'મારી પાસે તારા નગ્ન ફોટા છે અને તને બરબાદ કરી દે એ બધું જ છે', સેક્સટોર્શનમાં યુવતીઓ યુવાનોને કઈ રીતે ફસાવે છે?

- લેેખક, તીર ધોન્ડી
- પદ, બીબીસી થ્રી
"મારી પાસે તમારા નગ્ન ફોટોગ્રાફ્સ અને તમારા જીવનને બરબાદ કરી નાખવા માટે જે જોઈએ છે તે બધું જ છે."
કિશોર વયના અમેરિકન ઇવાન બૉટલરને સોશિયલ મીડિયા પર આ મૅસેજ એક એવી વ્યક્તિ તરફથી મળ્યો હતો, જે તેને એક યુવતી લાગતી હતી, પરંતુ વાસ્તવમાં તે સાયબર સ્કૅમર (ઑનલાઇન કૌભાંડકર્તા) હતો.
પહેલો મૅસેજ મળ્યાની માત્ર 90 મિનિટ પછી 16 વર્ષના એ છોકરાએ આત્મહત્યા કરી હતી.
સેક્સટોર્શન એ સૌથી ઝડપથી વિકસતા ઑનલાઇન ગુનાઓ પૈકીનું એક છે. સામાન્ય રીતે અમેરિકા અને યુરોપમાંના ટીનેજર્સ પીડિતોને અંગત ફોટોગ્રાફ્સ અથવા વીડિયો મોકલવા માટે ફસાવવામાં આવે છે. પછી તેઓ પૈસા ન ચૂકવે તો સ્કૅમર્સ એ ફોટો-વીડિયો શૅર કરવાની ધમકી આપે છે.
ઇવાનનાં માતા કારીએ કહ્યું હતું, "ઇવાન ચાલ્યો ગયો છે એવું આખરે રાતે તેમણે અમને કહ્યું ત્યારે કંઈ સમજાયું ન હતું. અમારા પરિવાર સાથે આવું કેવી રીતે બની શકે એ મને સમજાતું નથી."
કારી મિઝોરીમાં ઇવાનના પિતા સાથે રહે છે. તેઓ તેમના દીકરાને એવા તેજસ્વી, આનંદી કિશોર ગણાવે છે, જેને માછીમારી, રમતગમત અને શિકારનો ખૂબ શોખ હતો.
તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024ની શરૂઆતમાં એક ઠંડી બપોરે સ્નૅપચૅટ પર JennyTee60 નામની છોકરીએ ઇવાનનો સંપર્ક કર્યો હતો.
એ લાગતું હતું તેવું ન હતું. થોડી મિનિટોમાં જેનીએ ઇવાનને તેના અશ્લીલ ફોટોગ્રાફ્સ શૅર કરવા રાજી કરી લીધો હતો અને તરત જ તેને નિર્દયતાપૂર્વક બ્લૅકમેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આફ્રિકામાં પગેરું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લગભગ બે વર્ષ પછી પણ ઇવાનના પરિવારજનોની પીડાનો અંત આવ્યો નથી. જવાબો માટેની શોધમાં તેમને નિરાશા સાંપડી છે.
પરિવાર પાસે જરૂરી માહિતી નથી અને એફબીઆઈ પર કાર્યવાહીનું દબાણ કરવા છતાં મેટા જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અદાલતના આદેશ વિના માહિતી શૅર કરવાનો ઇન્કાર કરે છે. ઇવાનના મૃત્યુ પછીનાં વર્ષોમાં કાયદાનો અમલ કરાવતી એજન્સીઓએ બહુ ઓછી પ્રગતિ કરી હોય તેવું લાગે છે.
જોકે, એક મહત્ત્વની કડી જરૂર મળી છે. સ્કૅમરે એક તબક્કે ઇવાનનું ફેસબૂક યુઝરનેમ માંગ્યું હતું અને આમ કરતી વખતે તેણે પોતાનું આઈપી ઍડ્રેસ આપ્યું હતું.
તે ડિજિટલ ફૂટપ્રિન્ટ મને નાઇજીરિયાનાં વિવિધ સ્થળોએ અને તેના સૌથી વધુ વસ્તીવાળા શહેર લાગોસ લઈ ગઈ હતી. ત્યાંથી ગુનેગાર મળી આવશે એવી મને આશા હતી.
પહેલી મુલાકાતમાં વખતે એવી શેરીઓમાં જવાનું થયું, જ્યાં "યાહૂ બૉય્ઝ" તરીકે ઓળખાતા શહેરના ઘણા સ્કૅમર્સ રહે છે. તેમનું નામ 2000ના દાયકાની શરૂઆતમાં ઑનલાઇન કૌભાંડ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઈમેલ પરથી રાખવામાં આવ્યું છે.
એ પૈકીના મોટાભાગના આયુષ્યની વીસીના દાયકામાં છે. ગરીબ વિસ્તારોમાં રહે છે, પરંતુ મોંઘી અને ઝડપથી દોડતી કારો તથા સરળતાથી પૈસાદાર બનવાનાં સપનાં જુએ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાં મારી મુલાકાત ઑલા સાથે થઈ હતી. તેણે સેક્સટોર્શનની પદ્ધતિ સંપૂર્ણપણે કુદરતી રીતે સમજાવી હતી.
ઑલાએ કહ્યું હતું, "ફેક જનરેટર્સમાંથી મળેલા નકલી નામનો ઉપયોગ કરીને એક મહિલાના નામે એકાઉન્ટ ખોલવામાં આવે છે. એવી ઘણી વેબસાઇટ્સ છે, જેમાં તમે ઇચ્છો તે દેશના લોકોનાં નામ શોધી શકો છો."
એકવાર પ્રોફાઈલ બની જાય પછી શિકારની શોધ શરૂ થાય છે. સ્ક્રીનની બીજી બાજુના લોકો સ્કૅમર્સ માટે ફક્ત યુઝરનેમ બની જાય છે. કોઈ પૈસા મોકલશે એવી આશામાં તેઓ દરરોજ સેંકડો લોકોને મૅસેજીસ મોકલે છે.
આ બહુ નિર્દય લાગે છે અને તેનાથી કોઈનું જીવન બરબાદ થઈ શકે છે, એવું હું કહું છું ત્યારે તે કહે છે, "મને ખરાબ નથી લાગતું, કારણ કે મને પૈસાની જરૂર છે."
બ્રિટિશ કે અમેરિકન ટીનેજર તેને પૈસા ચૂકવી શકે એમ નથી, એવું માનવું ઑલાને દેખીતી રીતે અશક્ય લાગતું હતું. તેના માટે પશ્ચિમમાં જન્મવું એ વિશેષાધિકારનો પર્યાય છે.
તું એ લોકો પર હુમલા શા માટે કરે છે, એવો સવાલ પૂછ્યો ત્યારે તેનો જવાબ પણ એટલો જ મજબૂત હતોઃ "કારણ કે તેમની જાતીય ઇચ્છા ખૂબ જ વધારે છે અને યુવાનોને ડર છે કે તેમના ફોટોગ્રાફ્સ તેમના સહપાઠીઓ, તેમનાં માતાપિતા અને તેમના દોસ્તો સાથે શૅર કરવામાં આવશે."
સંગઠિત ટોળકીઓ

ઑલા એકલો કામ કરતો હતો, પરંતુ અન્ય કિસ્સાઓ દર્શાવે છે કે લાગોસમાં સેક્સટોર્શન કેવી રીતે વધુ સંગઠિત કામગીરીની માફક વિકસ્યું છે. ટોળકીઓના સરદારો તેને ચલાવે છે, તેમાં ઉપરથી નીચે એમ વ્યવસ્થા તંત્ર છે અને સહિયારાં સંસાધનો છે, જે મહત્તમ કમાણી કરવા માટે રચાયેલાં છે.
મારી તપાસ મને શહેરના સૌથી ગરીબ જિલ્લાઓ પૈકીના એક માકૉકૉનીની કૅનાલ તરફ દોરી ગઈ હતી. ત્યાં લાગોસ લગૂનના કિનારા પર લાકડાનાં મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ત્યાં ફિલ્માંકન કરતાં પહેલાં અમારે સમુદાયના પ્રમુખની પરવાનગી લેવી પડી હતી અને સમગ્ર પ્રક્રિયા એક સ્થાનિક દળના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. નહેરોના ચક્રવ્યૂહમાંથી કેવી રીતે આગળ વધવું તે સ્થાનિક દળ જાણતું હતું.
મેં "સ્કૅમ કિંગડમ" નામે ઓળખાતી કામગીરી વિશે સાંભળ્યું હતું. તે ઓરડાઓમાં યુવા લોકોની ટોળકી ફોન સ્કૅમ્સ કરતી હતી. તેમનું ભાગ્યે જ રેકૉર્ડિંગ કરવામાં આવતું હતું, પરંતુ લાંબી વાતચીત પછી મને ત્યાં જવાની પરવાનગી મળી હતી.
એ સ્કૅમ કિંગડમ એક નાનકડી ઇમારતના બીજા માળે હતું. એક નાનકડા ઓરડામાં ડઝનેક યુવાનો તેમના ખોળામાં લૅપટૉપ રાખીને બેઠા હતા અને તેમના મોબાઇલ સંભવિત પીડિતોના મૅસેજીસથી રણકતા હતા.
ત્યાંનું વાતાવરણ કોઈ કૉલ સેન્ટર જેવું હતું. તેઓ ફેક પ્રોફાઇલ્સ, સ્ક્રિપ્ટ અને નવા પીડિતોનાં નામોનું આદાનપ્રદાન કરતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
દરેક યુવાન એક ભૂમિકા ભજવતો હતો, પરંતુ બધા પૈસા "ઘોસ્ટ" તરીકે ઓળખાતા તેમના સરદાર પાસે જતા હતા. છેતરપિંડીના ઉસ્તાદો તેમના શિષ્યોને છેતરપિંડીના પાઠ ભણાવતા હતા.
આસાનીથી પૈસા કમાવાની લાલચ હતી, પરંતુ તેમની બહાદૂરી પાછળ કશુંક હિંસક છુપાયેલું હતું. તેથી બાળકો અને કિશોરો પણ ગુનાઓ કરવા પ્રેરાતાં હતાં.
વૃદ્ધ "માર્ગદર્શકો" તેમની સફળતાની કથાઓની અને સામાજિક દરજ્જાની બડાઈ મારતા હતા. દરેક કૌભાંડમાંથી કટકી લેતા હતા અને એક દુષ્ટ ચક્ર બનાવતા હતા, જેમાંથી છટકવું મુશ્કેલ હતું.
એ લોકોને કામ કરતા જોઈને મને એ સમજાયું હતું કે તે એકલદોકલ છેતરપિંડી કરતાં કેટલું અલગ હતું. તે સંગઠિત, કાર્યક્ષમ અને નિર્દય વ્યવસ્થા હતી. શક્ય તેટલા વધુ પૈસા પડાવવા માટે તે રચવામાં આવી હતી.
ઇવાન સાથે છેતરપિંડી કરી એ માણસ કૉન કિંગડમનો હિસ્સો હશે કે પછી એકલો હશે? ટોળકીના સરદારે, ઘોસ્ટે દાવો કર્યો હતો કે તેઓ મુખ્યત્વે નાણાકીય કૌભાંડો અને ખાસ કરીને રોમૅન્ટિક કૌભાંડો સાથે સંકળાયેલા છે, પરંતુ સેક્સટોર્શન કરતા નથી, કારણ કે તેઓ ભગવાનથી ડરતી વ્યક્તિ છે.
તેમણે ઉમેર્યું હતું કે ફક્ત દુષ્ટ હૃદયવાળી વ્યક્તિ જ આવાં કૃત્યો કરી શકે. "કૌભાંડોના દેશમાં" સેક્સટોર્શનને શરમજનક ગણવામાં આવે છે.

આ કૌભાંડકર્તાઓએ મને જણાવ્યું હતું કે યાહૂ બૉય્ઝ હવે "યાહૂ પ્લસ" નામના એક સંગઠનમાં પરિવર્તિત થઈ રહ્યા છે. તેમાં સ્થાનિક પાદરીઓ પાસે જઈને કૌભાંડકર્તાઓને આશિર્વાદ આપવા અને એવા મંત્રો ભણવાનો સમાવેશ થાય છે, જેનાથી તેમના પીડિતો વધારે વિનમ્ર થઈ જાય કે કૌભાંડકર્તાઓ પકડાવામાંથી બચી જાય.
પરંપરાગત ચિકિત્સક નાઇજીરિયાની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે અને તેમાં કેટલાક પુરુષો માટે તેમની મદદ લેવી એ નવું સિમ કાર્ડ ખરીદવા જેટલું સ્વાભાવિક છે.
મારી મુલાકાત 20 વર્ષના આદ સાથે થઈ હતી. તેણે પુરુષોનું સેક્સટોર્શન હમણાં જ શરૂ કર્યું હતું. એ મને એક કથિત સાઈબર અધ્યાત્મવાદી પાસે લઈ જવા સંમત થયો હતો. આદ માનતો હતો કે તે અધ્યાત્મવાદી તેને વધારે પૈસા કમાવામાં મદદ કરી શકે તેમ છે.
તેનું ધર્મસ્થાન શહેરની બહારના વિસ્તારમાં આવેલું હતું. એક નીચી છતવાળો ઓરડો હતો, જેમાં નકશીદાર આકૃતિઓ હતી.
એક સફેદ કબૂતરનો બલિ ચડાવવામાં આવ્યો હતો. તેનું લોહી જમીન પર પડ્યું હતું. તે બલિનો કેટલોક હિસ્સો ખાવાનું આદને કહેવામાં આવ્યું હતું. અધ્યાત્મવાદીના કહેવા અનુસાર, તે એક એવી ક્રિયા હતી જે આદને ધન અને સલામતી સાથે જોડશે.
આવું બધું સામાન્ય હોય છે કે કેમ, એવું મેં પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે રોજ છથી સાત બૉય્ઝ તેની પાસે આવે છે. એડ માટે તે અંધવિશ્વાસ નહીં, પરંતુ ધંધા માટેનો ખર્ચ હતો.
જૂના અને નવા વચ્ચે વિરોધાભાસથી હું સૌથી વધુ પ્રભાવિત થયો હતો. એક પળે મેં 20 વર્ષના યુવકને સદીઓ પુરાણી માન્યતા પર આધારિત એક ક્રિયામાં ભાગ લેતો જોયો હતો અને બીજી પળે મને ડિજિટલ યુગનાં ઉપકરણો દેખાડવામાં આવતાં હતાં.
પછી મને એક એવા કૌભાંડકર્તા વિશે પણ જાણવા મળ્યું હતું, જે 21મી સદીની ડીપફેક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતો હતો અને તેણે જે રૅશેલ નામની એક મહિલાને કામે રાખી હતી. રૅશેલ તેના કૌભાંડનો ચહેરો બની હતી.
તેણે મને તેના લૅપટૉપ પર એક ઍપ્લિકેશન દેખાડી. તે પ્રોફેશનલ ફેસ-સ્વેપિંગ ટૂલ ખરીદવા માટે તેણે 3,500 ડૉલર્સ ચૂકવ્યાં હતાં. તેના ઉપયોગથી ઘણો ફાયદો થયો હોવાનું તેણે જણાવ્યું હતું.
પશ્ચિમી દેશોનો પ્રતિભાવ

અમેરિકામાં છેલ્લાં ત્રણ વર્ષમાં એફબીઆઈને મળતી સેક્સટોર્શનની ફરિયાદમાં બમણો વધારો થયો છે. 2024માં 55,000 કિસ્સા નોંધાયા હતા. બ્રિટનમાં નૅશનલ ક્રાઇમ એજન્સીને દર મહિને 110 રિપોર્ટ્સ મળે છે.
સોશિયલ મીડિયા કંપનીઓ કાર્યવાહી કરવાનો દાવો કરે છે, પરંતુ કંપનીઓ વધારે અસરકારક કામ કરી શકે તેમ છે, એવું ટીકાકારો માને છે.
સાઉથ કૅરોલિનામાં મારી મુલાકાત બ્રૅન્ડન ગફી સાથે થઈ હતી. તેઓ સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ છે. તેમના દીકરા ગૅવિને 2022માં ઇન્સ્ટાગ્રામ પર સતામણી બાદ આત્મહત્યા કરી હતી. ગૅવિન 17 વર્ષનો હતો.
પોતાના પુત્રના મૃત્યુ પહેલાં બ્રૅન્ડન મેટા સામે કેસ તૈયાર કરી રહ્યા હતા. તેમની દલીલ એવી હતી કે કંપની તેને શિકારીઓથી બચાવવામાં નિષ્ફળ રહી છે.
તેને બ્લૅકમેઇલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલું એકાઉન્ટ આખરે ડીલિટ કરવામાં આવ્યું હતું, પરંતુ બાકીનાં એકાઉન્ટ ઍક્ટિવ રહ્યાં હતાં. બ્રૅન્ડન માટે તે માહિતી બહુ મહત્ત્વની હતી.
મેટાએ દાવો કર્યો હતો કે 2024માં તેણે એક ઝાટકે નાઇજીરિયા સાથં સંકળાયેલાં 63,000 સેક્સટોર્શન એકાઉન્ટ બંધ કરી દીધાં હતાં. એ પૈકીનાં 2,500 એકાઉન્ટ્સ પશ્ચિમી ટીનેજર્સને ટાર્ગેટ કરતા એક નેટવર્કનો ભાગ હતાં.
જોકે, ટીકાકારો દલીલ કરે છે કે આ આંકડાઓ જ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.
બ્રૅન્ડને સવાલ કર્યો હતો, "બાળકો પર આક્રમણ ચાલુ રહ્યાં છે ત્યારે એકાઉન્ટ્સ માત્ર પ્રચાર સ્ટંટ માટે એક દિવસ પૂરતા બંધ કરી દેવામાં આવ્યાં હતાં કે એકાઉન્ટ્સ બંધ કર્યા પછી તેમણે કશું જ કર્યું નથી?

ઇમેજ સ્રોત, Jemal Countess/Getty Images for Accountable Tech
મેટાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે તો સેક્સટોર્શન ખતમ કરી શકે એવું સૂચન તદ્દન ખોટું છે.
તેના સામના માટે કંપની જોરશોરથી કામ કરી રહી છે. છેતરપિંડીકર્તાઓને નેટવર્કને તોડવામાં આવી રહ્યું છે અને કાયદાના અમલીકરણને ટેકો આપવામાં આવી રહ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું, "અમારી પાસે વિશ્વમાં સુરક્ષા માટે આશરે 40,000 લોકો કામ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રે 30 અબજ ડૉલરથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમાં ટીનેજર્સ માટે આકરાં ઑટોમેટિક મૅસેજિંગ સેટિંગ્સ અને તેઓ બીજા દેશમાંની વ્યક્તિ સાથે ચૅટ કરી રહ્યા હોય ત્યારે નૉટિફિકેશન્શ મોકલવાનો સમાવેશ થાય છે."
શોકગ્રસ્ત માતાપિતાની શંકા મેટામાં પ્રતિબિંબિત થાય છે.
કંપનીના ભૂતપૂર્વ એન્જિનિયરિંગ ડિરેક્ટરમાંથી વ્હિલસબ્લોઅર બનેલા આર્ટુરો બૅજારે અમેરિકન કૉંગ્રેસ સમક્ષ 2023માં આપેલા જુબાનીમાં જણાવ્યું હતું કે તેના પ્લૅટફૉર્મ્સ પર બાળકો સામે જે જોખમો છે તેના વિશેની વારંવારની ચેતવણીની અવગણના કંપનીનું મૅનેજમેન્ટ કરતું રહ્યું છે.
નિષ્ણાતે જણાવ્યું હતું કે યુવા યુઝર્સને સુરક્ષિત રાખવા માટે રચાયેલ સિસ્ટમ્સ મૂળભૂત રીતે અપૂરતી હતી.
તેમણે કહ્યું હતું, "બાળકો ક્યારે જોખમમાં છે, એ તેઓ જાણવા માંગતા નથી. લોકો ક્યારે જોખમમાં હોય છે, એ પણ તેઓ જાણવા ઈચ્છતા નથી...કારણ કે તેઓ તેની સામે કામ પાર પાડવા માંગતા નથી."
મેટાએ ખાતરી આપી હતી કે બૅજરે કરેલાં સૂચનો પૈકીના ઘણાનો અમલ પહેલાંથી જ ચાલુ છે. કંપનીએ નોંધ્યું હતું કે તેમણે ટીનેજર્સ માટે બિલ્ટ-ઇન સુરક્ષા સાથેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ગયા વર્ષે રજૂ કર્યાં હતાં. બિલ્ટ-ઇન સુરક્ષાનો અર્થ એ થાય છે કે ટીનેજર્સ તેમની સાથે પહેલાથી જોડાયેલા હોય તેવા લોકો પાસેથી જ મૅસેજીસ મેળવી શકે છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈ વસ્તુને સ્પામ રિપોર્ટ કરવામાં આવે ત્યારે કંપની તરત કાર્યવાહી કરે છે.
ઇવાન બૉટલરના કેસ બાબતે સ્નૅપચૅટે "પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના" વ્યક્ત કરી હતી.
સ્નૅપચૅટે જણાવ્યું હતું, "સ્નેસ્નૅપચૅટ પર સેક્સટોર્શન ચલાવી લેવામાં આવતું નથી. આવી કોઈ ઍક્ટિવિટી અમારા ધ્યાનમાં આવે તો અમે એકાઉન્ટને હટાવવા ઝડપથી કાર્યવાહી કરીએ છીએ અને ગુનેગારોને પકડવાના કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રયાસોને સમર્થન આપીએ છીએ."

ઇમેજ સ્રોત, Matt Cardy/Getty Images
ઇન્ટરનેટ વૉચ ફાઉન્ડેશન પાસે એક સાધન છે. તેનો ઉપયોગ વિશ્વભરના 18 વર્ષથી ઓછી વયના સગીરો નગ્ન ઇમેજીસને ગુપ્ત રીતે રિપોર્ટ કરવા, તેને ઇન્ટરનેટ પરથી દૂર કરવા અને તેનું પુનઃપ્રકાશન અટકાવવા માટે કરી શકે છે.
એ કન્ટેન્ટ ઑનલાઈન પ્રકાશિત ન થયું હોય તો સંસ્થા ઇમેજની ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવી શકે છે, જેનાથી તે ઇમેજ ઑનલાઇન શૅર થતી અટકી શકે છે.
જોકે, આવી ઇમેજીસ વૉટ્સઍપ જેવા ઍન્ક્રિપ્ટેડ નેટવર્કમાંથી અથવા કોઈના ફોન કે કમ્પ્યુટરમાં સ્ટોર થયેલી હોય તો તે તેને ડીલિટ કરી શકાતી નથી.
બ્રિટનમાં આ ચૅરિટીએ ચાઇલ્ડલાઇન સાથે હાથ મિલાવ્યા છે. એ તેના "રિપોર્ટ રીમૂવ" સર્વિસ દ્વારા આ ટૂર પ્રદાન કરે છે. તે બાળકોને કોઈ પણ કાઉન્સેલર સાથે વાત કરવાનો વિકલ્પ પણ આપે છે.
ઇન્ટરનેટ વૉચ ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, 2025ના પ્રથમ આઠ મહિનામાં તેણે 723 રિપોર્ટ રીમૂવ ફરિયાદો પર કાર્યવાહી કરી છે. તેમાં 224 સેક્સટોર્શનનો સમાવેશ થાય છે.
દરમિયાન, ઇવાનનાં માતાપિતા ન્યાય મેળવવામાં હજુ પણ અવરોધોનો સામનો કરી રહ્યા છે.
મેટા અને સ્નૅપચૅટ ડેટા જાહેર કરી શકે તેમ નથી. તેતી ઇવાન સાથે ગેરવર્તન કરનારને શોધવાની બધી આશા ગ્લોવર્લ્ડ પર ટકેલી હતી. ગ્લોવર્લ્ડ નાઇજિરિયન સર્વિસ પ્રોવાઈડર છે અને આઈપી ઍડ્રેસ તેની સાથે લિંક્ડ હતું.
મહિનાઓ પછી મને આખરે કેટલાક સમાચાર મળ્યા છે. ગ્લોવર્લ્ડે યુઝરની માહિતી બે વર્ષ સુધી જાળવી રાખવાની હોવા છતાં એવું થયું નથી. શોધ અટકી ગઈ છે.
મેં બૉટલર પરિવારને ફોન કર્યો ત્યારે તેમણે મારા પ્રયાસો માટે મારો આભાર માન્યો હતો. બ્રૅડે તેમના પુત્રને અગાઉ "એક અદભૂત બાળક" તરીકે વર્ણવ્યો હતો.
ઇવાનનાં માતાએ કહ્યું હતું, "તેને ઉછેરવાનું મુશ્કેલ ન હતું, કારણ કે એ ખૂબ જ સારો હતો."
"હું તેને કેટલો પ્રેમ કરતી હતી એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી."
(પૂરક માહિતીઃ જેમી તાહસીન)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












