ગુજરાતમાં ચોમાસું શું હવે વિદાય લેશે, ત્રણ દિવસ કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટા ભાગે સૂકું હવામાન રહ્યું છે અને તડકાની સાથે આકરી ગરમી પણ અનુભવાઈ રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા કરતા વધારે વરસાદ પડી ગયો છે, જેમાં કચ્છમાં સૌથી વધારે 136 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93 ટકા વરસાદ પડ્યો છે.

હવે ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી ગઈ છે. હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે કે બે - ત્રણ દિવસ પછી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવા લાગશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઘટી જશે.

લેટેસ્ટ આંકડા જોવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 2.91 ઇંચ, ડાંગ-આહવામાં 2.13 ઇંચ, વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ, વલસાડના પારડી અને ધરમપુર તાલુકામાં પણ એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલી, દાહોદ, ભરુચ, ભાવનગર, સુરત, ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય ક્યાંક સામાન્ય વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

ચોમાસાની વિદાય શરૂ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

પશ્ચિમ રાજસ્થાનમાંથી આજથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ છે તેમ હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થાય છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું ચોમાસું વિદાય લઈ રહ્યું છે.

આ દરમિયાન આગામી બેથી ત્રણ દિવસમાં પંજાબના કેટલાક ભાગો અને ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવા લાગશે.

હાલમાં તેલંગણા અને નજીકના વિદર્ભ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ રચાઈ છે. આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઊંચાઈએ આવેલું છે. આગામી કલાકોમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધશે તેમ માનવામાં આવે છે.

પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીથી 5.8 કિમીની વચ્ચે ઊંચાઈ ધરાવે છે.

જોકે, વિદાય શરૂ થયા પછી પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે. 16થી 17 તારીખ સુધી કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે.

મહારાષ્ટ્રમાં હજુ ચોમાસાની વિદાયને સમય લાગશે જેના કારણે મુંબઈ, થાણે વગેરે વિસ્તારમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડશે તેમ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનો અહેવાલ જણાવે છે.

હજુ કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની અમદાવાદસ્થિત કચેરીના અહેવાલ પ્રમાણે 15 સપ્ટેમ્બર, સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચમાં વરસાદ પડશે.

આ ઉપરાંત સોમવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

16 સપ્ટેમ્બર, મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરુચ, સુરત, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે.

આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ થવાની આગાહી નથી. પરંતુ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન