રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજના સન્માનમાં 'જન ગણ મન' રચ્યું હતું?

ઇમેજ સ્રોત, Niyogi Books
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
રવીન્દ્રનાથ ટાગોર દુનિયાના એવા એકમાત્ર કવિ છે, જેમણે બે દેશોનાં રાષ્ટ્રગાન લખ્યાં છે – ભારતનું 'જન ગણ મન' અને બાંગ્લાદેશનું 'આમાર સાનાર બાંગ્લા'. જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રગાન પર પણ તેમની અસર દેખાય છે.
એમ તો શ્રીલંકાના રાષ્ટ્રગાનને 1939-40માં આનંદ સમારાકૂને લખ્યું હતું, જ્યારે તેઓ વિશ્વભારતીમાં ટાગોરના શિષ્ય હતા. 'જન ગણ મન'ની રચના 1911માં થઈ હતી અને તેને એ જ વર્ષે પહેલી વાર કૉંગ્રેસના 27મા સત્રમાં ગાવામાં આવ્યું હતું.
નિત્યપ્રિય ઘોષે પોતાના પુસ્તક 'રવીન્દ્રનાથ ટૅગોર અ પિક્ટોરિયલ બાયૉગ્રાફી'માં લખ્યું છે, "રવીન્દ્રનાથના એક મિત્રએ સમ્રાટ જૉર્જ પંચમના દિલ્હી દરબારના પ્રસંગે તેમના સન્માનમાં એક ગીત લખવાની વિનંતી કરી હતી. એ વિનંતી ઠુકરાવીને ટાગોરે કોઈ અંગ્રેજ રાજા નહીં, પરંતુ બધી વ્યક્તિઓનાં હૃદય પર રાજ કરનાર શક્તિના સન્માનમાં આ ગીત લખ્યું હતું."
તેમણે લખ્યું છે કે ઍંગ્લો-ઇન્ડિયન પ્રેસે જન્માવેલી એ અફવાનું આયુષ્ય ઘણું લાંબું નીકળ્યું કે આ ગીત સમ્રાટ જૉર્જ પંચમનું સ્વાગતગીત છે.
તેમણે લખ્યું છે, "અંગ્રેજ કવયિત્રી એઝરા પાઉન્ડે પોતાના પિતાને લખેલા પત્રમાં એ વાતની મજાક ઉડાવી હતી કે ડબ્લ્યૂબી યીટ્સે આ અફવાને સાચી માની લીધી હતી. આજે પણ લોકો ગમે ત્યારે ટાગોરના દેશપ્રેમ સામે સવાલ ઊભા કરવા માટે આ કથિત સ્વાગતગીતનો ઉલ્લેખ કરી દે છે."
નાની ઉંમરે જ પ્રસિદ્ધિ મળી

ઇમેજ સ્રોત, Niyogi Books
7 મે 1861એ જ્યારે રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો ત્યારે કલકત્તામાં ન તો વીજળી હતી, ન પેટ્રોલ, ન અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા અને ન તો પીવાના પાણીના નળ.
તેમનો જન્મ થયો તેનાં ચાર વર્ષ પહેલાં જ ઇંગ્લૅન્ડનાં મહારાણી વિક્ટોરિયાએ એક ઘોષણાપત્ર દ્વારા ભારતનો વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી પડાવી લીધો હતો.
ટાગોરના પૂર્વજ મૂળભૂત રીતે જેશોરના હતા, જે હવે બાંગ્લાદેશમાં છે. અહીંની આસપાસના લોકો તેમને ખૂબ માન આપતા હતા અને તેમને ઠાકુર કહીને બોલાવતા હતા, આ જ ઠાકુર અંગ્રેજી ભાષામાં પછીથી ટૅગોર થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાગોરનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. 17 વર્ષની ઉંમરે તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે બ્રિટન ગયા, પરંતુ ડિગ્રી લીધા વગર જ ભારત પાછા આવી ગયા.

ઇમેજ સ્રોત, Niyogi Books
20 વર્ષની વય સુધી રવીન્દ્રનાથની ખ્યાતિ ચારેબાજુ ફેલાવા લાગી હતી.
ટાગોરે પોતાની આત્મકથા 'જીવનસ્મૃતિ'માં લખ્યું છે, "જ્યારે રમેશચંદ્ર દત્તની સૌથી મોટી દીકરીના લગ્ન સમારંભમાં બંકિમચંદ્ર ચટોપાધ્યાય આવ્યા, ત્યારે રમેશચંદ્રએ આગળ આવીને તેમને હાર પહેરાવી દીધો. એ જ સમયે હું પણ ત્યાં પહોંચ્યો. બંકિમચંદ્રએ એ હાર તરત પોતાના ગળામાંથી કાઢ્યો અને એમ કહીને મને પહેરાવી દીધો કે, હું તેનો વધારે હકદાર છું."
"પછી તેમણે રમેશ દત્તને પૂછ્યું કે તેમણે મારું પુસ્તક 'સાંધ્ય સંગીત' વાંચ્યું છે કે નહીં? જ્યારે દત્તે કહ્યું કે, ના, તો બંકિમચંદ્રએ મારી ઘણી પ્રશંસા કરી. મારા માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોઈ શકતો હતો."
ભાભી કાદંબરીના અવસાનથી મોટો આઘાત લાગ્યો

ઇમેજ સ્રોત, Niyogi Books
23 વર્ષની વયે રવીન્દ્રનાથનાં લગ્ન 10 વર્ષની ગ્રામીણ કન્યા મૃણાલિની સાથે થઈ ગયાં. તેમનાં લગ્નના 4 મહિના પછી જ તેમના પરિવારમાં એક દુઃખદ ઘટના બની. તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથનાં પત્ની કાદંબરીએ 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી.
સુનીલ ખિલનાનીએ પોતાના પુસ્તક 'ઇનકાર્નેશન્સ ઇન્ડિયા ઇન 50 લાઇવ્સ'માં લખ્યું છે, "દાયકાઓ પછી જ્યારે ટાગોરે 80 વર્ષની ઉંમર પાર કરી લીધી ત્યારે તેમણે યાદ કર્યું કે કઈ રીતે તેઓ અને કાદંબરી સાથે બેસીને ઉનાળાની બપોરે કલકત્તાથી આવેલી તાજી સાહિત્યિક સમીક્ષાઓ વાંચતાં હતાં અને કાદંબરી તેમને ધીમે ધીમે પંખાથી હવા નાખતાં હતાં."

ઇમેજ સ્રોત, Niyogi Books
કાદંબરીને તેમના માટે એટલું બધું આકર્ષણ હતું કે ટાગોરના જીવનચરિત્રકાર એન્ડ્ર્યૂ રૉબિન્સન અનુસાર, "ટાગોરનાં લગ્નના 4 મહિના પછી તેમણે અફીણનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હતી."
કહેવાય છે કે કાદંબરીએ પોતાની આત્મહત્યા સમયે એક પત્ર લખી મૂક્યો હતો, જેને પરિવારના વડા દેવેન્દ્રનાથના સ્પષ્ટ આદેશથી નષ્ટ કરી દેવાયો હતો.
નિત્યપ્રિય ઘોષે લખ્યું છે, "આજ સુધી કાદંબરીની આત્મહત્યા વિશે અનુમાન થતું આવ્યું છે કે તેઓ પાગલ કે માનસિક અસંતુલિત હતાં, કે તેમના પતિ તેમની ઉપેક્ષા કરતા હતા, અથવા તો તેઓ એ અભિનેત્રીની ખૂબ જ ઈર્ષ્યા કરતાં હતાં જેના વિશે એવું મનાય છે કે તે તેમના પતિની અંતરંગ હતી, અથવા તેઓ રવીન્દ્રનાથનાં લગ્નથી ખૂબ ઘવાયાં હતાં, કેમ કે, તેઓ તેમને ખૂબ પ્રેમ કરતાં હતાં, બીજું પણ ઘણું બધું."
ડબ્લ્યૂબી યીટ્સે 'ગીતાંજલિ'નું પ્રાક્કથન લખ્યું

ઇમેજ સ્રોત, Allen Lane
રવીન્દ્રનાથ ટાગોરે વર્ષ 1907થી 1910 દરમિયાન 'ગીતાંજલિ'નાં કાવ્યો લખ્યાં. સિયાલદહમાં પદ્મા નદીના કિનારે તેમણે 'ગીતાંજલિ'નાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો.
27 મે 1912એ, જ્યારે તેઓ ઇંગ્લૅન્ડ જવા સ્ટિમરમાં રવાના થયા ત્યારે તેઓ પોતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ પણ સાથે લઈ ગયા.
રવીન્દ્રનાથે પોતાની આત્મકથા 'માય લાઇફ ઇન માય વર્ડ્સ'માં લખ્યું છે, "લંડન પહોંચીને મેં આ કવિતાઓ અંગ્રેજ ચિત્રકાર વિલિયમ રોથેનસ્ટીનને આપી દીધી, જેને 1911માં હું કલકત્તામાં મળી ચૂક્યો હતો."
"રોથેનસ્ટીને એ કાવ્યો પ્રખ્યાત કવિ ડબ્લ્યૂબી યીટ્સને વાંચવા માટે આપી દીધાં. યીટ્સે એક સાંજે એ કાવ્યો પોતાના ઓળખીતા કવિઓ વચ્ચે વાંચ્યાં. એ લોકોએ કાવ્યોના આ સંકલનને ઇન્ડિયન સોસાયટી ઑફ લંડન દ્વારા છપાવવાનો નિર્ણય કર્યો. યીટ્સે આ કાવ્યોનું પ્રાક્કથન લખ્યું."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"આ રીતે 1912માં 'ગીતાંજલિ'નું સૌથી પહેલાં લંડનમાં પ્રકાશન થયું. નોબેલ પુરસ્કાર મળ્યાના સમાચાર મને 14 નવેમ્બર 1913એ શાંતિ નિકેતનમાં મળ્યા."
સરોજિની નાયડુએ ટાગોર જન્મ શતાબ્દી 1961એ પ્રકાશિત સ્મરણિકામાં લખ્યું, "જ્યારે 'ગીતાંજલિ' પ્રકાશિત થયું, એ સમયે સંયોગથી હું ઇંગ્લૅન્ડમાં જ હતી. ત્યાં જ્યારે મહાન આયરિશ કવિ વિલિયમ બટલર યીટ્સે 'ગીતાંજલિ'નો અંગ્રેજી અનુવાદ વાંચ્યો ત્યારે તેઓ જાણે પાગલ થઈ ગયાં – બિલકુલ પાગલ."
"જ્યારે 1913માં ખૂબ સુંદર દાઢી, લાંબા લચ્છાદાર વાળ અને લાંબા ચોગામાં ટાગોર ઇંગ્લૅન્ડ આવ્યા ત્યારે ઠંડા પડેલા આખા ઇંગ્લૅન્ડમાં તેમનાં ગીતોના સૂર્યથી જાણે જીવ આવી ગયો. મેં એવું દૃશ્ય પણ જોયું કે એક બસમાં એક તરફ બેઠેલાં પાંચ વૃદ્ધ મહિલાઓના હાથમાં 'ગીતાંજલિ' હતું અને તેઓ તેને વાંચી રહ્યાં હતાં."
રૉયટર્સે સાહિત્યમાં નોબેલ પુરસ્કારના સમાચાર પ્રકાશિત કર્યા હતા અને કલકત્તાના એક અખબાર 'ઍમ્પાયર'એ તેને 14 નવેમ્બર 1913એ પ્રકાશિત કર્યા.
એ સમાચારથી આખા ભારતમાં આનંદની લહેર છવાઈ ગઈ અને બંગાળીઓમાં તો ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું.
કલકત્તાના જ એક બીજા અખબાર 'ઇન્ડિયન ડેલી ન્યૂઝ'એ આના વિશે એક રસપ્રદ વાત લખી, "ટાગોરને સાહિત્યનો નોબેલ મળ્યા પછી એવું કહી શકાય કે તેમનો કોઈ યુનિવર્સિટી સાથે સંબંધ નથી રહ્યો અને તેઓ લૉર્ડ મેકૉલે અને બ્રિટિશ સરકારની શિક્ષણ-વ્યવસ્થાની ઊપજ નથી."
'નાઇટ'ની ઉપાધિ પરત કરી

ઇમેજ સ્રોત, Getty Images
13 એપ્રિલ 1919એ જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં ફાયરિંગનો આદેશ આપ્યો. આ ઘટનામાં, સત્તાવાર રીતે, 379 લોકો મૃત્યુ પામ્યા હતા.
ત્યાર પછી રવીન્દ્રનાથ ટાગોરે વાઇસરૉય ચેમ્સફોર્ડને પત્ર લખીને તેમને બ્રિટિશ સમ્રાટ દ્વારા 1915માં આપવામાં આવેલી 'નાઇટ'ની ઉપાધિ છોડવાની જાહેરાત કરી.
ચેમ્સફોર્ડને સમજાયું જ નહીં કે તેઓ આ જાહેરાતનો કઈ રીતે સામનો કરે. ભારતમાં બ્રિટિશ પ્રેસે ટાગોરના આ પ્રસ્તાવને સમ્રાટનું અપમાન માનીને ઉગ્ર પ્રતિક્રિયા આપી, જ્યારે પ્રાદેશિક અખબારોનું તેમના પ્રત્યેનું વલણ પણ ખૂબ સન્માનજનક નહોતું.
નિત્યપ્રિય ઘોષે લખ્યું છે, "એટલે સુધી કે કૉંગ્રેસે પણ એ વર્ષે થયેલા પોતાના અધિવેશનમાં ટાગોરની 'નાઇટહુડ' ઉપાધિ પાછી આપવાની રજૂઆત પર ધ્યાન ન આપ્યું. અધિવેશનમાં તે અંગે કશી ચર્ચા ન થઈ અને કોઈ પ્રસ્તાવ પણ લાવવામાં ન આવ્યો."
"તેનાં થોડાં વર્ષો પછી ગાંધીજીએ પોતાના અખબાર 'યંગ ઇન્ડિયા'માં 'ધ પોએટ ઍન્ડ ધ ચરખા' લેખમાં ટાગોર માટે 'સર રવીન્દ્રનાથ ટાગોર' લખ્યું. પછીથી ટાગોરે 'ધ મૉડર્ન રિવ્યૂ'ને ખુલ્લો પત્ર લખીને કહ્યું કે તેઓ નાઇટહુડની કદર કરે છે. તેથી તેમણે તેને પાછા આપવાની વાત ત્યારે કહી હતી જ્યારે નેતા પૂરતો વિરોધ જાહેર કરવામાં પોતાની અશક્તિ દર્શાવતા હતા. તેઓ નથી ઇચ્છતા કે તેમના કોઈ અંકમાં તેમના માટે 'બાબુ' કે 'શ્રીયુત' કે 'સર' કે 'ડૉક્ટર' અને એટલે સુધી કે 'સાહેબ' પણ લખવામાં આવે."
ટાગોરનો રાષ્ટ્રવાદ બીજાઓ કરતાં જુદો હતો

ઇમેજ સ્રોત, Getty Images
ટાગોર ભગવાન સ્વરૂપે દેશની પૂજા કરાય તેના સખત ટીકાકાર હતા. તેઓ આધુનિક રાષ્ટ્રો દ્વારા કરાયેલા ગુનાઓથી પણ ઘણા ક્ષુબ્ધ હતા, આમ છતાં એ ધરતી પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈનાથી ઓછો નહોતો જ્યાં તેઓ જન્મ્યા હતા.
તેમણે દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વચ્ચે સ્પષ્ટ ભેદ કર્યો હતો. તેમણે પોતાના દેશને પ્રેમ કરવાની વાત જરૂર કહી હતી, પરંતુ તે કોઈ બીજા દેશને શત્રુ માનીને નહીં.
પહેલા વિશ્વયુદ્ધે ટાગોરને મક્કમતાથી આક્રમક રાષ્ટ્રવાદ વિરુદ્ધ ઊભા કરી દીધા હતા અને આ વિષય પર તેમનાં ભાષણોએ અમેરિકા, ઇટાલી અને હંગેરીમાં તેમના મિત્રોને પણ તેમના વિરોધી કરી દીધા હતા.
તેઓ સંસ્થાનવાદના હંમેશાં વિરોધી રહ્યા. એવા સમયે, જ્યારે તેમના ઘણા સાથી આઝાદીની લડાઈ લડતા હતા ટાગોર વિચારસરણીની આઝાદીની વાત કરતા હતા.

ઇમેજ સ્રોત, Niyogi Books
જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર સુપ્રિય ચૌધરીએ કહ્યું, "ટાગોર બતાવવા માગતા હતા કે જ્યાં સુધી લોકો માનસિક ગુલામીથી સ્વયંને આઝાદ ન કરી લે, ત્યાં સુધી રાજકીય આઝાદીનો કશો અર્થ નથી."
ટાગોરની એક કવિતા કદાચ આખા ભારતની સ્કૂલોના અભ્યાસક્રમમાં છે–
મન જહાં ડર સે પરે હૈ
ઔર સિર જહાં ઉંચા હૈ
જ્ઞાન જહાં મુક્ત હૈ
ઔર જહાં દુનિયા કો
સંકીર્ણ ઘરેલૂ દીવારોં સે
છોટે છોટે ટુકડો મેં નહીં બાંટા ગયા હૈ…
1901માં લખાયેલી આ કવિતાનો અંત દેશની આઝાદીના આહ્વાન સાથે થાય છે. ટાગોરના દેહાવસાનનાં છ વર્ષ પછી ભારતને આઝાદી મળી. ટાગોરના એક બીજા ગીતે આખા ભારતનું ધ્યાન ખેંચ્યું–
જોદિ તોર ડાક શુને કેયો ના આશે,
તોબે એકલા ચોલો રે…
આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકૅંપો સાથે મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1924માં રવીન્દ્રનાથ ટાગોર આર્જેન્ટિના ગયા, જ્યાં તેઓ બે મહિના સુધી વિક્ટોરિયા ઓકૅંપોના મહેમાન બનીને રહ્યા. તેમણે પોતાના એક મિત્રને ત્યાં તેમના રોકાણની વ્યવસ્થા કરાવી.
આ દરમિયાન ટાગોરે 22 કવિતા લખી. એ થોડી અસામાન્ય જેવી વાત હતી. ટાગોરે એક વાર અજિત ચક્રવર્તીને કહ્યું હતું, જ્યારે પણ તેઓ પશ્ચિમી પહેરવેશ પહેરે છે, સરસ્વતી તેમનો સાથ છોડી દે છે. તેઓ વિદેશી કપડાંમાં પોતાની માતૃભાષામાં નથી લખી શકતા. ઓકૅંપો ટાગોર સાથે સંબંધોના અનેક સ્તરોમાંથી પસાર થયાં.
પછીથી તેમણે પોતાના પુસ્તક 'ટૅગોર ઑન ધ બૅક્સ ઑફ રિવર પ્લેટ'માં લખ્યું, "થોડું થોડું કરીને તેમણે યુવા જાનવરને પાલતુ બનાવી લીધું, ક્યારેક ઉગ્ર તો ક્યારેક એકદમ શાંત, તેમના દરવાજાની બહાર કોઈ કૂતરાની જેમ જે ક્યારેય સૂતું નહોતું."

ઇમેજ સ્રોત, Getty Images
ટાગોરે ઓકૅંપોને લખેલા પત્રમાં તેમની સરભરા માટે આભાર પ્રકટ કરતાં લખ્યું, "મારો બજાર ભાવ ઊંચો થઈ ગયો છે અને મારું અંગત મૂલ્ય પાછળ રહી ગયું છે. આ અંગત મૂલ્યને મેળવવાની તીવ્ર ઇચ્છા મારો પીછો કરતી રહી છે. તેને ફક્ત કોઈ સ્ત્રીના પ્રેમથી મેળવી શકાય છે અને હું ઘણા સમયથી એ આશા રાખી બેઠો છું કે હું તે મેળવવાને યોગ્ય છું."
નિત્યપ્રિય ઘોષે લખ્યું છે, "કવિના આરામ અને સુવિધાઓનું ખૂબ વધુ ધ્યાન રાખનાર ઓકૅંપોએ કવિની કૅબિનમાં એક સોફા રખાવવા માટે એ જહાજના કૅપ્ટનને કૅબિનનો દરવાજો કઢાવવા માટે મનાવી લીધા હતા, જેમાં તેઓ આર્જેંન્ટિનાથી યુરોપ આવવાના હતા. આ સોફાને પછીથી શાંતિ નિકેતન લાવવામાં આવ્યો અને કવિ તેનો ઉપયોગ પોતાના અંતિમ દિવસો સુધી કરતા રહ્યા."
જૉર્જ બર્નાર્ડ શૉ અને ટાગોર

ઇમેજ સ્રોત, Niyogi Books
ટાગોરને મુસોલિનીને એક વાર, અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને જૉર્જ બર્નાર્ડ શૉને ઘણી વખત મળવાના અવસર મળ્યા હતા.
એવું લાગે છે કે શરૂઆતમાં શૉ, ટાગોર વિશે સારું નહોતા વિચારતા. વર્ષ 1919માં તેમણે પોતાની એક નાટિકાના કવિચરિત્રને 'સ્ટૂપેન્દ્રનાથ બેગોર' નામ આપ્યું હતું.
ટાગોરના પુત્ર રતીન્દ્રનાથે 'ઑન ધ એજેસ ઑફ ટાઇમ'માં શૉ સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, "એક સાંજે અમે બધા સિનક્લેયર દ્વારા રખાયેલા રાત્રિભોજન સમારંભમાં આમંત્રિત હતા."
"પિતાજી બર્નાર્ડ શોની બાજુમાં બેઠા હતા. બધા લોકોએ એ વાતનું આશ્ચર્ય હતું કે શૉ એકદમ ચૂપચાપ બેઠા હતા. બધી વાતચીત પિતાજીએ જ કરવી પડતી હતી. તેમની સાથે અમારી પછીની મુલાકાત ક્વીન્સ હૉલમાં થઈ. સંગીતસભાના અંતમાં જ્યારે અમે હૉલમાંથી બહાર નીકળતા હતા ત્યારે કોઈએ અચાનક પિતાજીનો હાથ પકડી લીધો અને પોતાની તરફ ફેરવતાં કહ્યું, 'શું તમને હું યાદ છું? હું બર્નાર્ડ શૉ છું'."
આ બે મુલાકાત પછી શૉમાં ટાગોર પ્રત્યે મૈત્રીભાવ જન્મ્યો અને બંને વચ્ચે ઘણાં વર્ષો સુધી પત્રવ્યવહારનો સિલસિલો ચાલ્યો.
રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
ટાગોર અને ગાંધી એક જ દાયકામાં જન્મ્યા હતા – ટાગોર 1961માં અને ગાંધી 1969માં.
ટાગોરે જ ગાંધીને 'મહાત્મા' બિરુદ આપ્યું હતું. ગાંધી પણ ટાગોરને હંમેશા 'ગુરુદેવ' કહીને બોલાવતા હતા. ઘણી બાબતોમાં મતભેદ હોવા છતાં બંને એકબીજાને ખૂબ સન્માન આપતા હતા.
ટાગોરે 1921માં ગાંધીની ખિલાફત આંદોલન માટેની રણનીતિની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ટાગોરે ગાંધીની તે વાતની પણ મજાક ઉડાવી કે જો દેશમાં બધા લોકો ચરખા પર સૂતર કાંતવાનું શરૂ કરી દેશે, તો તેઓ એક જ વર્ષમાં દેશમાં સ્વરાજ સ્થાપિત કરી દેશે.

ઇમેજ સ્રોત, Getty Images
એક વાર જ્યારે ગાંધીએ બિહારમાં આવેલા ભૂકંપને આભડછેટના પાપીઓને ઈશ્વરીય દંડની સંજ્ઞા આપી હતી ત્યારે ટાગોરે એક સાર્વજનિક નિવેદન જાહેર કરીને કહેલું કે "એ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગાંધી કોઈ કુદરતી આફતને ઈશ્વરની નારાજગીની અભિવ્યક્તિ તરીકે જોઈ રહ્યા છે, ખાસ કરીને એવા સમયે, જ્યારે મોટા ભાગના ભારતીય સવાલ કર્યા વગર તેમની વાત સ્વીકારી લે છે."
માત્ર પોતાની રોજિંદી જીવનશૈલીમાં જ નહીં, પોતપોતાના સામાજિક અને રાજકીય વિશ્વાસોમાં પણ ગાંધી અને ટાગોર બે અલગ અલગ છેડા હતા. તેમ છતાં પણ, ગાંધીએ ટાગોરની વાતોને શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું ક્યારેય ન છોડ્યું."
બંને વચ્ચેનું અંતર વધતું રહ્યું, કેમ કે, ટાગોર વિશ્વભારતી અને દેશની સીમાઓથી આગળ જતા 'માનવતાવાદ' અને 'આંતરરાષ્ટ્રીયતાવાદ'માં માનતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર 1937માં જ્યારે ટાગોર એક મેડિકલ તપાસ માટે કલકત્તાના બહારના વિસ્તારમાં પ્રશાંત મહાલનોબિસના ઘરે રોકાયા અને ત્યાંથી શરચ્ચંદ્ર બોઝના ઘરે આવ્યા, ત્યારે ગાંધી તેમને મળવા માટે કારમાં નીકળ્યા.
રસ્તામાં ગાંધી કારમાં જ બેભાન થઈ ગયા. જ્યારે ટાગોરને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગાંધીને મળવા માટે વિહ્વળ થઈ ગયા.
ગાંધીને શરતના ઘરના સૌથી ઉપરના માળે રાખવામાં આવ્યા હતા. ત્યાં સુધી લઈ જવા માટે 49 વર્ષના જવાહરલાલ નહેરુ, 40 વર્ષના સુભાષ બોઝ, 48 વર્ષના શરત અને 45 વર્ષના મહાદેવ દેસાઈએ ટાગોરને ખુરશીમાં બેસાડ્યા અને તેમને ઊંચકીને ગાંધીને મળાવવા માટે ઉપર લઈ ગયા.
લાંબી બીમારી પછી 7 ઓગસ્ટ 1941એ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે છેલ્લા શ્વાસ લીધા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












