મોહમ્મદ યુનુસે પીએમ મોદીને એક હજાર કિલો કેરી મોકલી, 'મૅંગો ડિપ્લોમસી'નો ઇતિહાસ શું છે?

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે હાલના સમયે બાંગ્લાદેશ બાહ્ય સમસ્યાઓના દબાણ હેઠળ છે અને સંબંધ સામાન્ય કરવા માગે છે.
    • લેેખક, શુભજ્યોતિ ઘોષ
    • પદ, બીબીસી સંવાદદાતા

બાંગ્લાદેશની કાર્યકારી સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ દ્વારા મોકલાયેલી 1,000 કિલો કેરીનાં બૉક્સ આ અઠવાડિયે દિલ્હીમાં 7 લોકકલ્યાણ માર્ગ પર આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસે પહોંચ્યાં.

મોટા ભાગનાં ભારતીય મીડિયાને તો એમાં સહેજે શંકા નથી કે કેરીની આ ભેટ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના કડવા દ્વિપક્ષીય સંબંધોમાં થોડી 'મીઠાશ' ભેળવવાની કોશિશ છે.

આની પહેલાં પણ બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના ઉનાળાની ઋતુમાં પીએમ મોદીને હંમેશાં કેરી મોકલતાં હતાં.

તે સમયે દિલ્હીમાં બાંગ્લાદેશના રાજદૂતે આ પત્રકારને કહ્યું હતું, "શાકાહારી નરેન્દ્ર મોદીને પદ્મા હિલસા(માછલી) મોકલવાનો કશો અર્થ નથી પરંતુ કેરી એક એવી ભેટ છે, જેને આ આખા ઉપમહાદ્વીપમાં દરેક પસંદ કરે છે.",

ત્યારથી શેખ હસીના દ્વારા મોકલાયેલી રંગપુરની હરિભંગા કે રાજાશાહીની આમ્રપાલીની ટોપલી માત્ર દિલ્હીમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ સુધી જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ કે ત્રિપુરા જેવાં રાજ્યના મુખ્ય મંત્રીઓ સુધી પણ પહોંચવા લાગી. પરંતુ, 'કેરી કૂટનીતિ' કે 'મૅંગો ડિપ્લોમસી'નો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

બાંગ્લાદેશનું વલણ કૂણું કેમ પડ્યું

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ યુનુસ

ભૂ-રાજકીય વિશ્લેષક પ્રિયજિત દેબસરકારના શબ્દોમાં, "હું માનું છું કે ડૉ. યુનુસે ભારત સાથે 'મૅંગો ડિપ્લોમસી'નો આ માર્ગ એટલા માટે અપનાવવો પડ્યો, કેમ કે, બાંગ્લાદેશ જુદાં-જુદાં કારણોથી ભારે દબાણમાં છે. જેમ કે, અમેરિકા તરફથી ટૅરિફનું દબાણ, મધ્ય-પૂર્વમાં સંકટ, પડોશી મ્યાનમારની પરિસ્થિતિ."

પ્રિયજિત દેબસરકારે કહ્યું, "તેઓ હવે દિલ્હી સાથેના સંબંધ પુનઃસ્થાપિત કરવાની વાત ખુલ્લેઆમ કરી રહ્યા છે. તેથી એ જોવાનું રહેશે કે તેનાથી તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં શો ફેરફાર થાય છે."

દુનિયામાં કેરીની સૌથી વધુ નિકાસ કરનારા ત્રણ દેશ ક્રમશઃ ભારત, મૅક્સિકો અને પાકિસ્તાન છે.

બાંગ્લાદેશ પણ આ યાદીમાં દસમા ક્રમે છે અને દુનિયામાં નવાં બજાર શોધવાના પ્રયાસોમાં આ દેશો વચ્ચે ઘણી હરીફાઈ છે.

37 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૈન્ય શાસક અને રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હકના રહસ્યમય મૃત્યુની ઘટના પણ કેરીની પેટી સાથે સંકળાયેલી છે.

દુનિયાના આ ભાગમાં કેરી ફક્ત એક સ્વાદિષ્ટ ફળ નથી. કેરીની ટોપલી રહસ્ય, રાજકારણ, દુશ્મનાવટ અને કૂટનીતિથી ઘેરાયેલી છે.

નહેરુના સમયથી ચાલતી 'મૅંગો ડિપ્લોમસી'

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1955માં ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ચીનના પ્રવાસે ગયા હતા, તે દરમિયાન ચીનના તત્કાલીન વડા પ્રધાન ચઉ એનલાઈ સાથે નહેરુ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1947માં ભારતના વિભાજન પછી ઊભરેલા બે સ્વતંત્ર દેશ ભારત અને પાકિસ્તાન બંનેનું 'રાષ્ટ્રીય ફળ' કેરી છે. બંને દેશોએ પોતાની વૈશ્વિક પહોંચ કે કૂટનીતિમાં કેરીનો એક મુખ્ય સાધનરૂપે ઉપયોગ કર્યો છે.

ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 1950ના દાયકામાં જ્યારે પણ વિદેશયાત્રાએ જતા હતા, ત્યારે પોતાની સાથે ભેટ સ્વરૂપે કેરીની એક પેટી લઈને જતા હતા.

જ્યારે પણ કોઈ વિદેશી રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન ભારત આવતા હતા, ત્યારે નહેરુ તરફથી તેમને કેરી જરૂર અપાતી હતી.

1955માં પોતાના ચીન પ્રવાસ દરમિયાન પંડિત નહેરુએ ચીનના વડા પ્રધાન ચઉ એનલાઈને દશેરી અને લંગડા કેરીના આઠ છોડ ભેટમાં આપ્યા હતા, જેને ગુઆંગઝોઉ પીપલ્સ પાર્કમાં ઉગાડવામાં આવ્યા.

એ જ વર્ષે જ્યારે સોવિયત નેતા નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવ્યા, ત્યારે મૉસ્કો પાછા જતાં સમયે તેમના વિમાનમાં ઉત્તર પ્રદેશની પ્રસિદ્ધ મલીહાબાદી દશેરી કેરીની ઘણી ટોપલીઓ પણ હતી, જે જવાહરલાલ નહેરુ તરફથી ઉપહારરૂપે આપવામાં આવી હતી.

પછીથી જ્યારે રાજીવ ગાંધીએ 1986માં ફિલિપીન્ઝનો પ્રવાસ કર્યો, ત્યારે તેમણે તે દેશના રાષ્ટ્રપતિને પણ કેરીની પેટી ભેટ આપી હતી.

રસપ્રદ વાત એ છે કે, ફિલિપીન્ઝનું રાષ્ટ્રીય ફળ પણ કેરી છે, પરંતુ ત્યાંની કેરીનાં સ્વાદ, સુગંધ અને ગુણ ચોક્કસપણે ભારતીય કેરીથી ખૂબ અલગ છે.

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી
ઇમેજ કૅપ્શન, 1968માં ચીનના ચૅરમૅન માઓત્સે તુંગે ભેટમાં મળેલી કેરીઓને ફૅક્ટરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં વહેંચાવી દીધી હતી

ભેટ સ્વરૂપે કેરી આપવામાં પાકિસ્તાન પણ પાછળ નહોતું અને ચીનને આપવામાં આવેલી પાકિસ્તાની કેરી તે દેશમાં 'સાંસ્કૃતિક ક્રાંતિ'નું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક બની ગઈ.

ઑગસ્ટ 1968માં પાકિસ્તાનના વિદેશમંત્રી મિયાં અરશદ હુસૈને બેઇજિંગનો પ્રવાસ કર્યો અને ચીનના ચૅરમૅન માઓત્સે તુંગને કેરીની એક પેટી ભેટમાં આપી.

ત્યાં સુધી, ચીનમાં કેરી એક અજ્ઞાત ફળ હતું અને માઓત્સે તુંગ પોતે આ નવા ફળને અજમાવવા ખાસ ઉત્સાહિત નહોતા… તેથી તેમણે એ કેરીઓને આખા દેશમાં જુદાં-જુદાં કારખાનાં અને યુનિવર્સિટીઓમાં વહેંચી દીધી.

ચીનની જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને કારખાનાંમાં ચૅરમૅનના ઉપહાર માટે જે ઉત્સાહ જોવા મળ્યો તે આજે પણ ઇતિહાસનો ભાગ છે. શ્રમિકો અને વિદ્યાર્થીઓએ ફૉર્મેલ્ડિહાઇડમાં કેરીને સંરક્ષિત કરીને તેને કાચનાં કન્ટેનરોમાં રાખીને પોતાનું સન્માન પ્રગટ કર્યું.

ભારત-પાકિસ્તાન વચ્ચે મૅંગો ડિપ્લોમસી અને દુશ્મનાવટ

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના તત્કાલીન સૈન્ય સરમુખત્યાર ઝીયા-ઉલ-હક્કે ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને કેરીની ટોપલીઓ મોકલી હતી.

લાંબા સમયથી 'દુશ્મન' રહેલા ભારત અને પાકિસ્તાને પણ તણાવ ઘટાડવા માટે મૅંગો ડિપ્લોમસીનો સહારો લીધો છે.

1981માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હકે ભારતીય વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને કેરીની એક પેટી મોકલી, જેને પાકિસ્તાનમાં 'અનવર રટૌલ'ના નામથી ઓળખવામાં આવે છે.

ભારતના ઉત્તર પ્રદેશમાં એક ગામ છે, જેનું નામ 'રટૌલ' છે અને આ શિષ્ટાચારવાળા ઉપહાર અંગે એવી ચર્ચાઓ વધી ગઈ કે આ કેરીનું મૂળ સ્થાન ભારતમાં છે કે પાકિસ્તાનમાં.

2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ભારતીય વડા પ્રધાન મનમોહનસિંહને કેરીની એક પેટી ભેટમાં આપી હતી. જોકે, તેના પછી તરત મુંબઈમાં થયેલા 26/11ના હુમલાએ આ ઉત્સાહને ઠંડો પાડી દીધો.

સાત વર્ષ પછી 2015માં પાકિસ્તાનના તત્કાલીન નેતા નવાઝ શરીફે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વિપક્ષનાં નેતા સોનિયા ગાંધીને કેરીની ટોપલી મોકલી, પરંતુ બંને દેશ વચ્ચેના સંઘર્ષને ઉકેલવામાં તેનાથી ખાસ કશી મદદ ન મળી.

ભારતમાં કેરીની લગભગ 1,200 જાત પાકે છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 400 જાત પાકે છે. હંમેશની જેમ ભારતમાં કેરીનું ઉત્પાદન પણ વધુ થાય છે.

જોકે, પાકિસ્તાન માટે કેરી એટલો મહત્ત્વપૂર્ણ નિકાસ પાક નથી, જેટલો ભારત માટે છે.

અમેરિકાએ આ રીતે ભારતીય કેરી પરથી બૅન હઠાવ્યો

મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશની વ્યક્તિગત રુચિના કારણે ભારતીય કેરીઓ પરનો બૅન હટાવી દેવાયો હતો

દુનિયામાં અમેરિકા અને ચીન કેરીનાં પારંપરિક બજાર છે. તેમના ઉપરાંત યુરોપમાં દક્ષિણ એશિયાઈ કેરીનું એક મોટું બજાર છે.

ચીનને કેરીની નિકાસ કરવાના ભારતના પ્રયાસ ક્યારેય સફળ નથી થયા.

ચીને 2004માં ભારતીય કેરી માટે પોતાના બજાર સુધી પહોંચ ખોલી, પરંતુ ત્યારે પણ ભારતીય નિકાસકારો ત્યાં વધુ પ્રભાવ પાડી શક્યા નહીં.

અમેરિકાએ પણ લગભગ બે દાયકા સુધી ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ લાગુ રાખ્યો હતો.

2006માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યુ બુશના ભારતપ્રવાસ સમયે પ્રતિબંધ હટ્યો અને 'મૅંગો ઇનિશિએટિવ' શરૂ કરવામાં આવ્યું.

એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિ બુશ ભારતીય કેરી ખાવા માટે ખૂબ ઉત્સુક હતા અને તેમની એ વ્યક્તિગત રુચિના કારણે પ્રતિબંધ હટાવી દેવાયો.

પછી જ્યારે 17 એપ્રિલ, 2007માં ભારતીય કેરીની 150 પેટીઓ ન્યૂ યૉર્કના જેએફકે ઍરપૉર્ટ પર ઊતરી, ત્યારે ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું, "આ ઇતિહાસની ખૂબ જ રાહ જોવાતા ફળની ડિલિવરી હોય શકે છે."

વૉશિંગ્ટનસ્થિત પાકિસ્તાની દૂતાવાસ પણ નિયમિત રીતે અમેરિકન સેનેટરો, નેતાઓ અને મંત્રીઓને કેરીની ભેટ મોકલે છે અને ઘણી વાર પોતાના દૂતાવાસમાં 'કેરી પાર્ટીઓ'નું આયોજન કરે છે.

કેરીની શેલ્ફ લાઇફ


મેંગો ડિપ્લોમસી, કેરી કૂટનીતિ, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, જવાહરલાલ નેહરુ, ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કેરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરીમાં ફાઇબરની માત્રા કેટલી છે તેનાથી એ નક્કી થાય છે કે તેમની શેલ્ફ લાઇફ કેટલી છે

દિલ્હીના કેરી નિષ્ણાત પ્રદીપકુમાર દાસગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે, "વાસ્તવમાં કેરીની 'શેલ્ફ લાઇફ જેટલી વધુ હશે, નિકાસ માટે તે એટલી જ વધુ યોગ્ય રહેશે. કેમ કે, એક કેરીને બગીચાથી લંડન કે ન્યૂ યૉર્કની દુકાન સુધી પહોંચવામાં 5થી 7 દિવસ લાગે છે અને એટલા સમય સુધી જરા પણ ખરાબ નથી થતી."

ભારતના કોંકણ વિસ્તાર અને મહારાષ્ટ્રમાંથી આવતી હાફૂસ કેરીને બાદ કરતાં મોટા ભાગની કેરીની જાતમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને તે જલદી ખરાબ પણ થઈ જાય છે. જોકે, તે સ્વાદ અને સુગંધમાં નબળી નથી હોતી.

પરંતુ, પાકિસ્તાનના શુષ્ક જળવાયુના લીધે ત્યાં કેરીમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ લાંબી હોય છે.

પ્રદીપકુમાર દાસગુપ્તાએ કહ્યું, "આ જ કારણે ભારતની હાફૂસ સિવાય અન્ય કેરીની નિકાસ ખૂબ ઓછી થાય છે; જ્યારે પશ્ચિમી બજારમાં પાકિસ્તાની સિંદૂરી, ચૌસા કે અનવર રટૌલને ખૂબ વધુ મહત્ત્વ આપવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન