સમયના પ્રવાહમાં દાતરડાની ધાર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનાં 100 વર્ષ

- લેેખક, નાસિરુદ્દીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
100 વર્ષ પહેલાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં બે જુદી વિચારસરણી ધરાવતાં સંગઠન બન્યાં – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા).
ભાકપા આજે અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરતી જોવા મળે છે, જ્યારે આરએસએસ આટલું મજબૂત પહેલાં ક્યારેય નહોતું રહ્યું.
અમે અહીં ભાકપાનાં 100 વર્ષની સફરના કેટલાક મહત્ત્વના પડાવોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ.
ભારતમાં કમ્યુનિસ્ટ વિચારનું આગમન

20મી સદીના બીજા દાયકામાં કૉંગ્રેસ અને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલન ખૂબ જ સક્રિય બન્યું. આ દાયકામાં જ (1917) રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ. ત્યાર પછી દુનિયાના ઘણા દેશોમાં ઝડપભેર કમ્યુનિસ્ટ વિચારની અસર જોવા મળી.
વિદેશોમાં રહેતા કેટલાક ભારતીય અને ખિલાફત આંદોલન સાથે જોડાયેલા લોકો પણ રશિયા પહોંચ્યા. તેમાંથી કેટલાકે ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટી બનાવવાની કોશિશ કરી. વર્ષ હતું 1920. જોકે, આ ખૂબ નાનું જૂથ ભારતની બહાર હતું, તેથી વાત આગળ વધી નહીં.
ઇતિહાસકાર સુમિત સરકાર 'આધુનિક ભારત'માં લખે છે, "ભારતીય કમ્યુનિઝમનાં મૂળ રાષ્ટ્રીય આંદોલનમાંથી જ અંકુરિત થયાં હતાં. એવા ક્રાંતિકારીઓ જેમનો મોહભંગ થઈ ચૂક્યો હતો, અસહકારના આંદોલનકારી, ખિલાફતના આંદોલનકારી, શ્રમિક અને ખેડૂત આંદોલનોના સભ્યો રાજકીય અને સામાજિક ઉદ્ધારના નવા રસ્તા શોધી રહ્યા હતા."
આ સમય વિશે 'ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફૉર ઇન્ડિપેન્ડન્સ'માં ઇતિહાસકાર પ્રોફેસર બિપિન ચંદ્ર લખે છે, "ભારતમાં 1920ના દાયકાનો અંતિમ સમય અને 1930ના દાયકામાં એક મજબૂત ડાબેરી સમૂહ ઊભરવા લાગ્યો. રાજકીય આઝાદીનો હેતુ વધુ સ્પષ્ટ થયો અને તે સામાજિક-આર્થિક સ્વરૂપ ગ્રહણ કરવા લાગ્યો."
આઝાદીની રાષ્ટ્રીય લડાઈનો પ્રવાહ અને શોષિત વર્ગોની સામાજિક-આર્થિક મુક્તિની લડાઈ – આ બંને પ્રવાહો એકબીજાની નજીક આવવા લાગ્યા. સામ્યવાદી વિચાર ભારતની જમીનમાં પોતાનાં મૂળ મજબૂત કરવા લાગ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિપિન ચંદ્ર લખે છે, "તે ભારતીય યુવાઓનો પસંદગીનો આદર્શ બની ગયો. તેનાં પ્રતીક જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ હતા. ધીમે ધીમે આ પ્રવાહોની બે શક્તિશાળી પાર્ટીઓ ઊભરી – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) અને કૉંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટી (સીએસપી)."
કાનપુરમાં ભાકપાનું સ્થાપના સંમેલન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈના શ્રીપાદ અમૃત ડાંગેએ સૌથી પહેલા બધા ડાબેરી સમૂહોનું એક ખુલ્લું સંમેલન કરવાનો વિચાર રજૂ કર્યો હતો.
આ દરમિયાન ક્રાંતિકારી સત્યભક્ત કાનપુર આવ્યા. તેમને 'ઇન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટી' એટલે કે 'ભારતીય સામ્યવાદી દળ' બનાવવાનો વિચાર આવ્યો. વર્ષ 1925ના ડિસેમ્બરમાં તેમણે એક રાષ્ટ્રીય સંમેલનની જાહેરાત કરી.
