ઘઉંનો લોટ 125 રૂપિયે કિલો, ચોખાનો ભાવ 350 રૂપિયા : પાકિસ્તાનમાં અચાનક મોંઘવારી કેમ વધી ગઈ?

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અનાજ પૂર ઘઉં ચોખા પંજાબ બલુચિસ્તાન લોટ મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લા બે અઠવાડિયામાં પાકિસ્તાનમાં લોટનો ભાવ બમણો થઈ ગયો છે (ફાઈલ ફોટો)
    • લેેખક, સારા હસન
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં આવેલા પૂરના કારણે ભારે નુકસાન થયું છે. લાખો લોકોને મુશ્કેલીમાં મુકાયા છે અને સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે.

દરમિયાન, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ તીવ્ર વધારો થયો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં 20 કિલો લોટની થેલીનો ભાવ 2,500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ચોખાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. 25 કિલો ચોખાની ગુણી એક હજાર રૂપિયા મોંઘી થઈ છે અને છૂટક ભાવમાં પ્રતિ કિલો 40 રૂપિયાનો વધારો થયો છે.

આટા મિલના માલિકોનું કહેવું છે કે પૂર પછી બજારમાં ઘઉંનો પૂરતો પુરવઠો નથી અને ગોદામોમાં સંગ્રહ કરેલું અનાજ પણ બગડી ગયું છે. આ કારણથી ભાવમાં વધારો થયો છે.

પરંતુ નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ વધારો કોઈ વાસ્તવિક અછતને બદલે સંગ્રહખોરી અને નફાખોરીનું પરિણામ છે.

અચાનક ભાવ કેમ વધી રહ્યા છે?

શું પૂરને કારણે અછત સર્જાઈ છે કે પછી સંગ્રહખોરી થઈ રહી છે? આ મુદ્દાને સમજવા માટે બીબીસીએ આટા મિલના માલિકો, અનાજ બજારના વેપારીઓ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ઘઉંના ભાવમાં ઉછાળો

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અનાજ પૂર ઘઉં ચોખા પંજાબ બલુચિસ્તાન લોટ મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિના પછી ઘઉં અને લોટના ભાવમાં વધારો થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમયે બજારમાં નવો પાક આવે છે અને લોકો પોતાની જરૂરિયાત મુજબ ઘઉં ખરીદે છે. આ સ્ટોક પૂરો થઈ જાય ત્યારે તેઓ બજારમાંથી લોટ ખરીદવાનું શરૂ કરે છે. આટાની મિલો પણ બજારમાંથી ઘઉં ખરીદે છે, તેને દળે છે અને લોટ બનાવીને વેચે છે.

આ કારણે જ્યારે માંગ વધે ત્યારે લોટ અને ઘઉંના ભાવ પણ વધે છે. આને 'મોસમી ચક્ર' કહેવામાં આવે છે. તેને નિયંત્રિત કરવા માટે, સરકાર ઘણીવાર પોતાના જથ્થામાંથી બજારમાં ઘઉં વેચે છે. સ્ટોક ઓછો હોય તો ઘઉંની આયાત કરવામાં આવે છે, જેથી ભાવ સામાન્ય જળવાઈ રહે.

સરકારી માહિતી અનુસાર આ વર્ષે પાકિસ્તાનમાં ઘઉંનું કુલ ઉત્પાદન 29.6 મિલિયન ટન હતું, જે સરકારના 32 મિલિયન ટનના લક્ષ્ય કરતાં ઓછું છે. જોકે, સરકાર પાસે ઘઉંનો વધારાનો જથ્થો હતો.

દરમિયાન, આઈએમએફના દબાણ અને સરકારી ગોદામોમાં વધુ પડતા ઘઉંના કારણે, સરકારે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદ્યા નહીં. જેના કારણે બજારમાં ભાવ ઘટવા લાગ્યા.

ગયા વર્ષે ઘઉંનો ભાવ 3900 રૂપિયા પ્રતિ મણ હતો જે હવે ઘટીને 1800થી 2000 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે. આ કારણે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે.

કૉમોડિટી નિષ્ણાત શમસુલ ઇસ્લામ કહે છે કે, "જ્યારે ઘઉંના ભાવ ઓછા હતા, ત્યારે ઘણા ક્ષેત્રો જે સામાન્ય રીતે ઘઉં ખરીદતા ન હતા, તેઓ પણ ખરીદીની સ્પર્ધામાં કૂદી પડ્યા હતા. જેમ કે મરઘાં માટે આહાર બનાવતી કંપનીઓ અને પશુ આહાર ફેક્ટરીઓ. તેનું કારણ છે કે મકાઈના ફીડ કરતા ઘઉંનો ફીડ સસ્તો પડે છે."

તેમના મતે, આ વર્ષે લણણી પછી ઘઉંના ભાવમાં ઘટાડો થવાને કારણે લોટ પણ સસ્તો થયો હતો.

શમસુલ ઇસ્લામ કહે છે કે, "પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધ દરમિયાન ચોખા અને ઘઉંના સ્ટોકમાં અચાનક વધારો થયો હતો અને આ સમયગાળા દરમિયાન આટા મિલોએ પણ ઘઉંનો સંગ્રહ કર્યો હતો અને અન્ય સંગ્રહખોરો પણ મેદાનમાં આવી ગયા હતા."

ઑગસ્ટના મધ્ય ભાગથી ભારે વરસાદ અને નદીઓમાં પૂરને કારણે પંજાબના મોટા વિસ્તારમાં પૂરની સ્થિતિ યથાવત્ છે.

દરમિયાન, ઑગસ્ટના અંતમાં ફેડરલ ફૂડ સિક્યૉરિટી મંત્રી રાણા તનવીર અહેમદની અધ્યક્ષતામાં ઘઉં બોર્ડની એક બેઠક યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક હોવાથી, સરકારને ઘઉંની આયાત કરવાની જરૂર નથી.

શમસુલ ઇસ્લામ કહે છે, "ઘઉંની આયાત ન કરવાની સરકારની જાહેરાત સંગ્રહખોરોને ગમી છે એેવું લાગે છે. તેમને સમજાયું છે કે હવે તેઓ પોતાની ઇચ્છા મુજબ બજારમાં ભાવ વધારી અને ઘટાડી શકે છે."

તેમનું કહેવું છે કે જે ઘઉં 2200 રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદવામાં આવતા હતા તે હવે 4000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યા છે અને તેથી જ ગ્રાહકોને લોટ મોંઘા ભાવે મળી રહ્યો છે.

ઇસ્લામના જણાવ્યા મુજબ, "ફ્લોર મિલ ઍસોસિએશને દલીલ કરી હતી કે બજારમાં ઘઉં મોંઘા છે અને તેથી લોટ પણ મોંઘો થઈ રહ્યો છે."

તેઓ કહે છે કે આના કારણે 20 કિલોની થેલીનો ભાવ 1,500 રૂપિયાથી વધીને 2,500 રૂપિયા થઈ ગયો છે.

પંજાબ સરકારે ઘઉં જપ્ત કર્યા

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અનાજ પૂર ઘઉં ચોખા પંજાબ બલુચિસ્તાન લોટ મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દર વર્ષે સપ્ટેમ્બર મહિના પછી ઘઉંનો ભાવ વધે છે અને લોટ મોંઘો થાય છે.

તાજેતરમાં પંજાબ સરકારે ઘઉંની સંગ્રહખોરી સામે કાર્યવાહી કરી અને મિલોના ગોદામમાંથી એક લાખ ટનથી વધુ ઘઉં જપ્ત કર્યા છે.

સરકારે આ ઘઉંને 3,000 રૂપિયા પ્રતિ મણના ભાવે અને 20 કિલો લોટની થેલી 1,810 રૂપિયાના ભાવે વેચવાનો આદેશ આપ્યો છે.

પંજાબ સરકારનું કહેવું છે કે સબસિડીવાળા દરે વેચાતો લોટ પ્રાંતના વિભાગીય મુખ્યાલયો પર ઉપલબ્ધ રહેશે.

સરકારનો દાવો છે કે આટા મિલોને ઘઉંનું વેચાણ શરૂ થયા પછી બજારમાં લોટના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, ફ્લોર મિલ્સ ઍસોસિએશનનું કહેવું છે કે આ પગલાથી ફાયદો નહીં થાય.

ઍસોસિએશન માને છે કે પંજાબમાં ભાવ સ્થિર રાખવા હોય તો સરકારે દર મહિને ઓછામાં ઓછા પાંચ લાખ ટન ઘઉં બજારમાં રિલીઝ કરવા પડશે.

આટા મિલના માલિક અને ઓલ પાકિસ્તાન ફ્લોર મિલ્સ ઍસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ આસીમ રઝાએ જણાવ્યું હતું કે મરઘાંના ખોરાક માટે ઘઉંના ઉપયોગથી બજારમાં પુરવઠો ઓછો થયો છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે પૂર પછી સરકારે પ્રાંતોની વચ્ચે પરિવહન પર પ્રતિબંધ લાદ્યો હતો. જેના કારણે પંજાબમાં ઘઉંની અછતની ધારણા ઊભી થઈ હતી અને ખુલ્લા બજારમાં ઘઉંનો ભાવ બે-ત્રણ દિવસમાં 2,700 રૂપિયાથી વધીને 4,000 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો હતો.

આસીમ રઝા કહે છે કે સરકારે સરકારી ગોદામમાંથી ઘઉંનો પુરવઠો ચાલુ રાખવો જોઈએ જેથી બજારમાં પુરવઠો વધે અને કિંમત નિયંત્રણમાં રહે.

તેઓ કહે છે, "ઘઉંના સ્ટોક પર દરોડા પાડીને તેને 3,000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, કારણ કે મીડિયામાં જે 14 રૂપિયાની રોટલી વિશે વાત થઈ રહી છે તે ક્યાંય ઉપલબ્ધ નથી."

તેમના કહેવા પ્રમાણે, આટા મિલો ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન તેમની પાસે રહેલા સ્ટોકનો ઉપયોગ કરે છે, જ્યારે બજારમાં ઘઉંની લગભગ કોઈ ઉપલબ્ધતા હોતી નથી.

બલુચિસ્તાનમાં લોટ કેમ મોંઘો થયો?

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અનાજ પૂર ઘઉં ચોખા પંજાબ બલુચિસ્તાન લોટ મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આટા મિલના માલિકો કહે છે કે ખુલ્લા બજારમાં ઘઉં મોંઘો થવાથી લોટનો ભાવ વધ્યો છે

પાકિસ્તાનમાં લોટના ભાવમાં અચાનક વધારો થયા બાદ ખૈબર પખ્તુનખ્વામાં 20 કિલો લોટની થેલી 900થી 1,000 રૂપિયાના ભાવે વેચાતી હતી તે હવે 2,400થી 2,500 રૂપિયામાં વેચાઈ રહી છે. લોટના ભાવમાં વધારાને કારણે બ્રેડના ભાવમાં પણ વધારો થયો છે.

આ અંગે ખૈબર પખ્તુનખ્વાના ખાદ્ય મંત્રી ઝહીર શાહ તોરોએ બીબીસી સંવાદદાતા અઝીઝુલ્લાહ ખાનને જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વા ઘઉં માટે પંજાબ પર નિર્ભર છે.

તેમણે કહ્યું કે, "ખૈબર પખ્તુનખ્વાની સરહદે આવેલા પંજાબમાં સ્થાનિક સ્તરે ઘઉંના આંતર-પ્રાંતીય પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

તેમણે કહ્યું કે પ્રાંતની સરકારે પંજાબના મુખ્ય સચિવ અને નાણામંત્રી તથા કેન્દ્રિય સ્તરે અન્ય સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો છે, જેથી પ્રાંતમાં ઘઉં અને લોટનું પરિવહન પુનઃસ્થાપિત કરી શકાય.

દરમિયાન, બલુચિસ્તાનની રાજધાની ક્વેટા સહિત અન્ય વિસ્તારોમાં પણ લોટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 20 કિલો લોટની થેલી અગાઉ 1600 રૂપિયામાં મળતી હતી, તે હવે 2000થી 2100 રૂપિયામાં મળવા લાગી છે.

ક્વેટામાં લોટના વેપારી ઇઝરાયલ ખાને બીબીસી સંવાદદાતા મુહમ્મદ કાઝિમને જણાવ્યું હતું કે છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાંમાં લોટના ભાવમાં ઘણો વધારો થયો છે.

તેમને આનું કારણ તો ખબર નથી. પરંતુ તેમના મતે, "બજારમાં પુરવઠાની અછતને કારણે લોટના ભાવમાં વધારો થયો છે."

ખાદ્ય વિભાગના અધિકારીઓ આ માટે પૂર અને પંજાબથી લોટના પરિવહન પર પ્રતિબંધને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે.

બલુચિસ્તાન ફૂડ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર જાબેર બલોચે જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં વપરાતા 80 ટકા લોટ પંજાબમાંથી આવે છે.

તેમણે કહ્યું કે, "પંજાબમાંથી લોટના પુરવઠાની અછતના કિસ્સામાં, ખાદ્ય વિભાગ પોતે બજારમાં ભાવ જાળવી રાખવા માટે ઘઉં જારી કરતો હતો, પરંતુ હાલમાં બલુચિસ્તાન ખાદ્ય વિભાગ પાસે ઘઉંનો કોઈ સ્ટોક નથી."

જાબેર બલોચે જણાવ્યું હતું કે ખાદ્ય વિભાગે આ પરિસ્થિતિ અંગે ગૃહ વિભાગને પત્ર મોકલ્યો છે.

પંજાબ સરકારનું કહેવું છે કે ઘઉં અને લોટના ભાવમાં વધારા બાદ, પ્રાંતીય સરકારે ઘઉં, લોટ અને અન્ય ઘઉંના ઉત્પાદનોની આંતર-પ્રાંતીય હેરફેર પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઉપરાંત, ચિકન ફીડ અને પશુ આહારમાં ઘઉંના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પંજાબ સરકારે તમામ સરહદી જિલ્લાઓમાં ખાદ્ય નિયંત્રકોને ઘઉં અને લોટની અવરજવર રોકવા માટે રસ્તાઓ અને પ્રાંતીય સરહદો પર ચેક પોસ્ટ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે.

પંજાબ સરકારના જણાવ્યા અનુસાર ઘઉંની અછત અને લોટના વધતા ભાવને કારણે પ્રાંતીય સરકારને આ પ્રતિબંધ લાદવાની ફરજ પડી છે.

ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે?

બીબીસી ગુજરાતી પાકિસ્તાન અનાજ પૂર ઘઉં ચોખા પંજાબ બલુચિસ્તાન લોટ મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોખાનો સપ્લાય ખોરવાઈ જવાથી ભાવમાં કિલો દીઠ 40 રૂપિયા સુધી વધારો થયો છે.

ઘઉં પછી ચોખા એ સૌથી વધુ વપરાશમાં લેવાતું અનાજ છે. પાકિસ્તાનમાં પૂર આવ્યા પછી ચોખાના ભાવમાં પણ પ્રતિ કિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.

રાવલપિંડીના અનાજ બજારમાં કામ કરતા બિલાલ હાફીઝ કહે છે કે છેલ્લાં બે અઠવાડિયાંમાં અલગ અલગ જાતના ચોખાના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, "બજારમાં ચોખાના ખરીદદારો વધુ છે અને ચોખા નથી મળી રહ્યા."

બીબીસી સાથે વાત કરતા કમિશન એજન્ટ બિલાલ હાફિઝે જણાવ્યું હતું કે, "25 કિલો ચોખાની થેલી હવે આઠ હજાર રૂપિયાથી વધીને નવથી સાડા નવ હજાર રૂપિયામાં વેચાઈ રહી છે."

ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે એવા પ્રશ્નના જવાબમાં બિલાલ હાફિઝે કહ્યું, "પૂરને કારણે બજારમાં પુરવઠા પર અસર પડી છે, ભાડું પણ વધ્યું છે અને હવે ચોખા પણ જૂના થઈ રહ્યા છે, તેથી હવે ભાવ વધી રહ્યા છે."

ઘઉંની સરખામણીમાં ચોખાના ભાવમાં કોઈ સરકારી હસ્તક્ષેપ નથી હોતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચોખાની નિકાસથી ચોખાના ખેડૂતોની આવકમાં સુધારો થયો છે અને ચોખાના વાવેતર હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે.

પૂરને કારણે ચોખાના પાકને નુકસાન થયું છે તે ધારણાને કૉમોડિટી નિષ્ણાત ઇસ્લામ નકારી કાઢે છે.

તેમણે કહ્યું, "નદી કિનારાના વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે, પરંતુ સિયાલકોટ અથવા નારોવાલ જેવા અન્ય વિસ્તારોમાં ચોખાના પ્રથમ જથ્થાને પાણીથી નુકસાન થયું નથી. અહીંનું વાતાવરણ મોડા પાકતા ચોખાની જાતો ઉગાડવા માટે અનુકૂળ છે."

તેમના મતે પ્રમાણે 'જથ્થાબંધ બજારમાં ભાવમાં વધારો કામચલાઉ છે અને ટૂંક સમયમાં તે જૂના ભાવે પાછો ફરશે.'

જોકે, ચોખા ઉત્પાદક ખેડૂતો અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માને છે કે પૂરને કારણે 20 ટકા વિસ્તારમાં પાકને નુકસાન થયું હોઈ શકે છે.

ચોખાની મિલના માલિક અને નિકાસકાર મિયાં સબીહ-ઉર-રહેમાને જણાવ્યું હતું કે પૂરને કારણે ચોખાની લણણી એક મહિનો મોડી પડી હતી અને ચોખાનો અગાઉનો સ્ટોક પણ ખૂબ વધારે નહોતો.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે જુલાઈમાં વાવેલા અને સપ્ટેમ્બરમાં લણણી કરવાના ત્રણ પ્રકારના ચોખાની લણણીમાં વિલંબ થયો છે, જેના કારણે બજારમાં ચોખાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ વર્ષે ચોખાના ઉત્પાદનનો લક્ષ્યાંક 90 લાખ ટન નક્કી કરવામાં આવ્યો હતો. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના મતે, પૂર અને પાણીની સારી ઉપલબ્ધતાને કારણે ચોખાનું ઉત્પાદન સારું રહેવાની ધારણા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં બજારમાં ઉપલબ્ધતાના અભાવે ચોખાના ભાવમાં વધારો થયો નથી.

પાકિસ્તાનમાં કૃષિ નિષ્ણાતો અને કૉમોડિટી ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો માને છે કે ચોખા અને ઘઉં જેવી પાયાની ચીજોના ભાવ વાસ્તવિક અછતને કારણે નહીં, પરંતુ ભય અને અફવાઓને કારણે વધી રહ્યા છે, જેની અસર સામાન્ય ગ્રાહક પર પડી રહી છે.

ફૈસલાબાદની કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝુલ્ફીકાર અલીની આગેવાની હેઠળ એક ટીમે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ખેતીને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સિયાલકોટ અને હાફિઝાબાદમાં ચોખાના પાકને નુકસાન થયું છે, પરંતુ મોટા વિસ્તારોમાં પાક બચાવવાની શક્યતા વધારે છે.

તેમણે સ્પષ્ટતા કરી કે પૂરને કારણે ખેતીને નુકસાન થયું છે, પરંતુ "હાલના અંદાજ મુજબ, નુકસાન એટલું બધું નથી કે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા થાય."

ફૈસલાબાદની કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝુલ્ફીકાર અલીએ જણાવ્યું હતું કે પૂરને કારણે અનાજના ભાવમાં વધારો થવાનું કોઈ ચોક્કસ કારણ દેખાતું નથી, પરંતુ "કેટલાક તત્ત્વો ચીજવસ્તુઓની અછત ઊભી કરવા માટે પૂરનો ફાયદો લઈ શકે છે."

તેમણે કહ્યું, "પૂરથી કામચલાઉ નુકસાન થાય છે, પરંતુ તે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. એવું લાગે છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી નીકળી જશે અને નવેમ્બર સુધીમાં જમીન ઘઉંની વાવણી માટે તૈયાર થઈ જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન