ગુમ થયેલા માણસનો ગ્લેશિયરમાં દબાયેલો મૃતદેહ 28 વર્ષ પછી સહીસલામત કેવી રીતે મળ્યો?

ઇમેજ સ્રોત, Umar Khan
- લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
- પદ, બીબીસી ઉર્દૂ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહિસ્તાનમાં એક એવી ઘટના ઉજાગર થઈ છે, જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે.
હકીકતમાં, આ વિસ્તારના ઉમર ખાન પોતાના કેટલાક મિત્રો સાથે પાકિસ્તાનની લેદી વૅલી ગયા હતા. તેઓ પશુપાલન અને વેચાણનું કામ કરે છે અને ઉનાળામાં ઘણી વાર લેદી વૅલી જાય છે. પહાડો અને ગ્લેશિયરો પર ફરવા દરમિયાન અચાનક તેમને એક મૃતદેહ દેખાયો.
આ વિસ્તાર આખું વર્ષ બરફથી ઢંકાયેલા પહાડો માટે જાણીતો છે. એ દૃષ્ટિએ ત્યાં અચાનક કોઈ મૃતદેહ દેખાવો એ સૌ કોઈ માટે ચોંકાવનારી બાબત હતી. ઉમર ખાને જણાવ્યું, "અમે ત્યાં જે મૃતદેહ જોયો તે બિલકુલ સહીસલામત હતો. તેનાં કપડાં પણ ફાટેલાં નહોતાં."
કપડાં તપાસતાં તેમને એક ઓળખપત્ર મળ્યું, જેના પર 'નસીરુદ્દીન' નામ લખેલું હતું. આ બધામાં સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે નસીરુદ્દીન લગભગ 28 વર્ષ પહેલાં ગુમ થયા હતા.
સ્થાનિક જિલ્લા પોલીસ અધિકારી અમજદ હુસૈને જણાવ્યું કે આ કેસ લગભગ 28 વર્ષ જૂનો છે.
તેમના અનુસાર, એ સમયે પોલીસે તપાસ પૂરી કરી લીધી હતી અને કેસ બંધ કરી દીધો હતો. જોકે, નસીરુદ્દીનના પરિવારે તેમના ખોવાયા બાબતે ક્યારેય કોઈ રિપોર્ટ નોંધાવ્યો નહોતો.
ઉમર ખાન જણાવે છે, "જ્યારે નસીરુદ્દીનનું ઓળખપત્ર મળ્યું, ત્યારે મારી સાથે રહેલા લોકોને તેમની અને તેમના પરિવારની કહાણી યાદ આવી ગઈ. કહેવાય છે કે પારિવારિક દુશ્મનાવટના કારણે તેમણે પાલસ વિસ્તાર છોડી દીધો હતો અને પછી આ ગ્લેશિયરમાં ગુમ થઈ ગયા હતા."
નસીરુદ્દીનના પરિવારમાં તેમનાં પત્ની અને બે બાળકો હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લેશિયરમાં ગુમ થયેલા નસીરુદ્દીન કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે સમયે નસીરુદ્દીન ગુમ થયા હતા, તે સમયે તેમના નાના ભાઈ કસીરુદ્દીન પણ તેમની સાથે ગ્લેશિયર પર હતા.
કોહિસ્તાન પોલીસના નિવૃત્ત અધિકારી અબ્દુલ અઝીઝ અને અન્ય સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે નસીરુદ્દીનના એક ભાઈ ગરદેઝની ખોટી આબરૂના નામે હત્યા કરી દેવાઈ હતી. તેમની સાથે તેમની પ્રેમિકાની હત્યા પણ કરી દેવામાં આવી હતી.
અબ્દુલ અઝીઝે જણાવ્યું, "આ એ સમય હતો જ્યારે પોલીસ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. સંચારનાં સાધન નહોતાં અને સામાન્ય રીતે આવી ઘટનાઓ પોલીસ સુધી નહોતી પહોંચતી. પીડિત પક્ષ પણ ફરિયાદ દાખલ નહોતા કરાવતા. ઘણી વાર પોલીસને પોતાનાં સૂત્રો દ્વારા માહિતી મળી જતી હતી, પરંતુ જ્યાં સુધી પીડિત પક્ષ ફરિયાદ ન કરે, ત્યાં સુધી પોલીસ માટે હસ્તક્ષેપ કરવો મુશ્કેલ હતું."
સામેના પક્ષે બહરામ અને તેમના પુત્રો નસીરુદ્દીન અને કસીરુદ્દીન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
નિવૃત્ત પોલીસ અધિકારી અનુસાર, "બહરામે ધરપકડ વહોરી લીધી હતી, પરંતુ બંને પુત્ર ધરપકડથી બચવા માટે ભાગી ગયા હતા. થોડાં વર્ષો પછી, બહરામ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા, પરંતુ ત્યાં સુધીમાં પરિવાર માટે પાલસમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. ત્યાર પછી આખો પરિવાર અલાઈ વિસ્તારમાં જઈને વસી ગયો."
નસીરુદ્દીનના ભાઈ કસીરુદ્દીન અનુસાર, "તેઓ આ મુકદમાથી બચતા રહ્યા અને 2023માં તેમણે જાતે ધરપકડ વહોરી. થોડા મહિના પછી તેઓ પણ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા."
નસીરુદ્દીન કઈ રીતે ગુમ થયા?

ઇમેજ સ્રોત, Suleman
ત્રીજી ઑગસ્ટ 2025એ જ્યારે કસીરુદ્દીન પોતાના ભાઈ નસીરુદ્દીનનો મૃતદેહ લેવા માટે લેદી વૅલી જવા રવાના થયા તે દરમિયાન તેમણે બીબીસીને જણાવ્યું કે તેઓ અને નસીરુદ્દીન અલાઈથી કોહિસ્તાનની સુપેટ વૅલી આવ્યા હતા, જ્યાંથી તેમણે વેપાર માટે ઘોડા ખરીદ્યા હતા અને એ ઘોડાને અલાઈ પાછા લઈ જવાના હતા.
બંને ભાઈ કોહિસ્તાનથી ઘોડા અને બીજાં માલઢોર લાવીને અલાઈમાં વેચતા હતા, જ્યાં તેમની "ઊંચી માગ રહેતી હતી".
અલાઈથી કોહિસ્તાનનો માર્ગ મુશ્કેલ હતો, જે વર્ષના ઘણા મહિના બંધ પણ રહેતો હતો. કસીરુદ્દીન અનુસાર, પારિવારિક દુશ્મનાવટના કારણે તેઓ એવા રસ્તા પર સફર કરતા હતા, જેનો ઉપયોગ ઓછો થતો હતો.
આ જૂન 1997ની વાત છે, જ્યારે તેઓ અને તેમના ભાઈ નસીરુદ્દીન કોહિસ્તાનની સુપેટ વૅલીની મુસાફરી કરતા હતા અને પાછા આવવા માટે તેમણે એક જુદો રસ્તો પસંદ કર્યો હતો.
કસીરુદ્દીન કહે છે કે, લેદી વૅલી પર બપોરની મુસાફરી દરમિયાન નસીરુદ્દીન ઘોડા પર સવાર હતા અને પોતે પગપાળા ચાલતા હતા. "જ્યારે અમે બિલકુલ ઉપર પહોંચી ગયા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સાંભળ્યો."
કસીરુદ્દીન અનુસાર, તેમને બીક હતી કે 'દુશ્મન દ્વારા ફાયરિંગ' કરવામાં આવ્યું, પરંતુ આ બાબતની સ્વતંત્ર રીતે પુષ્ટિ ન થઈ શકી અને કોહિસ્તાન પોલીસને પણ ત્યાં ફાયરિંગની કશી માહિતી નથી મળી.
પરંતુ, કસીરુદ્દીનનું કહેવું છે, "ફાયરિંગ પછી નસીરુદ્દીન એક ગુફામાં જતા રહ્યા હતા. હું પાછો વળ્યો અને જ્યારે ફરીથી ત્યાં જોયું તો કોઈ નહોતું. મેં બરફની ગુફામાં થોડે અંદર સુધી જઈને જોયું, પરંતુ ત્યાં કશું નહોતું."
કસીરુદ્દીન અનુસાર, તેમણે અન્ય લોકોની મદદથી ઘણા સમય સુધી પોતાના ભાઈને શોધવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા નહોતી મળી, અને આખરે તેમણે ઘરના લોકોની સલાહથી ગ્લેશિયર પર જ નસીરુદ્દીનની નમાજ-એ-જનાજા અદા કરી હતી.
અને, 28 વર્ષ પછી ગ્લેશિયર પર મૃતદેહ મળ્યો

ઇમેજ સ્રોત, Umar Khan
ઉમર ખાન કહે છે કે તેઓ લગભગ દર વર્ષે આ વિસ્તારમાં આવતા રહ્યા છે, પરંતુ "જે હું આ વર્ષે જોઈ રહ્યો છું તેના પર વિશ્વાસ નથી બેસતો."
"ચાલુ વર્ષે ગ્લેશિયર ઝડપભેર પીગળી રહ્યા છે અને આપણે અનુભવી રહ્યા છીએ કે વિસ્તારમાં ગરમી વધી ચૂકી છે."
તેમનું કહેવું હતું કે જ્યારે સંભવિત રીતે નસીરુદ્દીન આ ગ્લેશિયર કે ગુફામાં ફસાયા હશે ત્યાર પછી "તેઓ થોડીક જ મિનિટ જીવિત રહી શક્યા હશે… અમને ત્યાં ઘોડાના અવશેષ પણ ન મળ્યા."
તેમને લાગે છે કે નસીરુદ્દીનનો મૃતદેહ ઘણાં વરસો સુધી ગ્લેશિયરની અંદર જ રહ્યો હશે અને કદાચ એટલા માટે ખરાબ ન થયો.
ગ્લેશિયરમાં સુરક્ષિત રહેતા માનવ મૃતદેહો ઘણી વાર વરસો પછીએ સહીસલામત સ્થિતમાં મળી આવે છે.
ઉમર ખાન કહે છે કે એક દિવસ તેઓ ચાલતાં મુસાફરી કરીને એવા વિસ્તારમાં પહોંચી ગયા જ્યાં મોબાઇલ સિગ્નલ મળતા હતા, ત્યાર બાદ તેમણે નસીરુદ્દીનના સંબંધીઓના ફોન નંબર લઈને તેમને માહિતી આપી.
તેઓ કહે છે, "અમે અમારી જવાબદારી સમજીને એ મૃતદેહને દફનાવી દીધો, કેમ કે, તે હવે ગ્લેશિયરમાં નહોતો અને અમે એવું ન કરત તો મૃતદેહ સડી જાત."
જ્યારે નસીરુદ્દીનના ભાઈ કસીરુદ્દીનનું કહેવું હતું કે, "અમે લોકો બલેદી તરફ જઈ રહ્યા છીએ. હું 28 વર્ષ પછી ફરીથી બલેદી તરફ જઈ રહ્યો છું. ત્યાં જઈને નિર્ણય કરીશ કે ભાઈના મૃતદેહને ત્યાં જ દફનાવી દેવામાં આવે કે તેને અહીં પાછો લઈ આવવામાં આવે."
"પાછો લાવવાનો નિર્ણય એ વાત ઉપર આધાર રાખશે કે જેમની સાથે અમારી દુશ્મનાવટ છે, તેઓ પાલસમાં મૃતદેહને દફનાવવાની મંજૂરી આપે છે કે નહીં."
'ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે'

ઇમેજ સ્રોત, Suleman
આટલા લાંબા સમય સુધી મૃતદેહ ગ્લેશિયરમાં કઈ રીતે સુરક્ષિત રહ્યો?
કૉમસૅટ યુનિવર્સિટી, એબટાબાદના પર્યાવરણ વિભાગના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડૉક્ટર મોહમ્મદ બિલાલ તેનું વૈજ્ઞાનિક કારણ જણાવે છે.
તેઓ કહે છે કે જ્યારે કોઈ શરીર ગ્લેશિયરની અંદર જાય છે, ત્યારે ત્યાંનું અત્યંત ઓછું તાપમાન તેને ખૂબ ઝડપથી થિજાવી દે છે.
"આ અચાનક જામી જવાની ક્રિયા શરીરને ઓગળવા અને સડવાથી અટકાવી દે છે. તેની સાથે શરીરમાં રહેલા ઍન્જાઇમ્સ અને બૅક્ટેરિયા—જે સામાન્ય સ્થિતિમાં ટિસ્યૂઝને ખરાબ કરે છે—તે ઠંડા વાતાવરણમાં નિષ્ક્રિય થઈ જાય છે."
મોહમ્મદ બિલાલનું કહેવું હતું, "ગ્લેશિયરમાં ઑક્સિજનની માત્રા પણ ખૂબ ઓછી હોય છે, જેના કારણે બૅક્ટેરિયા—જે ઑક્સિજન દ્વારા જીવતા રહે છે અને શરીરને ઓગાળવાનું કામ કરે છે—અસરકારક રીતે કામ નથી કરી શકતા.
"આ ઉપરાંત, ત્યાં ભેજની ઊણપ હોય છે, જેનાથી શરીરનું પાણી સુકાઈ જાય છે. આ પ્રક્રિયા મમીફિકેશન કહેવાય છે, જેમાં મૃતદેહ કુદરતી રીતે સુકાઈ જાય છે અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે."
તેમના અનુસાર, શરીરની આસપાસ બરફ એક કુદરતી સુરક્ષા કવચ બનાવી લે છે.
"આ કવચ હવામાન, કીટાણુ, કીડી-મકોડા અને તાપમાનમાં ફેરફારથી સુરક્ષિત રાખે છે. આ બધાં કારણોથી ગ્લેશિયરમાં મૃતદેહ ખરાબ થવાની પ્રક્રિયા ખૂબ ધીમી થઈ જાય છે અથવા તો સંપૂર્ણ અટકી જાય છે. આ જ કારણ છે કે કેટલાંય હજાર વર્ષ જૂના મૃતદેહો પણ ગ્લેશિયરમાં સારી સ્થિતિમાં મળી આવે છે."
તેઓ એમ પણ કહે છે કે, મૃતદેહોનું આમ અચાનક સામે આવવું જળવાયુ પરિવર્તનની પણ નિશાની છે, કેમ કે તેનાથી જાણવા મળે છે કે ગ્લેશિયર કેટલી ઝડપથી પીગળી રહ્યા છે.
કૉમસૅટ્સ યુનિવર્સિટી, એબટાબાદ સાથે જ જોડાયેલા પ્રોફેસર અદનાન અહમદ તાહિર પાકિસ્તાનના ગ્લેશિયરો પર સંશોધન કરે છે.
તેઓ કહે છે કે આ મૃતદેહ ઘણાં વર્ષ પહેલાં બરફમાં દબાઈ ગયો હતો અને હવે લેદી વૅલીની એક જગ્યાએથી મળ્યો છે.
"આપણા ગ્લેશિયર અસામાન્ય ગતિથી પાછળ ખસી રહ્યા છે કે પીગળી રહ્યા છે, જેની પાછળ જળવાયુ પરિવર્તનની ઘણી બાબત કામ કરી રહી છે."
તેઓ ફ્લૅશ ફ્લડ અને સરોવર ફાટવાની ઘટનાઓનું ઉદાહરણ આપતાં કહે છે કે આ રીતે બરફમાં દબાયેલી વસ્તુઓ અને મૃતદેહો મળવાની ઘટનાઓ પણ વધી રહી છે.
તેઓ કહે છે, "છેલ્લાં ત્રણ વર્ષમાં એ વિસ્તારોમાં બરફવર્ષાની માત્રા ઘટી ગઈ છે અને બરફ જલદી પીગળી જાય છે. તેના કારણે ગ્લેશિયર સૂર્યપ્રકાશની સીધી અસરમાં આવે છે અને વધુ ઝડપથી પીગળે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












