રાહુલ ગાંધીએ પટનાની રેલીમાં 'બિહારનું અપમાન' કર્યું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણનો 21 સેકંડ લાંબો એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે.

આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે પટના (બિહાર)ના ગાંધી મેદાનમાં તાજેતરમાં યોજાયેલી 'જન આકાંક્ષા રેલી'નું સંબોધન કરતા રાહુલ ગાંધીએ 'આખા બિહારનું અપમાન' કર્યું હતું.

ભારતીય જનતા પક્ષના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ અને ફેસબુક પેજ પરથી પણ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

24 કલાકથી પણ ઓછા સમયમાં ભાજપના ઔપચારિક સોશિયલ મીડિયા પેજ પરથી હજારો લોકો આ વીડિયોને શૅર કરી ચૂક્યા છે અને બે લાખ કરતાં વધારે વખત આ વીડિયોને જોવામાં આવ્યો છે.

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ભાજપ સાંસદ વિનોદ સોનકર અને ગિરિરાજ સિંહ શાંડિલ્ય સહિત ભાજપના બિહાર એકમે પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો શૅર કર્યો છે.

વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધી એ કહેતા સંભળાઈ રહ્યા છે કે 'બિહારના યુવાનોને પૂછશો કે તમે શું કરો છો? તો તેઓ કહેશે કે અમે કંઈ કરતા નથી.'

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમના ભાષણના કેટલાક ભાગને હટાવીને તેને ખોટો સંદર્ભ આપીને રજૂ કરવામાં આવ્યો છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

રાહુલે શું કહ્યું હતું?

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો

ઇમેજ સ્રોત, SM VIRAL POSTS GRAB

કૉંગ્રેસ પાર્ટીની યૂટ્યુબ ચેનલ અનુસાર, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ 3 ફેબ્રુઆરી 2019ના રોજ યોજાયેલી જન આકાંક્ષા રેલીમાં આશરે 30 મિનિટનું ભાષણ આપ્યું હતું.

આ રેલીમાં તેમણે નોટબંધી, ખેડૂતોની દેવામાફી અને કથિત રૂપે ભાજપ દ્વારા કેટલાક કૉર્પોરેટ પરિવારોને ફાયદો પહોંચાડાયો હોવાની વાત કહી હતી.

સાથે જ તેમણે પોતાના ભાષણમાં બિહારમાં બેરોજગારીની વાત પણ કરી હતી.

ભાજપે રાહુલ ગાંધીના ભાષણના માત્ર એ ભાગના વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે કે જેમાં તેઓ બિહારમાં બેરોજગારીની વાત કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું :

"તમે પહેલા શિક્ષણના કેન્દ્ર તરીકે ઓળખાતા હતા. નાલંદા યુનિવર્સિટી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. પટના યુનિવર્સિટી સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે."

.લોકો અહીં આવવા માગતા હતા. પણ આજે અહીં શિક્ષણનું કેન્દ્ર નથી."

"તમે જાણો છો કે આજે તમે કઈ વસ્તુનું કેન્દ્ર છો? બેરોજગારીનું. બિહાર બેરોજગારીનું કેન્દ્ર બની ગયું છે. બિહારના યુવાનો સમગ્ર દેશમાં ચક્કર લગાવી રહ્યા છે."

"તમે બિહારના ગમે તે ગામડાંમાં જાઓ અને બિહારના યુવાનોને પૂછો કે ભાઈ તમે શું કરો છો? તો જવાબ મળશે, કંઈ કરતા નથી. શું મોદીજીએ રોજગારી આપી? ના."

"રોજગારી માટે બિહારના યુવાનો મોદીજીના ગુજરાતમાં ગયા તો તેમને મારીને ભગાવી દેવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં પણ શિવસેના અને ભાજપે કહ્યું કે તમારા માટે અહીં કોઈ જગ્યા નથી."

"પરંતુ તમારી અંદર કોઈ ખામી નથી. તમે ફરી એક વખત શિક્ષણનું કેન્દ્ર બની શકો છો."

લાઇન
લાઇન

બેરોજગારી એક મોટો મુદ્દો

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA

રવિવારે યોજાયેલી આ રેલીમાં રાહુલ ગાંધીએ ઘોષણા કરી હતી કે જો તેમની સરકાર બનશે તો પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે.

પરંતુ રાહુલ ગાંધીના ભાષણના જે ભાગને સાંભળીને લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે કે રાહુલે દેશને પ્રતિભાશાળી અધિકારી, ખેલાડી તેમજ મહાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આપવા વાળા બિહાર રાજ્યનું અપમાન કર્યું છે, તે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.

વીડિયોમાં 10 સેકંડ બાદ એક વાક્ય હટાવી દેવાયું છે કે 'બિહારના લોકોએ રોજગારી માટે ભટકવું પડે છે.'

અસલી વીડિયો સાંભળ્યા બાદ એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી બેરોજગારીના મુદ્દે નીતિશ કુમાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યા હતા.

જનસંખ્યાના આંકડાઓ પર નજર કરવામાં આવે તો બિહારમાં કુલ વસતીમાં 27 ટકા યુવાનો છે, જેમની ઉંમર 15થી 30 વર્ષની વચ્ચે છે. વિશેષજ્ઞોના આધારે ઔદ્યોગીકરણ ન હોવાના કારણે યુવા વર્ગ માટે આ વિસ્તારમાં રોજગારીના અવસર ઓછા છે.

આવા તમામ રિપોર્ટ હાજર છે જેનાથી ખબર પડે છે કે ઉત્તર બિહારના સહરસા, મધેપુરા અને સુપૌલ જિલ્લાથી મજૂરોની એક મોટી વસતી દિલ્હી- પંજાબ સહિત દેશના ઘણા મોટા રાજ્યોમાં દર વર્ષે પલાયન કરે છે.

શ્રમ વિભાગ પાસે પલાયન કરતાં લોકોનો કોઈ ઔપચારિક ડેટા હાજર નથી.

આ જ કારણ છે કે 'રોજગારી' બિહાર વિધાનસભા ચૂંટણી-2015માં એક મોટો મુદ્દો હતો અને આગામી લોકસભા ચૂંટણીમાં પણ તે એક મોટો મુદ્દો રહેશે.

line

બેરોજગારોની સંખ્યા

રેલવે સ્ટેશન પર લોકો

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી આંકડા અનુસાર, બિહાર એ રાજ્યોની શ્રેણીમાં આવે છે જ્યાં રોજગારની સ્થિતિ દેશમાં ખૂબ ખરાબ છે.

ભારતીય શ્રમ અને રોજગાર મંત્રાલયના ચંડીગઢ સ્થિત લેબર બ્યૂરોના રિપોર્ટ પ્રમાણે બિહારમાં નિયમિત વેતન મેળવવા વાળા શ્રમિકોની ટકાવારી સૌથી ઓછી (9.7%) નોંધવામાં આવી હતી.

આ રિપોર્ટમાં જ્યાં કોઈ સભ્ય પાસે નિયમિત રોજગારી હોય એવા ઘરોની સંખ્યાનો ગુણોત્તર પણ ખૂબ ખરાબ હતો.

બિહારના શ્રમ સંસાધન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બિહારમાં 'રજિસ્ટર્ડ બેરોજગાર' લોકોની સંખ્યા નવ લાખ 80 હજાર કરતાં વધારે છે.

આ એ લોકો છે કે જેમણે સરકારી પોર્ટલ પર પોતાના નામની નોંધણી કરાવી છે.

અધિકારીએ જણાવ્યું કે ગત ત્રણ વર્ષમાં સરેરાશ દોઢ લાખ પ્રતિ વર્ષના દરથી આશરે સાડા ચાર લાખ નવા લોકો બેરોજગારીના આ આંકડામાં જોડાયા છે.

જોકે, તેઓ માને છે કે આ આંકડો છેલ્લા કેટલાક વર્ષોમાં એ માટે વધ્યો છે, કેમ કે હવે વધારે લોકો પોતાને લેબરની સાઇટ પર રજિસ્ટર કરાવવા લાગ્યા છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો