ચંગેઝખાનને 'અનેક પત્નીઓ' હોવા છતાં પ્રથમ પત્ની જ કેમ અતિપ્રિય હતી?

ઇમેજ સ્રોત, Universal History Archive/UIG via Getty Images
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
તૈમૂજિન (ચંગેઝ ખાન) સાથે લગ્ન થયાંને વધારે દિવસો પણ નહોતા થયા અને બોર્તેનું અપહરણ થઈ ગયું હતું.
પત્રકાર એરિન બ્લૅકમોરે પોતાના એક લેખમાં લખ્યું છે કે આ અપહરણ મરકિત કબીલાનાં એક મહિલા હુઈલોનને બોરજીગન કબીલાના સરદાર યસૂગોઈ દ્વારા ઉઠાવી જવાયાનો બદલો હતો.
હુઈલોન પછી તૈમૂજિનનાં માતા બન્યાં. તૈમૂઝીને બોર્તેને છોડાવી લીધાં હતાં. ત્યાર પછી યુદ્ધ થયું, જેમાં મરકિત હારી ગયા અને તેમનો વિસ્તાર જીતી લેવાયો.
બોર્તે અને તૈમૂજિનના મિલનનું, ઇગોર દ રાશેવિલ્ટ્ઝના પુસ્તક 'ધ સિક્રેટ હિસ્ટરી ઑફ ધ મૉંગોલ્સ'માં કંઈક આ રીતે વર્ણન કરાયું છે : "જ્યારે લૂંટફાટ ચાલતી હતી, તૈમૂજિન ગભરાયેલી અવસ્થામાં લોકો વચ્ચે દોડાદોડી કરીને બૂમો પાડતા હતા, બોર્તે! બોર્તે!"
"જ્યારે બોર્તેએ તૈમૂજિનનો અવાજ ઓળખ્યો ત્યારે તેઓ દોડતાં તેમની તરફ આવ્યાં. જોકે, રાતનો સમય હતો, પરંતુ ચાંદનીમાં બોર્તેએ તૈમૂજિનની લગામ અને દોરડાને ઓળખી કાઢ્યાં અને તેને પકડી લીધાં. તૈમૂજિને તેમના તરફ જોયું અને બોર્તેને ઓળખ્યાં."
ચંગેઝ ખાનનું જીવન અંગેનું તત્ત્વદર્શન

ઇમેજ સ્રોત, Getty Images/Pictures from History / Contributor
કબીલાની જીતનો આ સિલસિલો ચાલતો રહ્યો અને તેરમી સદીની શરૂઆતમાં તૈમૂજિન ચંગેઝ ખાન કહેવાયા અને મૉંગોલ સામ્રાજ્યના સંસ્થાપક બન્યા.
રિચર્ડ બ્રેસલરે પોતાના પુસ્તક 'ધ થર્ટીન્થ સેન્ચુરી: અ વર્લ્ડ હિસ્ટરી'માં લખ્યું છે કે ચંગેઝ ખાને યુદ્ધો દ્વારા પોતાનો મોભો ઊભો કર્યો.
"તેઓ કોઈ ઔપચારિક દર્શન નહોતા જાણતા. તેમના એક કથન દ્વારા તેમના દૃષ્ટિકોણ વિશે જાણવા મળે છે, જે સ્ટુઅર્ટ લેગના પુસ્તક 'ધ હાર્ટલૅન્ડ' અનુસાર આ પ્રકારે હતું : 'મનુષ્યની ખુશી દુશ્મનને ધૂળ ચાટતો કરવામાં, તેને મૂળમાંથી ઉખાડી ફેંકવામાં, તેનું બધું જ પડાવી લેવામાં છે'."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંગેઝ ખાને પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આ જ વિચારધારા પર કામ કર્યું.
એરિન બ્લૅકમોર લખે છે, "તેઓ (ચંગેઝ ખાન) એક પછી એક જીત મેળવતા ગયા અને વિસ્તારોને પોતાના કબજામાં લેતા રહ્યા. તેમનાં ઘણાં લગ્ન થયાં અને સેંકડો દાસીઓ પણ હતી, પરંતુ પ્રથમ પત્ની બોર્તે સૌથી ગમતાં અને પ્રભાવશાળી પત્ની રહ્યાં, જે માત્ર તેમના દિલમાં જ નહીં, બલકે, રાજકાજમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં."
માઇકલ બિરાન અને હોડોંગ કિમ દ્વારા સંપાદિત 'ધ કૅમ્બ્રિજ હિસ્ટરી ઑફ ધ મૉંગોલ ઍમ્પાયર' દ્વારા જાણવા મળે છે કે મૉંગોલ સમાજમાં રાજકીય, રાજદ્વારી અને વ્યૂહાત્મક સ્તરે મહિલાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
"તેઓ ખાન પરિવારને સલાહ આપતાં, રાજદૂતોનું સ્વાગત કરતાં કે પોતે રાજદ્વારી પ્રવાસે જતાં અને બીજાં ક્ષેત્રોના શાસકો સાથે સંપર્ક કરતાં હતાં. તેઓ સરકારી બેઠકોમાં ભાગ લઈને યુદ્ધની યોજના બનાવતાં હતાં."
"સાથે જ નીતિગત નિર્ણય અને ઉત્તરાધિકારના નિર્ણયોમાં સામેલ થતાં હતાં. જોકે, તેઓ પોતે ખાન તરીકે પસંદ નહોતાં થઈ શકતાં, પરંતુ ખાનનાં વિધવા હોવાના કારણે સરકારી અધિકારનો ઉપયોગ કરી શકતાં હતાં."
"ચંગેઝ ખાનનાં માતા હુઈલોન સામ્રાજ્યના શરૂઆતના સમયગાળાનાં ખૂબ જ પ્રભાવશાળી મહિલા હતાં. યસૂગોઈના મૃત્યુ પછી તેમણે ગરીબીમાં બાળકોનો ઉછેર કર્યો અને તૈમૂજિનને રાજકીય સમજણ આપતાં રહ્યાં. આ બધાં વચ્ચે બોર્તે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યાં."
ચંગેઝ ખાનનાં પત્ની બોર્તેનું અપહરણ અને મુક્ત થવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
બોર્તેનો જન્મ ઓલખોનુદ કબીલામાં 1161માં થયો હતો, જે તૈમૂજિન (ચંગેઝ ખાનનું સાચું નામ)ના બોર્જીગન કબીલાનો સહયોગી હતો. બાળપણમાં જ આ બંનેનું સગપણ થઈ ગયું હતું. બોર્તે જ્યારે 17 વર્ષનાં અને ચંગેઝ ખાન 16 વર્ષનાં થયાં, ત્યારે તેમનાં લગ્ન થયાં હતાં.
લગ્ન થયાંના થોડાક જ દિવસ પછી મરકિત કબીલાએ આ યુગલના કૅમ્પ પર હુમલો કરી દીધો. તૈમૂજિન પોતાનાથી નાના છ ભાઈ અને માતા સહિત ભાગી જવામાં સફળ થયા, પરંતુ બોર્તે પાછળ રહી ગયાં.
હકીકતમાં, મરકિત કબીલાના લોકો બોર્તે માટે જ આવ્યા હતા.
કથા કંઈક આ પ્રમાણે છે : તૈમૂજિનનાં માતા હુઈલોન મરકિત કબીલા સાથે સંબંધ ધરાવતાં હતાં અને તૈમૂજિનના પિતાએ તેમનું અપહરણ કરીને પત્ની બનાવ્યાં હતાં. મરકિત વરસો સુધી આ વાત ભૂલ્યા નહોતા અને હવે તેઓ બોર્તેનું અપહરણ કરીને હુઈલોનના અપહરણનો બદલો લેવા માગતા હતા.
બોર્તે એક બળદગાડામાં સંતાઈ ગયાં, પરંતુ મરકિતોએ તેમને શોધી કાઢ્યાં અને ઘોડા પર બેસાડીને લઈ ગયા. તૈમૂજિને પોતાનાં પત્નીને મુક્ત કરવાની કોશિશો ચાલુ રાખી.
વિચરતો મરકિત કબીલો મધ્ય એશિયામાં હજારો માઈલોમાં ફેલાયેલા ચરિયાણમાં જ્યાં-જ્યાં જતો હતો, તૈમૂજિન થોડું અંતર જાળવી રાખીને તેમની પાછળ-પાછળ ભટકતા રહેતા. આ દરમિયાન તેમણે જ્યાંથી મળે ત્યાંથી સાથીઓ પણ એકઠા કરવાનું શરૂ કરી દીધું.
તેમનું એક કથન જાણીતું છે કે, મરકિતોએ "મારું ઘર જ સૂનું નથી કર્યું, પરંતુ છાતી ચીરીને મારું હૃદય પણ કાઢીને લઈ ગયા છે".
અંતમાં, જ્યારે મરકિત કબીલાએ સાઇબેરિયાના બેકાલ સરોવર પાસે તંબુ તાણ્યા, ત્યારે તૈમૂજિને પોતાના સાથીઓ સાથે ખૂબ જ નાટકીય હુમલો કરીને બોર્તેને દુશ્મનોના કબજામાંથી છોડાવ્યાં.
કેટલાક ઇતિહાસકારો અનુસાર, આ ઘટના ચંગેઝ ખાનના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે, કેમ કે, તેણે તેમને એ માર્ગ તરફ દોર્યા જેના પર ચાલીને તેઓ વિશ્વવિજેતા બનવા માટે નીકળી પડ્યા.
બોર્તે અને સામ્રાજ્યની સ્થાપના

ઇમેજ સ્રોત, Getty Images
'ધ કૅમ્બ્રિજ હિસ્ટરી'માં લખ્યું છે કે, ઈ.સ. 1178માં બોર્તેનાં લગ્ન તૈમૂજિન સાથે થયાં હતાં. કેટિયા રાઇટ પોતાના એક લેખમાં લખે છે કે બોર્તે કૌનકીરાત કબીલાના સરદાર દોઈ સચીનનાં પુત્રી હતાં. આ લગ્નથી તૈમૂજિનના રાજકીય જીવનની શરૂઆત થઈ.
આ સંબંધે તેમને "એક સન્માનિત પરિવારની ઓળખ અપાવી અને તેમને પોતાની આસપાસ એવા મિત્રોની મંડળી બનાવવાની તક મળી, જે સત્તાની સફરમાં તેમની સાથે રહ્યા. આ લગ્ન તૈમૂજિન માટે પરિવાર બનાવવાનું માધ્યમ પણ બન્યું, જે મૉંગોલ રાજકીય ગઠબંધન માટે ખૂબ જરૂરી હતું."
'ધ કૅમ્બ્રિજ હિસ્ટરી' અનુસાર, "બોર્તે તૈમૂજિનને રાજકીય સલાહ આપતાં રહેતાં હતાં. તેમને નવ બાળકો થયાં. તેમના પુત્રો (જોચી, ચુગતાઈ, ઓગદે અને તોલી) સામ્રાજ્યના અલગ-અલગ ક્ષેત્રના શાસક બન્યા અને ઓગદે ચંગેઝ ખાનને ઉત્તરાધિકારી જાહેર કરી દેવાયા. પછીનાં પત્નીઓના પુત્રોને એવાં પદ ન મળ્યાં."
ટિમોથી મેએ 'ધ મૉંગોલ ઍમ્પાયર'માં લખ્યું છે કે, માત્ર બોર્તેના પુત્રોને જ તૈમૂજિન (ચંગેઝ ખાન) પછી ખાન બનવાના ઉમેદવાર માનવામાં આવ્યા.
'ધ કૅમ્બ્રિજ હિસ્ટરી'માંથી જાણવા મળે છે કે બોર્તેની પુત્રીઓ (કૌજીન, ચેચગીન, અલાઇકા, તોમીલોન અને આલ અલતાન)નાં લગ્નો એવા કબીલામાં થયાં, જેનાથી મૉંગોલ સામ્રાજ્યને રાજકીય અને સૈન્યશક્તિ મળી; જેમ કે, એલકર્જ, અવીરાત, ઔગોત, કૌનકીરાત અને એગૂર.
આ સંબંધોએ આસપાસનાં રજવાડાંને યુદ્ધ વગર જ સામ્રાજ્યમાં સામેલ કરાવવામાં મદદ કરી. તેમના પતિઓએ પછીથી સૈન્ય અભિયાનોમાં પણ ભાગ લીધો; જેમ કે, ખારિઝ્મ પરનો હુમલો (1219) અને ઉત્તર ચીનની જીત (1211-1215, 1217-1223).
ટિમોથી મે અનુસાર, બોર્તેએ ઘણાં અનાથ બાળકોને દત્તક લીધાં હતાં, જેમાં કતકૂનિયાન અને બોદાનિયાન સામેલ હતા. બોર્તેએ તેમને પોતાનાં બાળકોની જેમ ઉછેર્યા. આ કાર્યે તેમને શાખ અને સામાજિક પ્રતિષ્ઠાના શિખરે પહોંચાડ્યાં.
બોર્તે રાજકારણ અને યુદ્ધની બાબતોમાં સલાહ આપતાં હતાં

ઇમેજ સ્રોત, SAMUEL BERGSTROM
એન બ્રૉડબિજ પોતાના પુસ્તક 'વિમેન ઍન્ડ ધ મેકિંગ ઑફ ધ મૉંગોલ ઍમ્પાયર'માં લખે છે કે બોર્તેનું મહત્ત્વ બધા જાણતા હશે.
બોર્તે અત્યંત કુશળ હતાં. તેમણે પોતાનાં સાસુ હુઈલોનની સાથે થોડીક જવાબદારીઓ વહેંચી, જેમાં આખા કૅમ્પની અર્થવ્યવસ્થા સુધીની વસ્તુઓનો સમાવેશ થતો હતો.
"બોર્તે મોટાં પત્ની હોવાના લીધે ફક્ત તૈમૂજિનનાં કૅમ્પ અને ઢોરઢાંખરની દેખરેખ જ નહોતાં રાખતાં, પરંતુ પોતાનાં અંગત સંસાધનો, નોકરો, દાસીઓ, પત્નીઓ અને શાહી સુરક્ષા કર્મચારીઓ પર પણ નજર રાખતાં હતાં. આ સંખ્યા હજારથી પણ વધુ હોઈ શકે. મૉંગોલ પરંપરા અનુસાર તેઓ પોતાના પતિ અને મહેમાનોની આગતાસ્વાગતા માટે જવાબદાર હતાં અને તેમના કૅમ્પમાં જ અનેક મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ અને ગઠબંધનો થયાં."
"તેઓ તૈમૂજિનને નક્કર સલાહ આપતાં હતાં, જેને ગંભીરતાથી લેવામાં આવતી અને તેમનો પરિવાર રાજકીય અને યુદ્ધમાં ચંગેઝ ખાનના સક્રિય સહયોગી હતા."
"મૉંગોલ સમાજમાં તેમનું સ્થાન ઊંચું હતું. તેમના અનુસાર, ચંગેઝ ખાન તેમને રાજકારણ અને યુદ્ધની બાબતોમાં સલાહ માટે બોલાવતા હતા."
તેમણે આ વિશ્વાસ સમજદારીપૂર્વક નિભાવ્યો. ઉદાહરણ તરીકે, ચંગેઝ ખાનના ખાસ મિત્ર જામૂકા, જેમણે અપહરણ પછી બોર્તેને છોડાવવામાં મદદ કરી હતી, ધીમે ધીમે રાજકીય દુશ્મન બનતા ગયા, ત્યારે બોર્તેએ તૈમૂજિનને દોસ્તી તોડી નાખવાની સલાહ આપી. 1204માં તૈમૂજિને જામૂકાને હરાવી દીધા અને તેમની હત્યા કરાવી દીધી.
ટિમોથી મે અનુસાર, આ ઉપરાંત, બાર્તેએ આખા રશિયામાં ફેલાયેલા વેપારી રસ્તાની વ્યવસ્થા સંભાળી અને તે રસ્તા પર મુસાફરી કરનાર અધિકારીઓ અને વેપારીઓનાં સલાહકાર તરીકે પણ કામ કર્યું. ઐતિહાસિક વિવરણો અનુસાર, આ કામગીરીમાં તેઓ ખૂબ અસરકારક હતાં, જેનાં અનેક ઉદાહરણોના દસ્તાવેજ ઉપલબ્ધ છે.
અન્ય એક પ્રસંગે ખાનના નજીકના સાથી તૈબ તંગગરીએ તૈમૂજિનના ભાઈનું અપમાન કર્યું. બોર્તેએ તરત જ પ્રતિક્રિયા આપી અને પોતાના પતિ સામે જીદ કરી કે તેમને સખત સજા આપવામાં આવે.
બ્લૅકમોરે ઇતિહાસકાર ડોના હામિલનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, આ પ્રસંગે ખાને બોર્તેની સલાહ માની, પ્રજામાં શાંતિ સ્થાપી અને પોતાના નેતૃત્વને મજબૂત કર્યું.
બ્લૅકમોર અનુસાર, "બોર્તે દૂત, સલાહકાર અને વહીવટદારની ભૂમિકામાં જોવા મળ્યાં. તેમણે પોતાની આવડતથી સામ્રાજ્યમાં રાણીની ભૂમિકા નક્કી કરી."
"જોકે, બોર્તેના જીવનનાં અનેક પાસાં ઇતિહાસના પરદા પાછળ છુપાયેલાં છે, પરંતુ તેઓ એ વાતનું ઉદાહરણ છે કે સામ્રાજ્યના નિર્માણ અને રોજિંદા વહીવટમાં મહિલાઓએ કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી."
બ્રૉડબ્રિજ લખે છે, "ચંગેઝ ખાનને પત્ની તરીકે ફક્ત એવાં સાથી જ ન મળ્યાં જેમના પર તેઓ ભરોસો કરી શકે, બલકે, આખા સામ્રાજ્યને પણ એવી મહિલાઓની જરૂર હતી. જો મૉંગોલ સામ્રાજ્યમાં આ મહિલાઓ ન હોત, તો કદાચ સામ્રાજ્ય પણ ન હોત."
"તેઓ સમગ્ર જીવન ચંગેઝ ખાનનાં મોટાં પત્ની રહ્યાં. મોટા ભાગનો સમય તેઓ પોતાના પતિની સાથે રહ્યાં, જોકે, જ્યારે તેઓ તેમની સાથે નહોતાં, ત્યારે તેઓ સામ્રાજ્યના થોડાક ભાગોને પોતે સંભાળતાં હતાં."

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
બ્રૉડબ્રિજે તેમને ચંગેઝ ખાનના જીવનનાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ગણ્યાં છે અને તેમની સાથે જોડાયેલી કહાણીઓ તેના પુરાવા છે.
જ્યારે ચંગેઝ ખાન યુદ્ધમાં વ્યસ્ત રહેતા હતા, ત્યારે બોર્તે મૉંગોલિયામાં રહીને સામ્રાજ્યની વ્યવસ્થામાં મદદ કરતાં હતાં. તેમની પોતાની જમીનો ખિરલન નદીના કિનારે આવેલી હતી.
ટિમોથી મે અનુસાર, ચંગેઝ ખાનાના મૃત્યુ પછી 1230માં બોર્તેનું મૃત્યુ થયું. પોતાના જીવન દરમિયાન તેઓ મૉંગોલ રાષ્ટ્રના અત્યંત સન્માનિત વ્યક્તિ બની ચૂક્યાં હતાં.
"બોર્તેએ માત્ર પોતાના પતિના સલાહકાર તરીકે જ કામ ન કર્યું, બલકે, પોતાની પુત્રીઓને પણ એવી ટ્રેનિંગ આપી કે તેઓ રાજ્યની બાબતમાં પ્રતિનિધિ, દૂત અને સક્રિય ભૂમિકા ભજવનાર બને."
એશિયાઈ વિષયોના લેખક મૅક્સ લૂ અનુસાર, "વર્તમાન મૉંગોલિયામાં આવેલાં હોલોન અને ચાહાન સરોવરો ગરમીમાં એકબીજાને ખૂબ સરસ સાથ આપે છે અને મૉંગલો માટે પવિત્ર મનાય છે. તેનું કારણ એ છે કે ચંગેઝ ખાન અને મહારાણી બોર્તેનાં લગ્ન અહીં થયાં હતાં, જે તેમના જીવનભરના સંબંધનું પ્રતીક બની ગયાં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












