દાહોદ : મહિલાને 'અર્ધનગ્ન અવસ્થામાં બાઇક સાથે બાંધી' વીડિયો ઉતારવા મામલે 15ની ધરપકડ, શું છે મામલો?

બીબીસી ગુજરાતી, બીબીસી, પોલીસ, ક્રાઇમ, મહિલા, આદિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં ગુજરાતમાં એક મહિલાને અર્ધનગ્ન અવસ્થામાં સાંકળ વડે બાંધીને મોટરસાઇકલ પાછળ બાંધીને લઈ જવાતાં હોય એવો વિચલિત કરી મૂકતો વીડિયો વાઇરલ થયો હતો.

આ ઘટના ગુજરાતના આદિવાસી બહુમતીવાળા જિલ્લા દાહોદના સંજેલી તાલુકાના એક ગામની હોવાનું કહેવાઈ રહ્યું છે.

સ્થાનિક પોલીસે આ મામલામાં વાઇરલ વીડિયોને આધારે કાર્યવાહી કરી છે. જેમાં ચાર સગીરા સહિત 15 લોકોની ધરપકડ કરાઈ છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર ઘટનાનો વીડિયો સામે આવતાં પોલીસ સક્રિય થઈ હતી અને પીડિત મહિલાના ઘરે દરોડો પાડીને તેમને 'મુક્ત કરાવ્યાં' હતાં.

આ ઘટનામાં મહિલાનાં સાસરિયાં અને અન્ય સ્વજનોની જ આરોપી તરીકે ધરપકડ કરાઈ છે.

પોલીસના જણાવ્યાનુસાર 35 વર્ષીય આ મહિલા પર તેમનાં સાસરિયાંને 'લગ્નેત્તર સંબંધનો વહેમ' હતો.

નોંધનીય છે કે રાજ્યના આદિવાસી વિસ્તારોનાં ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ પર પોતાના જ ગામલોકો અને સ્વજનોએ 'અમાનુષી અત્યાચાર' કર્યાની ફરિયાદો અગાઉ પણ નોંધાઈ ચૂકી છે.

આ સમગ્ર મામલા અંગે વધુ વિગતો મેળવવા અને આ આદિવાસી જેવા 'ખુલ્લી અને પરિપક્વ વિચારસરણી' ધરાવતા સમાજમાં આ પ્રકારની ઘટનાઓનાં કારણ સમજવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

'લગ્નેત્તર સંબંધનો વહેમ રાખી મહિલા પર અત્યાચાર ગુજારાયો'

બીબીસી ગુજરાતી, બીબીસી, પોલીસ, ક્રાઇમ, મહિલા, આદિવાસી

ઇમેજ સ્રોત, Shital Kothari

ઇમેજ કૅપ્શન, દાહોદના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસની તપાસ કરી રહેલા દાહોદના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ કેસ અંગે બીબીસી સાથેની વાતચીત કરી વિગતવાર માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, "આ ઘટનાના વીડિયોને આધારે અમે તાત્કાલિક કૉમ્બિંગ કરી. મહિલાને તેના ઘરે જ સાંકળથી બાંધીને રાખવામાં આવ્યાં હતાં. અમારી ટીમે ઢાલસિમલિયા ગામે પહોંચી 29 જાન્યુઆરીની સવારે જ એને છોડાવ્યાં."

"અમે આ મામલામાં તાત્કાલિક મહિલાના સસરા, દિયર અને જેઠાણી સહિતના 12 લોકોની ધરપકડ કરી હતી. મહિલા આઘાતમાં હોવાને કારણે અમે તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પીડિતાના કાઉન્સેલિંગ બાદ એણે આપેલી માહિતીના આધારે વધુ ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે."

એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા આ ઘટના અંગે માહિતી આપતાં આગળ કહે છે, "આ મહિલા પોતાના પતિ સાથે રાજકોટ મજૂરી કરવા ગયાં હતાં. એક વર્ષ પહેલાં રાજકોટમાં મહિલાના કથિત રીતે અન્ય પુરુષ સાથે સંબંધ હતા. તેથી તેના પતિએ તેના પ્રેમીનું ખૂન કરી નાખ્યું હતું. તેના પતિ હાલ રાજકોટની જેલમાં બંધ છે."

તેઓ આગળ કહે છે કે પતિ જેલમાં હોવાથી મહિલા પોતાના સાસરિયે પરત ફર્યાં, પરંતુ તેમનાં સાસરિયાંને પણ તેમના પર 'લગ્નેત્તર સંબંધ હોવાની' શંકા હતી.

"તપાસમાં ખબર પડી છે કે 28 જાન્યુઆરીના રોજ જ્યારે આ મહિલા એ જ ગામના એક પુરુષના ઘરે ગયાં હતાં, ત્યારે અચાનક ત્યાં તેનાં સાસરિયાંના લોકો પહોંચી ગયા હતા. તે બાદ તેમણે મહિલાને માર મારી અર્ધનગ્ન અવસ્થામાં ગામમાં ફેરવીને તેનો વીડિયો વાઇરલ કરી દીધો હતો."

એસપી ઝાલા આગળ વાત કરતાં કહે છે કે આ કેસ સંદર્ભે ચાર આરોપી સગીરાને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે, જ્યારે ચાર મહિલા આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

બાકીના આરોપીઓ પૈકી એકને ટીબીની તકલીફ હોવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

જાણકારો અનુસાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાર વર્ષ પછી આ રીતે લગ્નેતર સંબંધના આરોપને કારણે કોઈ સ્ત્રી પર અત્યાચાર થયાની ફરિયાદ સામે આવી છે.

આ પહેલાં 2021માં આવા ત્રણ કિસ્સા બન્યા હતા.

આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા 'આનંદી'નું તારણ છે કે આ વિસ્તારોમાં મહિલાઓ સાથે બનતી આવી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ લગ્ન સમયે અપાતું 'દાપુ' અને લગ્નેતર સંબંધમાં થતો 'દંડ' છે. એ નહીં ભરી શકનાર મહિલાઓ પર આવા અત્યાચાર થાય છે.

શું છે આદિવાસી વિસ્તારની દાપુ અને દંડપ્રથા?

બીબીસી ગુજરાતી, બીબીસી, પોલીસ, ક્રાઇમ, મહિલા, આદિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

પંચમહાલમાં આનંદીના કો-ઑર્ડિનેટર નીતાબહેન હાર્દિકરે આ વિસ્તારમાં પોતાની કામગીરી દરમિયાન થયેલા અનુભવો શૅર કર્યા હતા.

તેમણે કહ્યું કે, "પંચમહાલ અને બીજા આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બહુ બને છે. જોકે, એમાંથી ખૂબ ઓછી પ્રકાશમાં આવે છે."

કારણકે મહિલાઓ આવા અત્યાચારને પંચના આદેશને સર્વોપરી માની સ્વીકારી લે છે અને ફરિયાદ કરવા આગળ આવતી નથી.

નીતાબહેન હાર્દિકર કહે છે, "આદિવાસી સમાજમાં લગ્ન સમયે દાપુ અને દંડની પ્રથાને આધારે પંચ નક્કી કરે એ નિર્ણય લેવાય છે અને એને લોકો સ્વીકારે છે."

નીતા હાર્દિકર આદિવાસી સંસ્કૃતિ મુજબ સમજાવતાં કહે છે કે, "અન્ય સમાજોમાં લગ્ન સમયે છોકરીવાળા છોકરાવાળાને દહેજ આપે છે, પણ આદિવાસી સમાજમાં છોકરાએ છોકરીવાળાને લગ્ન માટે દહેજ આપવું પડે છે. આને 'દાપુ' કહેવાય છે."

તેઓ આગળ કહે છે કે, "જો કોઈ છોકરો કે છોકરી લગ્ને્ત્તર સંબંધ રાખે અને છૂટાં થવા માંગતાં હોય તો દંડ કરવામાં આવે છે. દાપુ અને દંડ ની રકમનો નિર્ણય પંચ લેતું હોય છે."

"જો દાપુ આપ્યા પછી લગ્ન થાય અને મહિલા લગ્નેત્તર સંબંધ રાખે, તો એના પ્રેમીએ પંચ નક્કી કરે એ દંડ ફરજિયાત ભરવો પડે છે અન્યથા મહિલાને સજા થાય છે."

નીતા હાર્દિકર કહે છે કે તેઓ આવા ઘણા કિસ્સામાં મહિલાઓને બચાવે છે, પણ મહિલાઓ ફરિયાદ કરવાનું ટાળે છે.

નીતાબહેન હાર્દિકર ઉમેરે છે, "ભૂતકાળમાં અમે કાઉન્સેલિંગ કરી ધાનપુર, ખજૂરી અને છોટા ઉદેપુરમાં આવી ફરિયાદ કરાવી હતી. જેમાં પોલીસે પગલાં ભરી આરોપીઓની ધરપકડ કરી હતી, પણ મોટા ભાગના કિસ્સામાં મહિલાઓ પંચના આદેશ પછી આવા અત્યાચારોને સ્વીકારી લે છે."

'પંચનો હુકમ એટલે પથ્થરની લકીર'

બીબીસી ગુજરાતી, બીબીસી, પોલીસ, ક્રાઇમ, મહિલા, આદિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જાણીતા સમાજ શાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર રાજેન્દ્ર જાનીએ આદિવાસી સમાજની કેટલીક લાક્ષણિકતાઓ અંગે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.

પ્રો. જાની કહે છે, "આદિવાસીઓમાં એમના બંધારણ પ્રમાણે મહિલાઓને અધિકાર, સ્વતંત્રતા અને આર્થિક સમાનતા વધુ છે. આ સમાજમાં પતિ-પત્ની સાથે જ કામ કરે છે, ખેતમજૂરી કરે છે."

"મજૂરી માટે શહેરમાં આવે ત્યારે પણ સાથે કામ કરી આર્થિક ઉપાર્જન કરે છે. સામેની બાજુએ પતિ પણ મહિલાને ઘરકામમાં મદદ કરે છે."

તેઓ આદિવાસી સ્ત્રીઓ કેમ આ પ્રકારના અત્યાચાર સામે ઘણી વાર અવાજ નથી ઉપાડતી એ અંગે તર્ક આપતાં કહે છે:

"આ સમાજમાં લગ્નેત્તર સંબંધ ક્યારેય સ્વીકાર્ય નથી. આદિવાસી સમાજમાં સરકાર કે ન્યાયતંત્ર કરતાં વધુ પંચના નિયમોને વધુ માનવામાં આવે છે. પંચ નક્કી કરે એ પથ્થરની લકીર ગણાય છે. "

"એટલે આદિવાસી મહિલાઓ પંચ દ્વારા કરવામાં આવેલા નિર્ણયને સર્વોપરી માની અત્યાચાર સહજતાથી સ્વીકારે છે."

તેઓ આગળ કહે છે કે, "હવે શિક્ષણનું પ્રમાણ થોડું વધ્યું છે અને ઇન્ટરનેટના યુગમાં આદિવાસીઓ પોતે કરેલાં કામોનો દાખલો બેસાડવા માટે વીડિયો બાનવીને વાઇરલ કરે છે, તેથી ઘણા કિસ્સા બહાર આવી રહ્યા છે."

જોકે, પ્રોફેસર જાની પણ કહે છે કે આવા મોટા ભાગના કિસ્સા ઘરમેળે દબાઈ જાય છે અથવા મહિલાઓ પોલીસ ફરિયાદ કરવા બહાર આવતી નથી.

નીતા હાર્દિકાર આદિવાસી સમાજના વધુ એક 'કુરિવાજ' અંગે વાત કરતાં કહે છે, "ઘણી વાર છોકરા-છોકરી વચ્ચે પ્રેમ થાય અને એ લોકો ભાગીને લગ્ન કરે તો એમને શોધી લાવવામાં આવે છે."

"ત્યાર બાદ પંચ એમનાં લગ્ન માટે દાપુ નક્કી કરે છે. જો પ્રેમી દાપુ ન આપી શકે તો અન્ય પુરુષો પૈકી જે વધુ દાપુ આપે એની સાથે દીકરીને પરણાવી દેવાય છે."

નીતા હાર્દિકર કહે છે કે તેમણે આવા કિસ્સામાં કાઉન્સેલિંગ કર્યું છે, પરંતુ સ્ત્રીઓ પંચના આદેશને માની સામાજિક બહિષ્કારના ડરથી ફરિયાદ કરવા તૈયાર થતી નથી, જેના કારણે આવા કિસ્સા પણ બહાર આવતા નથી.

પોલીસ શું પગલાં લઈ રહી છે?

બીબીસી ગુજરાતી, બીબીસી, પોલીસ, ક્રાઇમ, મહિલા, આદિવાસી

ઇમેજ સ્રોત, Rushikesh Patel/FB

દાહોદના એસ.પી. (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) રાજદીપસિંહ ઝાલાએ આવા બનાવો અટકાવવા અને જાગૃતિ માટે પોલીસ દ્વારા લેવાઈ રહેલાં પગલાં અંગે માહિતી આપી હતી.

રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, "અમે આવા બનાવો રોકવા અને જાગૃતિ ફેલાવવા માટે પોલીસની 'શી ટીમ'ને ગામેગામ મિટિંગો કરાવીએ છીએ. ગામેગામમાં પોલીસની સતત હાજરી હોવાને કારણે મોટા ભાગનાં ગામોમાં આવા નિર્ણયો લેવાતા અટક્યા છે."

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ ઘટનાને 'શરમજનક' ગણાવી હતી.

ઋષિકેશ પટેલે કહ્યું, "દાહોની ઘટના દુ:ખદ જ નહીં, પરંતુ શરમજનક પણ છે. આવી ઘટનાઓ ગુજરાત અને બધા સમાજો માટે દુ:ખદાયક હોય છે. "

તેમણે આ ઘટનામાં કરાયેલી કાર્યવાહી અંગે વાત કરતાં ઋષિકેશ પટેલે ઉમેર્યું, "ગૃહવિભાગના ધ્યાને આ વીડિયો આવતાં તેનું સ્વસંજ્ઞાન લઈ કાર્યવાહી કરાઈ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓ સામે લાગતી-વળગતી બધી કલમો લગાવાઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.