માત્ર 30 રૂપિયાના ઝઘડામાં બે ભાઈની હત્યા, અન્ય બે આરોપી પોલીસના હાથે માર્યા ગયા, આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Muhammad Sajid
- લેેખક, એહતેશામ શામી
- પદ, પત્રકાર
(ચેતવણીઃ આ અહેવાલની વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)
પાકિસ્તાનમાં માત્ર 30 રૂપિયાના કેળાંના ઝઘડામાં બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. એટલે કે સાવ મામૂલી બાબતમાં થયેલા ઝઘડામાં કુલ ચાર લોકોના મોત થયાં છે.
લાહોરના રાયવિંડ વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે શકમંદોને માર્યા ગયા હતા. અગાઉ 21 ઑગસ્ટે રાશિદ અને વાજિદ નામના બે સગાં ભાઈઓની હત્યા થઈ હતી. બંનેના પિતાની ફરિયાદના આધારે પોલીસે ઓવૈસ, તૈમૂર અને પાંચ અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
બે આરોપીઓને પોલીસે પકડી લીધા હતા અને આગળની તપાસ ચાલુ હતી. કેસની તપાસ કરતા એસપી મોજ્જમ અલીએ કહ્યું કે ગુરુવારે સવારે પોલીસ બે શકમંદોને રાયવિંડ લઈ જતા હતા. આ દરમિયાન બંને શકમંદોએ પોલીસ ટીમ પર હુમલો કરીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસનું કહેવું છે કે હુમલા દરમિયાન ગોળીબારમાં મુખ્ય આરોપીઓ ઓવૈસ અને તૈમૂર ઘટનાસ્થળે જ માર્યા ગયા, જ્યારે તેમના સાથીદારો ભાગી છૂટ્યા હતા.
આખી ઘટના કેવી રીતે બની?
21 ઑગસ્ટે બનેલી ઘટના અંગે એક વીડિયો વાઈરલ થયો છે. તેમાં ફળોની દુકાનોમાં કેટલાક લોકો કેરી અને કેળાં વેચી રહ્યા છે. આજુબાજુમાં ઘણા લોકો ઊભા છે. તેમની નજીક લાલ કુર્તો પહેરેલી એક વ્યક્તિ પોતાના ખોળામાં પોતાના ભાઈનું માથું રાખીને લાચાર હાલતમાં બેઠી છે અને તે પોતે લોહીલુહાણ છે.
વાઇરલ વીડિયોમાં બંને વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેખાય છે, પરંતુ ઊંધી ટોપી પહેરેલો એક માણસ હજુ પણ લાલ કુર્તો પહેરેલી વ્યક્તિના માથે ક્રિકેટ બૅટ ફટકારી રહ્યો છે.
રાશિદ અને વાજિદ નામના બંને ભાઈ હવે માર્યા ગયા છે. પાકિસ્તાનના રાયવિંડમાં આ હત્યાઓ થઈ છે, પરંતુ તેની પાછળ કોઈ કૌટુંબિક ઝઘડો કે લાંબા સમયથી ચાલતો ડખો જવાબદાર ન હતો.
પોલીસ અને પરિવારનું કહેવું છે કે કેટલીક મિનિટો સુધી ચાલેલા ઝઘડા અને માત્ર 30 રૂપિયા માટે આ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાશિદ અને વાજિદના પિતા સઈદ ઇકબાલની ફરિયાદના આધારે રાવલપિંડી પોલીસ સ્ટેશનમાં ઓવૈસ અને તૈમૂર નામના બે ભાઈઓ સામે કેસ દાખલ થયો હતો.
એફઆઈઆર મુજબ સઈદ ઇકબાલે પોલીસને જણાવ્યું કે તેમના બે પુત્રો રાશિદ અને વાજિદ દૂધનો ધંધો કરતા હતા. 21 ઑગસ્ટે તેઓ ઘરે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં તેઓ એક જગ્યાએ ફળ ખરીદવા ઊભા રહ્યા. ત્યાં ફળ વેચનાર ઓવૈસ અને તેના ભાઈ તૈમુર સાથે તેમનો ઝઘડો થઈ ગયો.
'દુશ્મન સાથે પણ આવું થવું ન જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સઈદ ઇકબાલ કહે છે કે ઓવૈસ, તૈમૂર અને તેના અજાણ્યા સાથીદારોએ તેમના બંને દીકરા પર લાઠી અને ક્રિકેટ બૅટથી હુમલો કર્યો હતો, જેના કારણે બંનેના મોત થયાં.
કેસની તપાસ કરતા એસપી મોઅજ્જમ અલીએ જણાવ્યું કે પોલીસે આ કેસમાં બંને આરોપીઓને પકડી લીધા છે અને સીઆઈડીને તપાસ સોંપી છે.
સઈદ ઇકબાલ પાકિસ્તાનના કોટ રાધાકિશન વિસ્તારમાં રાયવિંડ ગામના રહેવાસી છે. તેઓ કહે છે કે તેમના બંને દીકરા દુકાને દૂધ પહોંચાડીને પાછા આવતા હતા ત્યારે આ હત્યા થઈ હતી.
તેઓ કહે છે, "મારા એક દીકરાનો જીવ 15 રૂપિયામાં ગયો. મારા બંને સિંહ દીકરા 30 રૂપિયામાં માર્યા ગયા. કોઈ જાનવરોને પણ એવી રીતે નથી મારતા જે રીતે તેમણે મારા દીકરાઓને માર્યા."
"એક માણસ તેને ક્રિકેટ બૅટથી સતત મારતો રહ્યો અને આજુબાજુના લોકો પોતાના મોબાઇલ ફોનથી વીડિયો બનાવતા રહ્યા. આ કેવો સમાજ છે? કોઈએ તેમને રોકવાની કોશિશ પણ ન કરી.
સઈદ ઇકબાલે કહ્યું કે, "ખુદા કરે કોઈ દુશ્મનનાં બાળકો સાથે પણ આવું ન થાય."
મૃતક છોકરાના ભાઈ સાજિદે આ બેવડી હત્યાની માહિતી આપતા કહ્યું કે પોલીસ અને લોકોએ આપેલી માહિતી પ્રમાણે બોલચાલના કારણે આખો ઝઘડો થયો હતો.
સાજિદે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે જે રેંકડીવાળા પાસે વાજિદ અને રાશિદ કેળા ખરીદવા ઊભા રહ્યા હતા, તે ઓવૈસ હતો. તેના ભાઈ તૈમૂરની રેંકડી પણ બાજુમાં જ હતી.
સાજિદ કહે છે, "ઓવૈસે એક ડઝન કેળા માટે 130 રૂપિયા માંગ્યા હતા. રાશિદે તેમને કહ્યું કે તેમની પાસે માત્ર 100 રૂપિયા અને પાંચ-પાંચ હજારની મોટી નોટ છે. ઓવૈસે કહ્યું કે તેઓ 100 રૂપિયામાં એક ડઝન કેળા ખરીદી લે."
સાજિદના કહેવા પ્રમાણે તૈમૂરને સસ્તામાં કેળા વેચવાની વાત પસંદ ન પડી અને તેણે 'ગંદી ભાષા'માં વાત કરી. બંને ભાઈઓએ અપશબ્દો સામે વાંધો ઉઠાવ્યો.
તેનાથી વાત વણસી ગઈ. રાશિદ અને વાજિદના ભાઈએ આગળ જણાવ્યું કે આકરી ચર્ચા પછી ઓવૈસ અને તૈમૂરે તેમના પર ક્રિકેટ બૅટ અને લાઠીઓથી હુમલો કરી દીધો.
સાજિદે કહ્યું કે "તે વખતે ત્યાં લગભગ 250 લોકો હતા, પરંતુ કોઈનામાં એટલી માનવતા ન હતી કે તેઓ આ ઝઘડાને અટકાવી શકે."
રાશિદ અને વાજિદ પર હુમલાની માહિતી પરિવારને કોણે આપી?

ઇમેજ સ્રોત, Muhammad Sajid
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોનો હવાલો આપતા મૃતકોના પિતા કહે છે, ઘટના પછી તમે જોઈ શકો છો કે વાજિદ પોતાના ભાઈ રાશિદનું માથું ખોળામાં રાખીને તેને પાણી પીવડાવવાની કોશિશ કરે છે. તે વખતે એક વ્યક્તિ તેમના કાન પર મોબાઇલ ફોન લગાવવાનો કોશિશ કરે છે.
સઈદ ઇકબાલનું કહેવું છે કે તે વ્યક્તિએ જ તેમના દીકરા પાસેથી ઘરનો નંબર લીધો અને બીજા દીકરાએ આસિફને ફોન કરીને ઘટનાની માહિતી આપી.
ઇકબાલે કહ્યું, "મને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે હું દુકાન ખુલ્લી છોડીને મારી મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યો. થોડી વારમાં બીજાં સગાંસંબંધી પણ ત્યાં આવી ગયા."
સઇદ ઇકબાલનું કહેવું છે કે તેઓ પોતાના દીકરાઓને ઍમ્બ્યુલન્સથી રાયપિંડ હૉસ્પિટલે લઈ ગયા. ત્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેમના બંને દીકરાના માથામાં ગંભીર ઈજા થઈ છે. તેથી તેમને લાહોર જનરલ હૉસ્પિટલ લઈ જવામાં આવે.
ઇકબાલ કહે છે, "લોકો કહે છે કે મારા એક દીકરા રાશિદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ મારા બીજા દીકરા વાજિદનો જીવ બચાવી શકાય તેમ હતો. ઝડપથી સારવાર ન મળવાના કારણે અને એક હૉસ્પિટલેથી બીજી હૉસ્પિટલ શિફ્ટ થવાના કારણે તેનું મોત થયું."
પોલીસનું પણ માનવું છે કે બંને ભાઈઓને પ્રાથમિક સારવાર મળવામાં મોડું થયું હતું.
'લિટલ મેક્સવેલ'
મૃતકના ભાઈ સાજિદ પોતાના ભાઈઓને યાદ કરતા કહે છે કે વાજિદ તેમનાથી ઉંમરમાં નાના હતા અને સૌના લાડકા હતા.
સાજિદ કહે છે, વાજિદ એક ક્રિકેટર હતા અને ઘણી ક્રિકેટ ક્લબો માટે રમતા હતા. લોકો તેમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે લઈ જતા અને તેમને 10-15 હજાર રૂપિયા પણ આપતા હતા.
સાજિદનું કહેવું છે કે "તેમના ભાઈની રમવાની શૈલી ઑસ્ટ્રેલિયન ક્રિકેટરક ગ્લેન મેક્સવેલ સાથે મળતી હતી, તેથી લોકો તેમને 'લિટલ મેક્સવેલ' પણ કહેતા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












