'ઑપરેશન સિંદૂર' બાદ ભારતીય સેના બનાવશે ડ્રૉન બટાલિયન, તે કેવી રીતે કામ કરશે?

ભારત ડ્રોન, રૂદ્ર બ્રિગેડ, ઑપરેશન સિંદૂર, ભારતને ફાયદો, પાકિસ્તાન, ઉપેન્દ્ર દ્વિવેદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની સેના દ્વારા વિવિધ વિભાગો માટે વિશેષ "ડ્રૉન બટાલિયન" બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી સંવાદદાતા

મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ પછી, ભવિષ્યનાં યુદ્ધોની તૈયારી માટે ભારતની સેના દ્વારા વિવિધ વિભાગો માટે વિશેષ "ડ્રૉન બટાલિયન" બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ સેનાની આર્ટિલરી, ઇન્ફેન્ટ્રી અને આર્મર્ડ ડિવિઝન માટે અલગ-અલગ ડ્રૉન યુનિટ્સ બનાવવામાં આવશે.

આ યુનિટ્સનો મુખ્ય હેતુ માત્ર ડ્રૉન ઑપરેશનનું સંચાલન કરવાનો રહેશે.

સેનાના અધિકારીઓ અનુસાર, આ હેતુ માટે અધિકારીઓને ડ્રૉનનાં વિવિધ ઑપરેશન્સ માટે ઉચ્ચ સ્તરની તાલીમ આપવામાં આવશે.

26 જુલાઈના રોજ 'કારગિલ વિજય દિવસ'ના પ્રસંગે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 30 લાઇટ કમાન્ડો બટાલિયન અને ડ્રૉન સહિત તમામ હથિયારો અને સાધનો સાથે "રુદ્ર બ્રિગેડ" બનાવવાની જાહેરાત કરી હતી.

ભારતીય ડ્રૉન બટાલિયન શું કામ કરશે?

ભારત ડ્રોન, રૂદ્ર બ્રિગેડ, ઑપરેશન સિંદૂર, ભારતને ફાયદો, પાકિસ્તાન, ઉપેન્દ્ર દ્વિવેદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Corbis via Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રૉન બટાલિયન બનાવવાની યોજના ભારતીય સેનાના આધુનિકીકરણ અને ત્રણેય વિભાગોમાં સંકલન માટેની વ્યાપક યોજના નો ભાગ છે.

ડ્રૉન બટાલિયન બનાવવાની યોજના ભારતીય સેનાના આધુનિકીકરણ અને ત્રણેય વિભાગોમાં સંકલન માટેની વ્યાપક યોજનાનો ભાગ છે.

સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે કે ડ્રૉન બટાલિયન બનાવવાની ચર્ચા અગાઉથી ચાલી રહી હતી.

તેમના જણાવ્યા અનુસાર, "ઑપરેશન સિંદૂર પછી ડ્રૉનને કૉમ્બેટ યુનિટ તરીકે સામેલ કરવું વ્યાપક રણનીતિનો ભાગ બની ગયું છે. છેલ્લાં દસ વર્ષમાં થયેલાં યુદ્ધો, યુક્રેન-રશિયા હોય, અઝરબૈજાનની લડાઈ હોય કે ઇઝરાયલ-લેબનાન-ઇરાન વચ્ચેનો સંઘર્ષ — બધામાં ડ્રૉનનો વ્યાપક અને અસરકારક ઉપયોગ થયો છે."

"ડ્રૉનની વિશેષતા એ છે કે તે સામાન્ય રીતે સસ્તાં હોય છે અને અબજોની કિંમતની આધુનિક ટૅન્કોને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આથી, તેને સસ્તાં અને અસરકારક હથિયાર તરીકે જોવામાં આવે છે."

રાહુલ બેદી કહે છે કે હવે ભારતીય સેના ડ્રૉન માટે વિશેષ બ્રિગેડ બનાવી રહી છે, જેમાં 25 થી 100 સૈનિકો અને ટેકનિકલ નિષ્ણાતો માત્ર ડ્રૉન ઑપરેશનની જવાબદારી સંભાળશે.

તેમના જણાવ્યા અનુસાર, "ડ્રૉન બે પ્રકારનાં હશે — એક ઍટેક ડ્રૉન અને બીજું સર્વેલન્સ ડ્રૉન. સર્વેલન્સ ડ્રૉન લક્ષ્ય શોધશે અને ઍટેક ડ્રૉનને સંકેત આપશે. ઍટેક ડ્રૉન એકલા અથવા 20-25 ડ્રૉનના જૂથ સાથે હુમલો કરશે."

અલગ-અલગ હેતુ માટે અલગ-અલગ પ્રકારનાં ડ્રૉન

ભારત ડ્રોન, રૂદ્ર બ્રિગેડ, ઑપરેશન સિંદૂર, ભારતને ફાયદો, પાકિસ્તાન, ઉપેન્દ્ર દ્વિવેદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, ASISGUARD.COM

ઇમેજ કૅપ્શન, તુર્કીમાં નિર્મિત સોનગાર ડ્રૉન

મારકક્ષમતા, ઊંચાઈ ઉપર ઉડવાની ક્ષમતા તથા રેન્જના આધારે ડ્રૉનને અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ડ્રૉનની મુખ્ય ત્રણ કૅટેગરી છે:

  • ટૂંકા અંતરનાં ડ્રૉન કે જે 20-50 કિમી સુધી કામ પાર પાડી શકે છે.
  • મધ્યમ અને ઊંચાઈનાં ડ્રૉન, જે વ્યાપક અંતર સુધી કામ પાર પાડી શકે છે.
  • અદ્યતન ઍટેક ડ્રૉન જેમ કે MQ-NB.

ભારતે 3.5 અબજ ડૉલર ખર્ચીને અમેરિકાથી 31 MQ-NB ડ્રૉન ખરીદ્યાં છે. ભારત 1990ના દાયકાના અંતભાગથી ડ્રૉન ખરીદી રહ્યું છે.

ભારતે ઇઝરાયલથી હાર્પી, હેરોપ અને હેરોન શ્રેણીનાં ડ્રૉન ખરીદ્યાં છે, જે 'ઑપરેશન સિંદૂર'માં પણ ઉપયોગમાં લેવાયાં હોવાનું કહેવાય છે. ભારત પોતે પણ સ્થાનિક સ્તરે ડ્રૉન બનાવી રહ્યું છે.

હવે ડ્રૉનનો ઉપયોગ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા ઊંચા પર્વતીય વિસ્તારોમાં સૈનિકો સુધી સામગ્રી અને લૉજિસ્ટિક્સ પહોંચાડવા માટે પણ થઈ રહ્યો છે.

ડ્રૉન ટૅકનૉલૉજીમાં સૌથી વધુ પ્રગતિ ઇઝરાયલ, અમેરિકા અને હવે ચીન દ્વારા થઈ છે. સૌથી પહેલાં ઇઝરાયલે આમાં મહારત હાંસલ કરી પછી અમેરિકા અને હવે ચીન આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

'ભવિષ્યનાં યુદ્ધોમાં માનવીની જરૂરત ઓછી થશે'

ભારત ડ્રોન, રૂદ્ર બ્રિગેડ, ઑપરેશન સિંદૂર, ભારતને ફાયદો, પાકિસ્તાન, ઉપેન્દ્ર દ્વિવેદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1990ના દાયકાના અંતભાગથી ભારતે ડ્રૉન ખરીદવાનું શરૂ કરી દીધું હતું

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સંઘર્ષમાં પાકિસ્તાને ચીન અને તુર્કીનાં ડ્રૉનનો ઉપયોગ કર્યો હતો. હાઇટૅક ડ્રૉન યુદ્ધ હવે ઝડપથી વધી રહ્યું છે.

રાહુલ બેદી કહે છે, "અગાઉ સૈનિકો દ્વારા યુદ્ધ થતું હતું, ગોળીઓ ચાલતી હતી — જેને કૉન્ટેક્ટ વૉરફેર કહેવામાં આવતું. હવે એ બધું લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. હવે કામ મશીનોને સોંપવામાં આવ્યું છે."

