બેઠક પહેલાં 'ઇન્ડિયા' ગઠબંધનથી આમ આદમી પાર્ટી થઈ અલગ, વિપક્ષ માટે આ કેટલો મોટો ફટકો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, દિલ્હી, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી
    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી."

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે સમાચાર એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં આ વાત જણાવી છે.

સંજયસિંહની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે શનિવારે એટલે કે 19 જુલાઈના રોજ સંસદના ચોમાસું સત્ર પહેલાં 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠક થવાની છે.

આ પહેલાં 'ઇન્ડિયા' ગઠબંધને 'ઑપરેશન સિંદૂર' મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સંયુક્ત પત્ર લખ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમ આદમી પાર્ટીએ એ સમયે પણ વિપક્ષનાં દળોના આ નિર્ણયને ટેકો આપ્યો નહોતો. પાર્ટીએ આના માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.

જાણકારોનું માનવું છે કે આપે 'ઇન્ડિયા' ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લોકસભા ચૂંટણીમાં અસફળતા, વ્યૂહરચનાત્મક મતભેદ અને મહત્ત્વાકાંક્ષાઓને કારણ લીધો છે.

'ઇન્ડિયા' ગઠબંધન બાળકોનો ખેલ નથી : સંજયસિંહ

સંજયસિંહના નિવેદનમાં કૉંગ્રેસ પ્રત્યે નારાજગી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સંજયસિંહનું કહેવું છે કે, "ઇન્ડિયા ગઠબંધન પોતાની બેઠક કરીને જે નિર્ણય કરવા માગે છે એ કરી લે. ઇન્ડિયા ગઠબંધન એ બાળકોનો ખેલ નથી. તમે જણાવો કે શું તેમણે લોકસભા ચૂંટણી બાદ કોઈ મિટિંગ કરી છે ખરી? એ ગઠબંધનને આગળ વધારવાની કોઈ પહેલ કરી ખરી?"

ગઠબંધનમાં કૉંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં સંજયસિંહ કહે છે કે, "ક્યારેક અખિલેશ યાદવ વિરુદ્ધ કોઈ ટિપ્પણી, ક્યારેક ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી, ક્યારેક મમતા બેનરજી વિરુદ્ધ ટિપ્પણી. ઇન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોણ છે? કૉંગ્રેસ પાર્ટી છે. કૉંગ્રેસ પાર્ટીએ સૌથી મોટી પાર્ટી તરીકેની શું ભૂમિકા ભજવી? સૌથી મોટો સવાલ તો એ છે."

જોકે, કૉંગ્રેસ 'આપ'ના વલણ અંગે કોઈ આધિકારિક પ્રતિક્રિયા નથી આપી.

'ઇન્ડિયા' ગઠબંધનની અંતિમ બેઠક જૂન, 2025માં થઈ હતી. એ સમયે વિપક્ષનાં દળોએ મળીને 'ઑપરેશન સિંદૂર'ના વિષય પર સંસદનો વિશેષ સત્ર બોલાવવાની માગ કરી હતી.

આપના 'ઇન્ડિયા' ગઠબંધન સાથે સંબંધ કેમ ખતમ થયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, દિલ્હી, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

tઆમ આદમી પાર્ટી વર્ષ 2011માં થયેલા અન્ના આંદોલનમાંથી જન્મી છે, જે એ સમયની કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ 'ભ્રષ્ટાચાર વિરોધી' એક આંદોલન હતું. પાર્ટીએ પોતાની જાતને ભાજપ અને કૉંગ્રેસ બંનેથી અલગ, એક નવી અને 'ઇમાનદાર' રાજકીય તાકત તરીકે રજૂ કરી હતી.

પરંતુ 2024માં 'ઇન્ડિયા' ગઠબંધનમાં સામેલ થયા બાદ આપે આ સ્ટેન્ડ બદલ્યું.

આ વ્યૂહરચનાત્મક સમાધાન પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયું. લોકસભા ચૂંટણીમાં ફટકા બાદ અસલ ફટકો 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લાગ્યો, જે આપનું સૌથી મજબૂત ગઢ મનાતું હતું.

2015 અને 2020માં 60 કરતાં વધુ બેઠક જીતનારો પક્ષ એ ચૂંટણીમાં માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગયો. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા મોટા નેતા પણ પોતાની બેઠકો ગુમાવી બેઠા.

આપે હાર માટે કૉંગ્રેસની સક્રિય ભૂમિકાને એક મોટું ફૅક્ટર ગણાવ્યું હતું, જ્યારે કૉંગ્રેસનું કહેવું હતું કે તેઓ સંપૂર્ણ તાકત સાથે વિધાનસભાની ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે.

દિલ્હી ચૂંટણીથી થોડા મહિના પહેલાં હરિયાણામાં ચૂંટણી થઈ હતી. ત્યાં ઘણા સર્વેમાં કૉંગ્રેસને સરસાઈ મળશે એવું અનુમાન કરાયું હતું. પરંતુ પરિણામ તેનાથી ઊલટાં આવ્યાં, રાજ્યમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ નીવડ્યો.

હરિયાણામાં આપે 80 કરતાં વધુ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. પરંતુ પાર્ટીનું ખાતુંય ન ખૂલ્યું અને બે ટકા કરતાં પણ ઓછા મત મળ્યા. કૉંગ્રેસની આ હારને એક ફટકા સ્વરૂપે જોવામાં આવી. હાર બાદ બંને પાર્ટીઓ (આપ અને કૉંગ્રેસ) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલ્યો.

વિરષ્ઠ પત્રકાર પ્રમોદ જોશી કહે છે કે, "હરિયાણા ચૂંટણી દરમિયાન ઇન્ડિયા ગઠબંધન અંગે કૉંગ્રેસ અને આપમાં મતભેદ દેખાવા લાગ્યા હતા. સંજયસિંહનું નિવેદન તો ઔપચારિકતામાત્ર છે. અનૌપચારિક રીતે જોવામાં આવે તો આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી બાદથી જ ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર થઈ ગઈ હતી."

વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તાનું માનવું છે કે બંને વચ્ચે ક્યારેય સારા સંબંધ નહોતા, માત્ર ગઠબંધનના કારણે તેમણે એક સાથે આવવું પડ્યું.

સ્મિતા ગુપ્તા જણાવે છે કે, "આજે આપ જે રાજ્યોમાં મજબૂત છે, ત્યાં એક સમયે કૉંગ્રેસ સત્તામાં હતી. પછી ભલે એ દિલ્હી હોય કે પંજાબ. 2024ની લોકસભા ચૂંટણી બંનેએ એક સાથે લડી, પરંતુ કોઈ ફાયદો ન થયો. આમ આદમી પાર્ટી હાલ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે અને માત્ર પંજાબમાં જ તેની સરકાર છે. તે હાલ ક્ષેત્રીય રાજકારણ પર ધ્યાન આપવા માગે છ, ના કે રાષ્ટ્રીય રાજકારણ પર. જ્યારે ઇન્ડિયા ગઠબંધનનો ઉદ્દેશ રાષ્ટ્રીય રાજકારણ પર અસર કરવાનો છે."

વર્ષ 2027માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે અને ત્યાં તેમની સીધી સ્પર્ધા કૉંગ્રેસ સાથે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીએ ગયા મહિને પંજાબ અને ગુજરાતમાં બે મહત્ત્વપૂર્ણ બેઠકો પર પોતાના બળે પેટાચૂંટણી જીતીને એક રાજકીય મૅસેજ આપ્યો. પંજાબમાં આપે લુધિયાણા વેસ્ટ બેઠક જીતીને કૉંગ્રેસને હરાવી, જ્યારે ગુજરાતના વીસાવદરમાં તેમણે ભાજપને હરાવીને જીત નોંધાવી.

જાણકારોનું માનવું છે કે એકલા હાથે ચૂંટણી લડવાથી તેને પોતાની વોટબૅન્ક મજૂબત કરવામાં અને કૉંગ્રેસ-ભાજપ બંનેની સરખામણીએ ખુદને એક ભરોસાપાત્ર વિકલ્પ સ્વરૂપે રજૂ કરવામાં મદદ મળી છે.

ગઠબંધનના ભવિષ્ય અને વિપક્ષની એકતા પર અસર

બીબીસી ગુજરાતી, ગુજરાત, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, દિલ્હી, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર ઘણાં મહત્ત્વપૂર્ણ બિલો રજૂ કરવા અને તેને પસાર કરવાની યોજના બનાવી રહી છે.

જ્યારે વિપક્ષ એ દરમિયાન પહેલગામ હુમલાથી માંડીને બિહારમાં વોટર લિસ્ટ સંશોધન જેવા મુદ્દા ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ બોલતા રહ્યા છે અને વિપક્ષના બુલંદ અવાજો પૈકી એક મનાય છે. પરંતુ આપના ગઠબંધનથી અલગ થવાના આ પગલાથી શું વિપક્ષની એકતામાં ફાટ પડી શકે છે?

સ્મિતા ગુપ્તા કહે છે કે, "સંજયસિંહે કહ્યું છે કે સંસદમાં જે મુદ્દા ઉઠાવાશે, તેમાં તેઓ ટીએમસી અને ડીએમકેની સાથે છે, પરંતુ કૉંગ્રેસનો સાથ નથી આપવા માગતા. રાષ્ટ્રીય ફલક પર જોઈએ તો વિપક્ષની એકતા માટે આ સારું નથી થયું. વિપક્ષ એક થઈને ભાજપને હરાવી શકે છે. પછી ભલે એ સંસદની અંદર હોય કે ચૂંટણીમેદાનમાં. સૌથી મોટો પક્ષ હોવાને કારણે કૉંગ્રેસની એ જવાબદારી છે કે તેઓ દરેક પક્ષને સાથે લઈને ચાલે. રાષ્ટ્રીય સ્તરે આનો સૌથી વધુ લાભ કૉંગ્રેસને જ થશે.

આપ સાંસદ સંજયસિંહે ભારપૂર્વક કહ્યું કે તેમની પાર્ટી સંસદમાં ભાજપ સરકારની નીતિઓનો વિરોધ કરતી રહેશે."

સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં સંજયસિંહ જણાવે છે કે, "દિલ્હીમાં બુલડોઝર ચલાવાયું. યુપી-બિહારના લોકોનાં મકાન અને દુકાન તોડી પડાયાં. ઉત્તર પ્રદેશમાં પાંચ હજાર સ્કૂલ બંધ કરી દીધી. આ બધા મુદ્દા ઉઠાવીશું. આ સિવાય પ્લેન ક્રૅશ, ઑપરેશન સિંદૂર અને બિહારમાં એસઆઇઆર સાથે જોડાયેલા મુદ્દા પર સંસદમાં સવાલ પૂછીશું."

પ્રમોદ જોશીનું માનવું છે કે, "ઇન્ડિયા ગઠબંધન નામ માટે જરૂર છે, પરંતુ રાજ્યોમાં ગઠબંધનમાં ટકરાવ દેખાશે. બંગાળમાં મમતા બેનરજીએ ચૂંટણીલક્ષી રાજકારણમાં કૉંગ્રેસથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ ગઠબંધનમાં સામેલ છે. પંજાબમાં લોકસભા ચૂંટણી દરમિયાન આપ અને કૉંગ્રેસ સાથે ન આવી. ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં અખિલેશ યાદવ એકલા ચૂંટણી લડ્યા. કૉંગ્રેસ પાર્ટી ખુદને કેન્દ્રમાં રાખવા માગે છે, પરંતુ રાજ્યોમાં ગઠબંધનના નેતા કૉંગ્રેસના નેતૃત્વને સ્વીકાર ન કરી શકે. મને લાગે છે કે આ ગઠબંધન ધીરે ધીરે નબળું પડશે અને બાદમાં આગામી ચૂંટણી માટે નવાં સમીકરણ બનશે."

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતૃત્વવાળા મહાગઠબંધન અને ભાજપના નેતૃત્વવાળા એનડીએ વચ્ચે સીધી ટક્કર છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે એ બિહારની ચૂંટણી એકલા હાથે લડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન