લંડનમાં ભણવા ગયેલા અમદાવાદના કુશ પટેલનો મૃતદેહ મળ્યો, કેવી રીતે ગુમ થયો હતો?

ઇમેજ સ્રોત, Kush Patel Social Media
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
10મી ઑગસ્ટે લંડનમાં ગુમ થયેલા અમદાવાદના કુશ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. 16 ઑગસ્ટના દિવસે મળેલા મૃતદેહની ઓળખ કરવામાં પોલીસને ત્રણ દિવસ લાગ્યા હતા. કુશ પટેલના પરિવારજનોએ બીબીસી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.
લંડનના સમયે પ્રમાણે, 16 ઑગસ્ટ બુધવારે 7 વાગ્યાની આસપાસ શહેરના વેમલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ગુમ થયેલા કુશ પટેલના મિત્ર અને ફરિયાદી હર્ષિલ પટેલને માહિતી આપી હતી કે, પોલીસને એક મૃતદેહ મળ્યો છે તે ગુમ થયેલા કુશ પટેલનો હોવાની સંભાવના છે.
જોકે, લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે મૃતદેહ ઓળખી શકાય તેમ ન હતો. તેમજ મૃતદેહ ડિકમ્પોઝ થવા લાગ્યો હતો જેથી ત્રણ-ચાર દિવસ તો પોલીસને પણ તેની ઓળખ કરવામાં લાગ્યા હતા.
અમદાવાદથી બિઝનેસ મૅનેજમૅન્ટનો અભ્યાસ કરવા માટે વર્ષ 2022માં સ્ટુડન્ટ વિઝા પર લંડન પહોંચેલા કુશ પટેલ અચાનક ગુમ થઈ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આખરે ગુમ થયેલા કુશ પટેલ અને મળી આવેલા મૃતદેહના ફિંગર પ્રિન્ટ મેચ થયા હતા અને આ મૃતદેહ કુશ પટેલનો હોવાનું સાબિત થયું હતું.
આ સમાચાર આવતાની સાથે જ અમદાવાદના નરોડામાં કુશ પટેલના પરિવારજનો પુત્રના શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
મૃતક કુશ પટેલના મિત્ર હર્ષ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમને ગત 21 ઑગસ્ટની રાત્રે 12 વાગ્યાની આસપાસ લંડનમાં રહેતા અમારા ગામના મિત્રો દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગુમ થયેલા કુશ પટેલનો મૃતદેહ મળ્યો છે. લંડનના અમારા મિત્રોના કહેવા અનુસાર, કુશનો મૃતદેહ ફોગાઈ ગયો હતો. પોલીસને કુશ પટેલના બાયોમેટ્રિક લેવા માટે ત્રણ દિવસ થયા હતા. કુશના બાયોમેટ્રિક મેચ થયા બાદ તે મૃતદેહ કુશનો હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. લંડનમાં રહેતા અમારા મિત્રો દ્વારા રાત્રે જ કુશ પટેલનાં માતાપિતાને જાણ કરી હતી. કુશનાં માતાપિતા દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને ભાંગી પડ્યાં હતાં. મોડી રાતે તેમના સગાસંબંધી પણ તેમના ઘરે પહોંચ્યા હતા."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "કુશના મૃતદેહની હાલત જોતા તેને અંતિમસંસ્કાર માટે ભારત પરત લાવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયામાં વધુ 20થી 25 દિવસનો સમય વીતી જાય તેમ છે. આથી કુશના અંતિમસંસ્કાર લંડનમાં અમારા ગામના મિત્રો દ્વારા કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કુશ લંડન કેવી રીતે પહોંચ્યો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદનો કુશ પટેલ બિઝનેસ મૅનેજમૅન્ટનો અભ્યાસ કરવા માટે વર્ષ 2022માં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો.
કુશના યુકેમાં રહેનારા પરિચિતો અને અમદાવાદમાં રહેતા તેના મિત્રોના જણાવ્યા અનુસાર તેની કૉલેજમાં હાજરી ઓછી હોવાથી તેને કૉલેજ તરફથી નોટિસ મળી હતી. આથી તેને તેના યુકેના સ્ટુડન્ટ વિઝા રદ થઈ જવાની ચિંતા હતી.
કુશના ગાયબ થઈ જવાની આ ઘટના બાદ તેના ત્યાં રહેલા મિત્રો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે તેનો કોઈ પત્તો ન લાગતા આખરે વેમ્બલી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
બીબીસીએ લંડનમાં રહેતા હર્ષિલ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું, "હું મારી પત્ની સાથે લંડન રહું છું. કુશ પટેલ મારા ગામ વહેલાલનો જ વતની અને મારા ભત્રીજાનો મિત્ર છે. કુશ પટેલનો ફોન બંધ આવતો હતો. કુશની કોઈ ભાળ મળતી ન હોવા અંગે અમારા એક મિત્રનો ફોન આવ્યો હતો. જેથી અમે કુશને શોધવાનું શરૂ કર્યું હતું."
હર્ષિલ છેલ્લાં દોઢ-બે વર્ષથી જ લંડનમાં રહે છે. તેમણે કહ્યું, "અમે કુશને શોધતા હતા ત્યારે એક મિત્રે કુશનો સ્નેપચેટ મોકલ્યો હતો. કુશના સ્નેપચેટનું છેલ્લું લોકેશન લંડન ટાવર બ્રિજ હતું. જેથી અમે મિત્રો રાત્રે ત્યાં પહોંચ્યા હતા અને તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો."
કુશનું વતન અમદાવાદ નજીક આવેલું વહેલાલ ગામ છે.
વહેલાલમાં તેની સાથે જ મોટા થયેલા તેના મિત્ર હર્ષ પટેલે બીબીસીને કહ્યું, "કુશ અને મેં સાથે વહેલાલમાં જ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. પછી તે તેનાં માતાપિતા સાથે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેવા જતો રહ્યો. કુશે ધોરણ 12 પછી જ યુકે જવાનું નક્કી કર્યું હતું. ધો. 12ના રિઝલ્ટ પછી તેણે અહીંની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું હતું પરંતુ તેને લંડનની કૉલેજમાં ઍડમિશન મળી જતા, તે વર્ષ 2022માં જ બિઝનેસ મૅનેજમૅન્ટ કોર્સનો બૅચલર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે લંડન ગયો હતો."
બીબીસીને મળેલી માહિતી અનુસાર કુશની ઉંમર હજી 19 વર્ષની જ છે અને તેના પરિવારની આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે.
હર્ષે વધુમાં કહ્યું, "કુશ તેનાં માતાપિતાનું એકમાત્ર સંતાન છે. કુશનાં દાદી સરકારી નોકરી કરતાં હતાં. તેનો પરિવાર દાદીનાં પેન્શન પર જ નભે છે."
સામાન્ય રીતે ધોરણ 12 પછી યુકેમાં બૅચલર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે માસ્ટર ડિગ્રીના અભ્યાસ કરતાં વધારે ખર્ચ થાય છે. ત્યાં એક વર્ષના અભ્યાસની ફી લગભગ 15 હજારથી 16 હજાર પાઉન્ડ (આશરે 15 લાખથી 16 લાખ રૂપિયા) જેટલી થાય છે. આ ઉપરાંત લંડન જેવા શહેરમાં રહેવાનો અને જમવાનો ખર્ચ અલગથી કરવો પડે છે.
હર્ષે બીબીસીને જણાવ્યા અનુસાર કુશ સામાન્ય આર્થિક સ્થિતિની વચ્ચે કોઈ પણ રીતે મોટી રકમની વ્યવસ્થા કરીને લંડન પહોંચ્યો હતો. તેનો ત્યાં રહેવાનો ખર્ચ અને અમદાવાદના ઘરના ખર્ચને પૂરો કરવા માટે તેણે લંડનમાં સતત કામ કરતા રહેવું પડતું હતું.
હર્ષે કહ્યું, "કુશના પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હોવાને કારણે તે ત્યાં અભ્યાસની સાથે કામ પણ કરતો હતો. પોતાનો ખર્ચ કાઢતા થોડાક પૈસા ઘરે પણ મોકલતો હતો."
કુશની કૉલેજના અભ્યાસ અંગે વાત કરતા હર્ષ પટેલે જણાવ્યું હતું કે, "કૉલેજના પહેલા સેમેસ્ટરમાં કુશની હાજરી ખૂટતી હોવાને કારણે તેને કૉલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કૉલેજમાંથી તેને ઓછી હાજરીની નોટિસ મળી હોવાથી કારણે તેના વિઝા પણ રદ થાય તેવી શક્યતાઓ હતી."
"ત્યારબાદ તે લંડનમાં વર્ક પરમિટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. જો એમ શક્ય ન બને તો તેણે 20 ઑગસ્ટના દિવસે ભારત પરત આવી જવાની ટિકિટ પણ ખરીદી લીધી હતી."

કુશ પટેલ કેવી રીતે ગુમ થયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે કુશનો મોબાઇલ ફોન 10 ઑગસ્ટથી બંધ થઈ ગયો હતો. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ થઈ ગયું હતું.
હર્ષે વધુમાં કહ્યું, "કુશ લંડનમાં વેમ્બલીમાં રહેતો હતો. વેમ્બલીમાં અમારા વહેલાલ ગામના કેટલાક મિત્રો રહે છે. તે સૌએ ભેગા મળીને કુશને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. વેમ્બલી પોલીસ સ્ટેશનમાં અમારા ગામની જ એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી હતી. કુશનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું."
વેમ્બલી પોલીસ સ્ટેશનમાં કુશના એક મિત્રના કાકા હર્ષિલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
હર્ષિલ પટેલે 12મી ઑગસ્ટે પોલીસના ઇમર્જન્સી નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી.
તેમણે કહ્યું હતું, "ફરિયાદને આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. અમે ફરિયાદ નોંધાવીને ઘરે પણ નહોતા પહોંચ્યા, તે પહેલાં જ પોલીસે કુશ જ્યાં રહેતો હતો, તે ઘરે પહોંચી સર્ચ શરૂ કરી દીધું હતું."
હર્ષિલ પટેલે કુશ વિશે વાત કરતા કહ્યું, "કુશ જ્યાં ભણતો હતો તે ગ્રીનવિચ કૉલેજમાં તેની જરૂરી હાજરી ન થવાના કારણે તેને કૉલેજમાંથી સસ્પેન્ડ કર્યો હતો. જેથી તેના વિઝા ઍક્સ્પાયર થઈ રહ્યા હતા. જેથી તેને ભારત આવવાનું હતું."
"આ વાતને લઈને તે ખૂબ જ પરેશાન રહેતો હતો. તે માનસિક તણાવમાં હતો. છેલ્લા કેટલાક દિવસથી તેનું ફૂડ અને બીજી વસ્તુઓની ડિલિવરી કરવાનું કામ પણ બંધ હતું."

યુકે જતા વિદ્યાર્થીઓની સ્થિતિ કેવી હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
હર્ષિલ પટેલે સ્થાયી થવાની ઇચ્છા સાથે અભ્યાસ માટે યુકે જતા વિદ્યાર્થીઓની સ્થિતિ વિશે વાત કરતા બીબીસીને જણાવ્યું, "હું એટલું કહી શકું કે અહીં આવવું સરળ છે, પરંતુ અહીં સર્વાઈવ થવું (ટકવું) અઘરું છે."
"જો કોઈને પણ અહીં સ્થાયી થવા આવવું હોય તો ત્યાં પૂરતી તૈયારીઓ કરીને જ આવવું જોઈએ. હાલની વાસ્તવિકતા એ છે કે જ્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને, લોન લઈને કે પછી બીજી કોઈ પણ રીતે મોટો ખર્ચો કરીને યુવાનો જ્યારે અહીં સ્ટુડન્ટ વિઝા લઈને આવે છે, ત્યારે એ ખર્ચો ચૂકવવા માટે ભણવાને બદલે નોકરીઓ કરીને કમાવવામાં ધ્યાન આપે છે."
"જેને કારણે તેમના અભ્યાસમાં પણ વિક્ષેપ ઊભો થાય છે. આ ઉપરાંત અહીં ગુજરાતથી બારમા ધોરણ પછી આવી જતા વિદ્યાર્થીઓની ઉંમર 18-19 વર્ષની હોય છે. એ ઉંમરમાં તેમને અહીં કમાવવાનો સંઘર્ષ કરવાની સાથે સાથે ઇમોશનલ સપોર્ટની પણ જરૂર પડે છે, જે અહીં ભાગ્યે જ મળે છે."
હર્ષિલ પટેલે કહ્યું, "વહેલાલના ઘણા યુવાનો ભણવા અને કામ કરવા લંડનમાં છે. અમે બધા જ એકબીજાની મદદ માટે હંમેશાં સાથે જ હોઈએ છીએ."
"લંડનમાં કોઈ વ્યક્તિ ગુમ થાય તેવા કિસ્સામાં લોકો પોલીસ ફરિયાદની પ્રક્રિયાને કારણે પોતાનું કામ બગડવાના ડરથી ફરિયાદી બનવાનું ટાળે છે. કારણ કે એ લોકો પણ રૂપિયા ખર્ચીને ત્યાં પહોંચ્યા હોય છે એટલે મદદ કરવાની ભરપૂર ઇચ્છા હોવા છતાં તેમણે મજબૂર બનીને પોતાનાં કામોમાં જોતરાયેલા રહેવું પડે છે. પરંતુ કુશ મારા ભત્રીજાનો મિત્ર છે એટલે હું ફરિયાદી બન્યો હતો."