"હવે તો કમ્પ્યુટરથી નિયંત્રિત પાઇલટ વગરનાં લડાકૂ વિમાનો પણ બનવાં લાગ્યાં છે. પાઇલટથી નિશાન ચૂકી શકાય છે, પણ મશીનોમાં ભૂલની શક્યતા ખૂબ ઓછી હોય છે."

રાહુલ બેદીના મતે, ભવિષ્યનાં યુદ્ધોમાં માનવીની જરૂરત ઘટશે અને મશીનોની જરૂરત વધશે.

તેમના મત પ્રમાણે, "જે દેશ આધુનિક ટેક્નૉલૉજી અપનાવશે અને જેનું તેના પર નિયંત્રણ હશે, એ જીતશે."

શું ભારતીય સેના પાકિસ્તાન પર કોઈ સરસાઈ મેળવશે?

ભારત ડ્રોન, રૂદ્ર બ્રિગેડ, ઑપરેશન સિંદૂર, ભારતને ફાયદો, પાકિસ્તાન, ઉપેન્દ્ર દ્વિવેદી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રક્ષા વિશ્લેષક અને 'ફોર્સ' સામયિકના સંપાદક પ્રવીન સાહની કહે છે કે ભારતીય સેના જે ડ્રૉન બટાલિયન બનાવી રહી છે, તેનો તાત્કાલિક મોટો લાભ નહીં મળે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રક્ષા વિશ્લેષક અને 'ફોર્સ' સામયિકના સંપાદક પ્રવીણ સાહની કહે છે કે ભારતીય સેના જે ડ્રૉન બટાલિયન બનાવી રહી છે, તેનો તાત્કાલિક મોટો લાભ નહીં મળે.

તેમના જણાવ્યા અનુસાર, "જ્યાર સુધી ભારત પાસે જમીન પર 24 કલાક દેખરેખ માટે અસરકારક સેટેલાઇટ સિસ્ટમ નહીં હોય, ત્યાં સુધી ડ્રૉન અસરકારક રીતે કામ નહીં કરી શકે."

"ઑપરેશન સિંદૂર દરમિયાન ચીનના સેટેલાઇટ નેટવર્ક દ્વારા પાકિસ્તાનને 24 કલાક સર્વેલન્સ મળી રહી હતી. એટલે કે ભારતીય સેના શું કરી રહી છે, તે તેમને સતત દેખાઈ રહ્યું હતું."

પ્રવીણ સાહનીના મતે, "ડ્રૉન ત્યારે સાર્થક થાય છે, જ્યારે યુદ્ધના મેદાનની માહિતી હોય. હાલમાં બંને દેશો એવી લડાઈ લડી રહ્યાં છે, જ્યાં આગળ શું થશે એની ખબર નથી."

"બંને દેશ મહત્તમ મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યા છે, જેની પહોંચ તમામ જગ્યાએ છે."

"જ્યાં સુધી તમારી પાસે 24x7 દેખરેખ નહીં હોય, ત્યાં સુધી એ યુનિટ્સનો અર્થ નથી."

સાહની ઉમેરે છે, "હું એમ નથી કહેતો કે એ જરૂરી નથી, પણ હાલની પરિસ્થિતિમાં તેને પ્રાથમિકતા આપવી યોગ્ય નથી."

પ્રવીણ સાહની કહે છે કે ભારતીય સેના માટે પ્રથમ જરૂરિયાત એ છે કે સેટેલાઇટ દ્વારા યુદ્ધના મેદાનની સ્પષ્ટ તસવીર મળી રહે — જે ચીન દ્વારા પાકિસ્તાનને મળી રહી છે.

સાહની કહે છે, "પછી આપણે ઇલેક્ટ્રોનિક વૉરફેરની ક્ષમતા જોઈએ, જે હાલમાં પાકિસ્તાન પાસે છે."

"હાલમાં ભારતીય સેના સરહદ પારની પ્રવૃત્તિઓ માટે UAV નો ઉપયોગ કરે છે. ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સેનાનું ઇન્ટિગ્રેશન — એટલે કે ત્રણેય વિભાગો સંકલિત રીતે કામ કરે. હાલ જે આધુનિકીકરણ થઈ રહ્યું છે, એ સંકલિત નથી. 2020થી ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ બનાવવાની વાત ચાલી રહી છે, પણ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન