બાલેન શાહ : 35 વર્ષની ઉંમર અને માત્ર ત્રણ વર્ષ રાજકારણનાં, નેપાળમાં PMના ઉમેદવારનો ભારત સાથે શો સંબંધ?

ઇમેજ સ્રોત, KP Khanal
કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીના મેયર બાલેન્દ્ર શાહને રવિવારે વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ 'બાલેન શાહ' તરીકે પણ ઓળખાય છે.
બાલેન અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) એ 5 માર્ચે યોજાનારી નેપાળની ચૂંટણી સાથે મળીને લડવાની સમજૂતી કરી છે.
બીબીસી નેપાળીના અહેવાલ મુજબ, રવિવારે સવારે બંને પક્ષોએ સાત મુદ્દાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તે મુજબ બાલેન સંસદીય દળના નેતા અને આગામી ચૂંટણીમાં વડા પ્રધાનપદના ભાવિ ઉમેદવાર રહેશે. રવિ લામિછાને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ રહેશે.
સમજૂતીમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બંને પક્ષોના વિલીનીકરણ પછી રચાનારા પક્ષનું નામ 'રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી' જ રહેશે.
બાલેન એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે કાઠમંડુ મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાયા હતા. તેમણે હજુ સુધી પોતાના રાજકીય ઝુકાવ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી.
આખી રાત ચાલેલી લાંબી ચર્ચાઓ બાદ, સાત મુદ્દાની સમજૂતી પ્રમાણે 35 વર્ષના બાલેનને સંસદીય દળના નેતા અને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે ભંગ કરવામાં આવેલી સંસદમાં ચોથા સૌથી મોટા પક્ષ આરએસપીના અધ્યક્ષ રવિ લામિછાને પોતાના હોદ્દા પર યથાવત્ રહેશે.
સમજૂતી મુજબ બાલેન અને તેમનું સંગઠન ચૂંટણીપંચ દ્વારા ફાળવવામાં આવેલા આરએસપીના ચૂંટણીચિહ્ન પર જ ચૂંટણી લડશે.
બાલેન પોતાનું સંગઠન આરએસપીમાં વિલીન કરવા સહમત થયા હોવા છતાં, પાર્ટીનું નામ, ધ્વજ અને ચૂંટણી ચિહ્નમાં કોઈ ફેરફાર થશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાલેન શાહ કોણ છે?

ઇમેજ સ્રોત, KATHMANDU MAHANAGARPALIKA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાલેન શાહ મે 2022માં પહેલી વખત નેપાળના પાટનગર કાઠમંડુના મેયર બન્યા ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સ્થાનિક ચૂંટણીમાં બાલેન શાહે નેપાળ કૉંગ્રેસનાં સૃજનાસિંહને હરાવ્યાં હતાં. શાહને 61,767 વોટ મળ્યા હતા. બાલેન શાહ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને નેપાળના સ્થાપિત પક્ષોને હરાવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
બાલેન શાહ લોકપ્રિય રેપર હતા અને જ્યારે તેઓ કાઠમંડુના મેયરની ચૂંટણી લડ્યા, ત્યારે તેમના વિશે ઘણી ચર્ચાઓ થતી હતી. તે સમયે બાલેન શાહની ઉંમર માત્ર 32 વર્ષ હતી.
બાલેન શાહની ચર્ચા માત્ર યુવાનોમાં જ નહીં, પરંતુ નેપાળની બહાર વસતા લોકોમાં પણ થતી હતી. દિલ્હીમાં કામ કરતા લોકો પણ બાલેન શાહ વિશે ખૂલીને વાત કરતા હતા.
2017માં નેપાળની સ્થાનિક ચૂંટણી સમયે બાલેન શાહે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, "હું આજે મતદાન નહીં કરું. હું ઉમેદવાર નથી. હું સિવિલ ઇંજિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ છું અને સ્ટ્રક્ચરલ ઇંજિનિયરિંગમાં માસ્ટર્સ કરી રહ્યો છું. દેશને કેવી રીતે સુધારી શકાય એ હું જાણું છું. આગામી ચૂંટણીમાં હું મારો મત મારી જાતને જ આપીશ. હું મારા દેશનો વિકાસ ઇચ્છું છું અને તેના માટે બીજા કોઈ પર નિર્ભર રહી શકું તેમ નથી."
જેન ઝી આંદોલન વખતે રસ્તા પર ન ઊતર્યા

ઇમેજ સ્રોત, @ShahBalen
બાલેન શાહ કોઈ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા નહોતા. તેમની પાસે કોઈ સંગઠન કે રાજકીય અનુભવ પણ નહોતો.
નેપાળમાં જ્યારે 'જેન ઝી' આંદોલન શરૂ થયું ત્યારે સોશિયલ મીડિયા પર લોકો બાલેન શાહને અપીલ કરતા હતા કે તેઓ મેયરના હોદ્દા પરથી રાજીનામું આપીને આ આંદોલનનું નેતૃત્વ સંભાળે.
બાલેન શાહ નેપાળમાં જેન ઝી આંદોલનનું સમર્થન કરતા હતા, પરંતુ તેઓ પ્રત્યક્ષ રીતે રસ્તા પર ઊતર્યા ન હતા.
બાલેન શાહનો જન્મ 1990માંથયો હતો. તેમના પિતા રામ નારાયણ શાહ આયુર્વેદના ડૉક્ટર છે અને તેમનાં માતાનું નામ ધ્રુવદેવી શાહ છે.
તેમણે કાઠમંડુની 'વ્હાઇટ હાઉસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી' માંથી સિવિલ ઇંજિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ કર્ણાટકની 'વિશ્વેશ્વરૈયા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી'માંથી સ્ટ્રક્ચરલ ઇંજિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.
તેઓ કૉલેજકાળમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા, પરંતુ વર્ષ 2022ની નેપાળની સ્થાનિક ચૂંટણીમાં તેઓ પહેલી વખત સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.
કાઠમંડુમાં મત માંગતી વખતે તેઓ કહેતા, "હું તમને વધારે કંઈ નહીં કહું. તમે માત્ર ચૂંટણીમાં મતદાન કરો. મને માત્ર એક તક આપો."
બાલેનની મધેસી ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
જનકપુરના વરિષ્ઠ પત્રકાર રોશન જનકપુરીએ બીબીસીને જણાવ્યું કે બાલેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નથી. તેમનાં પત્ની સબીના કાફ્લે પબ્લિક હેલ્થવર્કર છે. બાલેન શાહના ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બનેવી બૅન્કર અને બહેન પેઇન્ટર છે.
જનકપુરીના જણાવ્યા મુજબ, 2015માં ભારત તરફથી અઘોષિત નાકાબંધી જાહેર થઈ ત્યારે બાલેન ખૂબ સક્રિય હતા. ભૂકંપ સમયે પણ તેઓ અસરગ્રસ્ત લોકો સુધી રાહતસામગ્રી પહોંચાડતા હતા.
બાલેનની વકતૃત્વકળાની પણ લોકો પ્રશંસા કરે છે. તેઓ સત્તા વિરુદ્ધ ખૂલીને બોલે છે. તેઓ ઘણી વખત કાળાં ચશ્માં પહેરી રાખે છે.
બાલેનનાં ઘણાં ગીતો પણ લોકપ્રિય બન્યાં છે, જેમ કે 'નેપાળી બુબા', 'પુલિસ પત્રિકાર', 'નેપાળ હાસેકો'. આ ગીતોમાં નેપાળની સામાજિક અને રાજકીય સ્થિતિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
નેપાળના સરલાહીના સાંસદ અમરેશસિંહના જણાવ્યા મુજબ, બાલેનને સૌથી વધુ લોકપ્રિયતા ઇન્ટરનેટ દ્વારા મળી છે.
નેપાળના રાજકારણમાં મધેસી મૂળ ધરાવતા નેતા કાઠમંડુ અને પહાડી વિસ્તારોમાં આટલા લોકપ્રિય બને તે એક મોટી ઘટના છે, પરંતુ ડેન્માર્કમાં નેપાળના રાજદૂત રહી ચૂકેલા વિજયકાંત કર્ણ બાલેન શાહની મધેસી ઓળખને નકારી કાઢે છે.
તેમણે બીબીસીને કહ્યું કે, "બાલેનનો જન્મ કાઠમંડુના નેવારી વિસ્તારમાં થયો હતો. બાલેન ક્યારેય મધેસીઓના પ્રશ્નો સાથે ઊભા રહ્યા નથી. સ્પષ્ટ છે કે તમે મધેસની રાજનીતિ કરીને પહાડીઓના નેતા ન બની શકો. બાલેને ક્યારેય મધેસીઓનો મુદ્દો નથી ઉઠાવ્યો. 2015માં મધેસીઓના આંદોલનને કચડી નાખવામાં આવ્યું, પરંતુ બાલેન તે સમયે કંઈ બોલ્યા ન હતા."
બાલેનની પ્રગતિનો અર્થ

ઇમેજ સ્રોત, Getty Images
બાલેન શાહ જે રીતે નેપાળમાં ઊભરી આવ્યા, તેને નેપાળના જાણીતા ચિંતક અને લેખક સીકે લાલ યુક્રેનના ઝેલેન્સ્કી સાથે સરખાવે છે. ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં કૉમેડિયન હતા.
સીકે લાલના મતે, "યુક્રેનમાં ઝેલેન્સ્કીનો ઉદય જોતાં સમજાય છે કે લોકપ્રિયતાવાદી નેતાઓ આવાં આંદોલનોથી જ આગળ આવે છે. પરંતુ તેમની સમસ્યા એ છે કે તેમની પાસે કોઈ મજબૂત સંગઠન કે ચોક્કસ વિચારધારા હોતી નથી. ઘણી વાર ટોળાને કારણે જે નેતૃત્વ પેદા થાય છે, તેમની પાસેથી મોટા પરિવર્તનની આશા રાખવામાં જોખમ રહેલું હોય છે."
તાજેતરનાં વર્ષોમાં નેપાળમાં જ્યારે પણ વૈકલ્પિક રાજકારણની વાત થાય છે, ત્યારે બાલેન શાહનું નામ અચૂક લેવાય છે. લોકો બાલેન શાહ પર આટલો ભરોસો કેમ મૂકે છે?
બાલેને મેયરપદ માટેના પોતાના ચૂંટણીઢંઢેરામાં ડિજિટલ ગવર્નમેન્ટથી માંડીને 'આઇડિયા બૅન્ક' સુધીની વાતો કરી હતી.
તેમણે શિક્ષણ, આરોગ્ય અને પાયાના માળખાકીય વિકાસ માટે મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દરખાસ્ત કરી હતી.
મેયરની ચૂંટણી જીત્યા પછી બાલેન શાહે કહ્યું હતું કે, "આગળનો માર્ગ સરળ નથી. આપણા અભિયાનની કસોટી હવે શરૂ થશે. આપણે જે રસ્તો પસંદ કરીશું અને જે પ્રયાસ કરીશું, તે જ આ શહેરની પ્રગતિ નક્કી કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












