'મને ડર હતો કે હું સેક્સ ગુલામ તરીકે જ મરી જઈશ', આત્મહત્યા કરનાર યુવતીએ પુસ્તકમાં શું લખ્યું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બ્રિટન, પ્રિન્સ એન્ડ્ર્યુ, બ્રિટનનો રાજ પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્જિનિયા ગ્રિફે આ તસવીરમાં પોતાની તરુણાવસ્થા દરમિયાનની તસવીર પકડેલાં દેખાઈ રહ્યાં છે, તેમણે આ વર્ષે આત્મહત્યા કરી હતી
    • લેેખક, નૂર નાનજી અને જ્યૉર્જ રાઇટ
    • પદ, કલ્ચર રિપોર્ટર

વર્જિનિયા ગ્રિફેના સંસ્મરણના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે તેમને તેઓ જેફરી એપસ્ટીન અને તેના મિત્રવર્તુળના "સેક્સ ગુલામ તરીકે મૃત્યુ પામશે" એવો ડર હતો.

બીબીસીએ 'નોબડીઝ ગર્લ' પુસ્તકની સંપૂર્ણ નકલ પ્રકાશિત થાય એ પહેલાં મંગળવારે જ મેળવી લીધી હતી.

વર્જિનિયાએ આત્મહત્યા કર્યાના લગભગ છ મહિના પછી એ પુસ્તકનું પ્રકાશન થયું છે.

(આ અહેવાલની યૌન સંબંધિત કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે)

સંસ્મરણ સ્વરૂપના આ પુસ્તકમાં વર્જિનિયાએ એવું પણ જણાવ્યું છે કે તેમણે પ્રિન્સ એન્ડ્રયુ સાથે ત્રણ અલગ-અલગ પ્રસંગે સેક્સ કર્યું હતું, જેમાં એપસ્ટીન અને લગભગ આઠ અન્ય યુવતીઓ સાથેના એકનો સમાવેશ થાય છે.

પ્રિન્સ એન્ડ્રયુએ વર્જિનિયા સાથે નાણાકીય સમાધાન કર્યું હતું, પણ તેઓ તેમણે કંઈ ખોટું કર્યાનો કાયમ ઇનકાર કરતા રહ્યા છે.

બીબીસીએ આ સંસ્મરણનું પુસ્તક તેના સત્તાવાર પ્રકાશનના થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ લંડનના એક બુકસ્ટોરમાંથી ખરીદ્યું હતું. યુવતીઓ સાથે દુર્વ્યવહાર કરતા શ્રીમંત અને શક્તિશાળી લોકોના જાળાની વિગત આ પુસ્તકમાં આપવામાં આવી છે.

આ દુર્વ્યવહારના કેન્દ્રમાં એપસ્ટીન અને તેમનાં ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ધિસ્લેન મેક્સવેલ હતાં, જે હાલમાં સેક્સ-ટ્રાફિકિંગના આરોપસર 20 વર્ષની સજા ભોગવી રહ્યાં છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્જિનિયાના જણાવ્યા મુજબ, દાયકાઓ પછી પણ તેમને યાદ છે કે તેઓ એ બંનેથી કેટલાં ડરતાં હતાં.

આ પુસ્તકના મોટા ભાગના હિસ્સામાં વર્જિનિયા ગ્રિફેએ તેમની સાથે એપ્સટીન દ્વારા કરવામાં આવેલા પીડાદાયક દુર્વ્યવહારનું વર્ણન કર્યું છે, જે ખૂબ જ ભયાનક છે.

વર્જિનિયાએ જણાવ્યું છે કે એપ્સટીને તેમની સાથે સેડોમાસોચિસ્ટિક સેક્સ કર્યું હતું. એ કારણે તેમને "એટલી પીડા થઈ હતી કે હું બેહોશ થઈ જવાની પ્રાર્થના કરતી હતી."

બકિંઘમ પૅલેસના એક સૂત્રે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે પુસ્તકના પ્રકાશનને લીધે પ્રિન્સ એન્ડ્ર્યુ વધારે તપાસના દાયરામાં આવ્યા છે. તેથી "આગામી વધુ દિવસો પીડાદાયક" હોઈ શકે છે, એવું તેઓ માને છે.

કિંગના આ સપ્તાહના કાર્યક્રમોમાં વેટિકન યાત્રાનો સમાવેશ થાય છે. વેટિકનમાં તેઓ પોપની સાથે પ્રાર્થના કરવાના છે.

પ્રિન્સ એન્ડ્ર્યુએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેમણે તેમની તમામ પદવીઓનો ઉપયોગ સ્વૈચ્છાએ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં ડ્યુક ઑફ યૉર્કના ટાઈટલનો પણ સમાવેશ થાય છે, જે તેમને તેમનાં દિવંગત માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા પ્રાપ્ત થયેલું સન્માન છે.

તેઓ બ્રિટનના શૂરવીરતા સંબંધી સૌથી જૂના અને સૌથી વરિષ્ઠ ઑર્ડર ઑફ ગાર્ટરનું સભ્યપદ પણ છોડી રહ્યા છે.

એક નિવેદનમાં તેમણે કહ્યું હતું, "હું મારા પરના તમામ આરોપને જોરશોરથી નકારું છું."

'હું પહેલી વાર પ્રિન્સ એન્ડ્ર્યુને 2001માં મળી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બ્રિટન, પ્રિન્સ એન્ડ્ર્યુ, બ્રિટનનો રાજ પરિવાર

ઇમેજ સ્રોત, Virginia Giuffre

ઇમેજ કૅપ્શન, વર્જિનિયા ગ્રિફ્રે પ્રમાણે તેમને પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે જુદી જુદી ત્રણ વખત સેક્સ કરવા મજૂબર કરાયાં હતાં

એન્ડ્ર્યુ રાજાના પુત્ર હોવાને નાતે રાજકુમાર છે. તેઓ હવે તેમના ખિતાબનો ઉપયોગ કરવાના નથી, ત્યારે કેટલાક સાંસદો તેમને સત્તાવાર રીતે હઠાવવાની માગણી કરી રહ્યા છે.

એ સાંસદોમાં યૉર્ક સેન્ટ્રલના અપક્ષ સાંસદ રશેલ માસ્કેલ અને વેસ્ટમિન્સ્ટરના એસએનપીના નેતા સ્ટીફન ફ્લાયનનો સમાવેશ થાય છે.

માસ્કેલે બીબીસી રેડિયો-4ના 'ટુડે' કાર્યક્રમમાં કહ્યું હતું, "ખિતાબ આપી શકાય છે, પરંતુ પાછા ખેંચી શકાતા નથી. એ અવિશ્વનીય રીતે વિચિત્ર છે." તેમણે દલીલ કરી હતી કે એક સરળ જોગવાઈ રાજાને ઉમરાવો સહિતની કોઈ પણ વ્યક્તિને આવું કરવાની સત્તા આપે છે.

"વર્જિનિયા ગ્રિફેનો પરિવાર ગુસ્સા અને આઘાતમાં છે," એમ કહેતાં ફ્લાયને ઉમેર્યું હતું, "આ પ્રદેશોમાં લોકો પણ ગુસ્સામાં તથા આઘાતમાં છે અને તેમને એ જાણવાનો અધિકાર છે કે કેટલાક સાંસદો તેમના આક્રોશમાં સહભાગી છે."

બીબીસીના મુખ્ય રાજકીય સંવાદદાતા હેનરી ઝેફમેને જણાવ્યું હતું કે સરકાર આ બાબતે આગેવાની લે તેવી "શક્યતા બહુ ઓછી છે."

