતી અને તેમને પેન્શન પર બ્રહ્માવર્ત એટલે કે કાનપુર નજીકના બિઠૂર મોકલી દેવામાં આવ્યા હતા. 1818 પછી મૃત્યુ સુધી તેઓ ત્યાં રહ્યા હતા. તેમના નાનાભાઈ ચિમનાજીને વારાણસી મોકલવામાં આવ્યા હતા અને તેમના દત્તક ભાઈ અમૃતરાવને પણ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા.

બાજીરાવ દ્વિતીયએ જૂન, 1818માં અંગ્રેજ અધિકારી માલ્કમ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. તે શરણાગતિની શરતો વિશે અ.રા. કુલકર્ણીએ તેમના પુસ્તક ‘કંપની સરકાર’માં માહિતી આપી છે.

તેમના જણાવ્યા મુજબ, માલ્કમના પહેલી જૂન, 1818ના પત્રમાં શરણાગતિ શરતો લખવામાં આવી હતી. તેના સારાંશ મુજબ, “બાજીરાવ દ્વિતીયએ પોતાના તથા તેમના વારસદારો માટે પૂણે સરકારના તમામ અધિકારો, પદવીઓ અને સત્તાના ત્યાગનો પત્ર લખી આપવો પડશે. એક પણ દિવસનો વિલંબ કર્યા વિના બાજીરાવ દ્વિતીયએ માલ્કમને શરણે થવું પડશે અને તેઓ નક્કી કરે તે સ્થળે રહેવા ચાલ્યા જવું પડશે. બ્રિટિશ સરકાર પેન્શન નક્કી કરશે તે ઉદારતાથી સ્વીકારી લેવું પડશે. ત્ર્યંબકજી અને બે અંગ્રેજોની હત્યા કરનાર ગુનેગારો અંગ્રેજોને હવાલે કરવા પડશે. તેમજ તેઓ દક્ષિણ દિશામાંથી મરાઠા પ્રદેશમાં પ્રવેશવાનો પ્રયાસ ક્યારેય નહીં કરે.”

તેઓ આગળ લખે છે, “શરતો નક્કી કરવામાં અને બાજીરાવને વાર્ષિક આઠ લાખ પેન્શન અપાવવામાં માલ્કમ જ મોખરે રહ્યા હતા. કલકતાના ગવર્નર જનરલને આ શરતો ખાસ સ્વીકાર્ય ન હતી. તેઓ માનતા હતા કે બાજીરાવનો કાંટો સંપૂર્ણ કાઢી નાખવાની તક વેડફવી ન જોઈએ. તેમને આટલું મોટું પેન્શન કે જાગીર આપવી ન જોઈએ. બાજીરાવે થોડી ખેંચતાણ કરી હતી, પરંતુ માલ્કમની યોજના નિષ્ફળ થઈ ગઈ હતી અને મરાઠી સત્તા કંપનીના હાથમાં આવી ગઈ હતી. બાજીરાવે તેમની મૂર્ખાઈ અને ઉદ્ધતાઈને કારણે આટલી મોટી તક ગુમાવી હતી. આવું ઇતિહાસમાં આવી કદાચ આ એક જ ઘટના હશે.”

બીબીસી ગુજરાતી

બાજીરાવ દ્વિતીયનું વૈભવી અને પ્રમાદી અંગત જીવન

બિઠૂરનાં ઘાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિઠૂરનાં ઘાટ

બાજીરાવ દ્વિતીયએ કુલ 11 લગ્નો કર્યાં હતાં. તેમાંથી છ લગ્ન 1818 પહેલાં અને પાંચ લગ્ન બિઠૂર ગયા પછી કર્યાં હતાં. તેમનાં અનેક સંતાનો નાની વયે મૃત્યુ પામ્યાં હતાં. તેથી તેમણે ધોંડોપંત (નાનાસાહેબ), સદાશિવરાવ (દાદાસાહેબ) અને ગંગાધરરાવ (બાળાસાહેબ)ને દત્તક લીધા હતા.

નારાયણરાવનું શનિવારવાડામાં મૃત્યુ થયું હોવાથી બાજીરાવ દ્વિતીય અન્ય મહેલમાં રહેતા હતા. તેથી તેમણે શુક્રવાર, બુધવાર અને વિશ્રામબાગ જેવા વાડાઓ-મહેલોનું નિર્માણ કરાવ્યું હતું. કોથરુડ, ફુલશહેર, પાષાણ જેવા પૂણે નજીકનાં સ્થળો તૈયાર કર્યાં હતાં. ગુહાગર, નાસિક, માહુલી અને વાઈ ખાતે પણ મહેલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પૂણેમાં હતા ત્યારે બાજીરાવનું જીવન ખૂબ જ વૈભવી જણાય છે. ‘હિસ્ટોરિકલ થિંગ્ઝ’ પુસ્તકમાં આપેલાં વર્ણનો પરથી તેનો અંદાજ લગાવી શકાય છે.

કહેવાય છે કે “તેમના વાડામાં બસ્સો ત્રણસો સ્ત્રીઓ રોજ સ્નાન કરવા આવતી હતી. તેમનો સ્નાન સમારંભ દિવસભર ચાલતો હતો. રાત્રિભોજનની તૈયારી પછી ઇચ્છા થાય તો બાજીરાવ કિલ્લામાં સવારી કરતા હતા. સમૂહ ભોજન દરમિયાન પત્નીઓ એકમેકની નજીક બેસતી હતી.”

આવા વર્ણનમાંથી ઉત્તર પેશવાઓની વૈભવી જીવનશૈલીનો અંદાજ મળે છે. કેટલાક મશ્કરા લોકો બાજીરાવ દ્વિતીયને કૃષ્ણનો બીજો અવતાર કહેતા હતા. તેઓ પાછા આવશે એવી આશા જન્મી હતી.

એ સમયગાળામાં પૂણેમાં બાવનખાણી નામની કલાકારોની વસાહતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અ. રા. કુલકર્ણીએ પૂણેના પેશ્વા નામના પુસ્તકમાં પેશવાકાલીન પૂણે પ્રકરણમાં કેટલાક કલાકારોનાં નામ આપ્યાં છે. તેમાં શિવશાની, આનંદી, તેલંગી, મીઠા નાયકીણ પૂણેકર, ચપટપિના ઔરંગાબાદકર, સાવનૂરવાલી પના, કરિમી દાદા પોતનિસાંચી, ગુજરાતથી નારાયણ દાસવાળા, મેથી થેરકરીણ, મતી ટોપીવાલી, ભવાની આંવડારપુરવાલી, કુંદન સાતારકર, લાલન સભાકુંવરચી, સતની સાતારકર, પિરા નાઇકિણીચી, બસંતી ઉજવનવાલી, જમના નાઇકીણ મુંબઇવાલી વગેરે જેવાં અનેક નામ છે. તેની નોંધ પૂણે સિટી રિસર્ચ રિપોર્ટમાં પણ છે.

કૃષ્ણદાસ નામના લોકકવિએ લખેલી એક લાંબી કવિતામાંના વર્ણન પરથી અનુમાન કરી શકાય કે એ સમયે પૂણેમાં શું ચાલી રહ્યું હતું. બીજા ઘણા કવિઓએ એ સમયનું વર્ણન કર્યું છે.

એ બ્રહ્માવર્ત એટલે કે બિઠૂરમાં પણ આવું જીવન ચાલુ રહ્યું હોય તેવું લાગે છે. મરાઠી રિયાસતના આઠમા ખંડમાં તેનું વર્ણન છે. ઘોડા, ઊંટ, હાથી, પાલખી, ગાડીઓ અને માણસો સાથે કાફલો રવાના થયો હતો. બાજીરાવની છાવણી માટે બિઠૂરમાં છ માઈલ ત્રિજ્યાની જગ્યા ફાળવવામાં આવી હતી. બિઠૂર ખાતે તેમણે ઉત્તમ વાડાનું નિર્માણ કર્યું હતું અને તે ભવ્ય તથા યુરોપિયન શૈલીમાં શણગારેલો હતો. દિવાન ખંડમાં મોટા અરીસાઓ અને ઝૂમ્મર હતાં. કિંમતી પડદા, રેશમ અને ઝરીની કાર્પેટ સિવાય બીજી મૂલ્યવાન વસ્તુઓ પણ હતી. સોના-ચાંદીનાં વાસણો, હાથીઓનાં સોના-ચાંદીના ઘરેણાં, કુંડ, અંબાડીઓ અને પાલખીઓ હતી. કૂતરાં, હરણ, કાળિયાર પણ રાખવામાં આવ્યાં હતાં. બિઠૂરમાં પણ બ્રાહ્મણ ભોજન અને ભવ્ય દક્ષિણાની પરંપરા ચાલુ રહી હતી.

બીબીસી ગુજરાતી

મણિકર્ણિકાને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનાવવામાં બાજીરાવની ભૂમિકા

બિઠૂરનો નદીકિનારો

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC

ઇમેજ કૅપ્શન, બિઠૂરનો નદીકિનારો

બિઠૂરમાં રહેતા બાજીરાવ દ્વિતીય દ્વારા કરવામાં આવેલું મહત્ત્વનું પરાક્રમ એટલે મણિકર્ણિકા નામની એક કન્યાનાં ઝાંસીના રાજા ગંગાધરપંત નેવાલકર સાથે કરાવવામાં આવેલાં લગ્ન. લક્ષ્મીબાઈનું મૂળ નામ મણિકર્ણિકા તાંબે હતું. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું. મોરોપંત બાજીરાવના ભાઈ ચિમાજી પાસે વારાણસીમાં કામ કરતા હતા.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એટલે કે મણિકર્ણિકાનો જન્મ વારાણસીમાં થયો હતો, પરંતુ ચિમાજીના મૃત્યુને કારણે તેમણે વારાણસી છોડીને કાનપુર પાસે બ્રહ્માવર્ત એટલે કે બિઠૂકમાં બાજીરાવ પાસે આવવું પડ્યું હતું.

મણિકર્ણિકા બિઠૂરમાં સૌના લાડકી દીકરી હતાં. ત્યારે તેમને છબિલી કહેવામાં આવતા હતા, પરંતુ એ સમયના નિયમ મુજબ, 12-13 વર્ષની ઉંમર થઈ જવા છતાં મણિકર્ણિકાનાં લગ્ન થયાં નહોતાં.

આખરે તેમના લગ્ન 40થી વધુ વર્ષની વયના ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે કરવામાં આવ્યા હતા અને મણિકર્ણિકા લક્ષ્મીબાઈ બન્યાં હતાં. એ લગ્નમાં બાજીરાવ દ્વિતીયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બીબીસી ગુજરાતી

અંતે શું થયું?

બ્રિટિશ સેનાનાં જવાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાનપુર નજીક ગંગામાં તણાઈ રહેલાં બ્રિટિશ સેનાનાં જવાનો

બાજીરાવ દ્વિતીય 1818થી 1851, તેમના મૃત્યુ સુધી બિઠૂરમાં રહ્યા હતા. તેમના પુત્રોએ ઝાંસીની રાણી તથા તાત્યા ટોપે સાથે મળીને 1957ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ એ બળવા દરમિયાન નાનાસાહેબ, બાળાસાહેબ મૃત્યુ પામ્યા હતા.

અંગ્રેજોએ રાવસાહેબને બિઠૂરના કિલ્લા સામે ફાંસી આપી હતી. તાત્યા ટોપેને પણ ફાંસી આપવામાં આવી હતી, જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગ્વાલિયરમાં લડતા-લડતાં મૃત્યુ પામ્યાં હતાં.

બાજીરાવ દ્વિતીયના જીવન વિશે બીબીસી સાથે વાત કરતાં ઇતિહાસકાર ગુરુપ્રસાદ કાનિટકરે કહ્યું હતું, “બાજીરાવ દ્વિતીય સત્તા પર આવ્યા ત્યારે રાજ્યની સ્થિતિ બહુ ખરાબ હતી. વ્યાપક અસંતોષ હતો. મરાઠા સામ્રાજ્યમાં બધા એકમેકની વિરુદ્ધ હતા. આ બધાને એક તાંતણે બાંધી શકે તેવો મહાડજી શિંદે જેવો કોઈ માણસ રહ્યો ન હતો અને બાજીરાવ દ્વિતીય પેશવા બન્યાના પહેલા જ દિવસે જાહેરાત કરી હતી કે હું તમામ વૈભવનો ઉપભોગ કરવા આ પદ પર આવ્યો છું. વસઈની સંધિ થઈ ત્યારથી જ મરાઠાઓ શાસન કરવા લાગ્યા હતા.”

“બાજીરાવ દ્વિતીય બિનકાર્યક્ષમ હોય તો અન્ય સરદારોએ છત્રપતિને કહેવું જોઈતું હતું કે તેને હાંકી કાઢો અને રાજ્યને બચાવવા માટે બીજા કોઈને પેશવા બનાવો, કારણ કે બીજા કોઈ પદ કરતાં રાજ્ય બચાવવાનું સૌથી મહત્ત્વનું હતું.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી