અરવલ્લી: ગુજરાતથી શરૂ થનારી ગિરિમાળા કેટલી પ્રાચીન છે અને એનો ઇતિહાસ શું છે?

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાર રાજ્યોનાં અનેક નગર અરવલ્લીના ખોળે વસેલાં છે
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી 'અરવલ્લી બચાવો' અભિયાન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાની જે વ્યાખ્યા મંજૂર કરવામાં આવી છે, તેના કારણે આ ગિરિમાળાને અસર થઈ શકે છે, એવું આંદોલનકારીઓનું કહેવું છે.

જોકે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કહેવા પ્રમાણે, વિશ્વમાં પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે જ આ વ્યાખ્યા કરવામાં આવી છે. સરકારના દાવા અનુસાર તેનાથી ખાણકામ કે બેફામ નિર્માણકાર્ય શરૂ નહીં થાય અને ખાણકામ પટ્ટા નહીં આપવાની પણ જાહેરાત કરાઈ છે.

ગુજરાતના ચાર જિલ્લા સહિત ચાર રાજ્યોના 37 જેટલા જિલ્લાના લોકો, ત્યાંના પર્યાવરણ અને લોકોની આજીવિકાને અરવલ્લીની પર્વતીય હારમાળા સીધી અસર કરે છે, એટલે લોકોમાં ચિંતા પ્રવર્તે છે.

પર્યાવરણવિદ્દો અને જળક્ષેત્રે કામ કરતા કર્મશીલોનું કહેવું છે કે માત્ર પહાડની ઊંચાઈને ધ્યાને ન લેવી જોઈએ, પરંતુ તેની સાથે ઇકૉલોજી અને ઇકૉસિસ્ટમને પણ ધ્યાને લેવાં જોઈએ.

અરવલ્લીની ગિરિમાળા વિશ્વના સૌથી પ્રાચીન ભૂભાગોમાંની એક છે. તે ભારતના કુદરતી સંરક્ષક હિમાલય કરતાં પણ 'સિનિયર' છે અને તે પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ ભૂભાગ છે.

ગુજરાત અને અરવલ્લીની ગિરિમાળા

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૈસોર અભયારણ્ય 180 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું

સંસ્કૃતના બે શબ્દો 'અર' અને 'વલ્લી' પર ઊતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ 'ટેકરીઓની હારમાળા' એવો થાય છે.

અરવલ્લીની ગિરિમાળા ગુજરાતમાં ઇડરની દક્ષિણેથી લંબાઈને દેશની રાજધાની દિલ્હીમાં રાયસીના હિલ્સ સુધી 800 કિલોમીટર જેટલી વિસ્તરે છે. રાષ્ટ્રપતિભવન, સંસદભવન તથા કેન્દ્ર સરકારની વહીવટી કચેરીઓ રાયસીના હિલ્સ ઉપર જ આવેલાં છે.

અરવલ્લી ગ્રીન વૉલ (અરવલ્લી લૅન્ડસ્કેપ રિસ્ટોરેશન) ઍક્શન પ્લાનમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતના ચાર જિલ્લા - અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા, દિલ્હી ઉપરાંત હરિયાણાના છ જિલ્લા - ચરખી દાદરી, ફરીદાબાદ, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ, નૂહ અને રેવાડી તથા રાજસ્થાનના સૌથી વધુ 19 જિલ્લા - અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, દૌસા, ડુંગરપુર, જયપુર, ઝુંઝુનુ, કરૌલી, નાગૌર, પાલી, પ્રતાપગઢ, રાજસમંદ, સવાઈ માધોપુર, સીકર, સિરોહી અને ઉદયપુર અરવલ્લીના હદવિસ્તારમાં આવે છે.

ગુજરાતના 29મા જિલ્લા તરીકે અરવલ્લી અસ્તિત્વમાં આવ્યો. આ જિલ્લાને સાબરકાંઠા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો અને અહીંની ગિરિમાળાના આધારે જ તેને અરવલ્લી નામ આપવામાં આવ્યું હતું.

ભારતીય સસલાં, નીલગાય, નોળિયા, જંગલી બિલાડી, તેતર, મોર અને ઢેલ, ઘુવડ, રીંછ વગેરે ગુજરાત રાજ્યમાં અરવલ્લીના ભૂભાગમાં જોવા મળતાં વન્ય તથા સંરક્ષિત જીવો છે.

સાબરમતી ઉપરાંત વાત્રક, માઝમ, મેશ્વો અને શેઢી જેવી તેની પૂરક નદીઓ અરવલ્લીમાંથી ઉદ્ભવે છે. મહેસાણાની રૂપેણ અને ખારી તથા બનાસકાંઠામાં બનાસ નદીઓ અહીંથી નીકળે છે. રાજસ્થાનમાં ઉદભવતી લૂણી નદી ગુજરાતમાં થઈને કચ્છના રણમાં મળી જાય છે.

મહેસાણામાં આવેલું થોળ પક્ષી અભયારણ્ય રામસર સાઇટ છે, જ્યાં ફ્લેમિંગો, સારસ ક્રેન અને પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓ આવે છે. બનાસકાંઠામાં બાલારામ વન્યજીવ અભયારણ્ય અને જેસોર સ્લોથ બીયર સેન્ચ્યુરી આવેલાં છે.

સંબંધિત વિસ્તારોમાં ખૈર, બાવળ, લીમડો, સલવો, પલાશ, સીસમ, ટીમરુ, આમળી, પીપળી, રાયણ, હરડે, બહેડા, સાગ, અર્જુન, પીપળો, જંગલી પીલુ સહિતનાં સ્થાનિક વૃક્ષો અને ઘાસનું વાવેતર કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કરીને ઈકૉલોજી અને ઈકૉસિસ્ટમ જળવાઈ રહે.

અરવલ્લીનો ઇતિહાસ

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિમાલય કરતાં અરવલ્લીની ગિરિમાળા ખૂબ જ જૂની
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટાનિકા ઍન્સાયક્લોપીડિયાની માહિતી પ્રમાણે, અરવલ્લી ગિરિમાળા એ ભારતની સૌથી પ્રાચીન શૃંખલા છે, જે બે અબજ વર્ષ કરતાં પણ પુરાણી હોવાનું માનવામાં આવે છે. તે ભારત જ નહીં, પરંતુ વિશ્વની પ્રાચીન ગિરિમાળાઓમાંની એક છે.

ગુજરાતી વિશ્વકોશ પર અરવલ્લી વિશે આપવામાં આવેલી માહિતી પ્રમાણે, દુનિયાના જૂનામાં જૂના સમુદ્રથાળામાં સતત એકઠો થયેલો વિશાળ જથ્થો પ્રચંડ ભૂસંચલનની ઘટના દ્વારા ઊંચકાઈ આવ્યો જેના થકી અરવલ્લીનું નિર્માણ થયું.

પ્રથમ જીવયુગ દરમિયાનના પુરાવાઓ પરથી કહી શકાય છે કે તે સમયે આ હારમાળા ઘણી લાંબી અને પહોળી હતી. તે દક્ષિણથી માંડીને વર્તમાન સમયના હિમાલય સુધી વિસ્તરેલી હતી.

અલબત એ યાદ રાખવું ઘટે કે હિમાલય ચારથી પાંચ કરોડ વર્ષ (40થી 50 મિલિયન વર્ષ) પહેલાં ભારતીય તથા યુરેશિયન પ્લેટની ટક્કરને કારણે હિમાલય અસ્તિત્વમાં આવ્યો.એ તબક્કે અરવલ્લીની હારમાળાના પર્વતો ખાસ્સી ઊંચાઈ ધરાવતા હતા, જેનાં શિખરો હિમનદીના બરફથી ઢંકાયેલાં રહેતાં હતાં.

પહાડોમાંથી નીકળતી નદીઓને કારણે બનેલા ખાસ પ્રકારના પથ્થરો હિમાલયમાં જોવા મળે છે. આવા જ પથ્થરો અરવલ્લીમાં પણ જોવા મળતા હોવાથી એક તબક્કે તે હિમાચ્છાદિત હોવાનું અનુમાન મૂકવામાં આવે છે. લાખો-કરોડો વર્ષ દરમિયાન વરસાદ અને પાણીના ઘસારાને કારણે અરવલ્લીનું કદ ઘસાતું ગયું અને બરફ જામવાનું ઓછું થઈ ગયું હશે.

પર્યાવરણ અને જળસ્તર પર અસર

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના રણથંભોરનું રાષ્ટ્રીય ઉદ્યાનનો છે, પૃષ્ઠભૂમિમાં અરવલ્લી ટેકરીઓ (ફાઇલ તસવીર)

અરવલ્લી રણના વિસ્તરણને અટકાવનાર, જૈવવૈવિધ્યના સંરક્ષક અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તરીકે કામ કરે છે. સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ, રિવર ઍન્ડ પીપલના સંયોજક હિમાંશુ ઠક્કરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "અરવલ્લીનો કેટલોક વિસ્તાર હજુ પણ હરિયાળો છે. જો હરિયાળી રહેશે તો વરસાદ પડશે અને એ પાણી જમીનમાં ઊતરશે."

"(નવી વ્યાખ્યાથી) અરવલ્લીના જૈવવૈવિધ્યને અસર થશે, જેના કારણે માઈક્રોક્લાઈમેટને પણ અસર પહોંચશે."

હિમાંશુ ઠક્કર ઉમેરે છે, "સામાન્ય રીતે કેચમેન્ટ એરિયાની જમીનની ગુણવત્તા કથળી રહી છે, જેના કારણે પાણી જમીનમાં ઊતરવાને બદલે વહી જાય છે. જો જમીન ઉપર હરિયાળી હોય, જળસ્રોતો હોય તથા ધોવાણ ન થતું હોય, તો પાણી જમીનમાં ઊતરે. થોડું પાણી માટીમાં રહેશે અને તળમાં પણ ઊતરશે. જમીનની ગુણવત્તા, જૈવવૈવિધ્ય અને માઈક્રોક્લાઈમેટ પણ સુધરે. અરવલ્લીના આવા અનેક આયામ છે, જેને ધ્યાને લેવાની જરૂર છે. 100 મીટરની ઊંચાઈની ભલામણ પાછળ કોઈ વિજ્ઞાન નથી જણાતું."

સ્વતંત્ર ભારતમાં પર્યાવરણ મુદ્દે સરકાર સાથે સમાજનું ઘર્ષણ નવી વાત નથી અને અગાઉ અનેક વખત નાગરિકો તથા પર્યાવરણવિદ્દોએ લડત લડી છે.

રાજસ્થાનને કર્મભૂમિ બનાવનાર તથા 'વૉટરમૅન' તરીકે જાણીતા રાજેન્દ્રસિંહે 'અરવલ્લી પર નયા સંકટ' નામની પુસ્તિકા બહાર પાડી છે, જેથી કરીને અરવલ્લી અંગે નાગરિકોને જાગૃત કરી શકાય. એમાં અરવલ્લીમાં ગેરકાયદે ખાણકામ સામે તેમના સંગઠને 1988થી ચળવળ હાથ ધરી હોવાનો ઉલ્લેખ છે. 1993ની ગાંધી જયંતીના દિવસથી ગુજરાતના હિંમતનગરથી 'અરવલ્લી ચેતના યાત્રા' નીકળી હતી, જે દિલ્હી સુધી પહોંચી હતી.

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શહેરીકરણ, ખાણકામ અને માર્ગોને કારણે અરવલ્લીને ખાસ્સું નુકસાન થયું હોવાનો નિષ્ણાતોનો મત

પર્યાવરણવિદ્દોએ અરવલ્લીની નવી વ્યાખ્યા સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કાયદાકીય રીતે પડકારવા માટેની તજવીજ પણ હાથ ધરી છે.

પર્યાવરણ કાર્યકર્તા ડૉ. અનિલ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "પર્યાવરણની સુરક્ષા માટે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચિપકો આંદોલનથી લઈને અત્યાર સુધી અલગ-અલગ કારણો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. જળપ્રદૂષણ, દિલ્હીનું વાયુપ્રદૂષણ, અરવલ્લી - આ બધી સમસ્યાઓને અલગ-અલગ જોવાની જરૂર નથી. તે એકબીજા સાથે સંકળાયેલી છે. આના માટે ગેરકાયદેસર ખાણકામ કરનારા કે પ્રદૂષણ ફેલાવનારા જેટલા જવાબદાર છે, એટલા જ સમાજ તરીકે આપણે પણ જવાબદાર છીએ."

"આપણે ચોક્કસ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માંગીએ છીએ, પરંતુ પર્યાવરણ પર તેની શું અસર થશે, તેના વિશે વિચારતા નથી. આપણે પર્યાવરણનું દોહન કરી રહ્યા છીએ. આના વિશે પર્યાવરણવિદ્દો, સરકાર, ન્યાયતંત્ર, ઉદ્યોગ અને સમાજે સાથે મળીને ચર્ચા કરીને 'લાલરેખા' દોરવાની જરૂર છે."

ડૉ. અનિલ જોશી કહે છે, "જો હિમાલય કે અરવલ્લી નહીં હોય તો બધું રણપ્રદેશમાં ફેરવાઈ જશે." ડૉ. અનિલ જોશીને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરવા બદલ પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયેલા છે.

અરવલ્લીની ગિરિમાળા વિશે અવનવું

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે 100 મીટર કે તેથી વધુ ઊંચાઈને જ અરવલ્લીના ભાગરૂપ ગણવાની વ્યાખ્યા સ્વીકારતા વિવાદ થયો
  • 1722 મીટર ઊંચું ગુરુશિખર એ આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે.
  • રાજસ્થાનના અરવલ્લીમાં આવેલું માઉન્ટ આબુ એ પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
  • ગિરિમાળાનો સૌથી લાંબો વિસ્તાર રાજસ્થાનમાંથી પસાર થાય છે, જ્યાં અનેક વિખ્યાત કિલ્લાઓ આવેલા છે.
  • મહારાણા પ્રતાપ અને મુઘલ સેના વચ્ચેની લડાઈ હલ્દીઘાટીમાં થઈ હતી, જે અરવલ્લીમાં આવેલી છે.
  • સ્વતંત્રતાની ચળવળ સમયે માનગઢમાં જલિયાવાલા બાગ જેવો નરસંહાર થયો હતો, જે અરવલ્લીના ખોળામાં આવેલો વિસ્તાર છે.
  • તારંગા, ઋષભદેવનું મંદિર, નાથદ્વારા, પુષ્કરનું બ્રહ્મા મંદિર અને અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ જેવાં ધાર્મિક સ્થળો અરવલ્લીમાં આવેલાં છે.

તાજેતરના વિવાદનો ઉદ્દભવ

અરવલ્લી ગિરિમાળાનો ઇતિહાસ, હિમાલય કરતાં જૂની, 100 મીટરના પર્વત સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા, અરવલ્લી ગ્રીન વૉલ, પર્યાવરણ વિનાશ અને સંરક્ષણ બીબીસી ગુજરાતી વિવાદ,

ઇમેજ સ્રોત, maharana pratap the invincible warrior

ઇમેજ કૅપ્શન, મહારાણા પ્રતાપ તેમના સૈનિકો અને અરવલ્લીવાસી ભીલ સમુદાય વચ્ચે

વરિષ્ઠ પત્રકાર અને 'પથિક મેં અરવલ્લી કા' પુસ્તકના લેખક ભંવર મેઘવંશીએ બીબીસી હિન્દીના સંવાદદાતા મોહનલાલ સાથે વાત કરતા જણાવ્યું કે વિવાદના મૂળમાં 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે, જેમાં 100 મીટરથી ઓછી ઊંચાઈવાળી ટેકરીઓને 'અરવલ્લી' નથી એવી ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

"જો આ વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવે તો માત્ર આઠથી દસ ટકા વિસ્તાર જ અરવલ્લી પર્વતનો વિસ્તાર રહેશે. અહીંથી જોખમ તોળાવાનું શરૂ થઈ જાય છે. જો તેને અરવલ્લી માનવામાં ન આવે તો ખાણકામ માટે પટ્ટા આપી શકાય છે."

ભંવર મેઘવંશી તથા અન્ય ચળવળકર્તાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી બેફામપણે ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું છે, જેના કારણે અરવલ્લીને નુકસાન થઈ રહ્યું છે અને તેનું ઉદાહરણ દિલ્હીથી જયપુર જતી વખતે જોઈ શકાય છે.

કેન્દ્ર સરકારે અરવલ્લીમાં ખાણકામના નવા કોઈ પટ્ટા નહીં આપવાની પણ જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં (મુદ્દા નં. 37) પરમાણુ તત્ત્વો અથવા ક્રિટિકલ મિનરલ્સ માટે મૂળભૂત અને આસપાસના વિસ્તારમાં ખાણકામની છૂટ આપવાની ભલામણનો સ્વીકાર કર્યો છે.

જોકે મોદી સરકારમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું કહેવું છે, "અરવલ્લીના કુલ એક લાખ 47 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ ખાણકામ થઈ શકશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન