'સંજય દત્તે પોલીસને કહી દીધું હોત તો મુંબઈ બૉમ્બબ્લાસ્ટ રોકી શકાયા હોત'

ઇમેજ સ્રોત, Getty Images
ચર્ચિત પબ્લિક પ્રૉસિક્યુટર ઉજ્જ્વલ નિકમે એક યૂટ્યૂબર સાથેની વાતચીતમાં બોલીવૂડ અભિનેતા સંજય દત્ત સાથે જોડાયેલા કેસ અંગેની ઘણી વાતો કહી છે.
તેમણે કહ્યું કે સંજય દત્તને 1993ના મુંબઈ બૉમ્બબ્લાસ્ટ વિશે કશી માહિતી નહોતી.
નિકમ અનુસાર, સંજય દત્તને ફક્ત હથિયારોનો શોખ હતો. નિકમે એમ પણ કહ્યું કે જો સંજય દત્તે હથિયારો વિશે પોલીસને જણાવી દીધું હોત, તો મુંબઈ પર થયેલા હુમલા રોકી શકાયા હોત.
ઉજ્જ્વલ નિકમને આ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભાના સભ્ય નામાંકિત કર્યા છે. 2024માં તેઓ ભાજપની ટિકિટ પર મુંબઈ નૉર્થ સેન્ટ્રલથી લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા.
1993માં થયેલા મુંબઈ બૉમ્બધડાકાથી લઈને સંજય દત્ત પર ટાડા કેસ અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ઘણા મહત્ત્વના કેસમાં સરકાર તરફથી કેસ લડનાર પૂર્વ પબ્લિક પ્રૉસિક્યુટર ઉજ્જ્વલ નિકમે એક યૂટ્યૂબર સાથે ઘણા અગત્યના મુદ્દા પર વાતચીત કરી છે.
12 માર્ચ, 1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા થયા હતા.
ત્યાર પછી સંજય દત્તને અબુ સાલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી ગેરકાયદેસર બંદૂકોની ડિલિવરી લેવા, તેને રાખવા અને પછી નષ્ટ કરવાના દોષિત માનવામાં આવ્યા હતા.
2013માં સુપ્રીમ કોર્ટે ટાડા અદાલતના નિર્ણયને યોગ્ય ઠરાવીને સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2016માં યરવડા જેલમાંથી છૂટ્યા પછી ફિલ્મ અભિનેતા સંજય દત્તે મીડિયાને વિનંતી કરી હતી કે હવે તેમનો ઉલ્લેખ 1993ના ધડાકા સાથે સાંકળીને ન કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈમાં પત્રકાર સંમેલનમાં સંજય દત્તે કહ્યું હતું, "હું આતંકવાદી નથી અને મીડિયાને વિનંતી કરું છું કે હવે 1993ના ધડાકા સાથે મને ન જોડે."
નિકમે જે હાઈ-પ્રોફાઇલ અને ચર્ચિત કેસોમાં મહારાષ્ટ્ર સરકારની તરફથી અદાલતોમાં કેસ લડ્યા તેની સૂચિ ઘણી લાંબી છે. નિકમ મુંબઈ બૉમ્બધડાકા પછી અદાલતોમાં ફોજદારી કેસોની વકીલાત કરનાર વરિષ્ઠ વકીલ (પબ્લિક પ્રૉસિક્યુટર) તરીકે પ્રસિદ્ધ થયા હતા.
યૂટ્યૂબર સાથેની વાતચીતમાં ઉજ્જ્વલ નિકમે મુંબઈ બૉમ્બબ્લાસ્ટ, મુંબઈમાં થયેલાં કોમી રમખાણો અને સંજય દત્ત સાથે જોડાયેલા ઘણા મુદ્દા પર પણ વાતચીત કરી.
તેમણે સંજય દત્તની વિરુદ્ધ ચાલતા કેસો પર વિસ્તારથી ચર્ચા કરી.
નિકમે કહ્યું, "વ્યક્તિગત રીતે મારું માનવું છે કે તેઓ (સંજય દત્ત) હથિયારોની બાબતમાં ખૂબ ક્રેઝી હતા. તેથી તેમણે એકે-56 રાઇફલ પોતાની પાસે રાખી લીધી હતી, પરંતુ 12 માર્ચના 15-20 દિવસ પહેલાં અબુ સાલેમ એક ટૅમ્પો ટ્રકમાં હથિયાર લઈને આવ્યો હતો, જે સંજય દત્તે જોયાં હતાં અને તેમની પાસે એક એકે-56 રાખી લીધી, બાકીની પાછી આપી દીધી, પરંતુ તેમને પણ આર્મ્સ ઍક્ટમાં સજા થઈ."
ઉજ્જ્વલ નિકમે જણાવ્યું, "જ્યારે સંજય દત્તની પાસે પહેલી વાર હથિયાર પહોંચ્યાં હતાં, તે જ સમયે તેમણે પોલીસને જણાવી દીધું હોત કે આવા આવા ટૅમ્પોમાં હથિયાર આવ્યાં હતાં. તેમાં આરડીએક્સ, હૅન્ડ ગ્રૅનેડ હતા. જો તેમણે આટલું પણ જણાવી દીધું હોત તો પોલીસ તપાસ કરીને ધડાકાને અટકાવી શકી હોત."
હાઈ-પ્રોફાઇલ કેસોમાં કેટલું દબાણ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
એવું પૂછતાં કે શું તેમના ઉપર સંજય દત્તના કેસમાં ક્યારેય કોઈ દબાણ કરવામાં આવ્યું હતું? નિકમે કહ્યું, "મારી ઉપર કોઈ દબાણ નહોતું. તમને ખબર છે કે જ્યારે હું આ કેસ લડી રહ્યો હતો ત્યારે કોર્ટે આર્મ્સ ઍક્ટમાં તેમને સજા કરી. તેમના વકીલોએ કહ્યું હતું, આ સંજય દત્તનો પહેલો ગુનો છે, તેથી તેનો લાભ આપવો જોઈએ."
તેમને આગળ કહ્યું, "મેં આ દલીલનો વિરોધ કર્યો હતો. કોર્ટે તેમની દલીલને નકારી દીધી."
"મારા માનવાનો સવાલ છે તો, હું માનું છું કે, મુંબઈ બૉમ્બબ્લાસ્ટમાં સંજય દત્તની સીધી કોઈ ભૂમિકા નહોતી. મને નથી લાગતું કે સંજય દત્તને ખબર હતી કે બૉમ્બબ્લાસ્ટ થવાના છે."
ઉજ્જ્વલ નિકમે એમ પણ કહ્યું છે કે સંજય દત્તના કેસમાં બાલાસાહેબ ઠાકરે સાથે પણ તેમની મુલાકાત થઈ હતી.
નિકમનું કહેવું છે, "હા, મારી સાથે પણ મુલાકાત થઈ હતી. કહ્યું હતું કે તેઓ ગુનેગાર નથી, તેમને છોડી દો. આવું કોની અસરમાં કહેવાયું, મને ખબર નથી; પરંતુ બાલાસાહેબ દયાળુ વ્યક્તિ હતા, તેમની પાસે કોઈ રડતાં વિલાપ કરતાં જતા હતા કે મારી સાથે અન્યાય થયો છે, તો તેઓ સાંભળી લેતા હતા."
કસાબ કેસ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નવેમ્બર 2008માં મુંબઈ પર એક મોટો ચરમપંથી હુમલો થયો. આ હુમલા પછી સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો અને તેમાં અજમલ કસાબ નામનો એકમાત્ર ચરમપંથી જીવિત પકડાયો.
આ કેસમાં કસાબને ફાંસીની સજા કરવામાં આવી.
નિકમે જણાવ્યું કે જે સમયે આ હુમલો થયો હતો, તે સમયે તેઓ ગોવામાં હતા અને રાત્રે જાણ થયા પછી સવારે જ તેઓ મુંબઈ આવી ગયા હતા.
કસાબ વિશે વાત કરતાં નિકમે કહ્યું, "તેને ખબર પડી ગઈ હતી કે કોર્ટમાં હું જ તેની વિરુદ્ધ કેસ લડી રહ્યો છું. હું તેને જોતો હતો કે આણે અને આની ગૅંગે લોકોના જીવ લીધા છે. તેણે એવું કેમ કર્યું અને તેને કઈ રીતે સાબિત કરવાનું છે તે મારા માટે મોટો મુદ્દો હતો."
નિકમે કહ્યું, "તેમના મુંબઈ પહોંચવાનો સમય સાંજના સાડા છ વાગ્યાનો હતો, પરંતુ તેઓ મોડા પડ્યા. જો તેઓ સાડા છ વાગ્યે પહોંચી ગયા હોત, તો મુંબઈ હુમલામાં મૃત્યુ પામનારની સંખ્યા ખૂબ વધી ગઈ હોત, કેમ કે રેલવેના સીએસટી સ્ટેશન પર સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ખૂબ ભીડ રહે છે."
શક્તિ મિલ્સ ગૅંગરેપ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
2013ના ઑગસ્ટ મહિનામાં 22 વર્ષનાં ફોટો પત્રકાર પર પાંચ લોકોએ ગૅંગરેપ કર્યો હતો. આ કેસ શક્તિ મિલ્સ ગૅંગરેપ કેસ નામથી ઓળખાય છે.
આ કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. પબ્લિક પ્રૉસિક્યુટર તરીકે ઉજ્જ્વલ નિકમે આ કેસમાં દલીલો પણ કરી હતી.
આ કેસ અંગે ઘણી વાર સવાલ ઊભા થયા હતા કે સરકારી વકીલે બળાત્કારની પીડિતાને સંકોચ અનુભવે તેવા ઘણા સવાલ પૂછ્યા હતા.
નિકમે કહ્યું, "કાયદો એવો છે. બળાત્કાર થયો છે, એટલે શું થયું છે તે બધું જ કોર્ટને જણાવવું પડે છે. હું માનું છું કે આ અમાનવીયતા છે. તેમાં સુધારો કરવાની જરૂર છે."
"એ સવાલ-જવાબમાં બળાત્કારની પીડિતા બેભાન થઈને પડી ગઈ હતી, ત્યારે મેં જ કોર્ટની સુનાવણી ટાળી દેવા કહેલું."
નિકમે એવા સવાલ-જવાબને કાયદા અને ન્યાય અપાવવાની દૃષ્ટિએ જરૂરી ગણાવ્યા.
તેમણે કહ્યું, "આ લાગણીશીલ મુદ્દો બની જાય છે. એ અતિશય ક્રૂર હોય છે, પરંતુ કાયદાને જે જોઈએ તે કરવું પડે છે."
આ બાબતો ઉપરાંત ઉજ્જ્વલ નિકમ 12 ઑગસ્ટ, 1997એ મુંબઈમાં થયેલી બોલીવૂડ ફિલ્મ પ્રોડ્યુસર ગુલશનકુમારની હત્યાના કેસમાં પણ પબ્લિક પ્રૉસિક્યુટર હતા.
નિકમ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજનની હત્યાના કેસમાં પણ સરકારી વકીલ હતા. મહાજનની હત્યા 22 અપ્રિલ, 2006એ તેમના નાના ભાઈ પ્રવીણ મહાજને કરી હતી. આ કેસમાં પ્રવીણને આજીવન કેદની સજા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












