'ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તોડી પડાયાં હતાં પાંચ ફાઇટર પ્લેન', ટ્રમ્પનો નવો દાવો

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કરતાં કહ્યું છે કે મે માસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 'પાંચ ફાઇટર પ્લેન તોડી પડાયાં હતાં.'
જોકે, ટ્રમ્પે એ ન જણાવ્યું કે કયા દેશે કેટલાં ફાઇટર પ્લેનને નુકસાન પહોંચ્યું. ટ્રમ્પે આ નિવેદન શુક્રવાર રાત્રે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે થયેલા ડિનર બાદ આપ્યું હતું.
આ પહેલાં પાકિસ્તાન પણ ભારતનાં 'પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવાનો' દાવો કરી ચૂક્યું છે. જોકે, ભારતે આ દાવો હંમેશાં ફગાવ્યો છે.
મે મહિનાના અંતમાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતનાં ફાઇટર પ્લેન તોડી પડાયાંના સવાલોનો જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાન તરફથી વિમાનોને નુકસાન પહોંચાડવાના દાવાને ફગાવી દીધો હતો.
આ સિવાય ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાના દાવા પણ કરતા રહ્યા છે.
ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાનને વેપાર બંધ કરવાની ધમકી આપી હતી, એ બાદ બંને દેશ સંઘર્ષવિરામ માટે રાજી થયા હતા.
ખરેખર, મે મહિનની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.
અમેરિકાએ આ વાતચીતને સંઘર્ષવિરામ કરાવવા તરીકે રજૂ કરી હતી અને ટ્રમ્પે જ સંઘર્ષવિરામની જાહેરાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મહિનાની શરૂઆતમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંઘર્ષવિરામ સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતો.
ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Francis Chung/Politico/Bloomberg via Getty
શુક્રવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સામે ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઘણાં યુદ્ધ રોક્યાં છે અને એ તમામ ગંભીર યુદ્ધો હતાં.
તેમણે કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એવું જ થઈ રહ્યું હતું. ત્યાં વિમાનોની તોડી પડાઈ રહ્યાં હતાં. મને લાગે છે કે હકીકતમાં પાંચ જેટ તોડી પડાયાં હતાં. એ બંને પરમાણસંપન્ન દેશો છે અને એકબીજા પર હુમલા કરી રહ્યા હતા."
"એવું લાગે છે કે એક નવી રીતનું યુદ્ધ છે. તમે હાલમાં જ જોયું કે અમે ઈરાનમાં શું કર્યું. અમે તેમની પરમાણુ ક્ષમતા સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી."
પોતાના નિવેદનમાં ટ્રમ્પે ફરી એક વાર વેપારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એના થકી અમે સંઘર્ષ રોક્યા.
ટ્રમ્પે કહ્યું, "ભારત અને પાકિસ્તાન આ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો હતો અને અમે તેનું વેપાર થકી સમાધાન લાવ્યા."
"અમે કહ્યું - તમે લોકો (અમેરિકા સાથે) વેપાર સમજૂતી કરવા માગો છો. જો તમને એકબીજા પર હુમલા અને કદાચ પરમાણુ હથિયારથી હુમલા કરશો તો અમે વેપાર સમજૂતી નહી કરીએ."
ફાઇટર પ્લેન તોડી પાડવાના દાવા પર ભારતનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
31 મેના રોજ ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતનાં ફાઇટર પ્લેન તોડી પડાયાના સવાલનો જવાબ આપ્યો હતો.
સાથે જ તેમણે પાકિસ્તાન તરફથી વિમાનોને નુકસાન પહોંચાડાયાના દાવાને ફગાવ્યો હતો.
બ્લૂમબર્ગ ટીવીને અપાયેલા ઇન્ટરવ્યૂમાં પત્રકારે જનરલ અનિલ ચૌહાણને સવાલ કર્યો કે પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેનાનાં એક કરતાં વધુ વિમાનો તોડી પાડ્યાં હતાં, શું તેઓ આની પુષ્ટિ કરે છે?
આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "એ મહત્ત્વપૂર્ણ નથી કે જેટ તોડી પડાયું, મહત્ત્વપૂર્ણ એ વાત છે કે આવું કેમ થયું?"
આ અંગે પત્રકારે ફરી પૂછ્યું, "ઓછામાં ઓછું એક જેટ તોડી પડાયું હતું, શું આ વાત સાચી છે?"
જનરલ અનિલ ચૌહાણે આ અંગે કહ્યું, "સારી બાબત એ છે કે અમે અમારી ટેકનિકલ ભૂલો જાણી શક્યાં, અમે તેમાં સુધારો કર્યો અને બે દિવસ બાદ તેને લાગુ કરી. એ બાદ અમે અમારાં તમામ જેટ ઉડાવ્યાં અને લાંબા અંતર સુધી જઈને ઠેકાણાંને નિશાન બનાવ્યાં."
પત્રકારે ફરી એક વાર કહ્યું, "પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ભારતનાં છ ફાઇટર પ્લેન તોડી પાડવામાં તેઓ સફળ રહ્યા હતા, શું તેનું આકલન સાચું છે?"
આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "આ બિલકુલ ખોટું છે. પરંતુ જેમ મેં કહ્યું આ માહિતી બિલકુલ મહત્ત્વપૂર્ણ નથી. જે મહત્ત્વપૂર્ણ છે, એ એ છે કે જેટ કેમ પડ્યાં અને એ બાદ અમે શું કર્યું. એ અમારા માટે વધુ જરૂરી છે."
ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકામાં ક્વૉડ દેશોની વિદેશમંત્રીઓની બેઠકમાં સામેલ થવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અમેરિકન પત્રિકા 'ન્યૂઝવીક'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સંઘર્ષવિરામ સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન જયશંકરને પુછાયું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની વાતચીત બાદ ભારત તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે સંઘર્ષને રોકવા માટે વેપારને એક સાધન તરીકે ઉપયોગ કરાયો છે. શું આનાથી વેપાર સમજૂતીની વાતચીત પર કોઈ અસર પડી છે ખરી?"
આના જવાબમાં એસ. જયશંકરે કહ્યું હતું, "હું તમને જણાવી શકું કે હું એ રૂમમાં હાજર હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે 9 મેની રાત્રે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અમે કેટલીક વાતો ન માની, તો પાકિસ્તાન ભારત પર એક મોટો હુમલો કરી શકે છે. પરંતુ વડા પ્રધાન પર પાકિસ્તાનની ધમકીઓની કોઈ અસર ન પડી. આનાથી ઊલટું, તેમણે એ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત તરફથી જવાબ જરૂર મળશે."
એસ. જયશંકરે કહ્યું કે ઘણાં વર્ષથી એક રાષ્ટ્રીય સંમતિ રહી છે કે પાકિસ્તાન સાથે અમારા તમામ મામલા દ્વિપક્ષીય છે.
એસ. જયશંકરે કહ્યું, "આ વાત એ રાતની છે અને જેવું કે તમે જાણો છો, એ રાત્રે પાકિસ્તાને અમારા પર જોરદાર હુમલો કર્યો હતો. અમે તરત જવાબ વાળ્યો. બીજા દિવસે સવારે માર્કો રુબિયોએ મને કૉલ કરીને જણાવ્યું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. હું તમને માત્ર એ જ જણાવી શકું જે મેં જાતે અનુભવ્યું છે. બીજું તમે સમજી શકો છો."
જૂન મહિનામાં વડા પ્રધાન મોદી જી-7 સંમેલનમાં સામેલ થવા માટે કૅનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ વાતચીત અંગે જણાવતાં ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામ દ્વિપક્ષીય હતો અને કોઈ ત્રીજા દેશના હસ્તક્ષેપથી એ નથી થયો.
વિક્રમ મિસરીએ એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે સંઘર્ષવિરામ માટે અમેરિકાથી ટ્રેડ અંગે કોઈ વાતચીત નહોતી થઈ.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અત્યાર સુધી શું-શું દાવા થયા?

ઇમેજ સ્રોત, EPA/PTV
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા અવસરોએ એવો દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવ્યો હતો અને બંને દેશોને પરમાણુ યુદ્ધ તરફ આગળ વધતા રોક્યા હતા.
તેમના આ દાવાનું પાકિસ્તાને સમર્થન કર્યું હતું. સંઘર્ષવિરામ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માગું છું. વૉશિંગટને સંઘર્ષવિરામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."
આ સિવાય પાકિસ્તાને સંઘર્ષ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે પાંચ ભારતીય ફાઇટર પ્લેન તોડી પાડ્યાં છે.
પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે, "અત્યાર સુધી, હું તમને પુષ્ટિ કરી શકું છું કે પાંચ ભારતીય વિમાન - જેમાં ત્રણ રાફેલ, એક એસયૂ-30 અને એક મિગ-29 સામેલ છે - અને એક હેરૉન ડ્રૉન પણ તોડી પાડ્યાં છે."
એ સમયે ભારતે આ દાવા અંગે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે, બાદમાં ભારત તરફથી આ દાવાને ફગાવી દેવાયા.
આ સિવાય ઇન્ડોનેશનિયાના પાટનગર જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં તહેનાત ડિફેન્સ અતાશેનું નિવેદન પણ સમચારોમાં છવાઈ ગયું હતું.
જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં તહેનાત નૌસેનાના ઑફિસર કૅપ્ટન શિવકુમાર 10 જૂનના રોજ જકાર્તાની એક યુનિવર્સિટીના સેમિનારમાં સામેલ થયા હતા.
એ સેમિનારમાં પોતાની પ્રેઝન્ટેશન દરમિયાન ભારતના ડિફેન્સ અતાશેએ કથિતપણે કહ્યું હતું કે 'રાજકીય નેતૃત્વ'ના આદેશના કારણે કેટલાક 'અવરોધો'ને જોતાં, ભારતીય વાયુ સેના પ્રારંભિક તબક્કામાં પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો ન કરી શકી.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, તેમણે કહ્યું કે, "અમે કેટલાંક વિમાન ગુમાવ્યાં અને આવું માત્ર એટલા માટે થયું, કારણ કે સૈન્ય પ્રતિષ્ઠાન કે તેની વાયુ સંરક્ષણ પ્રણાલી પર હુમલા ન કરવા અંગે રાજકીય નેતૃત્વ તરફથી અવરોધ ઊભા કરાયા હતા."
"પરંતુ આ ગુમાવ્યા બાદ અમે અમારી વ્યૂહરચના બદલી અને અમે સૈન્ય પ્રતિષ્ઠાનો તરફ ગયા. તો અમે સૌપ્રથમ દુશ્મનની ઍર ડિફેન્સ સિસ્ટમનો વિનાશ કર્યો. આના કારણે જ અમે જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઇલો અને બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરીને હુમલા કરી શક્યા."
ડિફેન્સ અતાશેના આ નિવેદન અંગે ભારતીય દૂતાવાસે કહ્યું હતું, "અમે કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે, જે એક સેમિનારમાં ડિફેન્સ અતાશેના પ્રેઝન્ટેશન સાથે સંકળાયેલા છે. તેમના નિવેદનને અસલ સંદર્ભ હઠાવીને બતાવવામાં આવ્યું છે અને મીડિયા રિપોર્ટ્સમાં તેમની વાતોને ખોટી રીતે રજૂ કરાઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