તેમણે ઉમેર્યું હતું, "નવી ઘટનાઓને પગલે એન્ડ્ર્યુ સામે વધુ કાર્યવાહી જરૂરી હોય એવું બની શકે, પરંતુ તેઓ કાર્યવાહી કરશે તો તેનો નિર્ણય રાજાશાહી કરશે અને સરકાર તેનું અનુસરણ કરશે, જે વાસ્તવમાં થવું જોઈએ તેના કરતાં વિપરીત હશે."

ઍજ્યુકેશન સેક્રેટરી ફિલિપ્સન આ વાત સાથે સંમત થયા હતા. તેમણે ટુડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ બાબત "રાજવી પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે," સરકાર માટે નહીં.

તેમણે ઉમેર્યું હતું, "દીર્ઘકાલીન પરંપરા મુજબ સરકાર શાહી પરિવાર સંબંધી બાબતોથી ચિંતિત થતી નથી."

વર્જિનિયા ગ્રિફે અને ભૂતિયાલેખિકા એમી વોલેસલિખિત આ નવા પુસ્તક પ્રિન્સ એન્ડ્ર્યુને ઘેરી શંકાના દાયરામાં મૂકે છે.

આ પુસ્તકમાં વર્જિનિયા ગ્રિફેએ જણાવ્યું છે કે તેઓ પ્રિન્સ એન્ડ્ર્યુને માર્ચ 2021માં પહેલી વાર મળ્યાં હતાં.

તેઓ લખે છે કે મેક્સવેલે તેમને જગાડ્યાં હતાં અને કહ્યું હતું કે આજનો દિવસ એક "ખાસ દિવસ" બનવાનો છે અને તેઓ "સિન્ડ્રેલાની માફક એક સુંદર રાજકુમારને" મળવાનાં છે.

વર્જિનિયાના જણાવ્યા અનુસાર, એ દિવસે તેઓ પ્રિન્સ એન્ડ્ર્યુને મળ્યાં ત્યારે મેક્સવેલે પ્રિન્સને તેમની ઉંમરનો અંદાજ લગાવવા કહ્યુ હતું.

એ ઘટનાને યાદ કરતાં વર્જિનિયાએ કહ્યું હતું, "એ સમયે 41 વર્ષના પ્રિન્સે સાચો અંદાજ લગાવ્યો હતો કે હું 17 વર્ષની છું. તેમણે કહ્યું હતું, મારી દીકરીઓ તમારા કરતાં થોડી નાની છે."

'તું જેફરી માટે જે કરે છે, એ તારે આની માટે કરવાનું છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બ્રિટન, પ્રિન્સ એન્ડ્ર્યુ, બ્રિટનનો રાજ પરિવાર

ઇમેજ સ્રોત, US Department of Justice/PA

ઇમેજ કૅપ્શન, એપ્સટીનનો ફાઇલ ફોટો

વર્જિનિયાના જણાવ્યા મુજબ, એ રાતે તેમણે પ્રિન્સ એન્ડ્ર્યુ, એપ્સટીન અને મેક્સવેલ સાથે લંડનના ટ્રમ્પ નાઇટક્લબમાં હાજરી આપી હતી, જ્યાં પ્રિન્સને "ખૂબ પરસેવો વળ્યો હતો."

વર્જિનિયા લખે છે કે એ પછી એક કારમાં મેક્સવેલના ઘરે પાછા ફરતી વખતે મેક્સવેલે તેમને કહ્યું હતું, "આપણે ઘરે પહોંચીશું પછી, તમે જેફરી માટે જે કરો છો એ તેમના માટે કરવું પડશે."

ઘરે પાછા ફરીને તેમણે સેક્સ કર્યું હોવાનું વર્જિનિયાએ લખ્યું છે.

"તેઓ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ એવું માનતા હતા કે મારી સાથે સેક્સ કરવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે," એવું વર્જિનિયાએ લખ્યું છે.

"બીજી સવારે તે સ્પષ્ટ હતું કે મેક્સવેલે તેમના શાહી દોસ્ત સાથે વાત કરી હતી, કારણ કે તેમણે મને કહ્યું હતુઃ તમે સારું કર્યું. પ્રિન્સને મજા આવી."

"મને બહુ સારું લાગ્યું ન હતું," એમ લખતાં વર્જિનિયાએ ઉમેર્યું છે, "અડધા કદનાં અખબારો જેને 'રેન્ડી એન્ડી' કહે છે, એ માણસને સેવા પૂરી પાડવા માટે એપ્સટીને મને ટૂંક સમયમાં 15,000 ડૉલર આપ્યા હતા. બહુ બધા પૈસા."

લગભગ એક મહિના પછી ન્યૂ યૉર્કમાંના એપ્સટીનના ટાઉનહાઉસમાં પોતે પ્રિન્સ સાથે બીજી વખત સેક્સ કર્યું હોવાનું પણ વર્જિનિયા ગ્રિફેએ લખ્યું છે.

ત્રીજી વખત એપ્સટીનના ટાપુ પર પોતે તેને "એક ઓર્ગી" તરીકે ઓળખાવે છે, એવી ઘટનાનો ઉલ્લેખ વર્જિનિયાએ કર્યો છે.

તેમણે લખ્યું છે કે "હું લગભગ 18 વર્ષની હોવાનું" 2015ના શપથપત્રમાં જણાવ્યું હતું.

"એપ્સટીન, એન્ડી, લગભગ આઠ અન્ય યુવતીઓ અને મેં સાથે સેક્સ કર્યું હતું," તેઓ કહે છે.

"બીજી બધી છોકરીઓ 18 વર્ષથી ઓછી વયની લાગતી હતી અને અંગ્રેજી ખરેખર બોલી શકતી ન હતી."

"આ યુવતીઓ ખરેખર વાતચીત કરી શકતી નથી અને તેમની સાથે રહેવું સૌથી સરળ છે, એવું કહીને એપસ્ટીન હસ્યા હતા."

વર્જિનિયા ગ્રિફેએ પ્રિન્સ એન્ડ્ર્યુ સામે કરેલા સિવિલ કેસનો અને 2022માં કરેલા આઉટ ઑફ ધ કોર્ટ સમાધાનનો ઉલ્લેખ પુસ્તકમાં પાછળથી કર્યો છે.

તેમણે લખ્યું છે, "હું એક વર્ષ ચૂપ રહેવાની શરત સાથે સંમત થઈ હતી, જે પ્રિન્સ માટે મહત્ત્વપૂર્ણ હતું. તેનાથી એ સુનિશ્ચિત થયું હતું કે પ્રિન્સનાં માતાની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી પહેલાંથી જ કલંકિત ન થઈ જાય."

વર્જિનિયા ગિફ્રેના પ્રિન્સ એન્ડ્ર્યુ સાથેના સંબંધ બાબતે બ્રિટિશ અખબારોમાં વ્યાપકપણે અહેવાલો પ્રકાશિત થયા છે ત્યારે આ પુસ્તકની સામગ્રી વધુ વ્યાપક છે. તેમાં એપ્સટીનની સેક્સ ટ્રાફિકિંગની ભયાનક વિગતો ઠેકઠેકાણે વાંચવા મળે છે.

વર્જિનિયા ગ્રિફેના જણાવ્યા મુજબ, યુવતીઓએ "બાળકીઓ જેવું" દેખાવું જરૂરી હતું અને બાળપણની આહાર સંબંધી તેમની બીમારીને એપ્સટીને "પ્રોત્સાહન આપ્યું હતું."

"મારા તેમની સાથેનાં વર્ષોમાં તેમણે મને અનેક શ્રીમંત, શક્તિશાળી લોકોને ઉધાર આપી હતી," એમ વર્જિનિયા લખે છે.

"મારો આદતવશ ઉપયોગ કરવામાં આવતો હતો અને મને અપમાનિત કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં મને ગૂંગળાવવામાં આવતી હતી, માર મારવામાં આવતો હતો અને લોહીલુહાણ કરવામાં આવતી હતી."

તેમણે લખ્યું કે "મને લાગતું હતું કે હું એક સેક્સ સ્લેવ તરીકે મરી જઈશ."

18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ પાસે વેશ્યા વ્યવસાય કરાવવા બદલ એપસ્ટીનને 2008માં ફ્લોરિડામાં દોષિત ઠેરવાયા હતા. સેક્સ ટ્રાફિકિંગના આરોપસરની અદાલતી કાર્યવાહીની પ્રતિક્ષામાં 2019માં એપસ્ટીનનું મોત થયું હતું.

મેટ્રોપોલિટન પોલીસે રવિવારે જણાવ્યું હતું કે પ્રિન્સ એન્ડ્ર્યુએ પોલીસ પ્રોટેક્શન ઑફિસર મારફત વર્જિનિયા ગિફ્રે વિશે વ્યક્તિગત માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હોવાના મીડિયાના અહેવાલોની તે "સક્રિયપણે" તપાસ કરી રહી છે.

મેઇલ ઑન સન્ડે અખબારના અહેવાલ મુજબ, અખબારે ફેબ્રુઆરી 2011માં પ્રિન્સ સાથેની વર્જિનિયા ગિફ્રેની પહેલી મુલાકાતનો ફોટો પ્રકાશિત કર્યો એ પહેલાં જ પ્રિન્સે અધિકારીને વર્જિનિયા વિશે તપાસ કરવા કહ્યું હતું.

અખબારે આક્ષેપ કર્યો હતો કે તેમણે અધિકારીને વર્જિનિયાની જન્મતારીખ અને ગુપ્ત સોશિયલ સિક્યૉરિટી નંબર આપ્યો હતો.

સ્કૉટલૅન્ડ યાર્ડ ખાતેના શાહી સુરક્ષાના ભૂતપૂર્વ વડા ડાઈ ડેવિસે બીબીસી વન બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ મુદ્દો "નિંદનીય છે. તેનું એક કે બીજી રીતે નિરાકરણ કરવું જરૂરી છે."

તેમણે ઉમેર્યું હતું, "હું કહું છું કે ડેટા પ્રોટેક્શન ઍક્ટ હેઠળ અથવા સરકારી ઑફિસમાં ગેરરીતિના કોઈ પુરાવા હોય તો તે બાબતે કાળજીપૂર્વક કાર્યવાહી થવી જોઈએ અને પછી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને રિપોર્ટ મોકલવો જોઈએ."

"સ્પષ્ટપણે સરકારે પોતે જ પ્રિન્સ તરીકેની તેમની સ્થિતિના સંદર્ભમાં કાર્યવાહી કરવી પડશે, કારણ કે પ્રિન્સ તરીકેનો તેમનો દરજ્જો હજુ પણ યથાવત્ છે."

એક શાહી સૂત્રે બીબીસીને જણાવ્યું હતું કે એન્ડ્ર્યુ પાસેથી પ્રિન્સની પદવી પાછી લઈ લેવાની કોઈ યોજના નથી, કારણ કે તેઓ પ્રિન્સ તરીકે જ જન્મ્યા છે.

પ્રિન્સ એન્ડ્ર્યુ કિંગ ચાર્લ્સના કાર્યક્રમો પરથી ધ્યાન હઠાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાના સમાચારોનો ઉલ્લેખ કરતાંતેમણે કહ્યું હતું, "હેડલાઇન્સ શાહી ઓરડાઓમાંથી ઘણો બધો ઑક્સિજન લઈ રહી છે."

બકિંઘમ પૅલેસે આ સંદર્ભે કોઈ ટિપ્પણી કરી નથી.

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો અનુભવ કરતા હો, તો ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન