ગુજરાતમાં વીજળી, રસ્તાની સુવિધા વગરનું ગામ જ્યાં કેટલીક પ્રસૂતાઓ હૉસ્પિટલે પહોંચતા પહેલાં જ મૃત્યુ પામે છે

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL
પર્વતોના ઊંચાનીચા રસ્તા અને ખેતરો પાર કરીને, જંગલની સાંકડી પગદંડી પર કલાકો સુધી ચાલ્યા પછી તુરખેડા ગામમાં રાજુભાઈ ભીલના ઘરે પહોંચી શકાય છે.
છોટા ઉદેપુર જિલ્લાના આ ગામ સુધી પહોંચવાનો કોઈ પાકો રસ્તો નથી. જેના કારણે કોઈ બીમાર કે અશક્ત વ્યક્તિને હૉસ્પિટલે લઈ જવી હોય તો કલાકો લાગી જાય.
થોડા દિવસો અગાઉ રાજુભાઈનાં ગર્ભવતી પત્ની વાણસીબહેન ભીલને પ્રસૂતિની પીડા ઊપડી ત્યારે તેમને ચાદરની ઝોળીમાં સુવડાવીને હૉસ્પિટલે લઈ જવાયાં હતાં, પરંતુ સારવાર મળે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. વાણસીબહેનને બચાવી શકાયાં નહોતાં.
બીબીસી ગુજરાતીની ટીમ આ જ કેડી થકી રાજુભાઈના ઘરે તેમને મળવા પહોંચી, ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાંના લોકો કેવી કપરી સ્થિતિમાં જીવે છે.
સામાન્ય રીતે તેમના ઘર સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગ પરથી ચાર-પાંચ કિલોમીટર ચાલવું પડે છે.
વાણસીબહેનની તબિયત ખરાબ હતી અને તેમને હૉસ્પિટલે લઈ જવાની જરૂર પડી ત્યારે રોડ ન હોવાના કારણે ઍમ્બ્યુલન્સ ગામ સુધી આવી શકે તેમ નહોતી. તેથી વાણસીબહેનને બે લાકડાંમાં ચાદર બાંધીને તેની ઝોળી બનાવીને, કેડી પર ધીમેધીમે ચાલીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યાં હતાં.
તેમના પરિવારજનો કહે છે કે, તે દિવસે લગભગ સવારે 11 વાગે તેમને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો. પરંતુ તેમને છેક સાંજે ચાર વાગ્યે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પર પહોંચાડવામાં આવ્યાં હતાં.
જોકે, ત્યાં સુધીમાં તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. એ પછી તેમને છોટા ઉદેપુરની જનરલ હૉસ્પિટલે લઈ જવાયાં અને ત્યાંથી વડોદરાની સર સયાજી રાવ જનરલ હૉસ્પિટલમાં રેફર કરવામાં આવ્યાં. અહીં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવું છે તુરખેડા ગામ?

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ગુજરાતીની ટીમ તેમના પરિવારને મળવા માટે તુરખેડા ગામની કેડીઓ થકી તેમના ઘર સુધી પહોંચી હતી.
ચોમાસાની ઋતુમાં તુરખેડા ગામમાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠે છે. તેથી કેટલાક લોકો તેને કાશ્મીર સાથે પણ સરખાવે છે. અહીં ડુંગરો વચ્ચેથી રસ્તો બનાવી નર્મદા પસાર થાય છે અને તેના કિનારે નાનકડા ડુંગર પર એક ઝૂંપડું છે.
કુદરતી સૌંદર્યની બાબતમાં આ ગામ સમૃદ્ધ છે, પરંતુ લોકોની સુખાકારી માટેની સુવિધાઓનો સદંતર અભાવ છે.
અહીં આવવા માટે રોડ તો નથી જ, પરંતુ અલગ અલગ ફળિયાંનાં બાળકો માટે નજીકમાં આંગણવાડી કે પ્રાથમિક શાળા પણ નથી.
ગામમાં વીજળી નથી તેથી કોઈ ઘરમાં લાઇટ કે પંખા પણ નથી. આ ગામ સુધી સોલર પાવર પણ પહોંચાડી શકાયો નથી.
આટલું જ નહીં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખાનગી ડૉક્ટર, જાહેર પરિવહન જેવી કોઈ સુવિધાઓ અહીં નથી. ગુજરાતના બીજા વિસ્તારોની તુલનામાં આ ગામ કેટલાય દાયકા પાછળ હોય તેવી સ્થિતિ છે.
ગામ નજીકથી નર્મદા નદી પસાર થાય છે જેમાંથી મહિલાઓ પાણી ભરી લાવે છે. આ પાણી પીવા માટે અને ઘરનાં તમામ બીજાં કામો માટે વપરાય છે.
રોડ-રસ્તાની સુવિધા ન હોવાથી બીમાર લોકોએ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘણી તકલીફ સહન કરવી પડે છે.
'અગાઉ પણ સારવારના અભાવે મહિલાઓ મૃત્યુ પામી છે'
ઑક્ટોબર 2024માં પણ આવી જ રીતે 30 વર્ષનાં કવિતાબહેન ભીલનું પ્રસૂતિ વખતે સારવાર ન મળવાને કારણે મૃત્યુ થયું હતું.
તેમને પણ ચાદરની ઝોળીમાં નાખીને હૉસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હૉસ્પિટલે પહોંચતાં પહેલાં તેમણે રસ્તામાં એક દીકરીને જન્મ આપ્યો અને પછી તેમનું મૃત્યુ થયું હતું.
આજે તેમની દીકરી એક વર્ષની થઈ ગઈ છે. બીબીસી ગુજરાતીએ જ્યારે આ પરિવારની મુલાકાત લીધી ત્યારે જોયું કે 11 મહિનાની પ્રિયાને તેમનાં દાદી સુરતીબહેન ભીલ રમાડતાં હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, "મા વગરની બાળકીને મોટી કરવી ખૂબ મુશ્કેલ છે, ખાસ તો તેને માતાનું દૂધ નથી મળતું. આસપાસ કોઈ ડૉક્ટર પણ ન હોય ત્યારે આ કામ વધારે મુશ્કેલ બની જાય છે."
આ પરિવારે પાળેલી બકરી અને ગાયનું દૂધ પીને જ પ્રિયા મોટી થઈ રહી છે.

