અમેરિકામાં ટ્રમ્પ આવ્યા બાદ અધિકારીઓ કેવી રીતે ગેરકાયદે રહેતા લોકોને પકડી રહ્યા છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માઈગ્રેશન ગેરકાયદે ઈમિગ્રેશન ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બર્ન્ડ ડેબ્યુસમેન જુનિયર
    • પદ, બીબીસી ન્યૂઝ, વ્હાઇટ હાઉસ

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકાના મોટા શહેરોમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર રેડ પાડવાનું અને તેમની ધરપકડ કરવાનું પ્રમાણ વધારી દીધું છે.

વિવિધ એજન્સીઓેએ હજારો લોકોની અટકાયત કરી છે, જેમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા તથા સ્વચ્છ રેકૉર્ડ ધરાવતા- એમ બંને પ્રકારના લોકોને પકડ્યાં છે.

ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ પદ સંભાળ્યું ત્યારથી શિકાગો, ન્યૂ યૉર્ક, ડેન્વર અને લોસ એન્જલસ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

ધરપકડથી બચવા માટે કેટલાક લોકોએ કામ પર જવાનું બંધ કરી દીધું છે. કેટલાકે પોતાના બાળકોને શાળાએ મોકલવાના બદલે ઘરમાં જ રાખવાનું શરૂ કર્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે તાજેતરમાં જણાવ્યું હતું, "આમ તો ગુનેગારોની ધરપકડને પ્રાથમિકતા આપવામાં આવશે, છતાં કોઈપણ ગેરકાયદે વ્યક્તિને પકડવામાં આવી શકે છે."

ઇમિગ્રૅશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) દ્વારા પ્રકાશિત દૈનિક આંકડા અનુસાર, ટ્રમ્પે શપથ લીધા ત્યારથી 3,500 કરતાં વધુ અનડૉક્યુમેન્ટેડ માઇગ્રન્ટની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે 1,000થી વધુ, સોમવારે 969 અને રવિવારે 1,179 લોકોને પકડવામાં આવ્યા હતા .

તેની સરખામણીમાં 2024ના નાણાકીય વર્ષ દરમિયાન સરેરાશ 310 લોકોની ધરપકડ કરાઈ હતી, એ સમયે જો બિડેન રાષ્ટ્રપતિ હતા.

ઇમિગ્રૅશન અધિકારીઓએ આ દરોડાને "ટાર્ગેટેડ એન્ફોર્સમેન્ટ કામગીરી" તરીકે ગણાવ્યા હતા, જેમાં હિંસક ગેંગના સભ્યો અને ખતરનાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડની સંખ્યા વધારવા માટે અન્ય ફેડરલ એજન્સીઓમાંથી પણ એજન્ટોની નિમણૂક કરવામાં આવી છે.

પબ્લિક કાઉન્સેલ નામની લૉ ફર્મના કૅલિફોર્નિયાસ્થિત ઇમિગ્રન્ટ્સ રાઇટ્સ પ્રોજેક્ટના ડાયરેક્ટર ઍટર્ની જિના અમેટો લોફે જણાવ્યું, "મેં આવું ક્યારેય જોયું નથી. હજુ તો આ રાષ્ટ્રપતિપદની શરૂઆતના દિવસો છે. આટલા મોટા પ્રમાણમાં ક્યારેય નથી થયું."

જિનાએ જણાવ્યું, "ડરાવવા અને આંચકો આપવાના ઇરાદાથી થઈ રહ્યું છે."

જિનાએ ઉમેર્યું, "તે કામ કરી રહ્યું છે. તેનાથી સમુદાયમાં ગભરાટ ફેલાયો છે."

ગુનાઈત રેકૉર્ડ ન હોય તો પણ હકાલપટ્ટી

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માઈગ્રેશન ગેરકાયદે ઈમિગ્રેશન ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સેનાના વિમાનમાં બેસાડીને કેટલાક માઇગ્રન્ટ્સને ગ્વાટેમાલા લઈ જવાયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વ્હાઇટ હાઉસ અને આઈસીઈએ આમાંની કેટલીક ધરપકડોની પબ્લિસિટી કરી છે. તેમાં શકમંદોની તસવીરો દેખાડવામાં આવી છે અને તેમના મૂળ દેશ તથા ગુનાઓની વિગત અપાઈ છે.

આ શકમંદોના અપરાધોમાં સેક્સ ક્રાઇમ, હુમલા અને ડ્રગ ટ્રાફિકિંગના અપરાધો સામેલ છે.

વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કહી દીધું છે કે આ દરોડા દરમિયાન જે કોઈ ગેરકાયદે ઇમિગ્રન્ટ પકડાશે તેની ધરપકડ કરીને દેશનિકાલ કરવામાં આવશે, પછી તેનો ગુનાઇત રેકૉર્ડ હોય કે ન હોય. યુએસમાં ગેરકાયદે રહેવું એ સિવિલ મેટર હોવા છતાં આવી કાર્યવાહી થશે.

આ સપ્તાહની શરૂઆતમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે દાવો કર્યો હતો કે "તેઓ તમામ" ગુનેગારો છે.

લેવિટે તાજેતરમાં પત્રકારપરિષદ દરમિયાન જણાવ્યું હતું, "તેમણે ગેરકાયદેસર રીતે (પ્રવેશ કરીને) અમારા દેશના કાયદાનો ભંગ કર્યો છે. તેથી આ વહીવટીતંત્ર માટે તેઓ ગુનેગારો છે."

આ ધરપકડોના કારણે પહેલેથી જ સમગ્ર અમેરિકામાં ઘણા ઇમિગ્રન્ટ સમુદાયોમાં ભયનો માહોલ છે.

ઉદાહરણ તરીકે એટર્ની જિના અમેટો લોઘે જણાવ્યું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ હોય તેવા લોકો કોઈ સરકારી એજન્સી પાસે જતા પણ ડરે છે. તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જવામાં બીક લાગે છે, સારવાર માટે હૉસ્પિટલે જતા પણ ગભરાય છે.

બાળકોએ શાળાએ જવાનું બંધ કર્યું

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માઈગ્રેશન ગેરકાયદે ઈમિગ્રેશન ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે માઇગ્રન્ટ્સ વિરુદ્ધ આક્રમક કાર્યવાહીના આદેશ આપ્યા છે

એમિકા સેન્ટર ફોર ઇમિગ્રન્ટ રાઇટ્સ નામની સંસ્થાના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ લ્યૂકન્સે જણાવ્યું, "અમને જાણવા મળ્યું છે કે લોકો ભયભીત છે. અમને ચારે બાજુથી ફોન આવી રહ્યા છે."

આ સંસ્થા સત્તાવાળાઓ દ્વારા અટકાયતમાં લેવાયેલા ગેરકાયદે માઇગ્રન્ટને મફતમાં કાનૂની મદદ કરે છે.

માઇકલે કહ્યું, "લોકો કામે જતા અથવા પોતાના બાળકોને શાળાએ મોકલવામાં પણ ડરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અટકાયતીઓને મળવા માટે ડિટેન્શનલ કેન્દ્રોમાં જવાના પ્રયાસોમાં પણ અવરોધ ઉભા કર્યા છે."

તેઓ કહે છે, "વ્હાઇટ હાઉસ બરાબર આવું જ ઇચ્છે છે - લોકોમાં ભય જગાડવો અને તેમને ભગાડી દેવા. આવું અમે ક્યારેય નથી જોયું."

ગેબ્રિયેલા નામનાં એક બોલિવિયન માઇગ્રન્ટ પણ ભયભીત છે, જેઓ 20 વર્ષ અગાઉ અમેરિકા આવ્યાં હતાં. તેઓ સ્મગલરની મદદથી મકાઈના ઢગલામાં છૂપાઈને અમેરિકામાં ઘૂસ્યાં હતાં.

હવે તેઓ મેરિલૅન્ડમાં ઘરની સાફસફાઈનું કામ કરે છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારે શરૂઆતમાં ગેબ્રિયેલાને કોઈ ફિકર ન હતી. તેઓ માનતા હતા કે ટ્રમ્પ માત્ર ગુનેગારોને પકડશે અને અર્થતંત્રમાં સુધારો થશે જેનાથી ઘણા માઇગ્રન્ટોને ફાયદો થશે.

પરંતુ ટ્રમ્પ સરકાર રચાયાના નવ દિવસ પછી તેઓ કહે છે કે તેઓ અને તેમના પડોશીઓ ભયભીત છે. તેમણે આઈસીઈના લોકોને નજીકના સમુદાયોમાં દરોડા પાડતા જોયા છે.

તેમણે બીબીસીને કહ્યું, "મારી બિલ્ડિંગમાં ઘણા લોકોએ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. હવે કોઈ ચર્ચમાં પણ નથી જતું." "અમે ઑનલાઇન જ (ચર્ચની) પ્રાર્થના કરીએ છીએ."

ગેબ્રિએલાએ પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું છે. તેમને આશા છે કે જો તેમની ધરપકડ કરીને દેશનિકાલ કરવામાં આવશે તો પરિચિત લોકો તેમને બોલિવિયા પાછા જવામાં મદદ કરી શકશે.

કેટલાય માઇગ્રન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માઈગ્રેશન ગેરકાયદે ઈમિગ્રેશન ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅક્સિકોમાં હજારોની સંખ્યામાં એકઠા થયેલા માઇગ્રન્ટ્સ પોતાને રાહત મળે તેની રાહ જુએ છે

અન્ય એક ગેરકાયદે માઇગ્રન્ટ અને ન્યૂ યૉર્ક સિટીમાં રહેતા કાર્લોસ નામના મૅક્સિકને બીબીસીને જણાવ્યું કે સંભવિત ધરપકડ અંગેની ચિંતાથી કેટલાક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

કાર્લોસે કહ્યું, "અમે સાંભળ્યું છે કે આઈસીઈ અમારી નજીકના બિલ્ડિંગમાં આવ્યા હતા." કાર્લોસના પુત્ર ન્યૂ યૉર્કમાં જન્મેલા અમેરિકન નાગરિક છે.

ગેબ્રિએલાની જેમ જ કાર્લોસ પણ શરૂઆતમાં ટ્રમ્પની જીત વિશે સાવધાનીપૂર્વક આશાવાદ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે અર્થતંત્રને વેગ આપવા અને ફુગાવાને ઘટાડવાના ટ્રમ્પના વચનોથી તેમને આડકતરી રીતે ફાયદો થશે.

હવે તેઓ કહે છે, "આ ડરામણું છે. હું શક્ય હોય ત્યાં સુધી શેરીમાં બહાર નીકળવાનું ટાળું છું. ગુનેગારોની ધરપકડ થાય તેની સામે મને વાંધો નથી. પરંતુ અમે સાંભળ્યું છે કે તેઓ કામદારોને પણ ઉઠાવી જાય છે."

ગેબ્રિએલા અને કાર્લોસ પોતાની ઓળખ છતી ન થાય તે માટે આખું નામ જાહેર કરવા તૈયાર નથી.

ધરપકડ કરાયેલામાંથી કેટલા લોકો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને કેટલા એવા છે કે જેને ટ્રમ્પના પ્રથમ વહીવટીતંત્રે "કોલેટરલ" ધરપકડ ગણાવ્યા હતા, તે નક્કી નથી.

એનબીસીએ વહીવટી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 26 જાન્યુઆરીએ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાંથી માત્ર 52 ટકા એવા હતા જેમની ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસીએ આ આંકડા પર ટિપ્પણી માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે.

પ્રેસ બ્રીફિંગમાં આંકડા વિશે સવાલ કરાયો ત્યારે લેવિટે એટલું જ કહ્યું કે જેમણે પણ "આપણા દેશના કાયદા તોડ્યા" છે તે ગુનેગાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.