અમેરિકામાં મોટેલ-માલિક ગુજરાતી રાકેશ પટેલની હત્યા, મૃતકે શું પૂછ્યું કે હત્યારાએ ગોળી મારી

બીબીસી ગુજરાતી હત્યા મોટેલ રાકેશ પટેલ કિરણ પટેલ ગન ક્રાઈમ અમેરિકા પોલીસ સાઉથ કેરોલાઈના ભારતીય ગુજરાત યુએસએ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ગુજરાતી મૂળની વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોય તેવી વધુ એક ઘટના બની છે. મોટેલની બહારના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ હતી.

અમેરિકામાં ગુજરાતી મૂળની વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોય તેવી વધુ એક ઘટના બની છે. અમેરિકાના પેન્સિલ્વેનિયાના પિટ્સબર્ગમાં રાકેશ પટેલ નામના એક 50 વર્ષીય મોટેલ મૅનેજરને એક વ્યક્તિએ ગોળી મારીને તેમની હત્યા કરી છે.

આ ઘટના ત્રીજી ઑક્ટોબર, શુક્રવારે બની હતી. સ્થાનિક મીડિયામાં મૃતકનું નામ રાકેશ ભગવાન લખવામાં આવ્યું છે.

ઘટના પછી શંકાસ્પદ હત્યારાએ ભાગવાની કોશિશ કરી હતી જેમાં તેની પોલીસ સાથે અથડામણ થઈ હતી અને હાલમાં હત્યારો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

પિટ્સબર્ગના ઍલિગેની કાઉન્ટીમાં રૉબિન્સન ટાઉનશિપ ખાતે રાકેશ પટેલ નામના મોટેલ માલિકને એક વ્યક્તિ સાથે વિવાદ થયો હતો. તેમાં આરોપીએ રાકેશ પટેલની બહુ નજીક પહોંચીને ગોળી મારી હતી. રાકેશ પટેલના પરિવારજનો મૂળ બારડોલીના રાયમ ગામના વતની હતા અને તેમના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે.

મોટેલમાં હાઉસ કિપિંગનું કામ કરતી વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં પણ આ ઘટના રેકૉર્ડ થઈ ગઈ છે.

પોલીસ આ ફાયરિંગમાં સામેલ હોવાને કારણે આખી ઘટનાની તપાસ પેન્સિલ્વેનિયા સ્ટેટ પોલીસ કરી રહી છે.

આખી ઘટના કેવી રીતે બની?

બીબીસી ગુજરાતી હત્યા મોટેલ રાકેશ પટેલ કિરણ પટેલ ગન ક્રાઈમ અમેરિકા પોલીસ સાઉથ કેરોલાઈના ભારતીય ગુજરાત યુએસએ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મૃતક રાકેશ પટેલ મૂળ બારડોલીના રાયમ ગામના હતા.

સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્ટેન્લી વૅસ્ટ નામની 37 વર્ષીય વ્યક્તિ તે મોટલમાં જ રોકાઈ હતી અને તેને તેની મહિલા મિત્ર સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તે મોટેલના રૂમમાંથી બહાર આવીને રાકેશ પટેલ તરફ આગળ વધે છે. રાકેશ પટેલ જ્યારે તેને પૂછે છે કે "તમે બરાબર છો?" ત્યારે તે તેમને ગોળી મારી દે છે.

આ બનાવ પછી પેન્સિલ્વેનિયા પોલીસ આરોપીની પાછળ પડી હતી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ પોલીસ પર ગોળીબાર કરીને કેટલાક પોલીસ કર્મચારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.

શંકાસ્પદ હત્યારાનું નામ સ્ટેન્લી વૅસ્ટ છે એવું જાણવા મળ્યું છે. તેણે મોટેલના પાર્કિંગમાં એક વિવાદમાં પોતાની સાથી મહિલાને ગોળી મારી હતી. ગોળીબારનો અવાજ સાંભળી રાકેશ પટેલ બહાર નીકળ્યા ત્યારે હુમલાખોરે તેમને પણ ગોળી મારી દીધી હતી.

ત્યાર પછી પોલીસે વિલ્નર ડ્રાઇવ પરથી શંકાસ્પદ હત્યારાને શોધી કાઢ્યો હતો. આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે પણ ગોળીબાર થયો હતો, જેમાં પિટ્સબર્ગ પોલીસના અધિકારીને પગમાં ગોળી વાગતા તેમને ઈજા થઈ હતી. અથડામણમાં શંકાસ્પદ હત્યારાને પોલીસની ગોળી વાગતા તે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમેરિકામાં બીબીસીની પાર્ટનર ચૅનલ સીબીએસના રિપોર્ટ પ્રમાણે ઘટનાના દિવસે બપોરે 2.30 વાગ્યે પોલીસ આરોપીને શોધી રહી હતી જેણે મોટેલમાં મૅનેજરની હત્યા કરી હતી અને એક મહિલાને ઈજાગ્રસ્ત કરી હતી.

તેમણે ઇસ્ટ હિલ વિસ્તારમાં આરોપીનું વાહન શોધી કાઢ્યું હતું. પોલીસ જ્યારે વાહન નજીક ગઈ ત્યારે આરોપીએ તેમના પર ગોળીબાર કર્યો હતો જેમાં એક પિટ્સબર્ગના પોલીસકર્મીને પગમાં ગોળી વાગી હતી.

પોલીસના વળતા ફાયરિંગમાં આરોપીને એકથી વધુ ગોળી વાગી હતી.

પોલીસે કહ્યું કે શુક્રવારે બપોરે એક વાગ્યે તેમને શૂટિંગ વિશે કૉલ આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક વ્યક્તિ મૃત પડી હતી અને એક મહિલાને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

રાકેશ પટેલનાં સ્વજનોએ શું કહ્યું?

મૃતક રાકેશ પટેલના બારડોલીમાં રહેતા સાળા જિતેન્દ્ર પટેલે જણાવ્યું કે "ત્રીજી ઑક્ટોબરે બપોરે લગભગ દોઢ વાગ્યે મારા બનેવી રાકેશભાઈ મોટેલમાં ઊભા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને માથાના ભાગે ગોળી મારી હત્યા કરી હતી."

તેમણે કહ્યું કે "ફાયરિંગ કર્યા પછી હુમલાખોર ભાગ્યો હતો જેની પોલીસ સાથે અથડામણ થઈ હતી જેમાં પોલીસને પણ ગોળી વાગી છે અને હુમલાખોર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે."

ગુજરાતી મહિલાની પણ હત્યા થઈ હતી

બીબીસી ગુજરાતી હત્યા મોટેલ રાકેશ પટેલ કિરણ પટેલ ગન ક્રાઈમ અમેરિકા પોલીસ સાઉથ કેરોલાઈના ભારતીય ગુજરાત યુએસએ

ઇમેજ સ્રોત, Getty Images

સપ્ટેમ્બર મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં સાઉથ કૅરોલિનામાં યુનિયન કાઉન્ટીમાં કન્વિનિયન્સ સ્ટોરમાં એક વ્યક્તિએ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને સ્ટોરમાં હાજર 49 વર્ષીય કિરણ પટેલ નામનાં મહિલાની હત્યા કરી હતી.

આ ઘટનાના વીડિયો પણ જારી થયા હતા જેમાં જોઈ શકાય છે કે કિરણ પટેલ રાતે સ્ટોરમાં એકલાં હતાં ત્યારે માસ્ક પહેરીને એક વ્યક્તિ સ્ટોરમાં આવી હતી. તેણે કિરણ પટેલ સામે સીધી બંદૂક તાકી હતી અને નાણાં માંગ્યાં હતાં.

કિરણ પટેલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શંકાસ્પદ હત્યારાએ તેમને એક પછી એક ગોળી મારી હતી. અંતે કિરણ પટેલ સ્ટોરની બહાર પાર્કિંગની જગ્યામાં ફસડાઈ પડ્યાં હતાં. પોલીસ આવી ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન