'મારો પરિવાર એક દિવસમાં સાત ગ્રામ સોનું કાઢે છે', પાકિસ્તાનની નદીમાંથી પેઢીઓથી સોનું કાઢતા લોકોની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, સોનું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં નદીમાંથી સોનું કાઢવાનું કામ સુપેરે ચાલી રહ્યું હતું, પણ વર્તમાન સમયમાં તેમાં નફો ઘટી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ

"એક સમયે હું સિંધુ નદીના કાંઠે હાથ વડે સોનું શોધવાનું કામ કરતો હતો. કામ સારું ચાલતું હતું, તે વખતે રોજ એક ગ્રામ જેટલું સોનું મળી રહેતું. આ કામથી પરિવારનું ગુજરાન ચાલી જતું, પણ થોડાં વર્ષો પહેલાં અમારા વિસ્તારમાં મશીન વડે સોનાના ખનનનું કામ થવા માંડ્યું. "

"હવે મને લાગે છે કે, સદીઓથી નદીના પાણીમાંથી હાથ વડે સોનું કાઢનારા પ્રાચીન સમુદાયો માટે જગ્યા બચી નથી."

"હવે હું મશીનના માલિકો માટે દાડિયા મજૂરી કરું છુ, જેમાં અમુક વખત કામ મળે છે, અમુક વખત નહીં."

આ શબ્દો છે પાકિસ્તાન કબ્જાના ગિલગિટ-બાલ્ટિસ્તાનના દિયામીર જિલ્લાના રહેવાસી હબીબુલ્લાહના.

35 વર્ષના હબીબુલ્લાહ કહે છે કે, નદીમાંથી સોનું કાઢવાનું આ કામ તેમણે તેમના બાપ-દાદા પાસેથી શીખ્યું હતું અને તેમના કબીલાના મોટાભાગના લોકોને આજીવિકા રળવા માટે આ એક જ કામ આવડતું હતું.

તેઓ કહે છે કે, કેટલાક એવા સ્થાનિકો જેઓ અગાઉ હાથ વડે જ સોનું શોધવાનું કામ કરતા હતા, તેમની પાસે તેમની પોતાની જમીન હતી. આથી, તેમણે હવે તે જગ્યાએ મશીનો ગોઠવીને આ કામ શરૂ કર્યું છે.

આ મશીનો ભાડે પણ મળે છે. કેટલાક લોકો એવા પણ છે કે, જેમને અગાઉ આ વ્યવસાય જોડે કશી લેવા-દેવા નહોતી, પણ તેમની પાસે જમીન હોવાથી તેઓ સોનું શોધનારા લોકો અને મશીન માલિકો સાથે ભાગીદારી કરીને આ કામમાં જોડાઈ ગયા છે.

હબીબ એવી ફરિયાદ કરે છે, "વર્ષોથી હાથથી આ કામ કરનારા જે લોકો પાસે જમીન નહોતી કે મશીન ખરીદવાના પૈસા પણ નહોતા, તેમની હાલત મશીન આવી જવાથી કફોડી થઈ ગઈ છે."

એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બાબુસર ટોપમાં રહેતા આઝમ ખાન કહે છે, "હું હાથ વડે સોનું કાઢતો હતો, પણ હવે મારો કબીલો તેની પોતાની જમીન ધરાવતો હોવાથી અમે મશીન માલિકો સાથે ભાગીદારીમાં કામ કરવાનું શરૂ કર્યું છે."

પેઢીઓથી સોનાની સંગ્રહખોરી કરી રહેલા લોકો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, સોનું

ઇમેજ સ્રોત, Mohammad Ravan

ઇમેજ કૅપ્શન, પરંપરાગત રીતે નદીમાંથી સોનું કાઢનારા લોકો 'સોનેવાલ કબીલા' તરીકે ઓળખાય છે

ગિલગિટ-બાલ્ટિસ્તાન અને દિયામીર જિલ્લામાં જે લોકો નદીમાંથી સોનું કાઢે છે, તે "સોનેવાલ કબાયલ" તરીકે ઓળખાય છે. આ કબીલાનું પોતાનું ઍસોસિએશન પણ છે.

દિયામીર જિલ્લાના અંજુમન સોનેવાલ કબાયલના વડા મોહમ્મદ રવ્વાનના જણાવ્યા પ્રમાણે, 2023 સુધી તેમના વિસ્તારમાં મશીનોની કોઈ ભૂમિકા ન હતી. "એ પછી કેટલાક સ્થાનિક જમીન માલિકો વિવિધ રીતે મશીનો લાવવા માંડ્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, આ વિસ્તારમાં નદીમાંથી સોનું કાઢવા માટે ઠેકઠેકાણે સેંકડો મશીનો ગોઠવી દેવાયાં છે."

અન્ય એક રહેવાસી અઝીમ ખાને પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના કબીલાની જમીન પર બે મશીનો લગાવવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું હતું, "અમારા વિસ્તારમાં સરકારી સ્તર પર કોઈ જમીન કે ખાસ જગ્યા ફાળવાઈ નથી. મેં મશીનો ગોઠવ્યાં છે, તેનાથી થોડે દૂર અન્ય લોકોએ છથી સાત મશીન મૂક્યાં છે. આ વિસ્તારના અમુક કિલોમીટરના ઘેરાવામાં લગભગ 150 જેટલાં મશીનો લગાવાયેલાં છે."

જે લોકોએ પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવાસ ખેડ્યો હોય, તેમણે સિંધુ નદીના કાંઠે લોકોને રેતીમાંથી સોનું કાઢતા જરૂર જોયા હશે.

જોકે, સોનું કાઢવાની પદ્ધતિ સમય વીતવા સાથે બદલાઈ છે અને આજે, જો તમે દિયામીર જિલ્લામાં ખાસ કરીને ભાશા ડેમના જળાશયની આસપાસ સિંધુ નદીના કાંઠે-કાંઠે પ્રવાસ ખેડો, તો ત્યાં તમને સોનું કાઢવાના કામમાં વ્યસ્ત એક-બે નહીં, પણ સેંકડો મશીનો જોવા મળશે.

આશરે 3,180 કિલોમીટર લાંબી સિંધુ નદી તિબેટના માનસરોવર તળાવમાંથી નીકળે છે અને માર્ગમાં આવતા પાકિસ્તાનનાં મેદાનોની સિંચાઈ કરીને અરબી સમુદ્રમાં જઈને ભળે છે.

આ નદી સદીઓથી માનવ સભ્યતા, માનવ સંસ્કૃતિ, જીવન, આનંદ-ઉલ્લાસ તથા માનવી માટે આવકનો મહત્ત્વનો સ્રોત રહી છે.

આ નદીએ મહાન સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને વર્તમાન સમયગાળા સુધીના કાળખંડમાં આ પ્રદેશના ઇતિહાસ અને અર્થતંત્રમાં પ્રમુખ ભૂમિકા ભજવી છે.

અને અમુક લોકો માટે આ નદી સાચે જ સોનું છલકાવે છે અને તેના પર જ તેમની આજીવિકા નભે છે.

પર્વતોની અંદર છે સુવર્ણનો ભંડાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, સોનું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનસરોવરમાંથી સિંધુ નદી નીકળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉમસેટ્સ યુનિવર્સિટી, એબટાબાદ કૅમ્પસ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ ઍન્વાયરમેન્ટના હેડ ડૉક્ટર ફરીદુલ્લાહના જણાવ્યા મુજબ, સિંધુ નદીના કિનારે જે માટી અને રેતી મળી આવે છે, તેમાં કુદરતી રીતે જ સોનું રહેલું છે.

તેમણે સમજાવ્યું હતું, "સોનું સામાન્યપણે પર્વતોની અંદર રહેલી ધાતુઓના ભંડારમાંથી આવે છે. પહાડમાં રહેલા સોનાના રેશા અને ખાણમાં રહેલા નાના-નાના કણો વિવિધ રીતે નદી અને ઝરણાંમાં ભળી જાય છે. જ્યારે વરસાદી પાણી કે ગ્લેશિયર્સનાં પાણી પર્વતોમાંથી નીચે આવે છે, ત્યારે તે પર્વતની શિલાઓ અને માટીની સાથે સોનાના નાના કણોને પણ વહાવી લાવે છે."

આગળ તેઓ કહે છે, "નદીના પ્રવાહ દરમિયાન, આ કણો ભારે હોવાને કારણે તળિયે બેસી જાય છે અને નદીના કાંઠાની રેતી તથા માટીમાં જમા થાય છે. આ જ કારણસર સિંધુ નદીની માટી અને રેતીમાં સોનાના નાના કણો મળી આવે છે."

"ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં પ્રતિબંધો લાગુ થયા પછી સોનું શોધનારા લોકો ગિલગિટ-બાલ્ટિસ્તાન તરફ વળ્યા હતા."

દિયામીરના રહીશ અબ્દુલ્લા જણાવે છે કે, હજુ થોડાં વર્ષો પહેલાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ભાગ્યે જ રેતીમાંથી સોનું અલગ કરતું મશીન જોવા મળતું હતું.

તેમણે દાવો કર્યો હતો કે, "અગાઉ, આવાં મશીનો મોટાભાગે પંજાબમાં સિંધુ નદી તથા ખૈબર પખ્તુનખ્વામાં કાબુલ નદીના કાંઠે જોવા મળતાં હતાં. પણ, ત્યાંના તંત્રએ પ્રતિબંધો લાગુ કર્યા, એ પછી આ કામ સાથે સંકળાયેલા લોકો ગિલગિટ-બાલ્ટિસ્તાન આવી ગયા. તાજેતરમાં જ પંજાબના એક રોકાણકારે મારો સંપર્ક સાધીને કહ્યું હતું કે, જો હું મારી જમીન પર તેમને મશીનો ગોઠવવા દઉં, તો તેઓ મને ભાડું ચૂકવશે."

આગળ તેમણે કહ્યું હતું, "મારી જમીન ભાડે આપવાને બદલે મને નફામાં 40 ટકા ભાગીદારી કરવાનો વિચાર વધુ નફાકારક લાગ્યો."

તેમના જણાવ્યા પ્રમાણે, તેમની માફક હવે ઘણા સ્થાનિક લોકો મશીનના કામ સાથે સંકળાયા છે અને તેઓ કાં તો ભાડું મેળવે છે અથવા પછી બહારના લોકો સાથે ભાગીદારી કરી રહ્યા છે.

પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં સોનું શોધવા પર પ્રતિબંધ

પહેલાં હાથી સોનું શોધતા એક પરિવારને એક દિવસમાં એક ગ્રામ જેટલું સોનું મળતું હતું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mohammad Ravan

ઇમેજ કૅપ્શન, પહેલાં હાથી સોનું શોધતા એક પરિવારને એક દિવસમાં એક ગ્રામ જેટલું સોનું મળતું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી પંજાબ સરકાર તેમજ ખૈબર પખ્તુનખ્વા સરકાર સિંધુ નદીમાંથી સોનું શોધનારા અને મશીનનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ પગલાં ભરી રહી છે.

સરકારી રેકૉર્ડ પ્રમાણે, ગેરકાયદે સોનું શોધવાના કાર્ય વિરુદ્ધ છેલ્લાં બે વર્ષોમાં 100થી વધુ કેસો નોંધાયા છે.

ખૈબર પખ્તુનખ્વા સરકારે કાબુલ નદી તથા સિંધુ નદીના કાંઠે બિનઅધિકૃત ખનન અને સોનું શોધવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને સાથે જ કલમ 144 પણ લાગુ કરી છે.

ગેરકાયદે ખનન, પર્યાવરણીય નુકસાન તથા કાયદો અને શાસનને લગતી સમસ્યાઓને નિવારવા માટે સ્વાબી, નૌશેરા, કોહાટ તથા અન્ય પ્રદેશોમાં મનાઈ ફરમાવવામાં આવી છે.

તેની સાથે સ્થાનિક વહીવટી તંત્રને ગેરકાયદેસર મશીનરી અને ઉપકરણો જપ્ત કરવાની પણ સત્તા આપવામાં આવી છે.

"અગાઉ વધુમાં વધુ એક ગ્રામ સોનું મળતું હતું, પણ હવે પાંચથી છ ગ્રામ જેટલું સોનું મળી જાય છે."

બીબીસીએ ખનીજ વિભાગ, ચેમ્બર ઑફ કૉમર્સ તથા અન્ય અધિકારીઓ પાસેથી ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સોનાના ખનન વિશે ચોક્કસ વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈ વિસ્તૃત સરકારી ડેટા મળી શક્યો ન હતો.

અઝીમ ખાને જણાવ્યું હતું કે, "જ્યારે હું હાથથી સોનું કાઢતો, ત્યારે મારો આખો પરિવાર ભેગો થઈને રોજનું વધુમાં વધુ એક ગ્રામ સોનું મેળવતો. જ્યારે હવે, મારા પરિવારના છ-સાત લોકો મશીન પર કામ કરીને એક દિવસમાં છથી સાત ગ્રામ સોનું મેળવે છે."

તો, સ્થાનિક રહેવાસી અને જમીન માલિક નુસરત ખાન જણાવે છે કે, પહેલાં નદી પાસેની તેમની જમીન પર "સોનેવાલ કબીલા"ના લોકો સોનું શોધવાનું કામ કરતા હતા, પણ મશીનો આવી ગયા, ત્યારથી તેમણે પંજાબની એક પાર્ટીને તેમની જમીનનો અમુક ભાગ "ભાડે આપી દીધો". જ્યારે તેમણે લોકોને નાણાં રળતા જોયા, ત્યારે તેમણે પણ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરીને પ્રતિ કલાક 2,400 પાકિસ્તાની રૂપિયાના ભાવે મશીનો ભાડે આપવા માંડ્યાં.

સદીઓ જૂની પરંપરા નષ્ટ થવાના આરે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, સોનું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખૈબર પખ્તૂનખ્વા

દિયામીર જિલ્લાના અંજુમન 'સોનેવાલ કબાયલ'ના વડા મોહમ્મદ રવ્વાનના મતાનુસાર, આ સંજોગોમાં હાથથી સોનું કાઢવાની સદીઓ જૂની પરંપરા નાશ પામી રહી છે.

"અગાઉ અમારા વિસ્તારમાં ધુમાડો કે શોરબકોર નહોતા, પણ હવે મશીન અને જનરેટરનો સતત ઘોંઘાટ રહેતો હોય છે. સેંકડો લોકોની આવન-જાવન ચાલુ હોય છે અને વાહનોની સંખ્યા પણ વધી ગઈ છે. દિયામીર અને ચિલાસના પ્રદેશોમાં એક નવી દુનિયા આકાર લઈ રહી છે, પણ આ ઘોંઘાટમાં અમારો વ્યવસાય દમ તોડી રહ્યો છે."

મોહમ્મદ રવ્વાને કહ્યું હતું, "અમારા કેટલાક લોકોએ મશીન અને જમીન ભાડે લઈને આ કામ કરવાનો પ્રયાસ કરી જોયો, પણ મશીન અને જમીન સાથે ભાડે લેવાનો ખર્ચ ઘણો જ ઊંચો છે અને સામે છેડે નફો એટલો નીચો છે કે, જરૂરી ખર્ચ પણ તેમાંથી નીકળી શકતો નથી. તે પછી તેમણે ફરી દૈનિક મજૂરી શોધવાનું શરૂ કરી દીધું."

સમસ્યા વિશે વિગતે વાત કરતાં તેમણે કહ્યું, "અમે ઇકો-ફ્રેન્ડલી રીતે પાણી, માટી અને રેતીથી રોજગાર શોધતા હોવાની સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી. સરકારે અમને આ તક આપવી જોઈએ અને અમારા માટે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કે જેથી આ સદીઓ જૂનો વ્યવસાય તથા કૌશલ્ય ધબકતાં રહે અને સાથે જ પેઢીઓથી આ કામ સાથે જોડાયેલા 2,300 પરિવારોને આજીવિકા મળી રહે. પણ હજી સુધી અમારી રજૂઆતો કોઈએ કાને ધરી નથી."

કોમસેટ્સ યુનિવર્સિટી, એબટાબાદ કૅમ્પસના પર્યાવરણ વિભાગના વડા ડૉક્ટર ફરીદુલ્લાહ જણાવે છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સિંધુ નદી અને તેની ઉપનદીઓના કિનારે સોનું કાઢવાની પ્રણાલી સદીઓથી અસ્તિત્વ ધરાવે છે.

તેમણે વર્ણવ્યું હતું કે, આ પદ્ધતિમાં નદીના કિનારેથી રેતી, કાંકરા અને પથ્થર વીણીને તેમને પાણીમાં પ્લેટ, ચાળવાના ચારણા, ટબ અને નાની કોદાળીની મદદથી ધોવામાં આવે છે.

આ રીતે હલ્કી માટી ધોવાઈ જાય છે અને સોનાના ભારે કણો તળિયે રહી જાય છે. તેમના મતે, આ પ્રક્રિયાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.

ડૉક્ટર ફરીદુલ્લાહે કહ્યું હતું કે, હવે આ કામ મશીનોની મદદથી થાય છે અને તેના માટે ખોદકામ કરનારાં મશીનો (એક્સ્કેવેટર્સ), પાણીના પમ્પ અને ઇન્ડસ્ટ્રિયલ ફિલ્ટ્રેશન મશીન જેવી ભારેખમ મશીનરી વપરાય છે.

આ મશીનોના ઉપયોગથી ઓછા સમયમાં વધુ માટી ને રેતીને સાફ કરીને વધુ સોનું મેળવી શકાય છે.

મશીનોથી થતું પ્રદૂષણ સમસ્યારૂપ

ગિલગિટ-બાલ્ટિસ્તાન મિનરલ્સ ઍન્ડ માઇન્સના ડિરેક્ટર અહેમદ ખાનના જણાવ્યા અનુસાર, દિયામીર જિલ્લામાં આવેલાં મોટાભાગનાં મશીનો ભાશા ડેમના જળાશય અને તેની આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવ્યાં છે.

તેઓ કહે છે કે, તે પૈકીનાં ઘણાં-ખરાં મશીનો ગેરકાયદેસર છે. ગેરકાયદે ચાલતી આ પ્રવૃત્તિથી વહીવટી તંત્ર વાકેફ છે અને તેમને કાયદેસર બનાવવાની કવાયત અંદરખાને ચાલી રહી છે.

અહેમદ ખાન વધુમાં જણાવે છે કે, સિંધુ નદી પર ખનન કરનારા લોકોને ગિલગિટ-બાલ્ટિસ્તાન મિનરલ ઍન્ડ માઇન્સ પૉર્ટલ પર અરજીઓ સુપરત કરવાનો આદેશ અપાયો છે, જેથી તેમને તબક્કાવાર રીતે કાનૂની માન્યતા મળી શકે.

નોંધનીય છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સોનું કાઢવા અંગેના કોઈ અલગ કાયદા મોજૂદ નથી. બલ્કે, આ પ્રદેશમાં ખનન માટે રજૂ કરવામાં આવેલા કાયદા - ગિલગિટ-બાલ્ટિસ્તાન માઇનિંગ રૂલ્સ, 2016 અને 2024માં તેમાં કરવામાં આવેલા સુધારા હેઠળ જ તેમને આવરી લેવાયા છે.

જોકે, બીજી તરફ, ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં આ માટેના કાયદા ઘડવામાં આવ્યા છે અને તે કાયદા હેઠળ પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે.

ડૉક્ટર ફરીદુલ્લાહ જણાવે છે કે, મશીનથી સોનું કાઢવા માટે ડીઝલથી ચાલતાં જનરેટર્સ, એક્સ્કેવેટર્સ અને ઔદ્યોગિક પમ્પ્સની મદદ લેવાય છે. આ તમામ મશીનોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર તથા સૂક્ષ્મ કણો રહેલા હોય છે.

આ સૂક્ષ્મ કણો જ્યારે હવામાં ભળે છે, ત્યારે તેનાથી શ્વાસને લગતી બીમારીઓ, આંખમાં બળતરા અને છાતીની સમસ્યા સર્જાતી હોય છે.

તેમના મતે, સૌથી જોખમી બાબત એ છે કે, જ્યારે કાળો કાર્બન હવા વાટે આ વિસ્તારોના ગ્લેશિયર સુધી પહોંચે છે, ત્યારે તેના કારણે ગ્લેશિયર સૂર્યની ગરમી વધુ શોષે છે અને તેના પરિણામે ગ્લેશિયર પીગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. તેનાથી વિપરિત, સોનું હાથેથી કાઢવાની પરંપરાગત પદ્ધતિમાં ભારે ભરખમ મશીનરીનો ઉપયોગ ન થતો હોવાથી હવા પ્રદૂષણ નહિવત્ રહે છે.

હાથેથી સોનું કાઢવું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, સોનું

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર ફરીદુલ્લાહે કહ્યું હતું કે, જનરેટર, ક્રશિંગ મશીન અને ભારે વાહનો જેવાં મશીનોથી ખનન કરવાથી ધ્વનિ પ્રદૂષણ પણ સર્જાય છે.

આ ઘોંઘાટ માણસો માટે માનસિક તણાવ, અનિદ્રા સાંભળવામાં સમસ્યાનું કારણ બને છે. એટલું જ નહીં, આ પ્રદેશની વન્ય સૃષ્ટિ પર પણ તેની વિપરીત અસર પડે છે.

"પર્વતીય પ્રદેશોમાં આ ઘોંઘાટ દૂર સુધી સંભળાઈ શકે છે, જેનાથી ખીણોની કુદરતી શાંતિ હણાઈ જાય છે. તેનાથી ઊલ્ટું, હાથથી સોનું શોધવાની પ્રક્રિયામાં કોઈ શોરબકોર થતો નથી, જેથી વાતાવરણની પ્રાકૃતિક શાંતિ જળવાઈ રહે છે."

ડૉક્ટર નુસરત અહેસાન લાહોર બિઝનેસ સ્કૂલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને સાથે જ તેઓ પર્યાવરણીય સલાહકાર પણ છે.

તેમણે જણાવ્યું હતું કે, હવે નદીની રેતી અને માટી મશીન દ્વારા ખોદવામાં આવે છે, તેના કારણે પાણીમાં કાદવ થઈ જાય છે. "માછલી અને અન્ય જળચરો આ કાદવવાળા પાણીમાં જીવી શકતાં નથી. તેમનાં ઈંડાં નાશ પામે છે અને જલીય વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો થઈ શકે છે. કેટલીક વખત મશીનોમાંથી ડીઝલ અને ઑઇલ લીક થવાથી પાણી વધુ પ્રદૂષિત થઈ જાય છે."

તેમના જણાવ્યા પ્રમાણે, "યંત્રોના ઉપયોગથી નદીના તટનું ધોવાણ થાય છે અને જમીન ધસવા માંડે છે. જો આ સ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહે, તો નદીનું કુદરતી વહેણ બદલાઈ જવાની શક્યતા રહે છે અને પૂરનું જોખમ ઊભું થાય છે."

ડૉક્ટર ફરીદુલ્લાહ અને ડૉક્ટર નુસરત અહેસાન બંને એકસૂરે જણાવે છે, "હાથથી સોનું કાઢવાની પ્રક્રિયા પર્યાવરણ માટે સાનુકૂળ હતી, કારણ કે, તેનાથી હવા પ્રદૂષિત થતી ન હતી કે ન તો તેનાથી ગ્લેશિયર પર વિપરીત અસર ઊભી થવાનું સંકટ તોળાતું. બીજી તરફ, યંત્રોની મદદથી ખનન કરવાથી વધુ સોનું અને વધુ નફો જરૂર મળે છે, પણ તેના માટે હવા, પાણી, જમીન અને ગ્લેશિયર્સે આકરી કિંમત ચૂકવવી પડે છે."

લાંબા ગાળાના નુકસાનનો ભય

વીડિયો કૅપ્શન, Silver હવે ચાંદીના દાગીના પર પણ મળશે લોન પણ પહેલા આ તપાસી લેજો

આ નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે, જો આ કામ માટે મશીનો વાપરવાં જરૂરી હોય, તો કડક પર્યાવરણીય કાયદા, દેખરેખ સાથેની તથા પર્યાવરણ માટે અનુકૂળ પદ્ધતિઓનો અમલ જરૂરી છે, અન્યથા સિંધુ નદી અને તેની સાથે જોડાયેલાં ગ્લેશિયર્સને લાંબા ગાળાનું નુકસાન પહોંચી શકે છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાન પર્યાવરણ અને ખનીજ વિભાગના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે સોનાનું ખનન કરનારા લોકોની સંખ્યા પરનો ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી.

જોકે, વર્તમાન સમયમાં બંને વિભાગો સક્રિય છે તથા તેમણે ગેરકાયદે ખનનમાં સંડોવાયેલા લોકોને નોટિસ ફટકારી છે અને તેમની વિરૂદ્ધ કાર્યવાહી થઈ રહી છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાન પર્યાવરણ વિભાગના ખાદિમ હુસૈન જણાવે છે કે, અગાઉ લોકો પારા (મરક્યુરી)ના ઉપયોગથી હાથથી સોનું કાઢતા હતા, જેનાથી ભારે નુકસાન પહોંચતું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, "પણ હવે આ કામ વ્યાવસાયિક ધોરણે થાય છે અને તાજેતરમાં પૂરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં કરવામાં આવે છે."

જોકે, હાથથી સોનું કાઢતા લોકો પારો વાપરતા હોવાના દાવાને મોહમ્મદ રવ્વાને ફગાવી દીધો હતો.

ખાદિમ હુસ્સૈને કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલથી નદીને પ્રદૂષિત કરવાની પરવાનગી નથી અને પારાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

અહેમદ ખાનના જણાવ્યા અનુસાર, સોનાના ખનન મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન