સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સામેના સંઘર્ષમાં ભારતનાં લડાકુ વિમાન તોડી પાડવાં અંગે શું કહ્યું?

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ભારતીય સેના, ભારતીય આર્મી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત, સીડીએસ અનિલ ચૌહાણ, ભારતનાં લડાકુ વિમાન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાન સાથે આ મહિને (મે) થયેલા સંઘર્ષ દરમિયાન ભારતીય ફાઇટર પ્લેન તોડી પડાયાના સવાલનો જવાબ આપ્યો છે.

સીડીએસ જનરલ ચૌહાણે શનિવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં એ વાત પર ભાર મૂક્યો કે 'એવું જરૂરી નથી કે વિમાન તોડી પડાયું, જરૂરી એ છે કે આવું કેવી રીતે થયું.' જોકે, તેમણે પાકિસ્તાન તરફથી છ વિમાનને નુકસાન પહોંચાડાયાના દાવાને સદંતર ફગાવી પણ કરી દીધો.

સીડીએસે કહ્યું, "મને લાગે છે કે જે જરૂરી છે તે એ નથી કે જેટ તોડી પડાયાં, બલકે એ છે કે કેમ તોડી પડાયાં." પરંતુ સીડીએસે વિમાનોની સંખ્યા અંગે કોઈ જવાબ ન આપ્યો.

સીડીએસ અનિલ ચૌહાણ શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા માટે સિંગાપુરમાં છે અને તેમણે ત્યાં જ બ્લૂમબર્ગને આ ઇન્ટરવ્યૂ આપ્યો છે.

આ પહેલાં આ જ મહિનાની શરૂઆતમાં ત્રણેય સૈન્યના પ્રતિનિધિઓએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં ઍર માર્શલ ભારતીએ કહ્યું, "આપણે જંગની સ્થિતિમાં છીએ અને નુકસાન તેનો એક ભાગ છે."

પાકિસ્તાન વારંવાર એવો દાવો કરતું રહ્યું છે કે તેણે સંઘર્ષ દરમિયાન ભારતનાં એક કરતાં વધુ ફાઇટર વિમાન તોડી પાડ્યાં છે, પરંતુ ભારત આ દાવાને ફગાવતું આવ્યું છે.

જનરલ અનિલ ચૌહાણે બીજું શું કહ્યું?

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ભારતીય સેના, ભારતીય આર્મી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત, સીડીએસ અનિલ ચૌહાણ, ભારતનાં લડાકુ વિમાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સૈન્યના જવાનો સાથે મુલાકાત કરતા સીડીએસ અનિલ ચૌહાણ

સીડીએસ અનિલ ચૌહાણને એવું પુછાયું હતું કે આ મહિને પાકિસ્તા સાથે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્યસંઘર્ષમાં ભારતનું કોઈ ફાઇટર પ્લેન તોડી પડાયું હતું કે કેમ?

બ્લૂમબર્ગ ટીવીએ આ ઇન્ટરવ્યૂનો એક મિનિટ પાંચ સેકન્ડનો ભાગ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કર્યો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લૂમબર્ગ ટીવીનાં પત્રકારે અનિલ ચૌહાણને સવાલ કર્યો કે પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેનાનાં એક કરતાં વધુ વિમાનો તોડી પાડ્યાં હતાં, શું તેઓ આની પુષ્ટિ કરી શકે છે.

આનો જવાબ આપતાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "એ જરૂરી નથી કે જેટ તોડી પડાયું, જરૂરી વાત એ છે કે આવું કેમ થયું."

આ અંગે પત્રકારે તેમને ફરી એક વાર પૂછ્યું, "ઓછામાં ઓછું એક જેટ તોડી પડાયું હતું, શું આ વાત સાચી છે."

જનરલ અનિલ ચૌહાણે આના પર કહ્યું, "સારી વાત એ છે કે અમને અમારી ટેકનિકલ ભૂલોની ખબર પડી શકી, અમે તેને સુધારી અને ફરી તેના બે દિવસ બાદ તેને ફરી લાગુ કર્યું. એ બાદ અમે અમારાં બધાં જેટ ઉડાવ્યાં અને લાંબા અંતરનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં."

પત્રકારે ફરી એક વાર કહ્યું, "પાકિસ્તાનનો એવો દાવો છે કે ભારતનાં છ ફાઇટર પ્લેન તોડી પાડવામાં એ સફળ રહ્યું હતું, શું તેનું આ આકલન સાચું છે?"

આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "આ બિલકુલ ખોટું છે. પણ જેમ કે મેં કહ્યું, આ જાણકારી બિલકુલ મહત્ત્વપૂર્ણ નથી. જે મહત્ત્વપૂર્ણ છે તે એ છે કે જેટ કેમ પડ્યાં અને એ બાદ અમે શું કર્યું. એ અમારા માટે વધુ જરૂરી છે."

આ પહેલાં સૈન્યે શું કહ્યું હતું?

7 મેના રોજ પાકિસ્તાની સૈન્યે પણ દાવો કર્યો હતો કે તેણે ભારતના હુમલાનો બદલો લેતાં ભારતનાં પાંચ ફાઇટર પ્લેન તોડી પાડ્યાં છે.

બાદમાં પાકિસ્તાનથી વડા પ્રધાન શહબાઝ શરીફે દાવો કર્યો કે પાકિસ્તાન વાયુસેનાએ છ ભારતીય વિમાનોને પાડ્યાં છે, જેમાં કેટલાંક ફ્રાન્સમાં નિર્મિત રાફેલ વિમાન પણ સામેલ છે.

સમાચાર એજન્સી રૉયટર્સના શૅર કરાયેલા વીડિયોમાં પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું, "અત્યાર સુધી, હું પુષ્ટિ કરી શકું છું કે પાંચ ભારતીય વિમાન - જેમાં ત્રણ રાફેલ, એક એસયુ-30 અને એક મિગ-29 સામેલ છે - અને એક હેરૉન ડ્રૉન તોડી પડાયાં છે."

આ દાવાનો ભારત તરફથી કોઈ જવાબ નહોતો અપાયો. જોકે, 11 મેના રોજ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષ વિશે ત્રણેય સેનાના ટોચના અધિકારીઓ- ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ઍરફોર્સ તરફથી ડીજીએઓ (ઍર ઑપરેશન્સ) ઍર માર્શલ એકે ભારતી અને નૌસૈનાના ડીજીએનઓ (નેવલ ઑપરેશન્સ) વાઇસ ઍડમિરલ એએન પ્રમોદ અને મેજર જનરલ એસએસ શારદાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને 'ઑપરેશન સિંદૂર' અંગે જાણકારી આપી હતી.

આ દરમિયાન રાફેલ તોડી પાડ્યાના પાકિસ્તાનના દાવા સાથે જોડાયેલા સવાલ અંગે ઍર માર્શલ એકે ભારતીએ કહ્યું, "આપણે કૉમ્બેટની સ્થિતિમાં છીએ અને નુકસાન એનો એક ભાગ છે. તમારે જે પ્રશ્ન પૂછવો જોઈએ એ એ છે કે શું આપણે આપણાં લક્ષ્યો હાંસલ કરી લીધાં છે? શું આપણે આતંકવાદી શિબિરોને નષ્ટ કરવાનો પોતાનો ઉદ્દેશ હાંસલ કરી લીધો છે? અને આનો જવાબ હા છે."

તેમણે કહ્યું હતું, "હું માત્ર એટલું કહી શકું છે કે અમે અમારા નક્કી કરેલા ઉદ્દેશો હાંસલ કરી લીધા છે અને આપણા તમામ પાઇલટ ઘરે પરત ફર્યા છે."

ભારતમાં પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ભારતીય સેના, ભારતીય આર્મી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત, સીડીએસ અનિલ ચૌહાણ, ભારતનાં લડાકુ વિમાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષમાં ફાઇટર પ્લેનોને થયેલા નુકસાન વિશે વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે પણ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો.

કૉંગ્રેસનું કહેવું છે કે સરકારે ભારત-પાકિસ્તાન સંઘર્ષની સમીક્ષા માટે એક રિવ્યૂ કમિટી ઘડવી જોઈએ, જે સમગ્ર મામલા પર એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 17 મેના રોજ ઍક્સ પર એક પોસ્ટમાં વિદેશમંત્રી એસ જયશંકરને સવાલ કર્યો હતો કે ભારતે પોતાનાં કેટલાં વિમાન ગુમાવ્યાં?

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો થયો, જેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતે આના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. ભારતના આ આરોપો પાકિસ્તાને સદંતર ફગાવી દીધા હતા.

આ હુમલાના જવાબ તરીકે 6-7 મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર કુલ નવ ઠેકાણાં પર હુમલા કર્યા. 7 મેની સાંજે એક પ્રેસ બ્રીફિંગમાં સૈન્યે આની જાણકારી આપી.

ભારતીય સૈન્યનાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતનાં સશસ્ત્ર દળોએ 6-7 મે 2025ની રાત્રે એક વાગ્યાને પાંચ મિનિટ દોઢ વાગ્યાની વચ્ચે 'ઑપરેશન સિંદૂર' ચલાવ્યું, જેમાં નવ આતંકવાદી શિબિરોને ટાર્ગેટ કરાયા અને તેને સંપૂર્ણપણ નષ્ટ કરી દેવાયા.

વિપક્ષની માગ

ભારત-પાકિસ્તાન સંઘર્ષ, ભારતીય સેના, ભારતીય આર્મી, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત, સીડીએસ અનિલ ચૌહાણ, ભારતનાં લડાકુ વિમાન

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે બ્લૂમબર્ગ ટીવીને આપેલા સીડીએસ જનરલ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યૂના ભાગનો આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર શૅર કર્યો છે.

સાથે જ તેમણે લખ્યું છે કે 29 જુલાઈ, 1999ના રોજ તત્કાલીન વાજપેયી સરકારે હાલના વિદેશમંત્રી એસ જયશંકરના પિતા અને વ્યૂહરચનાત્મક મામલાના જાણકાર કે સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં કારગિલ રિવ્યૂ કમિટી બનાવી હતી.

તેમણે લખ્યું, "કારગિલ યુદ્ધ ખતમ થયાના ત્રણ દિવસ બાદ આ કમિટી રચાઈ હતી અને તેણે પાંચ મહિનામાં પોતાનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. જરૂરી સંશોધનો બાદ આ રિપોર્ટ 'ફ્રૉમ સરપ્રાઇઝ ટુ રેકનિંગ'ને સંસદનાં બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવી હતી."

આ બાદ તેમણે એવો સવાલ કર્યો કે શું સિંગાપુરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ દ્વારા અપાયેલી જાણકારી બાદ મોદી સરકાર હવે આવું કોઈ પગલું લેશે?

બીજી તરફ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનાં સોશિયલ મીડિયા પર લખ્યું કે મોદી સરકારે દેશને ગેરમાર્ગે દોર્યો હતો, પરંતુ હવે ધુમ્મસ હઠી રહ્યું છે. તેમણે સંસદનું વિશેષ સત્ર બોલાવાય એવી માગ પણ કરી છે.

સાથે જ કૉંગ્રેસ અધ્યક્ષે લખ્યું છે કે કૉંગ્રેસ એવી માગ કરે છે કે કારગિલ સમીક્ષા સમિતિની માફક એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિ દેશના રક્ષણ માટેની તૈયારીઓની સમીક્ષા કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન