ધુરંધર : પાકિસ્તાનનું લ્યારી, જ્યાં બહારવટિયા કાદુ મકરાણીની કહાણી પૂરી થઈ, ત્યાંથી આ ફિલ્મની વાર્તા શરૂ થઈ

કાદુ મકરાણી, બીબીસી ગુજરાતી, બલોચ, ધૂરંધર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેવાશાહ કબ્રસ્તાનમાં કાદુની કબર. કબ્રસ્તાનના એક ખૂણામાં જમીનમાં અડધો દટાયેલો એક પથ્થર પડ્યો છે. લોકમાન્યતા મુજબ, આ જ પથ્થરથી કાદુને ઈજા પહોંચાડાઈ હતી અને ઘાયલ બહારવટિયાને પકડવામાં પોલીસ સફળ થઈ હતી.
    • લેેખક, રિયાઝ સૌહેલ
    • પદ, બીબીસી ઉર્દુ
    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી, દિલ્હીથી

ડુંગરે ડુંગરે રે કાદુ તારા ડાયરા...

'સોરઠ દેશમાં ડંકો દેનાર' અને કાઠિયાવાડમાં નવાબ અને બ્રિટિશ સરકારની સામે બહારવટે ચઢનાર કાદિર બક્ષ રિંદ બલોચ ઊર્ફે કાદુ મકારણીને સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ જાણતું નહીં હોય.

બલોચિસ્તાનના મકરાણમાં જન્મેલા કાદિર, કાઠિયાવાડમાં પાંગર્યા અને અહીં જ બે પાંદડે થયા. નવાબ અને અંગ્રેજો સામે વાંકુ પડતાં બંદૂક ઉપાડી બહારવટું ખેડ્યું તો મલક આખામાં મિથક બની ગયા. એમના નામે લોકગીતો લખાયાં અને ભજનો ગવાયાં.

ઝવરેચંદ મેઘાણીએ કાદુ મકરાણીની ગાથાને કાગળે ઉતારીને લોકસાહિત્યમાં અમર કરી દીધી તો કાદુનાં ઓવારણા લેવાતા છંદદૂહાઓ વર્ષોનાં વહાણાં વિત્યાં બાદ પણ ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૂંજતા રહ્યા, ગવાતા રહ્યા.

સોરઠમાં અંજળપાણી ઊઠતાં કાદુ મકરાણ જવા ઉપડ્યા અને કરાચીમાં અંગ્રેજ પોલીસના હાથે પકડાયા. ત્યાં જ એમને ફાંસી અપાઈ અને લ્યારીના મેવાશાહ કબ્રસ્તાનમાં એમને દફનાવાયા.

ગુજરાતના ઇતિહાસ અને સૌરાષ્ટ્રના લોકસાહિત્યામાં એક ઊજળા પાને આલેખાયેલી કાદુ મકરાણીની ગાથા જ્યાં પૂરી થઈ, એ જ લ્યારીમાંથી હિંદી ફિલ્મ 'ધુરંધર;'ની કહાણી શરૂ થઈ, જેની ચર્ચા આજકાલ થઈ રહી છે.

અંગ્રેજોએ ભારતીય ઉપખંડ પર પોતાની આણ વર્તાવી એ વખતે બલોચ સૈનિકો અને શ્રમિકો હિંદ મહાસાગરના કિનારે છેક ઝાંઝીબારથી કાઠિયાવાડ સુધી ફેલાયેલા હતા અને મોટા ભાગે રજવાડાંમાં સૈનિકો તરીકે સેવા પૂરી પાડતા. બદલામાં એમને જમીનજાગીરી પણ મળતી. અને એમના વૈવિધ્યસભર વારસા થકી એ બલૂચો નાયકો, સામ્રાજ્યવાદના વિરોધી, જાંબાઝ સૈનિકો અને ડાકુ સુધ્ધાં બન્યા હતા. ચાકર રિંદ અને કાદુ મકરાણીએ આવી રીતે જ કાઠું કાઢ્યું હતું.

જોકે, આ સૈનિકોમાં મોટા ભાગે જે-તે રજવાડાંમાં કરાર આધારીત ચાકરી કરતા અને કરાર પૂરો થતાં બલૂચિસ્તાન પરત ફરતા. આવી જ રીતે મકરાણથી મોટી સંખ્યામાં બહાર નીકળેલા સૈનિકો અંગ્રેજોના સમયમાં લ્યારીમાં વસ્યા અને બાદમાં રાજકીય ઓથ હેઠળ એમનો મારગ ગુનાખોરી તરફ ફંટાઈ ગયો.

લ્યારીમાં બલૂચ ગૅન્ગસ્ટરો પોતાનાં મૂળિયાં છેક કાદુ મકરાણી સુધી ફેલાવવામાં ગર્વ અનુભવતા હોવાનું યુનિવર્સિટી ઑફ સાઉથ ઑસ્ટ્રેલિયામાં રજૂ કરાયેલા એક સંશોધન પેપરમાં નોંધવામાં આવ્યું છે. એમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર લ્યારીના ગૅંગસ્ટરોએ ઇમેજ બ્રાન્ડિંગ એવું કર્યું હતું કે લ્યારીમાં બદમાશ ગણાવાને બદલે તેઓ બલૂચ સરદારો, આગેવાનો અને નાયકો ગણાતા હતા.

આ જ લ્યારીમાં ગોળીઓના ધડબડાટ અને સાંકડી ગલીઓ વચ્ચે ફિલ્મની કહાણી આકાર લે છે. ફિલ્મીપડદે ભયાવહ લાગતો વિસ્તાર ખરેખર કેવો છે એનું વર્ણન બીબીસી ઉર્દૂ સેવાના સંવાદદાતા રિયાઝ સૌહેલે કર્યું છે.

'ધુરંધર'નું લ્યારી ખરેખર કેવું લાગે છે?

ફિલ્મ ‘ધૂરંધર’ની પટકથામાં પાકિસ્તાનના લ્યારી શહેરનો ઘણો ઉલ્લેખ છે
ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'ધુરંધર'ની પટકથામાં પાકિસ્તાનના લ્યારી શહેરનો ઘણો ઉલ્લેખ છે

"મેં જ્યારે 'ધુરંધર' ફિલ્મનું ટ્રેલર જોયું, ત્યારે મને લાગ્યું, જાણે મારું બાળપણ પાછું આવ્યું. જ્યારે આ બધી વસ્તુઓ અમારી સામે થતી હતી, ત્યારે તો અમે રસ્તા પર ક્રિકેટ રમતા હતા."

કરાચીના વિસ્તાર લ્યારીમાં ગૅંગસ્ટર્સની લડાઈ અને પોલીસ ઑપરેશન્સને ભારતીય ફિલ્મ 'ધૂરંધર'ની પટકથામાં સામેલ કરવામાં આવ્યાં છે.

આ પટકથાએ હિપ-હૉપ સિંગર કામરાન આદમ સુમૂં જેવા લ્યારીના ઘણા લોકોને ભૂતકાળની યાદ અપાવી, જેને કેટલાક લોકો 'કાલા દૌર' (અંધકારમય કાળખંડ) ઠરાવે છે.

આ ફિલ્મનું ટ્રેલર એવા સમયે યુટ્યૂબ પર ટ્રૅન્ડ કરે છે, જ્યારે ઘણા યુઝર્સ ફિલ્મમાં મારધાડવાળા સીન બતાવવા બદલ ટીકા કરે છે.

આ ફિલ્મ, જે સ્પષ્ટ પણે પાકિસ્તાન અને ભારતની જાસૂસી સંસ્થાઓની એકબીજાના દેશમાંની કાર્યવાહીઓને દર્શાવે છે અને આ એવા સમયે રિલીઝ કરાઈ રહી છે જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે મેના વિવાદ પછીથી તણાવની સ્થિતિ હજુ પણ ચાલુ છે.

મજૂર વસ્તી અને 'ગૅંગ ઑફ લ્યારી'ની સફર

ફિલ્મ ‘ધુરંધર’નું પોસ્ટર

ઇમેજ સ્રોત, ADITYADHAR FILMS/X

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'ધુરંધર'નું પોસ્ટર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2023ની વસ્તીગણતરી પ્રમાણે, લ્યારી ટાઉનની વસ્તી લગભગ 10 લાખ છે અને તે કરાચીના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંનો એક છે.

અહીં બલૂચ, સિંધી, ઉર્દૂ, પશ્તૂન અને પંજાબી બોલતા લોકો રહે છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ઘણી સંસ્કૃતિઓ એકસાથે રહે છે.

લ્યારી વિશે કહેવાય છે કે તેણે જ કરાચી શહેરને જન્મ આપ્યો, જ્યાં શરૂઆતમાં મજૂરવર્ગનો વસવાટ હતો. સમયની સાથે ઔદ્યોગિક વિકાસ અને બંદર નજીક હોવાના કારણે અહીં મજૂર, કારીગર અને વેપારી લોકો વસી ગયા અને આ શહેર પહેલો 'વર્કિંગ ક્લાસ' વિસ્તાર બન્યો.

આ રીતે તે રાજકીય પ્રવૃત્તિઓ અને મજૂર આંદોલનોનું પણ કેન્દ્ર રહ્યું.

21મી સદીની શરૂઆત આ વિસ્તાર માટે ખરાબ રહી. પહેલાં માદક પદાર્થોના વિક્રેતાઓ અને ત્યાર પછી ગૅંગસ્ટર્સ ગ્રૂપ સક્રિય થયાં.

શહેરમાં ભાષાગત ભેદભાવ અને તોફાનોએ પણ પોતાનો પરચો બતાવ્યો અને લ્યારીની ઓળખ બદલાવા લાગી.

ભૂતકાળમાં લ્યારીમાં ગૅંગ્સ માત્ર માદક પદાર્થોના વેચાણ સુધી જ સીમિત નહોતી. કલાકોટની અફશાની ગલીના બે ભાઈઓ શેરમોહમ્મદ (શેરૂ) અને દાદમોહમ્મદ (દાદલ, રહમાન બલોચના પિતા)એ ડ્રગ્સના વેપારને ફેલાવવા અને શક્તિ મેળવવા માટે પોતાની ગૅંગ બનાવવાનું શરૂ કર્યું.

પૂર્વ એસપી ફૈયાઝખાન અનુસાર, "બીજી બાજુ ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા ઇકબાલ ઉર્ફે બાબુ ડકૈતની ગૅંગ પણ લ્યારીના આ જ વિસ્તાર કલરી અને આસપાસના મહોલ્લાઓમાં સક્રિય હતી. પછી લ્યારી જેવી મોટી વસ્તીનો કયો વિસ્તાર કોની પાસે રહેશે અને કયા મહોલ્લામાં ચરસ અને અફીણ જેવાં ડ્રગ્સનો વેપાર કોના કબજામાં રહેશે, તે રસ્સાકસી દુશ્મનીની રંગ લેતી ગઈ."

લ્યારી ટાઉનનો એન્ટ્રી ગેટ
ઇમેજ કૅપ્શન, લ્યારી ટાઉનનો ઍન્ટ્રી ગેટ

દાદલના મૃત્યુ પછી રહમાને 'વારસો' સંભાળ્યો અને ટૂંક સમયમાં વેપારની ઇર્ષા અને એકબીજાને નીચા દેખાડવાની ખેંચતાણમાં એક દિવસ હાજી લાલુ અને તેના પુત્રો સાથે રહમાન તકરાર થઈ ગઈ.

આ તકરારે લાલુ અને રહમાનના રસ્તા અલગ કરી દીધા.

પૂર્વ એસપી ફૈયાઝખાન અનુસાર, કલેશના વલણે દુશ્મનીનું રૂપ લઈ લીધું એટલે લાલુના પુત્ર અરશદ પપ્પુએ કલાકોટમાં રહમાનને રસ્તામાંથી હટાવવાની કોશિશ કરી.

રહમાન બચી તો ગયો, પરંતુ અરશદ પપ્પુનો ગુસ્સો તેના સંબંધીઓ તરફ વળ્યો અને અરશદ પપ્પુના હાથે રહમાનના સંબંધીઓની હત્યા થવા લાગી.

આ બાજુ રહમાને બાકી બચેલી શક્તિ ભેગી કરીને જવાબી રીતે અરશદ પપ્પુના સંબંધીઓ પર હુમલાની શરૂઆત કરી.

તેમાં બલૂચ એકતાના નેતા અને લ્યારીની જાણીતી વ્યક્તિ અનવર ભાઈજાન જેવા લોકોની પણ હત્યા થઈ ગઈ.

પોલીસ અનુસાર, ડ્રગ્સ પછી લ્યારીની ગૅંગ્સ બળજબરીથી ખંડણી વસૂલવા લાગી.

શેરશાહ કબાડી માર્કેટથી લઈને જોડિયા બજાર સુધી, જે શહેરનું હોલસેલ માર્કેટ છે, આ વિસ્તાર વધતો ગયો.

આખરે વર્ષ 2009માં રહમાન એસપી ચૌધરી સાથેની એક કથિત અથડામણમાં મૃત્યુ પામ્યો અને તેની ગૅંગની ધુરા ઉજૈર બલોચના હાથમાં આવી ગઈ, જેણે સ્થાનિક રાજકારણ પર પણ પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું.

વર્ષ 2012માં લ્યારીના ચીલ ચોક પર ઑપરેશન કરવામાં આવ્યું, જે એક અઠવાડિયા સુધી ચાલ્યું.

આ કારણે આ વિસ્તારના લોકો એક અઠવાડિયા સુધી સુરક્ષિત રહ્યા. આ ઑપરેશનમાં 25થી વધુ લોકો મૃત્યુ પામ્યાં, જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ હતા.

વર્ષ 2013માં જ્યારે કરાચીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ઑપરેશન શરૂ થયું, ત્યારે લ્યારીની ગૅંગ્સ પણ રડારમાં આવી ગઈ.

અડધા કલાકમાં પાંચ બૉક્સરની હત્યા

લ્યારીમાં ગૅંગવૉર દરમિયાન એક બિલ્ડિંગ પર વાગેલી ગોળીઓનાં નિશાન
ઇમેજ કૅપ્શન, લ્યારીમાં ગૅંગવૉર દરમિયાન એક બિલ્ડિંગ પર વાગેલી ગોળીઓનાં નિશાન

શેરમોહમ્મદ બલોચ પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્તરના બૉક્સર છે. હાલના સમયે તેઓ ફકીર કૉલોનીમાં છોકરા-છોકરીઓને બૉક્સિંગ શિખવાડે છે.

આ ટ્રેનિંગમાં તેમની સાથે ઉસ્તાદ ફિદા બલોચ પણ રહે છે. બંનેએ સાથે મળીને અકૅડમી બનાવી છે.

બંને ગૅંગવૉરનો ભોગ બનેલા લોકોમાં સામેલ છે. શેરમોહમ્મદનો નાનો પુત્ર અને ફિદાના બે ભાઈ તેમાં મૃત્યુ પામ્યાં.

શેરમોહમ્મદે જણાવ્યું કે લ્યારીની હાલતના કારણે વર્ષ 2008માં તેઓ સંગો લાઇન છોડીને મવાછ ગોઠ જતા રહ્યા હતા, પરંતુ ગૅંગસ્ટર્સે તેમને ત્યાં પણ ન છોડ્યા.

તેમના અનુસાર, ફક્ત અડધા કલાકમાં તેમના પાંચ બૉક્સરને મારી નાખવામાં આવ્યા.

તેમના અનુસાર, "9 માર્ચ 2014ની રાત્રે 11 વાગ્યે હથિયારો સાથે 30થી 40 લોકો આવ્યા. તેમણે ઉસ્તાદ ફિદાના ભાઈઓના ઘરનો દરવાજો ખખડાવ્યો, છોકરાઓને બહાર કાઢ્યા, મારા પુત્રને પણ બહાર કાઢ્યો અને દરવાજો બહારથી બંધ કરી દીધો."

તેમણે દુઃખી સ્વરે કહ્યું, "અમારા પાંચ બૉક્સરોની માથા પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ."

ફિદા બલોચે જણાવ્યું કે તેમણે પુત્રવધૂને કૉલ કરીને તેની માહિતી આપી. તેઓ તરત ત્યાં પહોંચ્યા ત્યારે લોકોએ જણાવ્યું કે મૃતદેહો અને પરિવારને સુઝુકી કારમાં નાખીને લ્યારી મોકલ્યા અને કહ્યું કે જ્યાંથી આવ્યા છો, ત્યાં જાઓ.

તેઓ લ્યારી જવા માટે નીકળ્યા, તો રસ્તામાં મીરાં નાકા પર ગૅંગવૉરવાળાઓએ પકડવાની કોશિશ કરી, પરંતુ તેઓ બચીને નીકળવામાં સફળ રહ્યા. પછી તેમને જાણવા મળ્યું કે ફૅમિલી સિવિલ હૉસ્પિટલમાં છે. ત્યાં મૉર્ચરીમાં જોયું તો ભાઈઓના મૃતદેહો પડ્યા હતા.

ફિદા બલોચે જણાવ્યું કે તેઓ મૃતદેહોને ફકીર કૉલોની લઈ આવ્યા અને તેને ત્યાં દફન કર્યા. બીજા દિવસે તેમને જાણવા મળ્યું કે ગૅંગવાળાઓએ તેમનાં ઘર સળગાવી દીધાં છે. તે દિવસ પછી શેરમોહમ્મદ બલોચે મવાછ છોડીને ફકીર કૉલોનીમાં રહેવાનું શરૂ કરી દીધું.

શેરમોહમ્મદ બલોચે કહ્યું કે તેઓ ઇચ્છતા હતા કે "અમે ત્યાં થતી ગૅંગવૉરમાં સામેલ થઈ જઈએ, પરંતુ અમે એવું નથી ઇચ્છતા; કેમ કે, બૉક્સિંગ અમારી ખાનદાની ઓળખ છે અને અમે એવાં કામોમાં નહોતા પડતા."

લ્યારીનો 'અંધકારમય સમયગાળો'

લ્યારી શહેરનું એક પારંપરિક બજાર
ઇમેજ કૅપ્શન, લ્યારી શહેરનું એક પારંપરિક બજાર

'ધુરંધર' ફિલ્મમાં જે લ્યારીને બતાવવામાં આવ્યું છે, તે શું આજે પણ એવું જ છે?

એ જાણવા માટે અમે પાંચ દિવસના લ્યારીનાં ગલીઓ-મહોલ્લાઓમાં ખૂબ ફર્યા અને ત્યાંના યુવાનો સાથે વાત કરી.

રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવા છતાં અહીંના યુવાનોએ હાર નથી માની અને એક નવી ઓળખના સંઘર્ષમાં લાગી ગયા છે.

અહીં લ્યારી ગર્લ્સ કૅફે અને મેહર દર કૅફે જેવી સંસ્થાઓ બની ચૂકી છે, જ્યાં જુદી જુદી જાતિ સમૂહોના યુવાનો આવીને ચર્ચા પણ કરે છે.

મેહર દર કૅફેમાં પરવીન બલોચે અમારું સ્વાગત કર્યું. અહીં ચા–સમોસાની સાથે લાઇબ્રેરીની પણ સુવિધા છે.

અહીં અમારી મુલાકાત લ્યારીના લેખક રમજાન બલોચ સાથે થઈ. તેમણે લ્યારીના અગાઉના સમયને 'અંધકારમય કાળખંડ' ગણાવ્યો અને કહ્યું કે તે સમયે રોજિંદું જીવન અસ્તવ્યસ્ત હતું, યુવાનોની શિક્ષણ કૅરિયરને અસર થઈ હતી અને રોજગારની સમસ્યા ઊભી થઈ ગઈ હતી. તે ઉપરાંત, લોકોનો જીવ બચાવવો પણ મુશ્કેલ થઈ ગયું. આ બધી વાતોથી લ્યારીની ઓળખ ફરી પ્રભાવિત થઈ.

તેમણે કહ્યું, "કરાચીના બીજા વિસ્તારોમાં હિંસક ઘટનાઓની શરૂઆત વર્ષ 1985માં થઈ, પરંતુ તેની અસર અમારા સુધી ઘણી મોડી પહોંચી. તે દિવસોમાં હડતાળો અને તોફાનો સામાન્ય બાબત હતી, પરંતુ લ્યારીમાં શાંતિ હતી."

પરવીન બલોચે વાતને આગળ વધારતાં જણાવ્યું કે વિસ્તારો વહેંચાઈ ગયા હતા. "જેમ કે, એક વિસ્તાર કલરી છે, તો સામે શાહ બેગ લાઇન છે. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવામાં મુશ્કેલી થઈ રહી હતી, દરેક વિસ્તારની સીમા બની ગઈ હતી અને દરેક ગલીનો પોતાનો 'હીરો' હતો."

ફહીમ બલોચ સામાજિક કાર્યકર છે. તેમને જણાવ્યું કે લોકો તેમને 'ડાડા', 'બલોચ', 'વાજા' કહેતા હતા, એટલે કે કોઈ પણ પ્રકારે તેમને ગૅંગવૉર સાથે જોડતા હતા.

તેમણે કહ્યું, "અમને તેમને એ સમજાવવામાં ઘણો સમય લાગ્યો કે અમે કોણ છીએ અને અમે કઈ રીતે શાંતિપ્રિય નાગરિક હતા, પરંતુ તે દરમિયાન ઘણા બધા યુવાન 'ઓળખના સંકટ'નો શિકાર બની ગયા, જેમનાં દિલ તૂટી ગયાં તેઓ લ્યારી છોડીને જતા રહ્યા. તેઓ એ વાતનો અફસોસ કરતા હતા કે તેઓ અહીં શા માટે જન્મ્યા."

પરવીન બલોચે મેહર દર કૅફે બનાવવા વિશે જણાવ્યું કે આ કૅફેની પહેલાં પૉલિટેક્‌નિક કૉલેજ ગૅંગસ્ટર્સનો ગઢ હતો, જ્યાં તેઓ લોકોને લઈ આવતા, તેમના પર અત્યાચાર કરતા અને તેમનાં ખૂન કરતા.

ઑપરેશન પછી તેમણે ત્યાં યુવાનોને ભેગા કર્યા અને પોતાની સંસ્થા સ્થાપી.

એક નાનો ઢાબો, જેને 'આવો, શાંતિની વાત કરીએ' ઢાબા કહેવામાં આવતો હતો. જ્યાં લોકો રાજકીય ચર્ચા કરતા. ત્યાર પછી આ ભાડાની જગ્યાને લઈને કૅફે 'મેહર દર પબ્લિક સ્પેસ' બનાવવામાં આવ્યું. અહીં બધા જાતિ સમૂહો અને ધર્મના લોકો આવે છે.

કૅફેમાં ચા પીતાં પીતાં મેં મારા મોબાઇલ ફોનમાં 'ધૂરંધર' ફિલ્મનું ટ્રેલર ચલાવ્યું અને પૂછ્યું કે એસપી ચૌધરી અસલમ, રહમાન ડકૈત અને બીજાં પાત્રો જોઈને તેમના દિલમાં કેવા વિચાર આવે છે.

ફહીમ બલોચે 'ગૅંગ્સ ઑફ વાસેપુર'નો ઉલ્લેખ કરતાં મને જણાવ્યું કે ભારતમાં ગૅંગ્સ પર પહેલાં પણ ફિલ્મો બનતી રહી છે અને દુનિયામાં ક્યાં ગુના નથી થતા?

"પહેલાં તો અમે ઘણા ડિસ્ટર્બ હતા. પછી મને લાગ્યું કે અમે તેનાથી ઘણા આગળ નીકળી ગયા છીએ."

પરવીન બલોચનું કહેવું હતું કે જે બાળકો અત્યારે છે, તેઓ આ ફિલ્મ જોઈને જરૂર સવાલ કરશે.

તેમણે કહ્યું, "અમને એ વાત માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે કે અમારી ઓળખ શું છે, અમારી તે ઓળખ જે સકારાત્મક છે. આ એક એવો સમય હતો, જે થોડા સમય માટે આવ્યો. આ એ સમય હતો, જેણે અમારા પર ધબ્બો લગાવી દીધો, આ જ 'અંધકારમય કાળખંડ' સાથે અમને ધકેલવાની કોશિશ કરવામાં આવી, પરંતુ અહીંના લોકો અને યુવાનોએ વિરોધ કર્યો અને તેનાં પરિણામરૂપે આજે અમે લ્યારીને ફરીથી શાંતિવાળી જગ્યા બનાવવામાં સફળ થયા છીએ."

આવનારી પેઢી એવા કાળખંડમાંથી પસાર ન થાય.

"જો, ખુદા ન કરે, એવો સમયગાળો ફરીથી આવ્યો, તો તે ખૂબ મોટું નુકસાન હશે."

ફુટબૉલના મેદાનમાં

લ્યારીમાં બૉક્સિંગની પ્રેક્ટિસ કરતી છોકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લ્યારીમાં બૉક્સિંગની પ્રૅક્ટિસ કરતી છોકરીઓ

લ્યારીને 'પાકિસ્તાનનું બ્રાઝિલ' કહેવામાં આવે છે અને આ વિસ્તાર ફૂટબૉલ વર્લ્ડકપમાં શણગારવામાં આવે છે.

કેટલાક વિસ્તારોમાં હજુ પણ કેટલાક દેશોના ધ્વજ દેખાય છે, પરંતુ અહીં ગૅંગવોરના જમાનામાં ફૂટબૉલ મૅચ દરમિયાન વિસ્ફોટ થયા હતા અને એકૅડેમીઓ ખાલી થઈ ગઈ હતી.

હવે આ શહેર ફરીથી વસ્તીવાળું અને આબાદ થવા લાગ્યું છે.

કોચ ઇમાદની ફૂટબૉલ એકૅડેમીનું મેદાન 2018 સુધી માત્ર માટી અને ધૂળથી ભરેલું હતું, પરંતુ હવે તે હરિયાળીથી ભરેલું છે. છોકરીઓએ પણ અહીં ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છે.

હાલમાં લ્યારીમાં ચાર એકૅડમી છે જ્યાં છોકરીઓ ફૂટબૉલ રમે છે અને પ્રગતિ કરી રહી છે.

દુઆ ફાતુમ તેમની ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન અને હવે કોચ છે. તેઓ કહે છે, "લ્યારીની છોકરીઓ નૉર્વે અને સિંગાપોર પણ ગઈ છે. છોકરીઓ પ્રગતિ કરી રહી છે અને લ્યારીનું ગૌરવ વધારી રહી છે."

"લ્યારીના લોકો ફક્ત ગૅંગસ્ટર નથી, તેઓ આગળ વધી શકે છે. સરકારે તેમને ટેકો આપવો જોઈએ, પરંતુ તેમને સરકારનો ટેકો મળતો નથી."

લ્યારીની સ્ટ્રીટ વાઇબ...

લ્યારીમાં ફૂટબૉલનો જબરજસ્ત ક્રેઝ છે
ઇમેજ કૅપ્શન, લ્યારીમાં ફૂટબૉલનો જબરજસ્ત ક્રેઝ છે

લ્યારીમાં પહેલેથી જ પરંપરાગત સંગીત પરંપરા હતી. અહીં સંગીત રચાતું પણ હતું અને વગાડવામાં પણ આવતું હતું. પરંતુ ગોળીબારના બિહામણા અવાજમાં તેનો અવાજ જાણે કે લુપ્ત થઈ ગયો હતો.

સાંકડી, ભીડભાડવાળી શેરીઓ, જે એક સમયે ભયનું પ્રતીક માનવામાં આવતી હતી, એ જ ગલીઓમાંથી પ્રતિરોધે જન્મ લીધો અને આગળ જતાં હિપ-હૉપનું સ્વરૂપ લીધું.

કૈફી ખલીલ દુનિયાને આ કહાણી કહી રહ્યા છે, ત્યારે ઇવાનો ફોટો પણ ન્યૂ યૉર્કના ટાઇમ્સ સ્ક્વૅરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

કામરાન આદમ સુમૂન જેવા ગાયકોએ લ્યારીના દુ:ખ પણ દુનિયાને કહ્યું અને તેની સુંદરતાનું પણ વર્ણન કર્યું.

તેમણે કહ્યું કે જ્યારે તેમણે હિપ-હૉપ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે બનાવેલું પહેલું ગીત 'લ્યારી વૉઇસ સિટી' હતું.

આ એ જ વસ્તુઓ હતી જેને તેમણે બાળપણમાં જોઈ હતી. ગોળીબાર, રૉકેટ લૉન્ચર અને ભારે હિંસા. ત્યારબાદ તેમણે 'લ્યારી મેરા નામ' ગીત બનાવ્યું, જેમાં વર્તમાન લ્યારીનું ચિત્રણ કરવામાં આવ્યું.

કામરાન આદમ સુમૂન કહે છે કે, "અલબત્ત, લોકોએ લ્યારીને સ્વીકારવાનું શરૂ કર્યું જ્યારે તેની પ્રતિભા સ્પષ્ટ થઈ. જેમ કે જ્યારે અમારી ફૂટબૉલ ટીમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જવાનું શરૂ કર્યું. બીજું, અમારું હિપ-હૉપ સંગીત ખૂબ સારું છે, કારણ કે અમને કરાચીના બાકીના ભાગમાં આ પ્રકારનું સંગીત જોવા મળતું નથી જેવું અહીં છે. તેમાં 'સ્ટ્રીટ વાઇબ' છે, તેથી લોકો તેને પસંદ કરી રહ્યા છે."

આદમ કહે છે કે જ્યારે પણ તેઓ લ્યારીની બહાર જાય છે, ત્યારે તે કોઈ રિક્ષા કે ટૅક્સીમાં લ્યારી સંગીત વાગતું જુએ છે. જેનાથી તેને અંદરથી ખુશી થાય છે કે એક એવો વિસ્તાર જે ક્યારેય કોઈએ જોયો ન હતો, તેને અચાનક આટલી બધી ઓળખ મળી ગઈ છે.

લ્યારીના ઘણા વિસ્તારોની દિવાલો પર હજુ પણ ગોળીઓનાં નિશાન દેખાય છે, ગૅંગવોરમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ઘણા લોકોના હૃદય પણ દુઃખી છે, પરંતુ લ્યારી બદલાઈ ગયું છે.

હવે અહીં સપનાં વસે છે અને અહીંના યુવાનોએ સાબિત કર્યું છે કે પહેલા પોતાનો વિસ્તાર અપનાવવામાં આવે છે અને પછી ઓળખ બદલાય છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન