મુંબઈમાં કરોડોની સંપત્તિનાં માલિક કથિત બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર 'ગુરુ મા' કોણ છે?

ઇમેજ સ્રોત, SALMAN KHAN
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી ગુજરાતી માટે
મુંબઈ પોલીસે 17 ઑક્ટોબર, 2025એ ગોવંડી વિસ્તારમાં બાંગ્લાદેશમાંથી આવેલાં અને 'ગુરુ મા' નામથી પ્રખ્યાત એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બાબુ ખાનની ધરપકડ કરી છે.
પોલીસનું કહેવું છે કે આ કથિત 'ગુરુ મા' નામની વ્યક્તિ દાયકાઓથી નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને ભારતમાં 'ગેરકાયદેસર' રહે છે.
અધિકારીઓનું કહેવું છે કે 'ગુરુ મા' પાસે મુંબઈના ઘણા વિસ્તારોમાં 20થી વધુ સંપત્તિ છે. તેમની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ કેસ પણ દાખલ છે.
પોલીસનું કહેવું છે કે મુંબઈમાં 200થી વધુ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ 'ગુરુ મા'નાં અલગ-અલગ સ્થળોએ રહે છે.
આ બાબતે બીબીસીએ 'ગુરુ મા' સાથે સંકળાયેલા લોકો અને તેમના વકીલો પાસેથી તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી, પરંતુ તેમની સાથે સંપર્ક ન થઈ શક્યો. જો અમને કોઈ પ્રતિસાદ મળશે, તો અમે અહીં અપડેટ કરીશું.
મુંબઈમાં બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડરોનું 'રૅકેટ'
સામાજિક કાર્યકર કૃષ્ણા આડેલકરે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વિશે મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આડેલકરનો દાવો છે કે એ ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આડેલકરનો આરોપ છે કે મુંબઈમાં બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનું એક મોટું રૅકેટ સક્રિય છે. તેમણે બધા વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે.
આડેલકરે 'કિન્નર મા' નામના સંગઠન અને તેના નેતાઓ પર બાંગ્લાદેશી નાગરિકોને આશ્રય આપવાનો અને તેમના દ્વારા વસૂલી કરવાનો આરોપ પણ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આરોપો પછી 'કિન્નર મા' સંગઠન સાથે જોડાયેલા 12 સભ્યોએ વિક્રોલીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે આડેલકરના આરોપોથી તેમની પ્રતિષ્ઠાને હાનિ થઈ રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
ટ્રાન્સજેન્ડરોને સારવાર માટે નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ અત્યારે સ્થિર છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
કેટલાક ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ મીડિયાને જણાવ્યું કે આડેલકરે તેમની માનહાનિ કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.
ઘટના શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા એક વર્ષથી સુરક્ષા એજન્સીઓ ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ઉપર કાર્યવાહી કરી રહી છે. મુંબઈ પોલીસ પણ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરી રહી છે.
આ અભિયાન દરમિયાન જ ગોવંડીના રફીકનગર વિસ્તારમાંથી મળેલી ફરિયાદ પછી જાન્યુઆરીથી જ પોલીસ બાબુ ખાન ઉર્ફે 'ગુરુ મા' સહિત ઘણા લોકોના દસ્તાવેજોની તપાસ કરતી હતી.
પોલીસનું કહેવું છે કે ચકાસણી દરમિયાન 'ગુરુ મા'ના દસ્તાવેજોમાં ઘણી વિસંગતિઓ જોવા મળી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે દસ્તાવેજો નકલી હતા.
પોલીસે એમ પણ કહ્યું કે 'ગુરુ મા' બાંગ્લાદેશી છે. ત્યાર પછી ગોવંડી શિવાજીનગર પોલીસે આરોપી 'ગુરુ મા' ઉર્ફે બાબુ આયન ખાન વિરુદ્ધ ગેરકાયદે નિવાસ તથા અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી લીધી છે. 'ગુરુ મા' અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
'ગુરુ મા' હકીકતમાં કોણ છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાબુ ખાન ઉર્ફે 'ગુરુ મા' 36 વર્ષીય ટ્રાન્સજેન્ડર ગુરુ છે, જે છેલ્લાં ઘણાં વર્ષોથી મુંબઈના ગોવંડી વિસ્તારમાં રહે છે. પોલીસનું કહેવું છે કે તેઓ મૂળરૂપે બાંગ્લાદેશનાં રહેવાસી છે.
'ગુરુ મા' મુંબઈમાં ટ્રાન્સજેન્ડર લોકોને રહેવા માટે જગ્યા આપે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેમનાં 200થી વધારે ટ્રાન્સજેન્ડર અનુયાયી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રફીકનગર અને ગોવંડી સહિત મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં તેમની પાસે 20થી વધારે સંપત્તિઓ છે અને તેઓ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પાસેથી દરરોજ પૈસા વસૂલતાં હતાં અને તેમના નકલી દસ્તાવેજ તૈયાર કરાવી આપતા હતા.
પોલીસે જણાવ્યું કે 'ગુરુ મા'એ પોતે પણ ભારતીય નાગરિક હોવાનું દેખાડવા માટે જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા ઘણા નકલી દસ્તાવેજ બનાવડાવ્યા હતા.
હવે તપાસ એજન્સીઓ તેમની સાથે જોડાયેલા અન્ય લોકો અને તેમનાં સ્થળોની તપાસ કરી રહી છે.
આની પહેલાં તેમની વિરુદ્ધ મુંબઈના શિવાજીનગર, નારપોલી, દેવનાર, ટ્રૉમ્બે અને કુર્લા પોલીસ સ્ટેશનમાં માનવતસ્કરી અને છેતરપિંડી જેવી જુદી-જુદી કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.
શિવાજીનગર પોલીસ સ્ટેશનનાં વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર અનધા સાતવસેએ બીબીસીને જણાવ્યું, "આરોપીને હવે આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. અમારી વધુ તપાસ ચાલુ છે."
આડેલકર વિરુદ્ધ ફરિયાદ
જુદા-જુદા રાજકીય પક્ષો અને સામાજિક કાર્યકરોએ વારંવાર મુંબઈ સહિત રાજ્યભરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ સંબંધમાં મુંબઈનાં પોલીસ સ્ટેશનોના માધ્યમથી ઘણી ટીમો આ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.
સામાજિક કાર્યકર કૃષ્ણા આડેલકરે એપ્રિલ 2025માં કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને મુંબઈ પોલીસને પત્ર લખીને માગણી કરી હતી કે ભારતમાં ઘૂસણખોરી કરીને ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિનો ધંધો કરનાર અને તેમને સહયોગ આપનાર ગુરુઓની સામે કાર્યવાહી કરવામાં આવે.
'ગુરુ મા'ની ધરપકડ પછી આડેલકરે માગણી કરી છે કે આ કાર્યવાહી માત્ર એકની સામે જ નહીં, પરંતુ તેમાં સામેલ બધા વ્યક્તિઓ વિરુદ્ધ કરવી જોઈએ અને સમગ્ર રૅકેટનો પર્દાફાશ કરવો જોઈએ.
આડેલકરે બીબીસીને જણાવ્યું, "તેમની સાથે, ઉપનગરીય મુંબઈમાં 'કિન્નર મા' સંગઠન અને તેનાં પ્રમુખ સલમા ખાનની પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. તેમની પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી, શું તેઓ લોકોને લૂંટી રહ્યાં છે અને ગેરકાયદેસર કારોબાર કરી રહ્યાં છે? 'ગુરુ મા' તો બસ એક કડી છે. અન્ય ઘૂસણખોરો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?"
બીજી તરફ, ટ્રાન્સજેન્ડરોએ પણ આડેલકરની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે.
આ બધી ઘટનાઓ અને કરાઈ રહેલા આરોપો વિશે કિન્નર મા સંગઠનનાં સલમા ખાને બીબીસીને કહ્યું, "એ વ્યક્તિના આરોપોમાં કશી સચ્ચાઈ નથી. આ આરોપો ખોટા છે. સંસ્થા સાથે જોડાયેલી એક વ્યક્તિની ફરિયાદના આધારે એમની ધરપકડ કરવામાં આવી હતી, તેથી તેઓ હવે બદલાની ભાવનાથી કામ કરી રહ્યા છે."
"અમારો 'ગુરુ મા' સાથે કશો સંબંધ નથી. પોલીસ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે. પરંતુ કિન્નર સમુદાયને આ બદનામીથી આઘાત લાગ્યો છે. તેના કારણે અમારા કેટલાક લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. તેના માટે જવાબદાર વ્યક્તિ પર કાર્યવાહી કરવી જોઈએ."
પાર્કસાઇટ પોલીસે આ સંબંધમાં ટ્રાન્સજેન્ડરોનાં નિવેદન નોંધી લીધાં છે, પરંતુ હજુ સુધી કોઈ ફોજદારી કેસ દાખલ કરવામાં નથી આવ્યો.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો અનુભવ કરતા હોવ તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