વર્ષ 1978માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં સત્યભક્તે જણાવ્યું હતું, "કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાના સમયે મારા મુખ્ય સહાયક મૌલાના હઝરત મોહાની, રાધામોહન ગોકુલજી, નારાયણપ્રસાદ અરોડા, સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, આ ચાર લોકો જ હતા. એમ તો હઝરતસાહેબ લીગ, રાધામોહનજી હિંદુસભા, અરોડાજી કૉંગ્રેસ અને સુરેશબાબુ ક્રાંતિકારી દળ સાથે જોડાયેલા હતા, પરંતુ એ બધા આર્થિક ક્ષેત્રમાં કમ્યુનિઝમના સિદ્ધાંતને યોગ્ય માનતા હતા અને તેમની સાથે મારો વ્યક્તિગત સંપર્ક પણ હતો."
આ રીતે 26થી 28 ડિસેમ્બર, 1925એ કાનપુરમાં ભારતીય કમ્યુનિસ્ટોનું સ્થાપના સંમેલન થયું. એમાં લગભગ 500 પ્રતિનિધિઓએ ભાગ લીધો. સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે મૌલાના હઝરત મોહાનીએ કહ્યું હતું, "કમ્યુનિઝમનું આંદોલન ખેડૂતો અને મજૂરોનું આંદોલન છે. અમારો હેતુ છે, યોગ્ય માર્ગે ચાલીને સ્વરાજ કે પૂર્ણ આઝાદીની સ્થાપના કરવાનો."
પાર્ટીનું નામ 'કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા' (સીપીઆઇ) રાખવામાં આવ્યું. હેતુ નક્કી થયો – 'બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસનમાંથી ભારતની મુક્તિ, ઉત્પાદન અને વિતરણનાં સાધનોનું સમાજીકરણ અને તેના આધારે મજૂરો અને ખેડૂતોનું ગણરાજ્ય બનાવવું."
સભ્યપદ માટે એક અગત્યની શરત હતી, "જો કોઈ ભારતમાં કોઈ સાંપ્રદાયિક સંગઠનનો સભ્ય હોય, તો તે કમ્યુનિસ્ટ પાર્ટીમાં સભ્ય તરીકે સામેલ નહીં થાય."
ત્યાર પછીના દિવસોમાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં સ્થાપના વર્ષ અંગે મતભેદ રહ્યા. કેટલીક કમ્યુનિસ્ટ પાર્ટીઓ તેનું વર્ષ 1920 માને છે, જોકે, ભાકપા માને છે કે તેમનું સ્થાપના વર્ષ 1925 છે.
ભાકપાની સ્થાપના પહેલાં વર્ષ 1921-22માં જ કૉંગ્રેસની સાથે જોડાયેલા કમ્યુનિસ્ટ વલણ ધરાવતા મૌલાના હઝરત મોહાની, સ્વામી કુમારાનંદ, એમ સિંગારવેલુ જેવા નેતાઓએ સૌથી પહેલાં પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ પાસ કરાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. પ્રખ્યાત સૂત્ર 'ઇન્કલાબ ઝિંદાબાદ' મૌલાના હઝરત મોહાનીએ આપ્યું હતું.
તેનાં સાત વર્ષ પછી 1929માં કૉંગ્રેસે પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ મંજૂર કર્યો.
ષડ્યંત્રોના કેસ અને ભાકપા

રશિયન ક્રાંતિ પછી અંગ્રેજ સરકાર સામ્યવાદી વિચારથી ખૂબ જ સાવધ થઈ ગઈ હતી. તેથી આઝાદીના આંદોલન દરમિયાન કમ્યુનિસ્ટો વિરુદ્ધ ઘણા 'ષડ્યંત્ર કેસ' ચાલ્યા.
બ્રિટિશ હકૂમતે ભારતમાં વર્ષ 1919થી 'બોલ્શેવિક એજન્ટો અને તેના પ્રચારનાં જોખમ' પર નજર રાખવા માટે ખાસ સ્ટાફની નિમણૂક કરી. તેને સીઆઇડીના 'બોલ્શેવિક (વિરોધી) વિભાગ' તરીકે ઓળખવામાં આવતો હતો. તેના દ્વારા એકત્ર કરાયેલા રિપોર્ટ્સ જાસૂસી વિભાગના 'કમ્યુનિઝમ ઇન ઇન્ડિયા' કે 'કમ્યુનિઝમ ઍન્ડ ઇન્ડિયા' નામના દસ્તાવેજોમાં જોઈ શકાય છે.
રશિયાથી પાછા આવતા સમયે ઘણા ભારતીય કમ્યુનિસ્ટ પકડાયા હતા. તેમના પર પેશાવરમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો અને સજાઓ થઈ. તેને 'પેશાવર ષડ્યંત્ર કેસ'ના નામે ઓળખવામાં આવ્યો. ત્યાર પછી વર્ષ 1924માં અંગ્રેજી હકૂમતે કમ્યુનિસ્ટો વિરુદ્ધ 'કાનપુરમાં બોલ્શેવિક ષડ્યંત્ર કેસ' ચલાવ્યો.
આ બધું જોતાં અંગ્રેજી હકૂમતના દમનથી બચવા માટે સ્થાપના થયા પછી કમ્યુનિસ્ટોએ પોતાનાં રાજકીય કામ 'પીજેંટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી' (ડબ્લ્યુપીપી) દ્વારા કર્યાં.
પ્રોફેસર બિપિન ચંદ્ર અનુસાર, "… કમ્યુનિસ્ટ આ પાર્ટીના સભ્ય હતા. ડબ્લ્યુપીપીનો મૂળ હેતુ કૉંગ્રેસમાં રહીને કામ કરવાનો અને તેને વધારે રેડિકલ દૃષ્ટિકોણ આપવાનો હતો. તેને 'આમ લોકોની પાર્ટી' બનાવવાનો હતો… તેના દ્વારા પહેલાં પૂર્ણ સ્વરાજ અને છેવટે સામ્યવાદના હેતુ પ્રાપ્ત કરવાનો હતો."
તેઓ લખે છે, "ડબ્લ્યુપીપી ખૂબ ઝડપથી આગળ વધ્યું. ખૂબ ઓછા સમયમાં કૉંગ્રેસમાં, ખાસ કરીને મુંબઈમાં કમ્યુનિસ્ટોની અસર પણ ઝડપથી વધી. એટલું જ નહીં, જવાહરલાલ નહેરુ અને બીજા રેડિકલ કૉંગ્રેસીઓએ કૉંગ્રેસને રેડિકલ બનાવવામાં ડબ્લ્યુપીપીના પ્રયાસોનું સ્વાગત કર્યું." જોકે, આગળ જતાં ડબ્લ્યુપીપી ખતમ થઈ ગયું.
મેરઠ ષડ્યંત્ર કેસ

પ્રોફેસર બિપિન ચંદ્ર અનુસાર, "વર્ષ 1929 સુધી રાષ્ટ્રીય અને મજૂર આંદોલનોમાં કમ્યુનિસ્ટોની ઝડપથી વધતી અસરથી સરકાર ખૂબ ચિંતિત હતી. તેણે સખત પગલાં ભરવાનો નિર્ણય કર્યો. માર્ચ 1929માં અચાનક દરોડા પડ્યા. સરકારે 32 રેડિકલ રાજદ્વારી અને ટ્રેડ યુનિયન કાર્યકરોની ધરપકડ કરી લીધી."
"આ 32 લોકો પર મેરઠમાં કેસ ચલાવવામાં આવ્યો. મેરઠ ષડ્યંત્ર કેસ ટૂંક સમયમાં જ 'મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દો' બની ગયો. ધરપકડ કરાયેલા લોકોનો કેસ લડવાની જવાબદારી ઘણા રાષ્ટ્રવાદી નેતાઓએ સંભાળી. તેમાં જવાહરલાલ નહેરુ, એમએ અંસારી અને એમસી છાગલા સામેલ હતા. ગાંધી મેરઠના કેદીઓ સાથેની પોતાની એકતા બતાવવા અને આગામી દિવસોમાં થનારા સંઘર્ષમાં તેમની મદદ મેળવવા માટે તેમને મળવા જેલ ગયા."
આ જ શ્રૃંખલામાં લાહૌર ષડ્યંત્ર કેસને પણ જોડી શકાય છે. આ કેસમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને મૃત્યુની સજા થઈ હતી. આ કેસ દરમિયાન પણ ડાબેરી વિચારોનો ઘણો પ્રસાર થયો. ભગતસિંહના એક સાથી અજય ઘોષ તો ભાકપાના મહાસચિવ પણ બન્યા.
આઝાદીના આંદોલનમાં ફાળો

બિપિન ચંદ્ર અનુસાર, વર્ષ 1939માં પીસી જોશીએ પાર્ટીના સાપ્તાહિક અખબાર 'નૅશનલ ફ્રન્ટ'માં લખ્યું, 'આજે સૌથી મોટો વર્ગસંઘર્ષ આપણો રાષ્ટ્રીય સંઘર્ષ છે' અને તેનું 'મુખ્ય સંગઠન' કૉંગ્રેસ છે.
બિપિન ચંદ્ર લખે છે, "કમ્યુનિસ્ટ હવે કૉંગ્રેસમાં ખૂબ મજબૂતીથી કામ કરી રહ્યા હતા. ઘણા તો કૉંગ્રેસની જિલ્લા અને પ્રાંતીય સમિતિઓમાં પદાધિકારી બન્યા. લગભગ વીસ (કમ્યુનિસ્ટ) અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય હતા."
આ દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં માર્ક્સવાદ, સામ્યવાદ અને સોવિયત સંઘથી પ્રભાવિત યુવાઓનો બીજો એક સમૂહ ઊભર્યો. તેમણે જયપ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્રદેવ અને મીનૂ મસાનીની લીડરશિપમાં ઑક્ટોબર 1934માં મુંબઈમાં કૉંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટી (સીએસપી)ની રચના કરી. તેઓ કૉંગ્રેસમાં જ રહીને કામ કરતા હતા.
માર્ક્સવાદી વિચારક અને લેખક અનિલ રાજિમવાલે અત્યારે 77 વર્ષના છે. છેલ્લાં 58 વર્ષથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. તેઓ કહે છે, "વર્ષ 1925માં કમ્યુનિસ્ટ પાર્ટીની રચના થયા પછી તેની દેશના આઝાદીના આંદોલન પર ઘેરી અસર થઈ. એ સમયે જેટલા પ્રવાહો હતા, તેમને કમ્યુનિઝમ અને માર્ક્સવાદમાં રસ પડ્યો. વૈજ્ઞાનિક સમાજવાદ માટેની ચર્ચાઓ શરૂ થઈ. ત્યાર પછી ઘણાં અલગ અલગ આંદોલનોના લોકો કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે આવ્યા."
તેથી ભાકપાના ઇતિહાસને સમજવા માટે આઝાદીના આંદોલન દરમિયાન કૉંગ્રેસમાં સમાજવાદી અને ડાબેરી જૂથો, ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (એટક), કિસાન સભા, હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (એચએસઆરએ), ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઇએસએફ), મહિલા આત્મરક્ષા સમિતિ (એમએઆરએસ – માર્સ), પ્રગતિશીલ લેખક સંઘ (પીડબ્લ્યુએ), ભારતીય જન નાટ્ય સંઘ (ઇપ્ટા), ઑલ ઇન્ડિયા વિમૅન્સ કૉન્ફરન્સ, વર્કર્સ ઍન્ડ પીજેન્ટ્સ પાર્ટી, ભારત નૌજવાન સભા, લાલ બાવટા કલા પથક, પ્રોગ્રેસિવ આર્ટ ગ્રૂપ, વગેરે સંગઠનોનાં કામ અને અસરને પણ સમજવાં જરૂરી છે.
મુંબઈમાં ભાકપાની પહેલી કૉંગ્રેસ

વર્ષ 1934થી 1942 સુધી ભાકપા પર પ્રતિબંધ લાગુ રહ્યો. તેની પહેલાં અને 1945થી 1947 દરમિયાન પણ પ્રતિબંધ જેવી જ સ્થિતિ હતી. આ દરમિયાન પીસી જોશી મહાસચિવ બન્યા અને પાર્ટીને નવી દિશા મળી.
વર્ષ 1942 પછી તેની પ્રવૃત્તિઓમાં ઘણી ઝડપ આવી. સંગઠનનો વિસ્તાર થયો.
તેના પરિણામે 23 મેથી 1 જૂન 1943 સુધી ખુલ્લી રીતે ભાકપાનું પહેલું અધિવેશન કે કૉંગ્રેસનું આયોજન થયું. આ અધિવેશનમાં આખા દેશમાંથી 139 પ્રતિનિધિ સામેલ થયા.
જાણીતા કમ્યુનિસ્ટ ડૉ. ઝેડએ અહમદ પોતાના સંસ્મરણ 'મેરે જીવન કી કુછ યાદેં'માં લખે છે, "1943 પછી આખા દેશમાં કમ્યુનિસ્ટ પાર્ટી અને તેનાં જન સંગઠનોનો ખૂબ ઝડપી વિકાસ થયો. પાર્ટીના વિકાસમાં તેને કાયદેસર માન્યતા મળવી તથા કૉમરેડ પીસી જોશીનું કુશળ નેતૃત્વ એક મહત્ત્વપૂર્ણ પાસું તો હતું જ, બીજી તરફ, સંગઠનોના જન સંઘર્ષ અને સ્વાધીનતા આંદોલનમાં તેમની ભૂમિકા તેનાથી ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ પાસાં હતાં."
1940નો દાયકો અને કમ્યુનિસ્ટ પાર્ટી

1930-40ના દાયકામાં કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવા કે તેની સાથે જોડાયેલાં સંગઠનોની નજીક આવનારાઓમાં બૌદ્ધિક, સંસ્કૃતિ, કળા અને સાહિત્ય જગતની ઘણી જાણીતી વ્યક્તિઓ હતી.
જેમ કે, ગીતકાર પ્રેમ ધવન, મખ્દૂમ મોહિઉદ્દીન, કૈફી આઝમી, જાંનિસાર અખ્તર, સજ્જાદ ઝહીર, રશીદ જહાં, સાહિર લુધિયાનવી, ખ્વાજા અહમદ અબ્બાસ, અભિનેતા બલરાજ સાહની, એકે હંગલ, દીના પાઠક અને જોહરા સહગલ, ફિલ્મકાર ઋત્વિક ઘટક, સંગીતકાર સલિલ ચૌધરી, નાગાર્જુન, રામવિલાસ શર્મા, અલી સરદાર જાફરી, અન્ના ભાઉ સાઠે, અમર શેખ, ડીએન ગવનકર, મુક્તિબોધ, સિબ્તે હસન…
તેની સાથે જોડાયેલા કલાકારોએ કલાની સાથે જીવનનો સંબંધ જોડ્યો. તેની અસર 'ધરતી કે લાલ' અને 'નીચા નગર' પછીની ફિલ્મોની કહાની, ગીત-સંગીત પર સ્પષ્ટ જોઈ શકાય છે.
40ના દાયકામાં બે મોટી ઘટનાઓ બની. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં દુકાળ પડ્યો અને દેશના પૂર્વ વિસ્તારમાં જાપાની હુમલા થયા.
દુકાળની ભયાનક સ્થિતિ બતાવતાં સુનીલ જાનાના ફોટા, ચિત્તોપ્રસાદ, જૈનુલ આબ્દીનની કળા, કમ્યુનિસ્ટ કલાકારો અને ભારતીય જન નાટ્ય સંઘ(ઇપ્ટા)ના સાંસ્કૃતિક દળે આ ત્રાસમાંથી આખા દેશને જોડવાનું કામ કર્યું.
સુમિત સરકારનું માનવું છે, "(બીજા વિશ્વ) યુદ્ધની સમાપ્તિ સુધી કમ્યુનિસ્ટ પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. જોકે, કૉંગ્રેસ અને (મુસ્લિમ) લીગની સરખામણીએ તે હજુ પણ ઘણી નબળી હતી."
બ્રિટિશ શાસનથી આઝાદીના આંદોલનની સાથે સાથે કમ્યુનિસ્ટો ખેડૂતો અને મજૂરોના હક માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ઘણાં મોટાં આંદોલનો થયાં. તેમાં કેરળમાં નારિયળનાં રેસા (કયર) બનાવનારાનો વિદ્રોહ, અવધમાં ખેડૂતોનો વેરા અને ટૅક્સબંધીનો સંઘર્ષ, તેલંગાણામાં ખેડૂતોનો સશસ્ત્ર વિદ્રોહ, બંગાળનું તેભાગા, મહારાષ્ટ્રમાં વરલી આદિવાસીઓનું આંદોલન મુખ્ય છે.
જાણીતા કમ્યુનિસ્ટ ડૉ. ઝેડએ અહમદ 'મેરે જીવન કી કુછ યાદેં'માં લખે છે, "અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસે પણ ઘણાં રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવ્યાં, જેમાં 1946ની તાર-ટપાલ વિભાગ અને રેલવેની મજૂરોની છટણી વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે છ મહિના સુધી ચાલેલી હડતાલ ઉલ્લેખનીય છે. ભારતના ઇતિહાસમાં આ (તે સમય સુધીની) સૌથી મોટી મજૂર હડતાલ હતી."
કમ્યુનિસ્ટ પાર્ટીએ તે સમયે ઘણી માગણીઓ ઉઠાવી. પછીથી તે રાષ્ટ્રીય બની ગઈ. તેમાં મુખ્ય હતી – ખેડે તેની જમીન. દેશની સંપત્તિ દેશના હાથમાં હોય. કામના કલાક આઠ હોય. સંગઠન બનાવવા, મિટિંગ, પ્રદર્શન કરવા અને હડતાલનો લોકશાહી હક મળે. સ્ત્રીઓ અને દલિતોને સામાજિક સમાનતા અને ન્યાય મળે.
આઝાદી પછી ભાકપાએ શું કર્યું?

થોડાંક વર્ષોની આંતરિક ઊથલપાથલ પછી ભાકપાએ વર્ષ 1951-52ની પહેલી સામાન્ય ચૂંટણીમાં ભાગ લીધો. ઘણાં રાજ્યોમાં પાર્ટી પર પ્રતિબંધ હતો અને ઘણા નેતા છુપાઈને કામ કરતા હતા. કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની. ઘણા અંતરે છતાં, બીજા નંબરે ભાકપા હતી.
ભાકપાના દાતરડું અને ઘઉંના ડૂંડાના ચૂંટણીચિહ્ન પર 61 ઉમેદવાર લડ્યા અને 25 જીત્યા. તેમના ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવાર પણ ભાકપાના સમર્થનથી જીત્યા. લોકસભામાં આ બધા 29 એક જ જૂથનો ભાગ હતા. બીજી લોકસભા ચૂંટણીમાં તે 122 સીટો પર ચૂંટણી લડ્યું અને તેના જૂથના સભ્યોની સંખ્યા 30 હતી.
એટલું જ નહીં, વર્ષ 1964માં પાર્ટીમાં ભાગલા પહેલાં થયેલી લોકસભા ચૂંટણીમાં તે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી હતી.
આ, દુનિયામાં એક નવા પ્રકારના કમ્યુનિસ્ટ રાજકારણની શરૂઆત હતી. સંસદનાં બંને ગૃહમાં કમ્યુનિસ્ટ સાંસદોએ દેશની અર્થવ્યવસ્થા, મજૂરો–ખેડૂતો, દેશની વિદેશનીતિ સાથે સંકળાયેલા મુદ્દા ઉઠાવ્યા.
રેણુ ચક્રવર્તી, પ્રોફેસર હિરેન મુખર્જી, રવિ નારાયણ રેડ્ડી, પાર્વતી કૃષ્ણન, એસએ ડાંગે, ભૂપેશ ગુપ્તા, ગીતા મુખર્જી, ભોગેન્દ્ર ઝા, સરજુ પાંડે, ઝારખંડે રાય, ઇન્દ્રજિત ગુપ્તા, મોહમ્મદ ઇલિયાસ, ઇસ્હાક સંભલી આરંભિક ગાળાના કેટલાક મુખ્ય કમ્યુનિસ્ટ સાંસદ રહ્યા છે. એટલું જ નહીં, વિપક્ષના પહેલા નેતા પણ ભાકપા સાંસદ એકે ગોપાલન હતા.
કેરળમાં પહેલી ડાબેરી સરકાર
વરિષ્ઠ પત્રકાર ઇન્દ્ર મલ્હોત્રાએ 'ધ ઇન્ડિયન ઍક્સ્પ્રેસ'માં 15 વર્ષ પહેલાં ભારતીય રાજકારણના આ અગત્યના પડાવનો ઉલ્લેખ કર્યો હતો.
તેઓ લખે છે, "વર્ષ 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં કંઈક એવું થયું કે આખી દુનિયા ચોંકી ગઈ. એ ઘટના તરત જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ. કેરળમાં અવિભાજિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીતી લીધી હતી."
"એ જ કેરળ, જેને તે સમયે લોકો 'ભારતનું સમસ્યાઓથી ભરેલું રાજ્ય' કહેતા હતા. આ રીતે દુનિયામાં પહેલી વખત કોઈ કમ્યુનિસ્ટ પાર્ટી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીથી સત્તામાં આવી. શરૂઆતનાં આશ્ચર્ય અને ઉત્સાહ ધીમે ધીમે ચિંતામાં બદલાઈ ગયાં અને આ ચિંતા દેશમાં ઓછી પરંતુ બહારની દુનિયામાં વધુ હતી."
કેરળની સરકારે સામાજિક-આર્થિક સુધારા માટે ઘણાં પગલાં ભર્યાં. આ પગલાંએ સમાજના મજબૂત વર્ગોને નારાજ કરી દીધા. ત્યાં આંદોલનો થવા લાગ્યાં. એક સમય એવો આવ્યો કે તત્કાલીન જવાહરલાલ નહેરુ સરકારે વર્ષ 1959માં ઇએમએસ નંબૂદિરીપાદની કમ્યુનિસ્ટ સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું.
બાહ્ય અસર

ભાકપાની સફરને દુનિયાના ડાબેરી રાજકારણથી અલગ કરીને પણ ન જોઈ શકાય. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક ઍંગેલ્સના વિચારને કમ્યુનિસ્ટ પાયાના સિદ્ધાંત માને છે. તેને તેઓ વૈજ્ઞાનિક સમાજવાદી વિચાર કહે છે.
પછીથી તેમાં જોડાયા રશિયાના વ્લાદિમીર ઇલ્યિચ લેનિન અને ચીનના માઓત્સે તુંગ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની દિશા નક્કી કરવાની બાબતમાં ખાસ કરીને રશિયા અને ચીનના વ્યૂહાત્મક વિચારોની ઘણી વાર અસર થઈ.
વર્ષ 1948માં પણ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની બીજી કૉંગ્રેસેમાં આ જ કારણે રણનીતિ બદલી નાખવામાં આવી. મહાસચિવ પીસી જોશીને હટાવી દેવાયા. તેમની જગ્યાએ બીટી રણદીવે મહાસચિવ બન્યા. ભારતની આઝાદી પર સવાલ ઉઠાવવામાં આવ્યા. આ નવી રણનીતિના કારણે ઘણાં રાજ્યોમાં કમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
એટલું જ નહીં, મોટી સંખ્યામાં લોકોએ કમ્યુનિસ્ટ પાર્ટી છોડી દીધી.
ફેબ્રુઆરી 1948માં પાર્ટીના બીજા અધિવેશન સુધી તેના સભ્યોની સંખ્યા લગભગ એક લાખ કરતાં વધારે થઈ ગઈ હતી, પરંતુ 1951 આવતાં સુધીમાં ભાકપાના સભ્યોની સંખ્યા ઘટીને એક અનુમાન પ્રમાણે 10થી 20 હજાર થઈ ગઈ. પછીનાં વર્ષોમાં રણનીતિ અને લીડરશિપમાં ફેરફાર થયો. ત્યાર પછી વર્ષ 1963 સુધીમાં તેની સભ્યસંખ્યા ફરી ઝડપથી વધી.
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં પહેલું મોટું વિભાજન
વર્ષ 1964માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં પહેલું મોટું વિભાજન થયું. અલગ થયેલું જૂથ પછીથી ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) નામથી ઓળખાવા લાગ્યું. આજે ભારતમાં ઘણી કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે.
અનિલ રાજિમવાલે અનુસાર, "બીજા વિશ્વયુદ્ધ પછી એક વાતે સહમતી થઈ કે આજે જૂની ઢબે સામાજિક પરિવર્તન નહીં લાવી શકાય. સંસદીય માર્ગ, શાંતિપૂર્ણ માર્ગ, જનતાને એકત્ર કરીને ઉતારવી – આ એક સમજ બની. ચીનમાંથી આપણા દેશમાં માઓવાદનો પ્રભાવ આવ્યો. ત્યાર પછી દુનિયામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓમાં બે કે ઘણાં જૂથો બન્યાં."
તેની અસર વિશે અનિલ રાજિમવાલેનું માનવું છે, "કમ્યુનિસ્ટ પાર્ટીની શક્તિ અડધી નથી, અડધાથી પણ ઘટી ગઈ. એ સ્થિતિમાંથી આંશિક રીતે બહાર આવવામાં પણ ઘણો સમય લાગી ગયો."
નેવુના દાયકામાં સોવિયત સંઘના વિઘટન અને પૂર્વ યુરોપના ઘણા સમાજવાદી દેશોમાં કમ્યુનિસ્ટ પાર્ટીની સત્તા પરથી હકાલપટ્ટીએ ભારતના ડાબેરી આંદોલન પર પણ ઘેરી અસર કરી.
રણનીતિલક્ષી ભૂલો અને સુધારા
પોતાની સફરમાં ભાકપાએ કેટલીક રણનીતિલક્ષી ભૂલો પણ કરી છે. પાર્ટીના પૂર્વ મહાસચિવ એબી બર્ધન પુસ્તક '80 સીપીઆઇ'માં લખે છે કે ચાળીસના દાયકામાં કમ્યુનિસ્ટોએ શાનદાર સફળતાઓ પ્રાપ્ત કરી. તેમના અનુસાર, "પરંતુ તે (સફળતાઓ) કોઈ ગંભીર ભૂલો અને માર્ગ પરથી ભૂલા પડ્યા વગરની નહોતી."
એબી બર્ધન કહે છે, "વર્ષ 1942માં તેણે રણનીતિની રીતે મોટી ભૂલ કરી હતી."
તેમના અનુસાર, તે ફાસિસ્ટ વિરોધી યુદ્ધ અને રાષ્ટ્રીય મુક્તિ સંઘર્ષને જોડવામાં નિષ્ફળ રહી. જોકે, તેઓ એમ પણ કહે છે કે ત્યાર પછી પણ ભાકપાના હજારો સભ્યોએ આંદોલનમાં ભાગ લીધો અને જેલ ગયા.
કમ્યુનિસ્ટ પાર્ટીનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સમયના ચૂંટણીલક્ષી રાજકારણમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થિતિ સારી નથી દેખાતી. તેના જૂના ગઢ મનાતા વિસ્તારો નબળા પડ્યા છે.
જેમ કે, બિહાર. એક સમયે કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ હતા. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં તેના એક પણ ઉમેદવારને સફળતા નથી મળી.
વર્તમાન લોકસભા અને રાજ્યસભામાં તેના બે-બે સભ્ય છે. જોકે, કેરળમાં છેલ્લી બે ચૂંટણીઓથી ડાબેરી જનવાદી મોરચાની સરકાર છે. ભાકપા આ સરકારનો ભાગ છે.
તો શું નવી પેઢી ભાકપા સાથે જોડાઈ રહી છે? અનિલ રાજિમવાલે કહે છે, "જોડાઈ રહી છે, પરંતુ જેટલા નવયુવા આવવા જોઈએ એટલા નથી આવતા. અમારે નવાં જૂથોમાં જઈને કામ કરવાની જરૂર છે.''
''ભારત જેવા દેશમાં સશસ્ત્ર સંઘર્ષ અને સશસ્ત્ર ક્રાંતિની સહેજે જગ્યા નથી, આ દેશમાં ઘણી ડાબેરી સરકારો બની છે. તેમાંથી પાઠ ભણવા મળે છે, લોકશાહી અધિકારોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કમ્યુનિસ્ટ સત્તામાં આવી શકે છે. સૌથી વધુ તો, બદલાતી પરિસ્થિતિ અનુસાર કમ્યુનિસ્ટોએ બદલાવું પડશે."
સંદર્ભ:
પીપલ્સ વૉર, પીપલ્સ એજ, લોકયુદ્ધ, ડૉક્યુમેન્ટ ઑફ ધ હિસ્ટરી ઑફ ધ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા – સંપાદક: ડૉ. જી. અધિકારી, પીપલ્સ પબ્લિશિંગ હાઉસ, આધુનિક ભારત – સુમિત સરકાર, રાજકમલ પ્રકાશન, ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફૉર ઇન્ડિપેન્ડન્સ – બિપિન ચંદ્ર, મૃદુલા મુખર્જી, આદિત્ય મુખર્જી, સુચેતા મહાજન, કેએન પણિક્કર, પેંગ્યુઇન બુક્સ, સત્યભક્ત ઔર સામ્યવાદી પાર્ટી – કર્મેંદુ શિશિર, લોકમિત્ર, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા: યર્સ ઑફ ફૉર્મેશન – મુઝફ્ફર અહમદ, નૅશનલ બુક એજન્સી, મેરે જીવન કી કુછ યાદેં – ડૉ. ઝેડએ અહમદ
સ્ટોરી : નાસિરુદ્દીન
ઇલેસ્ટ્રેશન ઍન્ડ ડિઝાઇન : પુનીત બરનાલા અને ચેતનસિંહ
પ્રોડક્શન : જાસ્મિન નિહાલાણી અને વાસિફ ખાન
તસવીર ક્રેડિટ : તસવીરો, દસ્તાવેજ અને રેખાચિત્ર સૌજન્ય ભાકપા-અજય ભવન લાઇબ્રેરી, પીપુલ્ય વૉર, લોકયુદ્ધ, લોકયુગ, જનયુગ, પીપુલ્સ ઍજ, ફિફ્ટી ટાઇમિંગ ઇયર્સ : સીપીઆઇ ગોલ્ડન જ્યુબિલી આલબમ, એસીએચ-જેએનયુ, ડૉક્યુમેન્ટ્સ ઑફ ધ હિસ્ટ્રી ઑફ ધ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, ડૉક્ટર ગાર્ગી ચક્રવર્તી તરફથી સાભાર.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












