ગુજરાત : ગાય, ભેંસ જેવાં દુધાળાં પશુઓ દૂધ આપતાં ક્યારે અને કેમ બંધ થઈ જાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત રાજ્ય ડેરી ઉધોગમાં મોખરે છે અને રાજયમાં લાખો પશુપાલકો દૂધઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલકો વધુ દૂધઉત્પાદન કરી વધુ નફો કરી શકે તે માટે ગાય કે ભેંસ વર્ષમાં એક વાર ગાભણી થાય તે જરૂરી છે.
પણ ઘણી વખત એવું બને છે કે ગાય અથવા ભેંસમાં ખામીને કારણે તે સમયસર ગર્ભધારણ કરી શકતી નથી.
નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગનાં પશુઓને પોષણયુક્ત ખારોકના અભાવને કારણે વંધ્યત્વ આવી જાય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં ગર્ભાશયમાં ચેપ, હોર્મોનલ ઇમ્બૅલેન્સ જેવાં કારણોથી પણ ગર્ભ ધારણ કરી શકાતો નથી અને એ અવસ્થાને વંધ્યત્વ કે વાંઝિયાપણું કહેવાય છે.
પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટે સરકારના પશુપાલન વિભાગ દ્વારા ફર્ટિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ (FIP) શરૂ કરવામાં આવ્યો છે.

પશુઓમાં વંધ્યત્વ શું હોય છે, તેની પાછળ કયાં કારણો જવાબદાર હોય છે અને નિષ્ણાતો તેના વિશે શું કહે છે તેની માહિતી અહીં આપી છે.


ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના કહેવા મુજબ પશુઓનું વેતર ચક્ર 21 દિવસનું હોય છે. માદા પશુ પુખ્ત ઉંમરે પહોંચે ત્યારે વેતરે આવે છે. તેને વેતરે કે ગરમીમાં આવી તેવું પણ કહેવામાં આવે છે. આ વેતર ચક્રનું 20-21 દિવસે પુનરાવર્તન થાય છે.
પશુપાલન વિભાગના ડૅપ્યુટી ડાયરેક્ટર સી.જી.ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "પશુમાં ગર્ભધારણ થાય એટલે તે વેતરે આવવાનું બંધ થઈ જતું હોય છે."
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પશુચિકિત્સક મૌલિક શર્મા ફર્ટિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. શર્મા જણાવે છે કે, "સામાન્ય રીતે ગાય કે ભેંસ વિયાણ બાદ 60 થી 90 દિવસ પછી તે ગરમીમાં આવવાની શરૂઆત થાય છે. તેમજ વાછરડી બે વર્ષ બાદ જ્યારે પાડી ત્રણ વર્ષ બાદ વેતરે આવે છે. તે વેતરે આવે ત્યાર બાદ તેનું બીજદાન કરાવવામાં આવે છે."
પશુઓમાં વંધ્યત્વ કે વાંઝિયાપણા અંગે વાત કરતાં ડૉ.સી.જી ચૌધરી કહે છે કે, "જો વેતરમાં આવેલી ભેંસ ગાય, પાડી કે વાછરડીને બીજદાન બાદ ઊથલો મારતો હોય એટલે કે વારંવાર ગરમીમાં આવતી હોય અને આમ ત્રણ વાર કૃત્રિમ બીજદાન કરાવ્યા કે પાડા કે સાંઢ પાસે ફેળવ્યા બાદ પણ ગર્ભધારણ ન કરી શકે ત્યારે તે પશુને વાંઝિયાપણાની યાદીમાં સામેલ કરવામાં આવે છે."
પશુઓમાં આ વાંઝિયાપણું કાયમી કે હંગામી એમ બે પ્રકારનું હોય છે.
ડૉ.સી.જી ચૌધરી જણાવે છે કે, "મોટા ભાગના કિસ્સામાં હંગામી વાંઝિયાપણું હોય છે. ગાય કે ભેંસ વેતરે કે ગરમીમાં ન આવે, ગરમીમાં આવે પણ ગાભણ ન થાય અથવા તો ગાભણ થાય પરંતુ તે તરાઈ જાય(મિસકૅરેજ) જે હંગામી વ્યંધત્વનાં લક્ષણો છે. જે સારવાર કરીને દૂર કરી શકાય છે."
"પરંતુ બહુ જ ગણતરીના કિસ્સામાં આનુવંશિક ખામી હોય તેવા કિસ્સામાં કાયમી વાંઝિયાપણું જોવા મળે છે. જો કે તેવા કિસ્સા ખૂબ જૂજ હોય છે."


ઇમેજ સ્રોત, Getty Images
પશુપાલકોનું કહેવું છે કે હાલના સમયમાં ગાય કે ભેંસ સમયસર ગાભણ ન થવાની સમસ્યા વધી રહી છે.
તેમનું કહેવાનું છે કે, દાણ અને ઘાસચારાના ભાવ વધારે હોવાથી પોષણક્ષમ ખોરાક મોંઘો પડે છે.
છેલ્લાં 30 વર્ષથી પશુપાલન સાથે જોડાયેલા રણછોડભાઈ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગાય કે ભેંસ ગરમીમાં તો આવે છે પરંતુ તે ગાભણ થતી નથી આ સમસ્યા હાલમાં કેટલાક સમયથી વધી રહી છે. ગાય કે ભેંસ વિવાય તેના થોડાક સમય બાદ ગાભણ થાય કે ન થાય પરંતુ તેનું દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે અને લગભગ સાતથી 8 મહિના બાદ તો વસૂકી જાય છે."
"પરંતુ તે ગાભણ ન થાય અથવા તો મોડી થાય તો પશુપાલકોને એટલો સમય નુકસાન વેઠવું પડે છે. ઘાસચારો અને દાણ તો ખવડાવીએ છીએ પરંતુ શું ખામી રહી જાય છે તે સમજાતું નથી."
35 વર્ષથી પશુપાલન વ્યવસાય કરતાં ગીતાબહેન પટેલ જણાવે છે કે, "અત્યારે દાણ અને ઘાસ મોંઘું થયું છે. ડૉકટરો કહે છે કે દાણ વધારે ખવડાવો પણ આ મોંઘવારીમાં અમને પણ પોષાવું તો જોઈએ. ગાયો કે ભેંસો જો દર વર્ષે વિવાય નહીં તો પશુપાલકોને પોષાય તેમ હોતું નથી. ઢોર વસૂકી જાય અને ગાભણ ન થાય તો પણ તેને ખવડાવવું તો પડે જ. અમે દિવસ રાત મહેનત કરીએ છીએ ત્યારે આ વ્યવસાય થાય છે."


ઇમેજ સ્રોત, Getty Images
વંધ્યત્વ માટે મુખ્ય કારણ પ્રાણીઓમાં મિનરલ્સની ખામીઓને કારણે જોવા મળે છે. પ્રાણીઓને ભરપેટ ખાવાનું તો મળે છે પરંતુ તેમને પોષણ મળતું નથી.
ડૉ. મૌલિક શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "પ્રાણીઓની તપાસ માટે અમે ગામોમાં કૅમ્પ કરીએ છીએ. વંધ્યત્વની સમસ્યા ધરાવતાં પશુઓને તપાસી સારવાર કરીએ છીએ."
"પ્રાણી ગર્ભધારણ ન કરી શકતું હોય તેમાં 90 ટકા કરતાં વધારે કિસ્સાઓમાં પોષણયુક્ત ખોરાકની કમી જોવા મળે છે. જ્યારે 5 થી 10 ટકા કિસ્સાઓમાં પ્રાણીને ગર્ભાશયમાં ચેપ કે અન્ય કોઈ બીમારી જોવા મળે છે."
ડૉક્ટરોના મતે પ્રાણીઓમાં હોર્મોન્સનું બૅલેન્સ બગડવાને કારણે પણ ગર્ભધારણમાં સમસ્યા આવતી હોય છે.
ડૉ. સી.જી ચૌધરી જણાવે છે કે, "પશુ ગરમીમાં આવ્યા બાદના મધ્ય સમયથી 24 કલાકમાં એટલે કે 12 કલાકથી 24 કલાકમાં તેનું બીજ છૂટું પડે છે. આ સમયમાં કૃત્રિમ બીજદાન કે પાડા કે સાંઢ પાસે સમાગમ કરાવવામાં આવે તો તેના ગર્ભધારણની શક્યતા ખૂબ જ વધારે હોય છે."
"જોકે કેટલાંક પશુઓમાં બીજ છૂટું પડાવાનો સમય મોડો પણ હોય છે.જો ગરમીમાં આવ્યાની તરત જ કે 24 કલાક બાદ બીજદાન કરવામાં આવ્યું હોય તો તેના ગર્ભધારણની શક્યતા ઘટી જાય અથવા તો નહીંવત્ હોય છે."
ડૉ. સી .જી ચૌધરી માહિતી આપતા જણાવે છે કે, "ગાય કે ભેંસ વેતરમાં કે ગરમીમાં આવે છે ત્યારે તેનાં કેટલાંક લક્ષણો જોવાં મળતાં હોય છે તે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે તેના મૂત્રમાર્ગમાં લાળ જેવું દેખાવું, યોની માર્ગમાં સોજો, દૂધ ઓછું કરી દેવું તેમજ સતત ભાંભરવું."
"જોકે કેટલાંક પશુઓમાં બીજ છૂટું પડવાની આંતરિક પ્રક્રિયા થતી હોય પરંતુ પશુમાં બાહ્ય લક્ષણો દેખાતાં નથી. તેને મૂંગા વેતરમાં આવવું પણ કહેવામાં આવે છે."

આ અંગે વાત કરતાં ડૉ.મૌલિક શર્મા જણાવે છે કે, "જ્યારથી વાછરડી કે પાડી હોય તેને જન્મથી જ દૂધ તેમજ દાણ વગેરે ખવડાવવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ કૃમિની ગોળી આપવી તેમજ રસીકરણ કરાવવું જોઈએ."
"યોગ્ય માવજત અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો ગાય કે ભેંસ 15 વેતર સુધી વિયાણ કરે છે. અને જો યોગ્ય માવજત ન હોય તો બે કે ત્રણ વેતર બાદ પણ ગાય કે ભેંસ ગાભણ ન થતી હોવાના કિસ્સાઓ પણ બને છે."
ડૉ.જી.સી ચૌધરી કહે છે કે યોગ્ય આવડત ધરાવતા નિષ્ણાત પાસે જ કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ. કૃત્રિમ બીજદાન કરાવનાર વ્યક્તિ સ્વસ્છતાનું ધ્યાન રાખતી હોવી જોઈએ.
ડૉ. ચૌધરી કહે છે કે, "કૃત્રિમ બીજદાનના ત્રણ મહિના બાદ પશુ ગાભણ છે કે નહીં તેની ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. કેટલાક કિસ્સામાં પશુપાલકોને નવ મહિના બાદ ખબર પડે કે પશુ ગાભણ નથી તો આવા કિસ્સામાં પશુપાલકોને નુકસાન જાય છે. જો સમયસર તપાસ કરાવવામાં આવે તો તેની યોગ્ય સમયે સારવાર કરાવી શકાય છે."
ડૉ. મૌલિક શર્મા કહે છે કે, "પ્રાણીઓને સમયાંતેર કૃમિની ગોળી રેગ્યુલર આપવી જોઈએ. જેમાં પુખ્ત પ્રાણીઓને દર મહિને કૃમિની ગોળી આપવી જોઈએ. જો દર મહિને નહીં તો ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તો આપવી જ જોઈએ, પ્રાણીઓમાં કૃમિ હોય તો પણ તેમનામાં પોષક તત્ત્વોની ખામી જોવા મળે છે."
ડૉ.ચૌધરી કહે છે કે, "પ્રાણીઓના વિયાણ બાદ 24 કલાકમાં તેની મેલી છૂટી ન પડે તો નિષ્ણાત ડૉક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ. તેમજ ત્યાર બાદ 15 દિવસ સુધી પશુઓના યોનિમાર્ગને હૂંફાળા પાણીથી રોજ ધોવો જોઈએ, જેથી ચેપ લાગે નહીં. ઘણીવાર વિયાણ બાદ ધ્યાન ન રાખવામાં આવે તો પશુઓને ચેપ લાગી જાય છે અને ક્યારેક તો ગર્ભાશયમાં પરુ પણ થઈ જાય છે."
પ્રાણીઓમાં સર્જાતી પોષક તત્ત્વોની ખામી અંગે ડૉ.મૌલિક શર્મા કહે છે કે, "અત્યારના સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનમાં રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ઘાસચારામાં પોષણ ઓછું જોવા મળે છે. પ્રાણીઓના દાણ કે અન્ય પોષણયુક્ત ઘાસચારો અને મિનરલ્સ સપ્લિમેન્ટ પણ ડૉક્ટરની સલાહ મુજબ આપવા જોઈએ."

સરકારાના પશુપાલન વિભાગે મીડિયાને આપેલી માહિતી અનુસાર 'ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન વ્યવસાયનો મહત્ત્વનો ફાળો છે. જે માટે પશુપાલનને વધુ નફાકારક બનાવવા પશુઓની પ્રજનનક્ષમતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે.'
'પશુઓના ગર્ભધારણમાં ખામી કે વિલંબ થતા તેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થાય છે.
પશુપાલકોને આર્થિક નુકસાનથી બચાવવા અને પશુઓના સ્વાસ્થ્યવૃદ્ધિ કરવાના હેતુસર "ફર્ટિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ (FIP)" અમલમાં મૂકવામાં આવ્યો છે.'
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવ્યુ હતું કે, "ફર્ટિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ (FIP)ના અમલીકરણ માટે રાજ્યના કુલ 6,254 ગામોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી કરાયેલા આ ગામની ગાય અને ભેંસોમાં વંધ્યત્વ દૂર કરી સમયસર ગર્ભધારણ થાય તે સુનિશ્ચિત કરવા માટે એક મુખ્ય કૅમ્પ અને ત્યાર બાદ બે ફૉલોઅપ કૅમ્પ યોજાશે."
"જેમાં ગામના વંધ્યત્વથી પીડાતાં પશુઓની ઓળખ કરી તેમને સારવાર આપવામાં આવશે. ત્યાર બાદ ફૉલોઅપ કૅમ્પ થકી આ પશુઓને ગાભણ થાય ત્યાં સુધી યોગ્ય સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે."
"આ અભિયાન અંતર્ગત દરેક ગામ દીઠ સરેરાશ 50 આવાં પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવશે. આ અભિયાન હેઠળ પશુઓને યોગ્ય સારવાર મળતા વંધ્યત્વની સમસ્યામાં ઘટાડો આવશે, બે વિયાણ વચ્ચેનો સમયગાળો ટૂંકો થશે, દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, પશુપાલકોને આર્થિક બચત થશે અને બ્રુસેલોસીસ જેવા ચેપી રોગોના ફેલાવા પર પણ નિયંત્રણ આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












