બનાસકાંઠામાં 'નીલગાય અને ભૂંડને મારવા' વનવિભાગે જંગલી વરુને મેદાનમાં છોડ્યાં, ખરેખર ફેર પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના બેહરાઇચ જિલ્લામાં વરુઓએ ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના પાંચેક મહિનામાં નવ બાળકો સહિત 10 લોકોનાં મોત નિપજાવતાં હાહાકાર મચી ગયો હતો.
ત્યાંના વન વિભાગે છેવટે પાંચ વરુને પાંજરે પૂર્યા હતાં જયારે છઠ્ઠાને સ્થાનિક લોકોએ ઠાર કર્યું હતું. પરંતુ આ જ સમયગાળામાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશથી સાવ વિપરીત પ્રયોગ થઈ રહ્યો હતો.
દુનિયામાં પહેલી વાર 1987માં આવો પ્રયોગ અમેરિકાના વનવિભાગે કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં આ બીજો પ્રયોગ છે.
એટલે ગુજરાતમાં આ ભારતનો પ્રથમ પ્રયોગ છે. જેમાં પ્રાણીસંગ્રહાલયમાં ઉછેરવામાં આવેલા વરુના ઝૂંડને શિકાર શીખવીને જંગલોમાં છોડવામાં આવ્યાં છે.
ગુજરાત રાજ્યન વન વિભાગે હંમેશા બંધન અવસ્થામાં રહેલ નવ વરુને જંગલમાં છોડી મૂક્યા, એ આશાએ કે તેઓ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરતા નીલગાય એટલે કે રોઝ અને જંગલી ભૂંડોનો શિકાર કરી તેમનો ત્રાસ ઘટાડશે.
ક્યાં અને ક્યારે વરુને છોડાયાં?

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
બનાસકાંઠા વન વિભાગના નાયબ વનસંરક્ષક પરેશ ચૌધરીએ જણાવ્યું કે, "20 સપ્ટેમ્બર 2024ના રોજ ચાર વરુના એક પરિવારને કચ્છના મોટા રણમાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટ ટાપુના જંગલમાં છોડવામાં આવ્યો. આ પરિવારમાં સોના નામની માદા, પ્રદીપ નામનો નર અને તેના બે બચ્ચાંનો સમાવેશ થાય છે."
આ બચ્ચાંનો જન્મ 2024ના ફેબ્રુઆરીમાં થયો હતો.
ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ,"જંગલમાં મુક્ત કર્યાના પંદેરક દિવસમાં જ વરુનો આ પરિવાર પક્ષી, સસલાં, ઉંદર, સરીસૃપો, રોઝનાં બચ્ચાં વગેરેનો શિકાર કરવા લાગ્યો અને જંગલમાં વસતા અન્ય વરુઓની જેમ જ આત્મનિર્ભર થઈ જીવવા લાગ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોના-પ્રદીપનો પરિવાર જંગલમાં સ્થાયી થઈ ગયો એટલે વન વિભાગે પાંચ વારુઓના એક બીજા પરિવારને 13 ડિસેમ્બર 2024ના રોજ બનાસકાંઠા નજીક પાટણ વન વિભાગના એક વિસ્તારમાં છોડ્યો.
ચૌધરીએ જણાવ્યું કે, "આ પરિવારની માદા અને નરના નામ અંગ્રેજી નવલકથાકાર રૂડયાર્ડ કિપલિંગ લિખિત 'જંગલ બુક' નામના વાર્તાસંગ્રહનાં પાત્રોના આધારે રક્ષા અને અકેલા પાડવામાં આવ્યાં છે."
"આ પરિવારમાં રક્ષા અને અકેલાના ત્રણ બચ્ચાંઓનો પણ સમાવેશ થાય છે. "
"આ પરિવાર પણ તેમના વનવગડાના મુક્ત જીવનમાં સેટ થઈ ગયો છે."
પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલાં વરુઓને વન્યજીવનની તાલીમ

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોના-પ્રદીપ અને રક્ષા-અકેલા નામના વરુ પરિવારે વનવસવાટ ભલે શરૂ કરી દીધો હોય પરંતુ તેઓ સામાન્ય વરુ નથી.
આ બંને યુગલોનો જન્મ જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં થયો હતો. ત્યાં તેઓ મોટા પણ પાંજરામાં જ થયાં હતાં.
વન્યજીવ નિષ્ણાતો અનુસાર પાંજરામાં ઉછરેલ અને તૈયાર ખોરાક ખાતા હોય તેવા શિકારી પ્રાણીઓમાં તે જંગલી હવા છતાં શિકારની આવડત રહેતી નથી અને જો આવા પ્રાણીઓને સીધા જ જંગલમાં મુક્ત કરી દેવામાં આવે તો તેમને ખોરાક, પાણી વગેરે ન મળવાથી કે અન્ય પ્રાણીઓના હુમલામાં તેમના માર્યા જવાની શક્યતા વધારે રહે છે.
એક-દોઢ વર્ષ પછી જયારે સોના-પ્રદીપ અને રક્ષા-અકેલા પુખ્ત થયા ત્યારે તેમને જૂનાગઢ પ્રાણીસંગ્રહાલયના નાના પાંજરાઓમાંથી નડાબેટના જંગલમાં આવેલ એક ચાર હેક્ટર જેટલા મોટા વાડામાં લઈ જવાયા હતાં.
આ પ્રક્રિયા 2023ના ઑગસ્ટથી ઑક્ટોબર મહિના દરમિયાન કરવામાં આવી હતી.
નડાબેટના આ વાડામાં ઘાસિયા મેદાન, વૃક્ષાદિત જંગલ, રણ, ઝાડી-ઝાંખરાવાળો પ્રદેશ એમ ગુજરાતમાં જોવા મળતા વિવિધ પ્રકારના વનપ્રદેશના નમૂના બનાવવામાં આવ્યા છે.
લોખંડની ઝાળીવાળો આ વાડો બંધન અવસ્થામાં ઉછરેલ વન્યપ્રાણીઓને જંગલના મુક્ત જીવનની તાલીમ આપવા માટે નડાબેટમાં બનાવવામાં આવેલ એક સૉફ્ટ રિલીઝ સેન્ટર એટલે કે એક પ્રકારના તાલીમ કેન્દ્રનો ભાગ છે.
31 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ફૉરેસ્ટ ફોર્સના હેડ તરીકે નિવૃત્ત થયેલા નિત્યાનંદ શ્રીવાસ્તવ જણાવે છે કે, "પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલા વરુઓ સહિતનાં પ્રાણીઓને જંગલમાં મુક્ત જીવન જીવવાની તાલીમ આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે 2022-23માં નડાબેટનું તાલીમ કેન્દ્ર વિકસાવ્યું હતું."
"આ તાલીમ કેન્દ્રમાં જ સોના-પ્રદીપ અને રક્ષા-અકેલાએ જોડી બનાવી અને સંવનન કરવામાં આવ્યું, પછી ગુફાઓ ખોદી અને તે ગુફાઓમાં 2024ના ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ થયો."
ચૌધરી કહે છે કે, "વરુઓને જૂનાગઢથી નડાબેટ લાવવામાં આવ્યા ત્યારે તેઓ વનવિભાગના સ્ટાફ દ્વારા આપવામાં આવતા મરઘી અને માંસ વગેરે જેવા તૈયાર ખોરાક પર જ નિર્ભર હતાં."
પરંતુ ધીમે ધીમે સ્ટાફે આ વરુઓને તૈયાર ખોરાક આપવાનું બંધ કર્યું અને તેના ભક્ષ્ય છે તેવાં જીવોના સંસર્ગમાં મૂક્યાં.
"વરુઓને તેમનાથી વધારે બળવાન તેવા ઝરખ જેવાં જીવોનો ભેટો થતા તેમની પ્રતિક્રિયાનું અવલોકન કર્યું. સમય જતાં આ વરુઓએ પક્ષી, ઉંદર, સસલાં, નીલગાય, ભૂંડ વગેરેનો શિકાર કરવાનું અને જેનાથી ભય હોય તેવાં જીવોથી કઈ રીતે બચવું તે શીખી લીધું. આ પ્રકારે જંગલના જીવન માટે તૈયાર જણાતા અમે તેમને જંગલમાં મુક્ત કર્યાં છે," ચૌધરીએ જણાવ્યું.
દુનિયાભરમાં માત્ર બીજો પ્રયાસ

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
ગુજરાતના નિવૃત્ત મુખ્ય વનસંરક્ષક શ્વેતાંક પંડિત જણાવે છે કે બંધન અવસ્થામાં જન્મેલ વરુઓને વનવગડામાં મુક્ત જીવન માટે છોડવાનો દુનિયામાં આ માત્ર જો પ્રયાસ છે.
"વરુઓ પહેલાં જ્યાં રહેતાં હતાં તેવા વિસ્તારોમાં તેમને ફરીવાર સ્થાપિત કરવાના પ્રયાસો દુનિયાના કેટલાક દેશોમાં થયા છે. પરંતુ ઝૂ(પ્રાણીસંગ્રહાલય)માં જન્મેલાં વરુઓને જંગલમાં મુક્ત કરવાનો એકમાત્ર પ્રયાસ અમેરિકાની ફિશ અને વાઇલ્ડલાઇફ સર્વિસે અમેરિકામાં કર્યો હતો. એ પ્રયાસ પછી ગુજરાતમાં થઈ રહેલા આ પ્રયાસ દુનિયામાં એવું માત્ર બીજું ઉદાહરણ છે," તેમણે જણાવ્યું.
અમેરિકામાં રેડ વુલ્ફ નામની વરુની પ્રજાતિ શિકાર અને રહેઠાણો નાશ પામવાને કારણે વનવિસ્તારમાંથી લુપ્ત થવાને આરે પહોંચી જતા 1973માં ફિશ અને વાઇલ્ડલાઇફ સર્વિસ તરીકે ઓળખાતા અમેરિકાના વન વિભાગે બચી ગયેલાં વરુઓને પકડીને આ પ્રજાતિ દુનિયામાંથી લુપ્ત ન થઈ જાય તેવા આશયથી એક સંવર્ધન કેન્દ્રમાં લઈ જવાનું ચાલુ કર્યું હતું.
આ સંવર્ધન કેન્દ્રમાં રેડ વૂલ્ફની સંખ્યા વધતા અમેરિકાના વન વિભાગે તેમને વન્યજીવન માટે તાલીમ આપી. 1987થી નૉર્થ કેરોલિના રાજ્યમાં આવેલ વન વિસ્તારમાં છોડવાનું ચાલુ કર્યું હતું.
તો વરુઓને ગુજરાતમાં કેમ છોડ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીવાસ્તવ જણાવે છે કે બંધન અવસ્થામાં ઉછરેલાં વરુઓને જંગલમાં છોડવાનો હેતુ રાજ્યમાં નીલગાય અને ભૂંડની વસ્તીને કુદરતી રીતે નિયંત્રિત કરવાનો છે.
તેઓ જણાવે છે, "વરુ નીલગાયનાં બચ્ચાંનો શિકાર કરે છે. તેથી, પ્રોજેક્ટનો હેતુ જ એવો છે કે વરુઓને જંગલમાં છોડી નીલગાયની વસ્તીને નિયંત્રણમાં લાવવી. તેથી, જયારે આ વરુઓએ નીલગાયોનો શિકાર કરવાનું ચાલું કરી દીધું તો અમને આનંદ થયો કારણ કે અમારો હેતુ સરી રહ્યો હોય તેમ લાગ્યું."
શ્રીવાસ્તવ ઑગસ્ટ 2022થી નવેમ્બર 2024 સુધી ગુજરાતના વન્યપ્રાણીઓ માટેના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને રાજ્યના મુખ્ય વાઇલ્ડલાઇફ વૉર્ડન તરીકે સેવા આપી હતી. તેમના આ કાર્યકાળ દરમિયાન નડાબેટનું તાલીમકેન્દ્ર બન્યું હતું. હોદ્દાની રૂએ સરકારે નડાબેટ પ્રોજેક્ટને માર્ગર્શન આપવા માટે રચેલ પ્રોજેક્ટ સ્ટીરિંગ કમિટીના તેઓ વડા પણ હતાં. પંડિત પણ આ સમિતિના સભ્ય છે.
નીલગાયની વસ્તી કેટલી છે?
આમ તો ગુજરાત ગીર સિંહોના ઘર તરીકે વધારે જાણીતું છે.
રાજ્યમાં 674 સિંહ અને 2274 દીપડા હોવાનો અંદાજ છે. આ બંને મોટા માંસાહારી પ્રાણીઓની વસ્તીમાં છેલ્લા ચાર દાયકાથી વધારો નોંધાઈ રહ્યો છે.
પરંતુ, સરકારી આંકડા મુજબ નીલગાય (રોઝ)ની વસ્તીમાં છેલ્લા એક દાયકામાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે.
વન વિભાગના 2022-23ના આંકડાકીય અહેવાલ અનુસાર ગુજરાતમાં 2011માં નીલગાયની વસ્તી 1.19 લાખ હતી. ત્યાર પછીનાં પાંચ વર્ષોમાં તે 56 ટાકા જેટલા વધારા સાથે 1.86 લાખ થઈ ગઈ.
ત્યાર પછીનાં પાંચ વર્ષોમાં 36 ટકાના ઉછાળા સાથે 2020 માં 2.51 લાખ થઈ ગઈ. નીલગાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દેખાય છે અને આ અહેવાલ અનુસાર રાજ્યમાં જંગલી તૃણભક્ષીઓની વસ્તીમાં નીલગાયની વસ્તી સૌથી વધારે છે.
2020 ની વસ્તીગણતરી અનુસાર એકલા બનાસકાંઠા જિલ્લામાં જ 32031 રોઝ નોંધાયાં હતાં. પાટણ (18,584), અમરેલી (16,295), ભાવનગર (15,681) અને કચ્છમાં (14,880) પણ નીલગાયની મોટી વસ્તી નોંધાઈ હતી. ભૂંડની વસ્તી 2015 માં 1.79 લાખ નોંધાઈ હતી.
રોઝની વસ્તીમાં વસ્તીવિસ્ફોટ જેવી સ્થિતિ કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સરકાર માને છે કે રાજ્યમાં વરુની વસ્તી ઘટતા નીલગાયનો વસ્તીવધારો થયો છે.
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જન્મેલાં વરુઓને વન વિસ્તારમાં મુક્ત કરવાના નિર્ણયની વિગત આપતા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના 2021 ના એક પરિપત્રમાં જણાવ્યા છે, "ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારતીય વરુની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે."
"નીલગાય અને જંગલી ભૂંડ જેવાં વન્યપ્રાણીઓ માટે વરુ એ કુદરતી નિયંત્રણ સમાન છે કારણ કે જંગલી ભૂંડ અને નીલગાયના બચ્ચાંનું વરુ મારણ કરી તેનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી વરુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં આ કુદરતી સંતુલન ખોરવાઈ જતાં રાજ્યમાં નીલગાય અને જંગલી ભૂંડ ઉપરનું કુદરતી નિયંત્રણ ઓછું થતાં તેમની વસ્તીમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે."
રોઝ-ભૂંડ ખેતીમાં કેટલું નુકસાન કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય કિસાન સંઘના ગુજરાત રાજ્ય એકમના વડા જગમાલ આર્ય દાવો કરે છે કે રોઝ-ભૂંડની સંખ્યા વધતા ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.
જગમાલ આર્ય કહે છે કે, "રાજ્યમાં રોઝ અને ભૂંડ ઊભા પાક ચરી જતાં ખેડૂતોનો એકંદરે 15 ટકા જેટલો પાક નાશ પામે છે. આ સમસ્યા છેલ્લાં 30 વર્ષમાં વકરી છે."
"આ પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા ખેતર ફરતે કાંટાળા તારની વાડ કરવા સરકાર સબસીડી આપે છે."
"આર્થિક રીતે સદ્ધર ખેડૂતો સોલર પાવરથી ચાલતા ઝટકા મશીન પણ મૂકે છે. પરંતુ ગરીબ ખેડૂતોને આ બેમાંથી એકેયનો ખર્ચ પોસાય તેમ નથી. વળી, જંગલી પ્રાણીઓથી પાકને થતા નુકસાન સામે વળતર આપવાની સરકારની કોઈ યોજનામાં અમલમાં નથી. તેથી, સૌથી વધારે સહન ગરીબ ખેડૂતોને કરવું પડે છે."
તો વરુ જ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો નીલગાય અને જંગલી ભૂંડને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ કાયદાકીય રક્ષણ મળેલ છે. આ બંને જાનવરો રાજ્યમાં આવેલ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની બહાર સરકારી ખરાબાઓ, ગૌચર, ખેતરના શેઢે-પાળે અને રોડ અને હાઈવેની બાજુમાં પણ દેખાય છે.
જો કે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની બહાર પણ જો તેમનો શિકાર કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
પરંતુ, વધી રહેલી વસ્તીને નાથવા અને ખેતીના પાકોનું રક્ષણ કરવાના હેતુથી રાજ્ય સરકારે 2006માં રાજ્યના 1,319 ગામના સરપંચોને માનદ વાઇલ્ડલાઇફ વૉર્ડન નીમી તેમના ગામમાં પાકોને નુકસાન કરતા રોઝને બંદૂકની ગોળી મારી મારી નાખવાના હુકમ કરવાની સત્તા આપી હતી. સમયાંતરે આ નિર્ણય હેઠળ વધારે ગામોને આવરી લેવાયા અને અત્યારે લગભગ 4000 ગામોમાં તે અમલી છે.
રાજ્યના એક ઉચ્ચ અધિકારી જણાવે છે, "પરંતુ આજ સુધી એક પણ સરપંચે આવા હુકમ કર્યાં નથી કારણ કે અહીં દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવાની સંસ્કૃતિ છે અને પ્રાણીઓની હત્યાને પાપ ગણવામાં આવે છે."
જો કે બિહારમાં રોઝને સત્તાવાર રીતે વર્મીન એટલે કે નુકસાનકારક પ્રાણી જાહેર કરી 2016થી 2019 વચ્ચે 4,729 રોઝનો વધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં પણ જંગલી ભૂંડને વર્મીન જાહેર કરી કેટલાક વિસ્તારોમાં તેનો વધ કરવાનો 2016માં હુકમ કરવામાં આવ્યો હતો.
નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક વિશ્વદીપસિંહ રાણા કહે છે કે રોઝ-ભૂંડની વસ્તી પર જૈવિક નિયંત્રણ લાવવા માટે કૂતરાં જેવડું કદ ધરાવતા વરુ એક સારો વિકલ્પ છે.
રાણા જણાવે છે, "સિંહ અને દીપડા જેવા મોટાં શિકારી પ્રાણીઓ તૃણભક્ષીઓની વસ્તીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ આવાં મોટાં શિકારી પ્રાણીઓની હાજરી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બહાર સામાન્ય ગણાતી નથી. માનવવસ્તીવાળા વિસ્તારોમાં માત્ર વરુ જ એવાં પ્રાણીઓ છે કે જે નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરી શકે છે."
તેઓ જણાવે છે કે ભાવનગરના વેળાવદરમાં આવેલા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારની વસ્તી નિયંત્રણમાં રહેવાનું કારણ ત્યાં રહેલાં વરુઓ છે.
રાણાએ 1990 ના દાયકામાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સેવા આપી હતી અને 2023માં કચ્છ ક્ષેત્રિય વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા હતા.
તેમણે 2008થી 2015 સુધી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી અને તેના આ કાર્યકાળ દરમિયાન જ 2010માં સક્કરબાગ ખાતે વારુઓનું સંવર્ધન કેન્દ્ર ચાલુ થયું હતું. રક્ષા-અકેલા અને સોના-પ્રદીપ આ જ સંવર્ધન કેન્દ્રમાં જનમ્યાં હતાં.
પ્રાણીસંગ્રહાલયનાં વરુઓને જંગલમાં કેમ છોડાય છે?
તેનું કારણ છે રાજ્યમાં જંગલી વરુઓની ઓછી વસ્તી. 2023માં કરાયેલ વસ્તીગણતરી દરમિયાન વરુની વસ્તી 222 હોવાનો અંદાજ હતો. રાજ્યના 33 માંથી 13 જિલ્લામાં વરુ નોંધાયાં હતાં.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 80 વરુ નોંધાયાં હતાં. ત્યાર પછી નર્મદા(39), બનાસકાંઠા( 36 ), સુરેન્દ્રનગર (18), જામનગર (12) અને મોરબી (12) જિલ્લાઓમાં વરુઓની ગણનાપાત્ર વસ્તી નોંધાઈ હતી.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ ડીન પ્રોફેસર યાદવેન્દ્રદેવ ઝાલા અને અન્ય સંશોધકોએ 2018-19માં સરવે કરી ભારતમાં વરુની વસ્તી 3170 હોવાનું તારણ રજૂ કર્યું હતું. તેમના સરવે મુજબ ગુજરાતમાં તે વખતે વરુની વસ્તી 494 હતી જે મધ્યપ્રદેશ (722) અને રાજસ્થાન (532) પછી ત્રીજી સૌથી મોટી હતી. ઉત્તર પ્રદેશમાં 61 વરુ હોવાનું તેમનું તારણ હતું.
વળી, 1991માં પ્રો. ઝાલા અને અન્ય સંશોધકોએ સરવેના આધારે ગુજરાતમાં વરુની વસ્તી 190 થી 270 હોવાનો અંદાજ બાંધ્યો હતો.
વરુ પર સંશોધન કરી રહેલ સુરેન્દ્રનગરના યોગેન્દ્ર શાહ જણાવે છે, "બે દાયકા પહેલાં કચ્છના નાના રણમાં સો જેટલાં વરુ હોવાનો મારો અંદાજ છે. 2004 સુધી પાંચ-પાંચ સભ્યોવાળા વરુ પરિવાર જોવા મળતાં. પરંતુ હવે એકલ દોકલ વરુ જ બચ્યાં છે."
શ્રીવાસ્તવ જણાવે છે કે સંવર્ધન કેન્દ્રનાં વરુઓને જંગલમાં છોડી મુક્ત રીતે વિચરણ કરતાં વરુઓની સંખ્યામાં વધારો કરવાનો આશય છે.
ગુજરાતમાં વરુની વસ્તી કેમ ઘટી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના હાલના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને હેડ ઑફ ફૉરેસ્ટ ફોર્સ, એ.પી. સિંહ જણાવે છે કે વરુની વસ્તી ઘટવા પાછળ ઘેટાં- બકરાં ચરાવનાર લોકો દ્વારા વરુનું થતું ઉત્પીડન અને હત્યા એક મોટું પરિબળ છે.
"હમણાંથી વરુની ઘણી બધી ચર્ચાઓ ચાલી ગઈ છે. ગુજરાત રાજ્યે જે ડ્રાય-ડેસિડ્યૂઅસ ફૉરેસ્ટ (પાનખર જંગલો) છે અથવા જે થૉર્ની ફોરેસ્ટ (કાંટાવાળી વનસ્પતિના જંગલ) છે, કચ્છ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મળતાં હતાં."
"પણ આ પ્રાણી બચ્ચાં પર શિકાર કરે છે. અને જે અમારે પશુપાલક કૉમ્યુનિટી હતી તે લોકો ઘેટાં-બકરી ચરાવતા હતા. એ લોકોનાં જે નાનાં-નાનાં બચ્ચાં હોતાં, એમને આ વરુઓ મારી નાખતાં, અને બહુ મોટી સંખ્યામાં મારતા હતા."
"તો એ લોકોએ એને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. ભૂતકાળમાં તો એની સંખ્યા બહુ ઘટી ગઈ," સિંહે દૂરદર્શન પર સાત જાન્યુઆરીએ 2025ના રોજ પ્રસારિત થયેલ એક કાર્યક્રમમાં જણાવ્યું.
તો શું પ્રોજેક્ટ સફળ ગણાય?
સરકારે જાન્યુઆરી 2025ની શરૂઆતમાં સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી 10 અન્ય વરુને નડાબેટના કેન્દ્રમાં ખસેડ્યાં છે અને તેમને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. હવે સક્કરબાગ ખાતેના સંવર્ધન કેન્દ્રમાં 35 વરુ હોવાનું અધિકારીઓ કહે છે.
શ્રીવાસ્તવ કહે છે આ પાઇલટ પ્રોજેક્ટ ગણવો જોઈએ અને તે સફળ રહ્યો છે.
"હવે આપણી પાસે વરુને તાલીમ આપવાનું કેન્દ્ર છે અને કઈ રીતે તાલીમ એવી તેનો પ્રોટોકૉલ પણ છે. પરંતુ આ રીતે જંગલમાં વરુની વસ્તી વધારવાના પ્રોજેક્ટની સફળતાનો આધાર લોકો તેમના વિસ્તારમાં મુક્ત રીતે વિચરણ કરી રહેલાં વરુઓને સ્વીકારશે કે નહીં તેના પર છે. છેવટે વરુની વસ્તી ઘટી કેમ હતી? કારણ કે કોઈએ તેમને મારી નાખ્યા હતા," તેઓએ કહ્યું.
પરંતુ વેળાવદર અને કચ્છના વરુ પર જેમણે પીએચડી કર્યું છે તેવા વન્યપ્રાણી-અભ્યાસુ ભરત જેઠવા જણાવે છે કે છોડાયેલ વરુ ત્રણ મહિના જંગલમાં હેમખેમ કાઢી નાખે એટલે પ્રોજેક્ટને સફળ ગણાવવાની ઉતાવળ ન કરવી જોઈએ.
જેઠવાએ જણાવ્યું, "મુક્ત કરાયેલ વરુઓની પેઢીનો ઉછેર માણસોએ કરેલો છે તેથી તેઓ માણસો પર હુમલા કરે તેવી શક્યતા નહિવત છે. પરંતુ જો આ વરુઓ જંગલમાં જ બચ્ચાંને જન્મ આપી વન વિભાગના કર્મચારીઓની કોઈ પણ મદદ વગર તેનો ઉછેર કરી શકે તો પ્રોજેક્ટની સફળતાનું એ પ્રથમ પગથિયું ગણવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