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL
સુરતીબહેન કહે છે કે, "જો અમારા ગામમાં રોડ બની ગયો હોત તો આજે પ્રિયાની મા જીવતી હોત. અમે આ માટે સરકારને જ જવાબદાર માનીએ છીએ, કારણ કે અનેક રજૂઆતો બાદ પણ અમને રોડ મળતો નથી."
અહીંના આગેવાન નગીનભાઈ ભીલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આઝાદીને આટલાં વર્ષો થયાં, તેમ છતાંય અમે કે અમારા વડવાઓ એ પણ ક્યારેય રોડ જોયો નથી, અમે તો રોડ વગર લોકોને મરતા જ જોયા છે."
તેઓ કહે છે, "અમે જ્યારે રજૂઆત કરીએ છીએ તો કહેવામાં આવે છે કે, ટૂંક સમયમાં રોડ બની જશે. વર્ષોથી આ જ જવાબ મળે છે, પરંતુ રોડ મળ્યો નથી. જો રોડ હોય તો આરોગ્ય અધિકારીઓ અહીં સુધી આવી શકે, આંગણવાડીની બહેનો આવી શકે, મહિલાઓના પોષણની વાત માટે તેમને સમજાવી શકે. હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે, લોકો સરકારની કોઈ પણ મદદ વગર જીવી રહ્યા છે."
'ગામમાં ડૉક્ટર આવતા જ નથી'

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL
ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓને મમતા કાર્ડ આપવામાં આવે છે જેથી ગ્રામીણ મહિલાઓનાં પોષણ, આરોગ્ય અને બીજી કોઈ બીમારીને લગતી માહિતીની તેના પર નોંધ કરવામાં આવે છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે વાણસીબહેનનું મમતા કાર્ડ જોયું તો જાણવા મળ્યું કે તેમના ત્રણ તપાસ રિપોર્ટમાં કંઈ લખવામાં આવ્યું નહોતું.
વાણસીબહેનના પતિ રાજુભાઈ કહે છે કે, "રિપોર્ટ કાર્ડ કેવી રીતે ભરાય? કોઈ નર્સ, આંગણવાડી બહેન કે પછી ડૉક્ટર સુધી અમે પહોંચી શકીએ કે તેઓ અમારા સુધી આવે તો આ કાર્ડમાં નોંધ થાય ને! અમે ક્યારેય કોઈ ડૉક્ટરને અમારા ગામમાં જોયા જ નથી."

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL
મમતા કાર્ડ એટલા માટે જરૂરી છે કે પ્રસૂતિ સમયે જો કોઈ તકલીફ પડે તો તબીબોને ખ્યાલ આવે કે ગર્ભવતી મહિલાને પહેલાંથી કોઈ સમસ્યા છે કે નહીં.
વર્ષ 2024માં કવિતાબહેનના મૃત્યુ બાદ, ગુજરાત હાઈકોર્ટે એક સુઓ મોટો પિટિશન દાખલ કરીને રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે નવ કિલોમીટર લાંબો રોડ બનાવવા માટે 18.5 કરોડ રુપિયાની રકમ ફાળવવવાની મંજૂરી આપી હતી.
બીબીસી ગુજરાતીની ટીમે આ ગામની મુલાકાત લીધી ત્યારે જોયું કે મુખ્ય માર્ગનો કાચો રસ્તો હજી બની રહ્યો છે, પરંતુ હજી સુધી ગામનાં અલગ-અલગ સાત ફળિયાં સુધી આ રોડ પહોંચી શક્યો નથી.
આ વિશે બીબીસી ગુજરાતીએ છોટા ઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, "રાજ્ય સરકારે મુખ્ય માર્ગ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને હવે અંતરિયાળ ફળિયા સુધી માર્ગ કેવી રીતે બનાવી શકાય તે વિશે સરકાર વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં તે માટે પણ મંજૂરી આપવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













