અમદાવાદ : માની કબર તૂટતી બચાવવા જંગે ચઢેલા ગુજરાતીની કહાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"સરકાર મકાન તોડે, દુકાન તોડે તો નવા બનાવી લઈએ,પણ મારી માની મઝાર તોડે તો હું બીજી મઝાર કયાંથી લાવું? મારી પાસે કેસ લડવાના પૈસા નહોતા છતાં હું કોર્ટમાં કેસ લડ્યો અને મને સંતોષ છે કે હવે મારી માતાની મઝાર નહીં તૂટે..."
અમદાવાદ ગોમતીપુરમાં રહેતા અને રેડીમેડ ગાર્મેન્ટની ફેકટરીમાં સિલાઈકામ કરી રોજી રળતા 36 વર્ષીય મોહમ્મદ અંસારી પોતાનાં માતાની કબર બચાવવા માટે કરેલી કાયદાકીય લડાઈ અંગે યાદ કરતાં કંઈક આવી વાત કરે છે.
થોડા દિવસ પહેલાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તો પહોળો કરવાના આશયથી કેટલાંક મકાન-દુકાન અને અન્ય મિલકતો તોડવાની સૂચના આપી દેવાઈ હતી.
જેમાં વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનની દીવાલ તોડી અંદરના ભાગમાં રસ્તો બનાવવાની પણ કામગીરી થવાની હતી, આ કામમાં કેટલીક કબરો તૂટવાની પણ વાત હતી, જેમાં મોહમ્મદ અંસારીનો દાવા પ્રમાણે તેમનાં માતાની કબર તોડી ત્યાં રસ્તો બનાવવા માટે માર્કિંગ થઈ ચૂક્યું હતું.
આ કામ સામે વાંધો ઉઠાવી અંસારી અને અન્ય કેટલાક લોકોએ મકાન-દુકાન અને કબ્રસ્તાનની અંદરનો ભાગ તૂટતાં બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલામાં ગત 23 જાન્યુઆરીના રોજ કબ્રસ્તાનમાં આવેલી કોઈ પણ કબર નહીં તોડવાના નિર્દેશ આપતાં મોહમ્મદ અંસારીની માફક ઘણા લોકોના સ્વજનોની કબર તૂટતાં બચી ગઈ હતી.
બીબીસી ગુજરાતીએ સમગ્ર મામલે અંસારી સહિતના પક્ષકારો સાથે વાતચીત કરીને તેમની આ કાયદાકીય લડાઈની સફર વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
'માની કબર તૂટવાની હતી એ જાણી આખી રાત ઊંઘી ન શક્યો'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અંસારી ઝાઝું ભણેલા નથી કે તેમની પાસે ઝાઝા પૈસા પણ નથી. જોકે, આમ છતાં તેમણે પોતાનાં માતાની કબરને બચાવવા ગુજરાત હાઇકોર્ટમાં ધા નાખી અને કબ્રસ્તાનને તૂટતાં બચાવી લીધું.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અંસારી કહે છે કે, "મારા જીવનનો સૌથી ખરાબ સમય કોરોનાકાળ હતો. 2020ની કોરોના મહામારીમાં પહેલાં મારા પિતા ઇર્શાદ અંસારીનું અવસાન થયું અને એના ત્રણ દિવસમાં મારાં માતા હબીબુન્નિસા મૃત્યુ પામ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે તેમનાં માતાપિતા બંનેની દફનવિધિ ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનમાં થઈ હતી. તેઓ રોજ કામધંધા પર જતા પહેલાં તેમની કબર પર ફૂલ ચઢાવે છે. તેઓ કહે છે કે આ કબ્રસ્તાન સાથે તેમની લાગણીઓ જોડાયેલી છે.
"આવી જ રીતે હું 11 જાન્યુઆરીએ કબ્રસ્તાનમાં મારાં માતાની કબર પર ફૂલ ચઢાવીને પાછો આવતો હતો. ત્યારે મને ખબર પડી કે ચારતોડા કબ્રસ્તાન પાસે હાથીખાઈ વિસ્તારમાં રોડ પહોળો કરવા માટે કેટલાંક દુકાન અને મકાન તોડવાની કામગીરી થવાની છે."
"એટલું જ નહીં રોડ પહોળો કરવા માટે ચારતોડા કબ્રસ્તાનની દીવાલ તોડી અંદરના ભાગમાં પણ રોડ બનવાનો છે, એના માટે કબ્રસ્તાનમાં લાલ રંગથી માર્કિંગ થાય હતું."
અંસારી કહે છે કે તેમણે કબ્રસ્તાનમાં જઈને જોયું અને નોંધ્યું કે માર્કિંગ પ્રમાણે તેમનાં માતાની કબર તોડી ત્યાં રોડ બનવાનો હતો.
"મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ જે લોકોનાં મકાન તોડવાનાં હતાં એમને સૂચના આપી હતી. આ મારા માટે મોટો આઘાત હતો. અહીં 241 દુકાન ઘર અને બીજાં સ્ટ્રક્ચર તોડવાનાં હતાં, હું એ દિવસે જમ્યો નહીં અને આખી રાત ઊંઘી ન શક્યો, કારણ કે રોડ પહોળો કરવામાં મારાં માતાની કબર પણ તૂટવાની હતી."
"આ કાર્યવાહીમાં જેમનાં મકાન-દુકાન તૂટવાનાં હતાં, તેમના પૈકી 40 લોકો ભેગા મળીને હાઈકોર્ટમાં અરજી કરી રહ્યા હોવાની મને ખબર પડી, પણ કોઈ કબરો બચાવવા માટે હાઈકોર્ટ જવાના નહોતા. મારી પાસે કોઈ તાકત કે પૈસા નહોતા છતાં હું ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરનારા આ જૂથ સાથે જોડાયો અને વકીલને મળીને કેસ દાખલ કર્યો."
તેઓ હાઇકોર્ટમાં પોતે કરેલા પ્રયાસ અંગે વાત કરતાં આગળ કહે છે કે, "હાઇકોર્ટમાં અંગ્રેજીમાં દલીલો થતી હતી, એમાં મને ખબર ના પડે. છતાં મેં કોર્ટમાં કહ્યું કે શહેરને સુંદર બનાવો પણ મારાં માતાની કબર ન હઠાવો, મારી આસ્થાનો સવાલ છે. એટલે કોર્ટે કબ્રસ્તાનની અંદરનો ભાગ નહીં તોડવાનો નિર્દેશ આપ્યો છે."
'અંસારીના પ્રયાસે મારાં સગાંની કબરો પણ બચાવી લીધી'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
કબ્રસ્તાનની કબરો તૂટતાં બચાવવા મોહમ્મદ અંસારીએ કરેલા પ્રયાસને ગોમતીપુરના સ્થાનિકો પણ વખાણી રહ્યા છે.
આ વિસ્તારમાં રહેતા અને મોબાઇલ રિપેરિંગનું કામ કરતા અય્યુબ ઘાંચીએ કહ્યું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અમારા વિસ્તારમાં મકાન-દુકાન તોડીને રસ્તો પહોળો કરે છે. જેમનાં મકાન અને દુકાન તૂટવાનાં છે, એમને વળતર મળશે. એ લોકો તો નવી દુકાન કે મકાન બનાવી લેશે, પણ અહીંના કબ્રસ્તાનમાં મારાં મામા, નાની, નાના અને મારી એક બહેની કબર છે. અમે એની પૂજા કરીએ છીએ, એ કોણ લાવી આપવાનું હતું? મને પણ હતું કે મારાં સગાંવહાલાંની કબર જતી રહેશે. હું દુઃખી તો હતો. પણ મોહમ્મદ અંસારીની માફક ઝઝૂમ્યો નહીં, આજે મોહમ્મ્દ અંસારીને કારણે મારાં સગાંની કબર પણ તૂટતાં બચી ગઈ છે."
આ કાયદાકીય લડત અંગે વધુ વિગતો આપતાં ગોમતીપુરના સામાજિક કાર્યકર કલીમ સૈયદ કહે છે કે, "કોરોના પછી ચારતોડા કબ્રસ્તાનની બહાર એક દરવાજો બનાવાયો અને પછી એક ઍન્ટ્રી ગેટ બન્યો. એ કબ્રસ્તાનની દીવાલથી 50 મીટર જેટલો અંદર હતો. અમને એની સામે કોઈ વાંધો નહોતો. પણ પાછળથી જયારે રોડ પહોળો કરવા માટે વક્ફ બોર્ડે વર્ષ 1969માં આપેલી જમીન પર બનેલાં 241 સ્ટ્રક્ચર સાથે કબ્રસ્તાનનો ભાગ પણ તોડવાની વાત આવી ત્યારે અમે કોર્ટમાં કેસ કરી ન્યાય મંગાવાનું નક્કી કર્યું."
તેઓ આગળ કહે છે કે, "અહીં મોટા ભાગે ગરીબ અને અભણ લોકો રહે છે, અમે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં જસ્ટિસ મોના ભટ્ટે કબ્રસ્તાનની અંદર આવેલી કોઈ પણ કબર ન તોડવાનો આદેશ આપ્યો છે."
મોહમ્મદ અંસારીના વકીલ નીતીશ નાયરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કોર્ટની કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું કે, "કોર્ટમાં અમે દલીલ કરી ત્યારે અમને એક વાતનો સંતોષ છે કે જસ્ટિસ મોના ભટ્ટે કબ્રસ્તાનની અંદર આવેલી કોઈ પણ કબર ન તોડવાના નિર્દેશ આપ્યા છે. આનાથી મોહમ્મદ અંસારી જેવા લોકોની આસ્થા જળવાઈ રહેશે."
ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અહીંનાં મકાન અને દુકાનોને હટાવ્યા બાદ વળતર આપવાની કાર્યવાહી અંગે રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો છે.
આ સમગ્ર મામલે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને કોર્ટના આદેશ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












