જ્યારે ગોરખા સૈનિકોના ભયથી આર્જેન્ટિનાએ મોરચો છોડી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
'કિવદંતીરૂપ નેપાળના હિંસક ગળાકાપનારા.... પોતાના હથિયાર ખુકરીથી....વાળથી પકડીને માથું વાઢી લેતા અને કાન કાપી નાખતા...આ પ્રાણીઓ એટલા રક્તપિપાસુ હતા કે સ્ટેનલીની લડાઈ ખતમ થયા બાદ તેમણે અંગ્રેજોની હત્યા કરવાનું શરૂ કરી દીધું. તેમને કાબૂમાં કરવા માટે તેમને હાથકડીથી બાંધવા પડ્યા.'
કોલંબિયાના નોબલ પારિતોષિક વિજેતા લેખક ગાબ્રિઅલ ગાર્સિયા માર્કેઝે ફૉકલૅન્ડ આઇલૅન્ડ યુદ્ધમાં ગોરખાની ભૂમિકા વિશે આ વાત લખી હતી. ગોરખાની ભૂમિકા વિશે આવા કેટલાક લેખ તેમણે લખ્યા હતા.
1982માં આ યુદ્ધ લડાયું હતું અને એજ વર્ષે તેમને સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળ્યું હતું, એટલે વિશ્વના પ્રબુદ્ધ લોકોએ તેમની વાતને ધ્યાનથી સાંભળી હતી.
'જો કોઈ કહે કે મને મોતની બીક નથી લાગતી, તો કાં તો તે જૂઠ્ઠું બોલી રહ્યો છે અથવા તો તે ગોરખો છે.'
ભારતીય સેનાના ફીલ્ડ માર્શલ સામ માણેકશાએ ગોરખા વિશે આ વાત કહી હતી, જેમણે આ પહાડીઓની બહાદુરીને ખૂબ જ નજીકથી જોઈ હતી અને ગોરખા આ સૈન્યઅધિકારીને 'સૅમ બહાદુર' તરીકે સંબોધતા.
ગોરખાઓ રશિયાની પ્રાઇવેટ આર્મી વાગનર તરફથી લડી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે, ત્યારે એક નજર બ્રિટનની સેના તરફથી ફૉકલૅન્ડના મોરચે લડનારા ગોરખા સૈનિકોની ભૂમિકા પર.
શા માટે ફૉકલૅન્ડમાં ગોરખા વિશે આ ભ્રાંતિ ઊભી થઈ? ગોરખા અને બ્રિટિશરોનો સંબંધમાં ભારતની શું ભૂમિકા છે? ગોરખાને નજીકથી જોનારા તેમના વિશે શું કહે છે?

ફૉકલૅન્ડ વિવાદ અને વિગ્રહ

ઇમેજ સ્રોત, Getty Images
ફૉકલૅન્ડએ દક્ષિણ-પશ્ચિમ ઍટલાન્ટિક મહાસાગરના છેડે આવેલો દ્વીપસમૂહ છે, જે મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનો કુલ વિસ્તાર 12 હજાર વર્ગકિલોમીટરનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ટેનલીએ તેની વહીવટી રાજધાની છે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સેનાનો આ દ્વીપો પર કબજો હતો. ત્યાંના મોટાભાગના નાગરિકો બ્રિટિશ મૂળના છે.
જોકે, તે બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે વિવાદનો પણ મુદ્દો હતો, કારણ કે તે આર્જેન્ટિનાથી નજીક આવેલો વિસ્તાર છે, જેને તેઓ માલવિના તરીકે ઓળખે છે. આર્જેન્ટિનાનો દાવો હતો કે દ્વીપસમૂહ પરનો અધિકાર તેને સ્પૅનના શાસકો પાસેથી મળ્યો હતો, વળી આ દ્વીપ આર્જેન્ટિનાથી નજીક અને યુકેથી દૂર આવેલા છે.
બીજી એપ્રિલ 1982ના દિવસે આર્જેન્ટિનાના સૈન્યશાસકોના આદેશથી લશ્કરે આ ટાપુ ઉપર હુમલો કર્યો. બ્રિટન આને માટે તૈયાર ન હતું. ત્યાં બહુ પાંખી સંખ્યામાં સૈનિકો હતા, જેમણે આર્જેન્ટિનાના સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.
આને કારણે બ્રિટનની માર્ગરેટ થેચર સરકારને આંચકો લાગ્યો હતો. તેઓ આ પ્રકારના હુમલા માટે તૈયાર ન હતા. જોકે ગણતરીના દિવસોમાં વિશ્વભરના અલગ-અલગ સૈન્યમથકો પરથી બ્રિટિશ સેનાના લગભગ એકસો જહાજોએ હજારો સૈનિકો સાથે ફૉકલૅન્ડ ટાપુ તરફ કૂચ કરી.
21મી મેના દિવસે બ્રિટિશરોના સૈનિકોની પ્રથમ ટુકડી સૅન્ટ કાર્લોસ પહોંચી હતી. એ દિવસે ભારે ધુમ્મસ હતું એટલે આર્જેન્ટિનાનાં વિમાનોના હવાઈ સર્વેૅલન્સ છતાં તેઓ બ્રિટિશ હિલચાલને પકડી શક્યા ન હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સૈન્યજહાજો અને વિમાનોનું આ સૌથી મોટું સૈન્યઅભિયાન હતું.
અમેરિકન નૌકાદળનું આકલન હતું કે મૂળભૂમિથી આઠ હજાર માઇલ દૂરના આ યુદ્ધમાં બ્રિટન જીતી નહીં શકે.
તા. 14 જૂને આર્જેન્ટિનાના સૈનિકોએ સરન્ડર કરી દીધું. તેના 649 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે વિજેતા પક્ષના 255 સૈનિક મૃત્યુ પામ્યા હતા.
આર્જેન્ટિનાનાં 20 જહાજ અને 100 જેટલાં વિમાન નાશ પામ્યાં હતાં. સામે પક્ષે બ્રિટનને સાત જહાજ અને નવ વિમાનનું નુકસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Sudha Mulla
આર્જેન્ટિનાની ક્રૂઝ શિપ જનરલ બાલગ્રાને બ્રિટિશ ન્યુક્લિયર સબમરીન એચએમએસ કૉન્કરરે ટાર્ગેટ કરી હતી, જેમાં 323 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા, જે આર્જેન્ટિનાના પક્ષે થયેલી ખુવારીના અડધોઅડધ સંખ્યા હતી.
ન્યુક્લિયર પાવર સબમરીન દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલું આ એકમાત્ર જહાજ છે.
આ પહેલાં 1971ના બાંગ્લાદેશના મુક્તિસંગ્રામ સમયે પાકિસ્તાનની સબમરીન પીએનએસ હંગોરે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ ખુકરીને ગુજરાતની નજીક આવેલા દીવ પાસે નિશાન બનાવી હતી. જેમાં જહાજના કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ 192 સાથીઓ સાથે જળસમાધિ લીધી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછી અને ફૉકલૅન્ડ યુદ્ધ પહેલાં કોઈપણ નૌકાદળને થયેલી આ સૌથી મોટી ખુવારી હતી અને સબમરીન દ્વારા કરવામાં આવેલો એકમાત્ર શિકાર હતો.
યોગાનુયોગ આ ખુકરી શબ્દ અને તેની સાથે જોડાયેલા ગોરખાએ આર્જેન્ટિનાના સૈનિકોની ઉપર માનસિક દબાણ ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને સ્ટેનલીની મહત્ત્વપૂર્ણ લડાઈ જીતવામાં મદદ કરી હતી.

ગોરખા : ભારતીય અને બ્રિટિશ

ઇમેજ સ્રોત, Instagram
1815માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગ જમાવી રહી હતી, ત્યારે તેણે નેપાળ તરફ પણ વિસ્તારવાદી પગલાં લીધા હતા, પરંતુ તેને ગોરખા તરફથી મળેલા સજ્જડ પ્રતિકારને કારણે ભારે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. ગોરખાની લડાયકવૃત્તિ અને બહાદુરી જોઈને તેમને સેનામાં ભરતી કરવાના કરાર કરવામાં આવ્યા હતા.
'કાયર તરીકે જીવવું એના કરતાં મરવું સારું.'એ માનસિકતા ગોરખાનો મિજાજ ઘડે છે. જે નેપાળના ગોરખા શહેરમાંથી આવે છે. કહેવાય છે કે અહીંના યુવાનની પહેલી મહત્ત્વકાંક્ષા બ્રિટિશ સેનામાં જવાની હોય છે અને તેમાં શક્ય ન બને તો ભારતીય સેનામાં ભરતી થવું.
તાજેતરમાં ભારત દ્વારા સેનામાં ભરતી માટે ચાર વર્ષની અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભર્તી કરવામાં આવશે જેને કારણે ગોરખા રશિયા તરફથી યુક્રેનના મોરચે વાગનર તરફથી લડી રહ્યા છે, એવા અહેવાલ આવ્યા છે.
જાણકારોનું કહેવું છે કે ગોરખા અગાઉ પણ વાગનર માટે કામ કરતા હતા. પૈસા અને રશિયાનું નાગરિકત્વ વાગનરમાં જોડાવાના મુખ્ય આકર્ષણ હોય છે.
ગોરખા પોતાની સાથે ખુકરી નામનું ચાકુ રાખે છે, જેની લંબાઈ લગભગ 16થી 18 ઇંચ જેટલી હોય છે.
તેનો વિશેષ આકાર હાથોહાથની લડાઈમાં દુશ્મનો માટે વિશેષ ઘાતક નીવડે છે. વળી તેના છેડે રહેલો આકાર સામેવાળાના લોહીને હાથ સુધી રેલાતું અટકાવે છે.
કંપની સરકાર સમયની વ્યવસ્થા બ્રિટિશરાજમાં પણ યથાવત્ રહેવા પામી હતી.
પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગોરખાને જે કોઈ મોરચે મોકલવામાં આવ્યા, તેમણે આદેશોનું પાલન કર્યું હતું.
બ્રિટિશરો દ્વારા ભારતીય સમાજમાં અમુકને 'લડાયક જાતિઓ', જ્યારે અન્યોને ફોજને માટે નાકાબેલ ગણી ગણતરીપૂર્વક વિભાજિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગોરખા, રાજપૂત, શીખને લડાયક ગણીને તેમની બ્રિટિશ સેનામાં ભરતી કરવામાં આવતી.
સ્વતંત્રતા પછી ભારતીય સેનાએ આ વ્યવસ્થાને ત્યજી હતી અને તમામ સમુદાયના નાગરિકો માટે સેનાના દરવાજા ખોલી નાખ્યા હતા. છતાં ગોરખાનું મહત્ત્વ સેનામાં અકબંધ રહેવા પામ્યું હતું. નેપાળ સાથેના કરારને કારણે તેમની સેનામાં ભરતી થતી.

ઇમેજ સ્રોત, Getty Images
ગોરખા રૅજિમેન્ટના નિવૃત્ત કર્નલ રાજીવ ભરવાને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "સ્વતંત્રતા પછી સેનાનું વિભાજન થયું, ત્યારે કોઈપણ ગોરખા ટુકડી પાકિસ્તાનમાં જવા રાજી ન હતી. એટલે તેમને ભારત અને બ્રિટનની વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી."
અંગ્રેજો ગોરખાને ગુમાવવા માગતા ન હતા અને તેમણે ચાર રૅજિમેન્ટને પોતાની સાથે લીધી હતી.
જેમનો ઉપયોગ સાયપ્રસ, ફૉકલૅન્ડ, મલેશિયા, હૉંગકૉંગ, સિંગાપોર, કોસોવો, ઈરાક અને અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યો.
કર્નલ (રિટાયર્ડ) ભરવાનના મતે, "ગોરખા એકદમ સરળ, પ્રમાણિક, બહાદુર અને લડાયક હોય છે. તેઓ વર્તમાનમાં જીવનારા છે અને આવતીકાલની ચિંતા નથી કરતા. જેઓ મુક્તમને નાચી-ગાઈને પોતાની ખુશીની અભિવ્યક્તિ કરે છે. જો પિતા સેનામાં હશે તો દીકરો પણ સેનામાં જ જવાનું સપનું જોતો હોય છે."
જોકે, ફૉકલૅન્ડના યુદ્ધ વખતે ગોરખાનું અલગ જ ચિત્ર આર્જેન્ટિનાના સૈનિકોના જનમાનસ પર ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ ભયભીત થઈ ગયા અને લડતા પહેલાં જ મોરચો છોડી દીધો.

'ખૂંખાર ગોરખા અને ખુકરી'

ઇમેજ સ્રોત, The First Casualty - Falklands War History
બ્રિટનની ગોરખા ટુકડીના પૂર્વ સૈનિક ટીમ ગુરુંગે ગોરખાના સૈન્યઇતિહાસ ઉપર 'આયો ગોરખાલી' નામથી પુસ્તક લખ્યું છે. ફૉકલૅન્ડ યુદ્ધ વખતે તેઓ હૉંગકૉંગમાં તહેનાત હતા અને અનામત ટુકડીના સભ્ય તરીકે સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા હતા. તેઓ (પેજનંબર 158-159) લખે છે:
બ્રિટનની 1/7મી ગોરખા સૈન્યટુકડીએ એમવી નૉર્લૅન્ડ મારફત 45 દિવસની દરિયાઈસફર ખેડીને તા. બીજી જૂન 1982ના દિવસે પૉર્ટ સાન કાર્લોસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને આર્જેન્ટિનાના બંધકોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સિવાય આર્જેન્ટિનાના છૂપાઈ રહેલા સૈનિકોને શોધવા માટેનાં અભિયાનોમાં કામે લગાડવામાં આવ્યા હતા. તા. 13મી જૂનના રોજ માઉન્ટ ટમ્બલડાઉન અને માઉન્ટ વિલિયમ નામના 'ટુ-સિસ્ટર' તરીકે ઓળખાતા વ્યૂહાત્મક સ્થળને ફતેહ કરવાના અભિયાન માટે ગોરખાને મોકલવામાં આવ્યા હતા.
તા. 13-14 જૂન, 1982ની મધ્યરાત્રિએ ગોરખા દુશ્મનોની છાવણી તરફ ધીમી, પરંતુ મક્કમ રીતે આગળ વધી રહ્યા હતા, બટાલિયન છેલ્લો અને નિર્ણાયક હુમલો કરવાની હતી, તે પહેલાં જ કશુંક આશ્ચર્યજનક બન્યું. પૉર્ટ સ્ટેનલી ઉપર સફેદ વાવટો ફરક્યો અને દુશ્મનોએ 1/7 ગોરખા સામે લડ્યા વગર જ હથિયાર નાખી દીધા.
સમગ્ર અભિયાન દરમિયાન બે ગોરખા સૈનિક મૃત્યુ પામ્યા હતા અને આંગળીના વેઢે ગણી શકાય એટલા ઘાયલ થયા હતા. તેઓ નવમી ઑગસ્ટે બ્રિટનના ચર્ચ ક્રૂકહૉમ બંદરે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રેમ અને જંગમમાં બધું ચાલે?

ઇમેજ સ્રોત, Getty Images
ફૉકલૅન્ડ યુદ્ધનો અંત આવી ગયો, પરંતુ તેના કારણે ગોરખાની છાપને આંચકો લાગ્યો હતો. બ્રિટિશરો દ્વારા ગોરખા અને તેમની ખુકરીનો અલગ રીતે ઉપયોગ કર્યો હતો.'આયો ગોરખાલી'માં ટીમ ગુરંગ (પેજ 46-47) લખે છે:
ખુકરીની ધાર કાઢી રહેલા ગોરખા સૈનિકની ચતુરાઈપૂર્વક લેવાયેલી તસવીરે દુશ્મનોના મનમાં ભય ઊભો કર્યો હતો. બાકીનું કામ ખુકરી સાથે જોડાયેલી વાયકાએ કર્યું હતું, જે મુજબ: 'જ્યારે પણ ખુકરી મ્યાનમાંથી નીકળે, ત્યારે તેને લોહી ચખાડવું પડે.' પ્રૉપેગૅન્ડા દ્વારા આ વાયકાને પગ આપવામાં આવ્યા હતા.
બ્રિટિશરોએ ગોરખાની છાપ લોહીતરસ્યા પ્રાણી જેવી ઊભી કરી, જેમને લોહી વગર જંપ ન પડે તથા આ માટે ખુકરી તેમનું હથિયાર હતું.
નોબલ પારિતોષિક વિજેતા ગાબ્રિઅલે ગોરખા વિરુદ્ધ આક્રોશ ઠાલવતા અનેક લેખ લખ્યા હતા. એક લેખમાં તેમણે લખ્યું છે કે '700 ગોરખા યુદ્ધમોરચે પહોંચ્યા હતા, જેમાંથી માત્ર 70 જ બચ્યા.'
બ્રિટિશ સેનાએ આ પ્રકારના અહેવાલોને રદિયો આપ્યો હતો અને પત્રકારોની તપાસમાં પણ આ અહેવાલને કોઈ આધાર ન હોવાનું બહાર આવ્યું હતું. આગળ જતા ગાબ્રિઅલે સ્વીકાર્યું હતું કે તેમના અહેવાલ ખામીયુક્ત હતા, કારણ કે એ સમયે ખરાઈ કરવા માટે ઇન્ટરનેટ ન હતું.

ઇમેજ સ્રોત, Getty Images
અનેક પુસ્તકોને આધાર બનાવતા ગુરંગ તેમના પુસ્તકમાં (પૃષ્ઠ 349) બ્રિટિશરોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગોરખા ટોપી અંગે એવી વાત ફેલાવી હતી કે તે વાયરલૅસ ઍન્ટેના છે, જેની મદદથી તેઓ કોઈપણ સાધન વગર સંદેશા મોકલી અને મેળવી શકે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશરોએ ગોરખાને માટે માથું મૂંડવું અને ટોપી પહેરવી ફરજિયાત કરી દીધા હતા. યુદ્ધ પૂરું થયા પછી નેપાળના સેનાધ્યક્ષની મુલાકાત સમયે ગોરખાએ આ મુદ્દે રજૂઆત કરી હતી. એ પછી આ પ્રથાનો અંત આવ્યો હતો.
ફૉકલૅન્ડ વખતે ગોરખા અને ખુકરી મુદ્દે બ્રિટને પ્રૉપેગૅન્ડા ફેલાવ્યો હતો, જેથી કરીને દુશ્મનને મનોવૈજ્ઞાનિક રીતે તોડી શકાય. જેમાં ગોરખાની ખૂંખારતા અને ખુકરીના મિથકને બિહામણી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના સાઇકૉલૉજિકલ અભિયાન સાથે સંકળાયેલા કેટલાક લોકોએ વર્ષો પછી આ વાતનો સ્વીકાર કર્યો હતો.
આ સિવાય આર્જેન્ટિનાના ફૂટબૉલરસિક સૈનિકો ચોક્કસ રેડિયો સ્ટેશન જ સાંભળે તે માટે ફૂટબૉલ મૅચ પહેલાં રિપોર્ટિંગ કરી રહેલાં આર્જેન્ટિનાના પત્રકારોને બનાવટી કૉલ કરીને ફોન પર વ્યસ્ત રાખવા, જેથી કરીને તેઓ અહેવાલ આપવામાં મોડા પડે, જેવી અનેક યુક્તિઓ ઉપર પ્રકાશ પાડ્યો છે.

અને પછી...

ઇમેજ સ્રોત, Getty Images
પરાજયના થોડા સમય બાદ જ આર્જેન્ટિનામાં સૈન્યશાસનનું પતન થયું અને લોકશાહી પુનઃસ્થાપિત થઈ. વર્ષ 1990માં બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચેના કૂટનીતિક સંબંધો પુનઃસ્થાપિત થયા અને વર્ષ 2013માં દ્વીપસમૂહના રહેવાસીઓએ જનમત સંગ્રહ દરમિયાન બ્રિટનમાં રહેવાનો નિર્ણય જાહેર કર્યો. રાજા ચાર્લ્સ તૃતીય તેના વડા છે અને તેમના દ્વારા નિમાયેલા ગવર્નર દ્વારા શાસન ચાલે છે.
પછીનાં વર્ષોમાં બ્રિટિશ સેનામાં ગોરખા સૈનિકોનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે. અગાઉ બ્રિટિશ સેનામાંથી સેવાનિવૃત્ત થયા પછી, ગોરખાને પેન્શન કે નિવૃત્તિ પછીના લાભ ન મળતા અને તેમણે ખાલી હાથે નેપાળ પરત ફરવું પડતું, એવો ઉલ્લેખ ગુરંગ તેમના પુસ્તકમાં કરે છે.
ગુરંગ કહે છે કે (પેજ 305) બ્રિટિશરોના અન્યાયને કારણે અમારા ગોરખાસૈનિકો વચ્ચે એક જોક પ્રચલિત હતો. 'આપણે કાં તો ટિશ્યુ છીએ અથવા તો લિંબુ. ટિશ્યુને વાપરીને ફેંકી દેવાય અને લિંબુને નિચોવીને ફેંકી દેવાય. કમનસીબે આ વાત ગોરખા માટે ખરી હતી.'
આ સિવાય બ્રિટનના નાગરિકત્વ, સન્માન અને પેન્શન માટે પણ ગોરખાએ આંદોલન કરવા પડ્યા હતા. વિક્ટોરિયા ક્રૉસ વિજેતા સૈનિકોને પણ ખાલીહાથે નેપાળ પરત મોકલી દેવામાં આવ્યા હતા.
એક વિક્ટોરિયા ક્રૉસ વિજેતા સૈનિક જ્યારે બ્રિટન પહોંચ્યા ત્યારે ઍરપૉર્ટ પર બ્રિટિશ બૉર્ડર કંટ્રોલ એજન્સીના કર્મચારીઓએ તેમની સાથે ખરાબ વર્તાવ કર્યો હતો, જેના કારણે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો.
કર્નલ (રિટાયર્ડ) ભરવાન ફૉકલૅન્ડ યુદ્ધ વિશે કહે છે, "જ્યારે તમે ડરેલા હો, મનોબળ નીચું હોય, ત્યારે દુશ્મન દ્વારા તમને ડરાવવામાં આવે છે. એના માટે આ બધા તરકટ કરવામાં આવે છે અને તેનો લાભ લેવામાં આવતો હોય છે."
કદાચ એટલે જ કહેવામાં આવે છે કે જંગમાં બધું જાયઝ હોય છે.














