પાકિસ્તાનથી 25 ટન ગધેડાનું માંસ ચીન કેમ લઈ જવાતું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સાંગજાની પોલીસ સ્ટેશનની હદમાં ગધેડાનું માંસ વેચાતું હોવાની માહિતી પોલીસને મળી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ત્યાંથી 1,000 કિલો ગધેડાનું માંસ અને લગભગ 45 ગધેડા જપ્ત કરવામાં આવ્યા છે.
એક પોલીસ અધિકારીએ પત્રકાર શહજાદ મલિકને જણાવ્યું હતું કે, "આ કેસમાં એક ચીની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે."
તેની પૂછપરછ ચાલી રહી છે કે આ માંસ ક્યાં અને કેવી રીતે વેચવામાં આવતું હતું. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી મળી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ગધેડાઓ પંજાબનાં વિવિધ શહેરોમાંથી એક ફાર્મહાઉસમાં લાવવામાં આવ્યા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચવામાં આવતું હતું.
જ્યારે ગધેડાનું ચામડું ગ્વાદર થઈને ચીન મોકલવામાં આવી રહ્યું હતું. ચીનમાં તેનો ઉપયોગ કૉસ્મેટિક્સ બનાવવા માટે થતો હતો.
નોંધનીય છે કે ચીનમાં ગધેડાના ચામડાનો વ્યવસાય ખૂબ જ નફાકારક માનવામાં આવે છે, જ્યાં તેનો ઉપયોગ વિવિધ પ્રકારની ક્રીમ બનાવવામાં થાય છે.
'ધરપકડ કરાયેલી વિદેશી નાગરિક 90 દિવસના વિઝા પર પાકિસ્તાન આવ્યો હતો'
શનિવારે મોડી રાત્રે ગધેડાનું માંસ વેચવાનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો કે સાંગજાની પોલીસ સ્ટેશનની હદમાં ગધેડાના માંસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાંગજાની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફૂડ ઑથોરિટીના અધિકારીઓને 26 જુલાઈની રાત્રે એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ઉપરોક્ત સ્થળે ગધેડાનું માંસ વેચાઈ રહ્યું છે.
ઉપરોક્ત સ્થળનું નિરીક્ષણ કર્યા પછી ફૂડ ઑથોરિટી અને ઇસ્લામાબાદ પોલીસે 25 ટન ગધેડાનું માંસ અને લગભગ 45 જીવતા ગધેડા જપ્ત કર્યા હતા.
કેસ અનુસાર આ માંસ અને ગધેડાના શિપમેન્ટ માટે કોઈ રેકૉર્ડ કે સત્તાવાર પરવાનગી નહોતી.
એફઆઈઆર મુજબ, "એક વ્યક્તિ ત્યાં હાજર હતી જે ચીની લાગતી હતી અને તેણે કહ્યું કે પાકિસ્તાની મજૂરો અહીં કામ કરે છે પરંતુ મને ખબર નથી કે માંસ ક્યાં જઈ રહ્યું છે. તેણે એમ પણ કહ્યું કે તેનો માલિક ચીનમાં રહે છે."

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા શહેઝાદ મલિક સાથે વાત કરતાં પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી કે ઘટનાસ્થળે હાજર વિદેશી નાગરિક સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે દાવો કર્યો હતો કે ગધેડાના માંસની ખેપની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આમાં સામેલ સપ્લાય કરતા સ્થાનિક લોકોને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકનું નામ ઝોંગ વેઈ છે. જે હાલમાં જ 90 દિવસના વિઝા પર પાકિસ્તાન આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કતલખાનામાંથી સેંકડો ગધેડાનું ચામડું પણ મળી આવ્યું હતું. જેને કદાચ ગ્વાદરથી વિદેશ મોકલવાના હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સંઘીય રાજધાની ઉપરાંત પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વિવિધ વિસ્તારોના નાગરિકો અહીં ગધેડા વેચવા માટે આવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર દરોડા સમયે ઘટનાસ્થળે હાજર પાકિસ્તાનીઓ ભાગી ગયા હતા.
આ માંસનો સપ્લાય ક્યાંથી થતો હતો
યાદ રાખો કે થોડાં વર્ષો પહેલાં લાહોર શહેરની હોટલોમાં ગધેડાનું માંસ વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
જેના પછી લાહોરના લોકોની ઘણીવાર સોશિયલ મીડિયા પર માંસ અંગે ટીકા અને મજાક ઉડાવવામાં આવતી હતી.
જોકે, શનિવારે ઇસ્લામાબાદથી આ સમાચાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયા યુઝરો આ બાબતે ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા.
એક્સ યુઝર મેહરબાન શેખે લખ્યું, "હવે એવું લાગે છે કે આ 'સન્માન' મેળવનાર લાહોર એકલું નથી કારણ કે ઇસ્લામાબાદને પણ આ જ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે!"
ઉમર દરાજ ગોંડલ નામના યુઝરે લખ્યું, "લાહોરની ટીકા કરનારાઓ, મને કહો કે ઇસ્લામાબાદમાં આટલી મોટી માત્રામાં ગધેડાનું માંસ ક્યાં ખાવામાં આવે છે?"

ઇમેજ સ્રોત, ScreenGrab
એક યુઝરે લખ્યું, "લાહોર માટે ડિલિવરી અહીંથી થતી હોય તેવું લાગે છે," જેના જવાબમાં એક સોશિયલ મીડિયા યુઝરે જવાબ આપ્યો, "વાસ્તવિક શિપમેન્ટ ઇસ્લામાબાદમાં જ છે."
પત્રકાર હામિદ મીરે લખ્યું, "શું આટલા બધા ગધેડાની કતલ કરવામાં આવી કે તે મૃત ગધેડા હતા? કૃપા કરીને એ પણ શોધો કે ગધેડાનું માંસ કયા બજારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું અને કયા રેસ્ટોરાંમાં તેના કબાબ તૈયાર કરવામાં આવી રહ્યા હતા?"
ઝફર નકવી નામના યુઝરે માંગણી કરતા લખ્યું, "ઇસ્લામાબાદથી ગધેડાનું માંસ નિકાસ થઈ રહ્યું છે, ગધેડાની પણ નિકાસ થઈ રહ્યી છે. પ્રશ્ન એ છે કે આ માંસનો ઉપયોગ વિવિધ હોટલોમાં ક્યારથી થઈ રહ્યો છે?"
"બીજો પ્રશ્ન એ છે કે, કઈ હોટલોમાં આ ચાલી રહ્યું હતું? વહીવટતંત્ર ક્યાં હતું? આ ધંધામાં કોણ કોણ સામેલ છે? આ બધું જનતાને કહેવું જોઈએ. ઓછામાં ઓછું આવી હોટલોને તાત્કાલિક રીતે બંધ કરવી જોઈએ."
પાકિસ્તાનથી નિકાસ અને ચીનમાં ગધેડાનાં ચામડામાંથી બનેલી દવા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થોડા મહિના પહેલાં નૅશનલ ઍસેમ્બલીની ખાદ્ય અને સુરક્ષા પરની સ્થાયી સમિતિની બેઠકમાં ખાદ્ય અને સુરક્ષા મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, ગ્વાદરમાં ગધેડાનું કતલખાનું બનાવવામાં આવ્યું છે અને તેમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.
ખાદ્ય મંત્રાલયના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગધેડાનું ચામડું અને હાડકાં અંગે ચીન સાથે એક કરાર થયો છે, જેના માટે એક ચીની કંપની ગ્વાદરમાં કામ કરશે.
પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આ વર્ષે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ગયા વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા 5.938 મિલિયનથી વધીને 6.047 મિલિયન (6 મિલિયનથી વધુ) થઈ છે.
2017 ના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ખુલાસો કર્યો હતો કે છેલ્લાં ચાર વર્ષમાં લગભગ 150,000 ગધેડાનાં ચામડા વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવ્યા છે, જેનાથી લાખો રૂપિયાના વિદેશી હૂંડિયામણની આવક થઈ છે.
એપ્રિલમાં સંઘીય મંત્રી રાણા તનવીર હુસૈને કહ્યું હતું કે, ગ્વાદરમાં ફાર્મ સ્થાપીને ગધેડાના માંસનો ચીન સાથે વેપાર કરવામાં આવશે, જેનાથી પાકિસ્તાની નિકાસમાં પણ વધારો થશે.
ગધેડાની ચામડામાંથી મળતા જિલેટીનમાંથી બનેલી દવાઓની ચીનમાં ખૂબ માંગ છે. આ દવાને ચીનમાં 'આઈજિયાઓ' તરીકે ઓળખાય છે.
આ દવામાં આરોગ્ય સુધારનાર, સુંદરતા વધારનાર અને 'યુવાની જાળવી રાખનાર' ગુણધર્મો હોવાનો દાવો કરવામાં આવે છે.
ગધેડાના ચામડાને ઉકાળીને 'જિલેટીન' બનાવવામાં આવે છે અને દવાને પાવડર, ગોળીઓ અથવા પ્રવાહી સ્વરૂપમાં બનાવવામાં આવે છે.
ગધેડાના ચામડાના વિવાદાસ્પદ વેપાર સામે ઝુંબેશ ચલાવનારાઓ કહે છે કે ગધેડા આ દવાની વધતી જતી લોકપ્રિયતાનો ભોગ બની રહ્યા છે.
2017થી ગધેડાના ફરના વેપાર સામે સક્રિય બ્રિટિશ ચેરિટી ધ ડૉન્કી સેન્કચ્યુરીના અહેવાલ મુજબ અંદાજિત વિશ્વભરમાં દર વર્ષે ઓછામાં ઓછા 59 લાખ ગધેડાને તેમના ફર માટે મારી નાખવામાં આવે છે.
સંગઠનનું કહેવું છે કે ગધેડાઓની માંગ સતત વધી રહી છે. બીબીસી સ્વતંત્ર રીતે આ આંકડાઓની પુષ્ટિ કરી શક્યું નથી.
ચીનમાં ડ્રગ ઉદ્યોગને સપ્લાય કરવા માટે કેટલા ગધેડા મારવામાં આવે છે તેની માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












