ગ્રૂમિંગ ગૅંગના પાકિસ્તાની મૂળના લોકોએ કેવી રીતે ઇંગ્લૅન્ડની સગીરાઓને ફસાવીને જાતીય શોષણ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નોંધ – આ અહેવાલના અમુક અંશ કેટલાક વાચકને વિચલિત કરી શકે છે. પાઠકનો વિવેક અપેક્ષિત.
યુકેના રોચડેલમાં સ્કૂલમાં અભ્યાસ કરતી બે સગીરાઓ પર બળાત્કાર કરનારા ગ્રૂમિંગ ગૅંગના મુખ્ય આરોપીને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
65 વર્ષીય મોહમ્મદ ઝાહિદ 'બૉસ મૅન' તરીકે ઓળખવામાં આવતો. વર્ષ 2001થી 2006 દરમિયાન તેણે છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. અન્ય એક કેસમાં પણ તે દોષિત ઠર્યો છે અને જેલની સજા કાપી છે.
આ સિવાય છ અન્ય શખ્સોને પણ સજા ફટકારવામાં આવી છે, આ દોષિતો પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક છે. આ સહઆરોપીઓએ પણ બે પીડિતાઓનું વારંવાર શોષણ કર્યું હતું.
સુનાવણી દરમિયાન યુવતીઓએ જણાવ્યું હતુંકે જ્યારે તેઓ સગીર હતી, ત્યારે મોહમ્મદ ઝાહિદે તેમને 'ફસાવી હતી, ત્યારબાદ અન્ય લોકોને હવાલે કરી દીધી હતી.'
ગ્રૂમિંગ એટલે શું અને તે કેવી રીતે થયું?

ઇમેજ સ્રોત, GMP / PA Wire
મેટ્રોપોલિટિન પોલીસની માર્ગદર્શિકા પ્રમાણે, જ્યારે કોઈ વ્યક્તિ બાળક, સગીર (કે પુખ્ત) વ્યક્તિ સાથે ઓળખ પ્રસ્થાપિત કરે, જેથી કરીને શોષણનું જોખમ રહેલું હોય અથવા તો ચોક્કસ પ્રકારની ચીજો કરાવવાની ગણતરી હોય, ત્યારે તેને ગ્રૂમિંગ કહેવામાં આવે છે.
ગ્રૂમિંગ ઑનલાઇન કે વ્યક્તિગત પણ હોય શકે છે. તે ટૂંકા ગાળા કે લાંબાગાળાનું પણ હોય શકે છે. લાંબાગાળામાં પીડિતનું દિવસો કે વર્ષો સુધી શોષણ થતું રહે છે.
ઑનલાઇન ગ્રૂમિંગમાં વ્યક્તિ પોતાની ઓળખ છૂપાવીને બદલીને અને પોતાની જે ઉંમર હોય, તેના કરતાં ઓછી ઉંમર જણાવીને સંપર્ક કરે છે. આવા લોકો સોશિયલ મીડિયા નૅટવર્ક, ટેક્સ્ટ મૅસેજ કે ચૅટિંગ ઍપ્સ દ્વારા સંપર્ક સાધે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સિવાય ઈમેઈલ, ટેક્સ્ટ, વીડિયો કે ઑડિયો ચૅટ, ગૅમિંગ ફૉરમ અને ઍપ્સ ઉપર પણ ગ્રૂમિંગના હેતુથી સંપર્ક સાધે છે.
વ્યક્તિગત ગ્રૂમિંગમાં તે અજાણી કે પીડિતની ઓળખીતી વ્યક્તિ પણ હોય શકે છે. પીડિતને તેની ઉપર વિશ્વાસ હોય છે, જેમ કે, પારિવારિક મિત્ર, પરિવારજન અથવા તો તેઓ નિયમિત રીતે જતાં હોય તે ક્લબની સભ્ય પણ હોય શકે છે.
રોચડેલમાં જે કેસોમાં સજા થઈ, તેમાં બંને પીડિતા 'બૉસ મૅન' મોહમ્મદ ઝાહિદના સંપર્કમાં આવી હતી.
અદાલતની કાર્યવાહીમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, મોહમ્મદ ઝાહિદનો બજારમાં અંડરવિયરનો સ્ટોલ હતો. તેણે બંને પીડિતાઓ સગીરા હતી, ત્યારે તેમને મફતમાં અંડરવિયર આપ્યાં હતાં. બદલામાં પોતાની તથા અન્યો સાથે સેક્સ કરવાની અપેક્ષા હતી.
મોહમ્મદ ઝાહિદને વર્ષ 2016માં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણે વર્ષ 2005- '06 દરમિયાન સગીરા સાથે જાતીયસંબંધ બાંધ્યા હતા, જે બદલ આ સજા કરવામાં આવી હતી.
એ કેસમાં પીડિતાની ઉંમર 14 વર્ષની હતી અને તે સ્કૂલ યુનિફૉર્મ માટે ટાઇટ્સ લેવા માટે મોહમ્મદ ઝાહિદ પાસે આવી હતી ત્યારે તેને ફસાવી હતી. એ પછી તેનાં લગ્ન તૂટી ગયાં હતાં, તેને ધ્યાને લેતાં ઓછી સજા કરવા તેનાં વકીલે અપીલ કરી હતી.
સેક્સ સ્લૅવ તરીકે વર્તાવ

ઇમેજ સ્રોત, PA Media
મોહમ્મદ ઝાહિદ તથા અન્ય આરોપીઓ બજારમાં સ્ટોલ ધરાવતા હતા અથવા તો ટૅક્સીચાલક તરીકે કામ કરતા હતા.
પીડિતાઓ એકબીજાને ઓળખતી ન હતી, પરંતુ બંને પીડિતાના જણાવ્યાં પ્રમાણે, તેમની ઉંમર તેરેક વર્ષની હતી, ત્યારથી તેમને ગંદા ફ્લૅટ, કારનાં પાર્કિંગમાં, સાંકળી ગલીઓમાં અને વણવપરાયેલાં ગોદામોમાં લઈ જવામાં આવતી, જ્યાં તેમનું જાતીય શોષણ કરવામાં આવતું.
સુનાવણી પ્રમાણે, પીડિતાઓ સાથે 'સેક્સ સ્લૅવ' જેવો વર્તાવ કરવામાં આવતો. "તેઓ ઇચ્છે ત્યારે અને ઇચ્છે તે પુરુષ સાથે સેક્સ કરે તેવી અપેક્ષા કરવામાં આવતી."
અદાલતને જણાવ્યા પ્રમાણે, બંને છોકરીઓ "વિક્ષિપ્ત પારિવારિક પૃષ્ઠભૂમિ" ધરાવતી હતી. આ પુરુષો તેમને રહેવા માટે ઘર, સિગારેટ, શરાબ અને ડ્રગ્સ આપતાં.
ગ્રૅટર માન્ચેસ્ટર પોલીસના કહેવા પ્રમાણે, "આ લોકોએ છોકરીઓની સંવેદનશીલ પરિસ્થિતિનો ઉપયોગ પોતાની જાતીય ભૂખને સંતોષવા માટે કર્યો."
વિશેષ સરકારી વકીલ લિઝ ફેલના કહેવા પ્રમાણે, આ પુરુષોએ મહિલાઓની કપરી પરિસ્થિતિનો ઉપયોગ કરીને તેમનું શોષણ કર્યું હતું.
અદાલતે અવલોક્યું હતું કે, "તેમનું શોષણ કરવામાં આવ્યું અને પછી ત્યજી દેવામાં આવી."
તંત્ર દ્વારા ઉપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
'ગર્લ એ'નાં કહેવા પ્રમાણે, સેંકડો લોકોએ તેમનું જાતીયશોષણ કર્યું હતું અને આ લોકો પીડિતાનો ફોન નંબર એકબીજાને આપતા. "એટલા બધા હતા કે એક તબક્કે ગણતરી જ મૂકી દીધી."
તેનાં કહેવા પ્રમાણે, સ્થાનિક બાળ સેવા સાથે સંકળાયેલા લોકોને ખબર હતી કે તેણી મોટી ઉંમરના લોકો સાથે હરેફરે છે, શરાબ પીએ છે અને ગાંજો ફૂંકે છે.
'ગર્લ બી'એ અદાલતને જણાવ્યું હતું કે હું બજારના લોકોની સાથે સંપર્કમાં છું એ વાતની જાણ પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓને ખબર હતી, પરંતુ તેમને કંઈ પડી ન હતી.
"હું માત્ર 10 વર્ષની હતી, ત્યારે મને વેશ્યાવૃત્તિ અને રખડવા બદલ પોલીસે ઊઠાવી હતી."
ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડના કાયદા મુજબ, ત્યાં જાતીય શોષણનો ભોગ બનનાર પીડિતાની ઓળખ આજીવન ગુપ્ત રાખવામાં આવે છે.
અગાઉ પોલીસ તથા સામાજિક સેવા વિભાગે આ બંને પીડિતાઓની માફી માગી છે.
જોકે, ગ્રૂમિંગ ગૅંગના કેસ અંગેના જૂના અહેવાલની કમિશન દ્વારા રાષ્ટ્રવ્યાપી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ઇંગ્લૅન્ડ તથા વૅલ્સમાં નોંધાયેલા બાળકોનાં શોષણના કેસો અંગેના અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા સમૂહ-આધારિત જટિલ અને આયોજનબદ્ધ બાળશોષણના 700 જેટલા કિસ્સા નોંધાયેલા હતા. જે ખરું ચિત્ર નહીં રજૂ કરતું હોય, કારણ કે તેની વ્યાખ્યા બદલાતી રહી છે અને અને અવઢવ ભરેલી છે.
છતાં તેમાં અલગ-અલગ વંશીય મૂળ તથા રંગ ધરાવતા લોકોએ સામૂહિક રીતે શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
કમિશને 12 જેટલી ભલામણો કરી હતી, જેની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ તમામ ભલામણોનો સ્વીકાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












