વાવાઝોડું 'શક્તિ' નબળું પડ્યું, છતાં ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ તાપમાન વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે અને વાવાઝોડું અરબી સમુદ્રમાં જ નબળું પડીને દૂર જઈ રહ્યું છે.

ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે શક્તિ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી ઘણું દૂર જતું રહ્યું છે. હજુ તેની દિશા બદલાઈ શકે છે, જેમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, પરંતુ સમુદ્રની અંદર જ સમાપ્ત થઈ જશે. ઓમાનના દરિયાકિનારે પણ ખાસ અસર નહીં પડે.

આ ઉપરાંત પાકિસ્તાન અને પંજાબ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેના કારણે ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના છે.

જોકે, નવરાત્રિ પૂરી થયા પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોજ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગરના દહેગામમાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં 0.67 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 0.55 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.47 ઇંચ, બોટાદમાં 0.43 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

દાહોદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, વલસાડ, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં પણ 0.16 ઇંચથી લઈને 0.28 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

વરસાદની કઈ સિસ્ટમ કામ કરે છે

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ તાપમાન વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, શક્તિ વાવાઝોડું દિશા બદલશે છતાં ડિપ્રેશનમાં ફેરવાઈને સમુદ્રમાં જ નબળું પડી જશે તેવી આગાહી છે

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ પડ્યો છે. હાલમાં ભરૂચ, વેરાવળ, ઉજ્જૈન અને ઝાંસી પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસું વિદાય લે તે માટેનું અનુકૂળ વાતાવરણ સર્જાશે.

છેલ્લા રિપોર્ટ પ્રમાણે શક્તિ વાવાઝોડું ઓમાનના દરિયાકિનારાથી 210 કિમી દૂર અને યમનથી 970 કિમી દૂર છે. કરાચીથી વાવાઝોડું 900 કિમી દૂર છે જ્યારે દ્વારકાથી તેનું અંતર 940 કિમી છે. નલિયાથી 960 કિમીના અંતરે શક્તિ વાવાઝોડું આવેલું છે. હવે તે અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી આગાહી છે.

ગુજરાતમાં કેટલીક જગ્યાએ હજુ હળવા કે મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવે છે. ઑરેન્જ અથવા રેડ ઍલર્ટની જાહેરાત કરવામાં નથી આવી. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ હજુ વરસાદનો માહોલ રહે અને જમીન ધસી પડવાની ઘટનાઓ બની શકે છે.

મહારાષ્ટ્રના કિનારાવર્તી વિસ્તાર તથા આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ વરસાદ રહેવાની આગાહી છે.

હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ તાપમાન વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

ગુજરાતના મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનમાં આગામી સાત દિવસ સુધી કોઈ મોટા વધારા કે ઘટાડાની આગાહી નથી.

આ દરમિયાન સાતમી ઑક્ટોબર, મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી આગાહી છે.

આઠમી ઑક્ટોબર, બુધવાર અને નવમીએ ગુરુવારે પણ આ તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન