55, 60, 70 વર્ષ કૉંગ્રેસ રાજ ઉપર ભાજપના અલગઅલગ દાવા

ઇમેજ સ્રોત, TWITTER/@NARENDRAMODI
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં 16મી લોકસભાના પોતાના અંતિમ ભાષણમાં પણ કૉંગ્રેસ અને ગાંધી પરિવારના કહેવાતા ભ્રષ્ટાચાર પર બરાબર નિશાને સાધ્યું.
તેમણે પોતાના ભાષણમાં કહ્યું, "કૉંગ્રેસનાં 55 વર્ષ અને મારા 55 મહિના. તે સત્તાભોગનાં 55 વર્ષ છે અને અમારા 55 મહિના સેવાભાવના 55 મહિના છે."
નરેન્દ્ર મોદીએ કંઈક આવાં જ ભાષણ વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યાં હતાં અને એ ભાષણોમાં કૉંગ્રેસ અને ગાંધી-નહેરૂ પરિવાર કેન્દ્રમાં હતા.
એ વખતે તેમના શબ્દો હતા, "તમે કૉંગ્રેસને કુલ 60 વર્ષ આપ્યાં, જેમણે દેશને ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સિવાય કશું જ નથી આપ્યું. દેશનું ભવિષ્ય સુધારવા માટે તમે મને અને બીજેપીને 60 મહિના આપીને જોયા."
આ જ ભાષણોમાં મોદીએ કહ્યું હતું કે, 'દેશ મને એ ચોકીદાર બનાવે જે દેશનું ધન કોઈને લઈને ભાગવા ના દે'.
એ જ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટસમાં કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીએ 60 વર્ષ સુધી ભારત ઉપર રાજ કર્યું.

ઇમેજ સ્રોત, TWITTER/@NARENDRAMODI
પછી 2014માં સત્તામાં આવ્યા બાદ વર્ષ 2016માં પોતાનાં સંસદીય ભાષણોમાં પણ વડા પ્રધાન મોદીએ એ જ વાત દોહરાવી.
તેમણે લોકસભામાં જ કહ્યું હતું, "જો કૉંગ્રેસે ગરીબોની મદદ કરી હોત તો 60 વર્ષ સુધી કૉંગ્રેસનું રાજ રહ્યા બાદ ગરીબ લોકો આટલી ખરાબ હાલતમાં ન હોત. કૉંગ્રેસના ખરાબ ગવર્નન્સને ભૂલી શકાય એમ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણો ઉપર ધ્યાન આપીએ તો એવું લાગે છે કે તેમના માટે કૉંગ્રેસના કાર્યકાળની મર્યાદા બદલાતી રહે છે.
નરેન્દ્ર મોદી જ નહીં, પાર્ટીના અન્ય નેતાઓ સહીત બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પણ કહી ચૂક્યા છે કે કૉંગ્રેસે ભારત પર 70 વર્ષ સુધી રાજ કર્યું છે.

ઇમેજ સ્રોત, TWITTER/@AMITSHAH
પરંતુ આ તમામ લોકો તથ્યાત્મક રીતે ખોટા છે, કારણકે સત્તાવાર આંકડાઓ પ્રમાણે કૉંગ્રેસે 54 વર્ષ 4 મહિના અને 27 દિવસ ભારતની સરકાર ચલાવી છે.
જો કૉંગ્રેસના કાર્યકાળમાં જ તેમના સહયોગથી ચાલેલી સરકારનો કાર્યકાળ (2 વર્ષ 10 મહિના)ને ઉમેરી દઈએ તો એ 56 વર્ષ 2 મહિના જ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોંગ્રેસની સરકારો

- 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી સાથે જ પંડિત જવાહરલાલ નહેરૂ દેશના પહેલા વડા પ્રધાન બન્યા.
- તેમના પછી કુલ 29 વર્ષ, 7 મહિના અને 9 દિવસ કૉંગ્રેસ પાર્ટીની સરકારે દેશ ઉપર રાજ કર્યું.
- આ દરમિયાન પંડિત જવાહરલાલ નહેરૂ, ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી અને તેમના પછી ઇંદિરા ગાંધી દેશનાં વડા પ્રધાન પદ પર રહ્યાં.
- ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીનો પ્રથમ કાર્યકાળ 24 માર્ચ 1977ના રોજ સમાપ્ત થયો હતો.
- 14 જાન્યુઆરી 1980ના રોજ ઇંદિરા ગાંધી ફરી એક વાર ભારતનાં વડા પ્રધાન બન્યાં અને 31 ઑક્ટોબર 1984ના રોજ તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ વડા પ્રધાન પદ ઉપર હતાં.
- ઇંદિરા ગાંધીની હત્યા પછી તેમના પુત્ર રાજીવ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવવામાં આવ્યા જેમનો કાર્યકાળ 2 ડિસેમ્બર, 1989 સુધી રહ્યો.
- કૉંગ્રેસ સરકાર 1991માં એક વાર ફરી ચૂંટાઈ આવી, જ્યારે 21 જૂનના રોજ પી. વી. નરસિંહારાવને દેશના વડા પ્રધાન બનાવવામાં આવ્યા. તેઓ 4 વર્ષ 10 મહિના અને 26 દિવસ સુધી ભારતના વડા પ્રધાન પદ પર રહ્યા.
- કૉંગ્રેસની સૌથી તાજેતરની સરકાર, મનમોહન સિંહના નેતૃત્વ વાળી સરકાર હતી જેણે દેશ પર 10 વર્ષ 4 દિવસ રાજ કર્યું.
- કૉંગ્રેસ પાર્ટીએ વર્ષ 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ રીઝર્વ બૅંકના ગવર્નર પદ પર રહેલા મનમોહન સિંહને દેશના વડા પ્રધાન બનાવ્યા હતા.
કૉંગ્રેસનાં સમર્થનવાળી સરકારો

28 જુલાઈ 1979માં કૉંગ્રેસનાં સમર્થનથી જનતા પાર્ટી(સેક્યુલર)એ બહુ જ ઓછા સમય માટે ભારતની સરકાર ચલાવી હતી. આ સરકારમાં 170 દિવસ માટે ચૌધરી ચરણસિંહ ભારતના વડા પ્રધાન હતા.
ટૂંકા ગાળા માટે કૉંગ્રેસના સમર્થનથી એક એવી જ સરકારનું નિર્માણ 1990માં સમાજવાદી જનતા પાર્ટીએ પણ કર્યું હતું. આ સરકારની કમાન ચંદ્રશેખરના હાથમાં હતી.
ચંદ્રશેખર 10 નવેમ્બર, 1990થી માંડીને 21 જૂન, 1991 (223 દિવસ) સુધી ભારતના વડા પ્રધાન પદે રહ્યા. વર્ષ 1996માં 13 પક્ષોના ગઠબંધન વાળા જનતા દળ (યુનાઇટેડ ફ્રંટ)એ કૉંગ્રેસના સમર્થનથી અલ્પમતની સરકાર બનાવી હતી.
પછીથી કૉંગ્રેસે દેવ ગૌડાના નેતૃત્વવાળી આ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.
1997માં દેવગૌડાની સરકાર ગયાં પછી ઇન્દ્ર કુમાર ગુજરાલ આ સરકારમાં વડાપ્રધાન બન્યા હતા. જો કે કૉંગ્રેસે તેમની પણ સરકાર વધુ સમય સુધી ચાલવા દીધી નહોતી.
ઇન્દ્ર કુમાર ગુજરાલ 332 દિવસ માટે દેશના વડા પ્રધાન રહ્યા હતા અને 19 માર્ચ 1998માં તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો.
કૉંગ્રેસના સમર્થન વાળી આ સરકારોનો કાર્યકાળ લગભગ 2 વર્ષ 10 મહિનાનો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













