પત્રકાર મહેશ લાંગાને સરકારી દસ્તાવેજો આપવાનો મામલો : જેલ કસ્ટડી દરમિયાન આરોપીના થયેલા મોત પર કેમ ઊઠી રહ્યા છે સવાલો

પત્રકાર મહેશ લાંગા કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક નિશીત જાનીનું મોત કેવી રીતે થયું, શું છે સમગ્ર મામલો? જીએસટી કૌભાંડ ગાંધીનગર બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images/UGC/MAHESH.LANGA/FB

ઇમેજ કૅપ્શન, તસવીરમાં ડાબી બાજુએ મૃતક નિશીત જાની અને જમણી બાજુએ પત્રકાર મહેશ લાંગાની તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત મેરીટાઇમ બોર્ડ એટલે કે જીએમબીના સંવેદનશીલ દસ્તાવેજો કથિત રીતે લીક કરીને પત્રકાર મહેશ લાંગાને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપી નિશીત જાનીનું જેલ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યું છે.

મૃતક નિશીત જાની ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાર્કની ફરજ બજાવતા હતા.

જેલ ઑથોરિટી તરફથી મળેલી માહિતી પ્રમાણે 29મી તારીખે નિશીત જાનીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં જેલ કર્મચારીઓ દ્વારા તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હવે, નિશીત જાનીના મોત વિશે રાણીપ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ તો નિશીત જાનીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને તેને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

નિશીતના વકીલનો આરોપ છે કે પોલીસ પાસે નિશીત વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા.

જોકે, પોલીસનો દાવો છે કે તેમની પાસે પુરાવા છે.

નિશીતના વકીલે નિશીતના મોત અંગે પણ પોલીસ સામે ઘણા સવાલો કર્યા છે.

વકીલનો એ પણ આરોપ છે કે નિશીતના મૃત્યુ બાદ તેમના મૃતદેહના પોસ્ટમૉર્ટમનો રિપોર્ટની વિગતો ઉપરાંત તેના કેસ સાથે જોડાયેલી અન્ય જાણકારી પણ પોલીસે તેમને કે નિશીતના પરિવારજનોને આપી નથી.

મહેશ લાંગા કેસમાં નિશીત પર કેવા આરોપો લાગ્યા હતા?

પત્રકાર મહેશ લાંગા કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક નિશીત જાનીનું મોત કેવી રીતે થયું, શું છે સમગ્ર મામલો? જીએસટી કૌભાંડ ગાંધીનગર બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑક્ટોબર 2024માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કથિત જીએસટી કૌભાંડમાં સંડોવણીના આરોપસર પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

મહેશ લાંગા પર અન્ય કેસો પણ થયા હતા. મહેશ લાંગા હાલ જેલ કસ્ટડી હેઠળ છે.

મહેશ લાંગા પર પોલીસનો આરોપ હતો કે આરોપી તરફથી ગૂડ્સ એન્ડ સર્વિસિઝ એટલે કે જીએસટી ડિપાર્ટમેન્ટમાં બનાવટી બિલ જમા કરાવવામાં આવ્યાં હતાં. આ ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ (આઈટીસી) મેળવવા માટે આરોપીએ શૅલ કંપનીઓ ઊભી કરી હતી.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે જીએસટી ડિપાર્ટમેન્ટના અમદાવાદ ઝોનના ડાયરેક્ટર હિમાંશુ જોશીની લેખિત ફરિયાદ બાદ મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.

જોશીનો દાવો હતો કે તેમણે કરેલી તપાસમાં 200 જેટલી કંપનીના બનાવટી દસ્તાવેજો અને બિલો મારફત આઈસીટી લેવામાં આવી રહી હતી.

હિમાંશુ જોશીની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે તે સમયે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને તેમાં મહેશ લાંગાના વસ્ત્રાપુરસ્થિત નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો.

પોલીસના દાવા પ્રમાણે આ છાપા દરમિયાન તેમને 20 લાખ રૂપિયા રોકડા, સોનું અને પ્રૉપર્ટીને લગતાં કેટલાંક કાગળિયાં મળ્યાં હતાં.

પોલીસનું કહેવું હતું કે પૂછપરછ દરમિયાન મહેશ લાંગાનાં પત્ની કવિતાએ તે વખતે તપાસ દરમિયાન કહ્યું હતું કે કંપની ભલે તેમના નામે રજિસ્ટર્ડ છે, પરંતુ તેઓ આર્થિકવ્યવહારો સાથે સંકળાયેલાં નથી.

પોલીસના કહેવા પ્રમાણે, કવિતાએ કહ્યું હતું કે કંપનીનું કામકાજ તેમના પતિ સંભાળે છે. આ પછી કવિતાને જવાં દેવાયાં હતાં.

બીબીસીએ તે વખતે કવિતા લાંગા સહિત અન્ય પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે આના વિશે કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

મળતી માહિતી અનુસાર જીએસટીની ચોરી કેસના સંદર્ભમાં મહેશ લાંગાના ઘરે હાથ ધરાયેલા સર્ચ દરમિયાન મળેલા કેટલાક દસ્તોવેજોમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના અતિસંવદેનશીલ દસ્તાવેજો પણ હોવાનો આક્ષેપ છે.

જે અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડે મહેશ લાંગા સામે અતિસંવેદનશીલ દસ્તાવેજો ચોરી કરવા અને કરાવવા અંગે ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસની તપાસમાં પોલીસના દાવા પ્રમાણે જીએમબીના ક્લાર્ક નિશીત જાનીની 'સંડોવણી' હોવાના પોલીસને પુરાવા મળ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે નિશીત જાનીએ 'દસ્તાવેજો ચોરી' કરીને મહેશા લાંગાને પૂરા પાડ્યા હતા.

આ કેસમાં ગાંધીનગર સેક્ટર-7 પોલીસે નિશીત જાનીની 17 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ 24 કલાકના રિમાન્ડ પૂરા થતાં તેમને 19 તારીખે જેલ કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવ્યા હતા.

નિશીત જાનીને ફેફસાંની બીમારી હોવાની માહિતી બીબીસી ગુજરાતીને મળી છે.

પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર નિશીત જાની કેટલાક સમયથી ઑફીસ આવતા ન હતા. ધરપકડ થયાના લગભગ 4 દિવસ પહેલાં જ તેમણે ઑફીસ આવવાનું શરૂ કર્યું હતું. પોલીસને આ અંગે માહિતી મળતા તેમનો મેડીકલ રિપોર્ટ કરાવીને તેમની ધરપકડ કરી હતી.

મૃતક નિશીત જાનીના વકીલે કર્યા પોલીસ સામે સવાલ?

પત્રકાર મહેશ લાંગા કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક નિશીત જાનીનું મોત કેવી રીતે થયું, શું છે સમગ્ર મામલો? જીએસટી કૌભાંડ ગાંધીનગર બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે આરોપી નિશીત જાનીની જામીન અરજી પર 1 ઑક્ટોબરના રોજ સુનાવણી હતી.

આરોપીએ 23 તારીખના રોજ જામીન અરજી કોર્ટ સમક્ષ મૂકી હતી. 26 તારીખે કેસ બોર્ડ પર આવ્યો હતો અને 1 ઑક્ટોબરના રોજ આ કેસની સુનાવણી હતી. જોકે, જામીન અરજીની સુનાવણી પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

નિશીત જાનીના વકીલ મોનાર્ક પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આ સમગ્ર કેસ સાથે નિશીત જાનીનો કોઈ જ સંબંધ નહોતો. પોલીસ પાસે નિશીત જાની વિરુધ્ધ કોઈ પુરાવા હોય તેવું અમારા ધ્યાનમાં નથી. માત્ર એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિશીત જાની ગાંધીનગર પાસે સરગાસણ ચોકડી ખાતે મહેશ લાંગાને મળ્યા હતા અને એક કવર આપ્યું હતું. જોકે, આ અંગે પોલીસ પાસે કોઈ સીસીટીવી ફૂટેજ કે કૉલ ડીટેઇલ્સ નથી."

નિશીત જાનીના આરોગ્ય અંગે મોનાર્ક પંડયાએ જણાવ્યું કે પોલીસે ધરપકડ કરી ત્યારે જ તેમની તબિયત ખરાબ હતી.

તેઓ વધુમાં ઉમેરે છે, "તેમની નાદુરસ્ત તબિયતના ગ્રાઉન્ડ પર જ અમે 23 તારીખે જામીન અરજી કરી હતી. તેમના જામીન અંગેની મારી દલીલ પૂરી થઈ ગઈ હતી, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે તે પહેલાં જ 29 તારીખે તેમનું મોત થયું."

મોનાર્ક પંડ્યા તેમની મોતની જાણકારી આપવા મામલે પણ સંદેહ વ્યક્ત કરે છે.

મોનાર્ક પંડ્યાનું કહેવું છે કે "પોલીસના કહેવા મુજબ નિશીત જાનીનું 29 તારીખે રાતે 10.15 કલાકે મોત થયું હતું. જ્યારે તેમના પરિવારને લગભગ 12.30 વાગ્યાની આસપાસ જાણ કરવામાં આવી હતી. તેમજ અમને હજુ તેમનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કે અકસ્માતે મોત થયું હોવાના દાખલ કરાયેલા ગુના અંગેની કોઈ વિગત મળી નથી."

પોલીસનું શું કહેવું છે?

પત્રકાર મહેશ લાંગા કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક નિશીત જાનીનું મોત કેવી રીતે થયું, શું છે સમગ્ર મામલો? જીએસટી કૌભાંડ ગાંધીનગર બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરના ડીવાયએસપી ડી. ટી. ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આરોપી નિશીત જાનીની 17 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં નિશીત જાનીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે તેમના 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીના રિમાન્ડ પૂરા થતાં 19 સપ્ટેમ્બરે તેમને સાબરમતી જેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા."

ડી. ટી. ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે "નિશીત જાનીની ધરપકડ થઈ તેના ચાર-પાંચ દિવસ પહેલાં જ તેઓ ઑફીસમાં નોકરીના કામકાજ માટે હાજરી આપવા લાગ્યા હતા. તેમની ધરપકડ પહેલાં અમે તેમનો મેડિકલ રિપોર્ટ કરાવીને ડૉક્ટરનો અભિપ્રાય પણ લીધો હતો."

"ડૉક્ટરના અભિપ્રાય બાદ જ તેમની ધરપકડ કરાઈ હતી. તેમની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરતા પહેલાં પણ તેમના મેડીકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. તેમજ રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ કસ્ટડીમાં મોકલતાં પહેલાં પણ તેમના મેડીકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમે કરાવેલા દરેક રિપોર્ટમાં તેઓ ફિઝિકલી ફીટ હતા."

નિશીત જાનીની આ કેસમાં ભૂમિકા અંગે વાત કરતાં ડી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે "ગુજરાત મેરીટાઇમ બોર્ડના સંવેદનશીલ દસ્તાવેજો લીક કરીને આરોપી મહેશા લાંગાને આપવામાં નિશીત જાનીની ભૂમિકા સામે આવી હતી. નિશીત જાનીની ભૂમિકા અંગે પોલીસ પાસે સાક્ષી પણ છે અને ટૅક્નિકલ પુરાવા પણ મળ્યા છે."

આ કેસની તપાસ ચાલુ હોવાથી તેમણે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો હતો.

નિશીત જાનીના મોત અંગે જેલ ઑથોરિટીએ શું કહ્યું?

પત્રકાર મહેશ લાંગા કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના ક્લાર્ક નિશીત જાનીનું મોત કેવી રીતે થયું, શું છે સમગ્ર મામલો? જીએસટી કૌભાંડ ગાંધીનગર બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મૃતક નિશીત જાની

સાબરમતી જેલ ઑથોરિટી તરફથી બીબીસી ગુજરાતીને મળેલી માહિતી અનુસાર આરોપી નિશીત જાનીને ફેફસાંની તકલીફ હતી. જેથી તેમને જેલના ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. 29 તારીખે રાત્રે 9.45 કલાકે તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. જેલ કર્મચારીઓ દ્વારા તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે 10.17 કલાકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસે આપેલી માહિતી મુજબ "મૃતક નિશીત જાનીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પોસ્ટમૉર્ટમની કાર્યવાહી પૂરી કરી તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો."

બીબીસી ગુજરાતીએ નિશીત જાનીના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ આઘાતમાં હોવાથી આ અંગે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં આ લેખમાં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન